Sunday, 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શબરીમાલા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શબરીમાલા!
ભવેન કચ્છી

 


શબરીમાલા : કોર્ટના દરવાજા... મંદિરના દરવાજા ,ભગવાન અયપ્પા અને દેવીના પરસ્પર વચન, કેરળના ભક્તોની શ્રદ્ધા અને મહિલા સશક્તિકરણની મોસમ...

 

સબરીમાલા : કેરાલાના પથાનામીથ્રા જિલ્લાના પેરિયાર ટાઈગર રીઝર્વમાં ૧૮ પર્વત માળામાં આવેલ યાત્રાસ્થળ છે. આમ તો પ્રત્યેક પર્વત અને નાની-મોટી ટેકરીઓ મંદિર કે દેરી ધરાવે છે પણ ભગવાન અયપ્પાનું મંદિર સૌથી વિશેષ મહત્ત્વ ધરાવે છે જે  સબરીમાલા તરીકે જગવિખ્યાત છે.

 

વર્ષે ૨ કરોડ યાત્રાળુઓ : સબરીમાલામા તિરૃપતિ અને મક્કાની જેમ વર્ષે દોઢથી બે કરોડ યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.

 

હજારો વર્ષનું પ્રાચીન મંદિર : સબરીમાલા અગાઉ જણાવ્યું તેમ ગાઢ જંગલ, વિકટ પર્વતમાળા અને અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. હજારો વર્ષ જૂના પ્રાચીન મંદિરે છેક ૧૨મી સદી સુધી કોઈ પહોંચી શક્યું નહતું.

 

૧૨મી સદીમાં પંડાલમ રાજાના વંશજોનું શાસન હતુ ત્યારે રાજકુમાર મનીકંદને સબરીમાલા મંદિર સુધી મોતનો મુકાબલો કરતી યાત્રા કરી પુરાણોમાં ઉલ્લેખ છે તે અયપ્પાનું મંદિર શોધી કાઢ્યું ત્યાં દર્શન કરી ધન્યતા અનુભવી અને ત્યાં જ વર્ષો સુધી તપશ્ચર્યા કરી ભગવાન અયપ્પાને પ્રસન્ન કર્યા. તેમનામાં જાણે ભગવાન અયપ્પા સમાઈ ગયા અને રાજકુમાર આજે પણ અયપ્પાના અવતાર તરીકે પૂજાય છે. અયપ્પાનું પ્રાચીન મંદિર દરિયાઈ સપાટીથી ૧૫૭૪ ફુટની ઉંચાઈએ આવ્યું છે.

 

યાત્રા અને તેના કઠીન નિયમો : સબરીમાલાની યાત્રાનો શ્રધ્ધાળુ તારીખ નક્કી કરે તેના ૪૧ દિવસ પૂર્વેથી તેણે કઠીન આહાર વિહાર, વર્તન અને વિચારના નિયમો પાળવા પડે છે. જેમ કે ૪૧ દિવસ અને છેક દર્શન કરવા સુધીના દિવસોમાં માસાહાર, કોઈપણ પ્રકારનું વ્યસન ત્યજી દેવાનું રહે છે. મન-વિચાર કે કર્મથી પણ કોઇના વિશે બુરૃ વિચારવાનું નહીં અને તમામને ભગવાન અયપ્પા તરીકે જ જોવાના. બ્રહ્મચર્યનું ભારે કડકાઈથી આ દિવસો પાલન કરવાનું  રહે છે.

 

યાત્રાથી પરત આવ્યા સુધી નખ કે વાળ કાપવાના નથીહોતા. યાત્રા દરમ્યાન ગળામાં તુલસી કે રૃદ્રાક્ષની માળા, કપાળે ભભૂતિ કે ચંદન લગાવવાનું રહે છે. કાળી કે ભુરા રંગની ધોતી પહેરવાની અને શરીરના ઉપરના ભાગમાં કોઈ વસ્ત્ર નથી પહેરવાનું હોતું. કુલ ૬૧થી ૬૫ કિલોમીટરની પગપાળા યાત્રા થતી હોય છે. હવે ઘણા યાત્રાળુઓ અમુક શક્ય માર્ગ સુધી કારમાં જઇને યાત્રા સંપન્ન કરતા હોય છે.

 

મુખ્ય મંદિરનો સમય : સબરીમાલાનું મુખ્ય મંદિર પૂજા માટે વર્ષમાં ૧૫ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર, ઉત્તરાયણ અને મહા વિષ્ણુ સંક્રાંતિ (૧૪ એપ્રિલ)ના દિવસે ખુલતુ હોય છે. ત્રાવણકોર દેવાસ્વામી બોર્ડ આ યાત્રાધામનો વહીવટ કરે છે.

 

ભગવાન અયપ્પાનું વચન : સબરીમાલામાં ૧૦ વર્ષથી નચેની અને ૫૦ વર્ષથી વધુ વયની મહિલાને જ અત્યાર સુધી પ્રવેશ અપાતો નોહતો. તેની પાછળનો આ પ્રસંગ કારણભૂત છે.

 

દેવી મલ્લિકાપ્પુરૃથામ્મા ભગવાન અયપ્પાનના સામર્થ્ય, તેજ અને પૂર્ણ પુરૃષોત્તમ સમાન વ્યક્તિત્વથી ભારે મોહિત થયા હતા. તેમાં પ્રગાઢ પ્રેમ પણ ઉમેરાયો. તેમણે ભગવાન અયપ્પાને તેની જોડે લગ્ન કરવાની જીદ્દ પકડી. તેનો વિરહ એકપળ પણ જીરવી નહીં શકે તેમ કાકલુદી કરી હતી.

 

ત્યારે ભગવાન અયપ્પાએ દેવીને સમજાવ્યા કે તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞાા લીધી છે. હંવ તારી જોડે લગ્નગ્રંથીથી નહીં જોડાઈ શકું. ભગવાન અયપ્પા દેવીનો અદ્વિતીય ચરમસીમાનો પ્રેમ પામી શક્યા હતા. તેમણે અનુકંપાવશ દેવીને વચન આપ્યું કે 'હા, જો એવાં એકપણ દિવસ આવશે કે જ્યારે સબરીમાલામાં મારા દર્શનાર્થે એકપણ નવો યાત્રાળુ નહીં આવે તે દિવસે હું તારી જોડે લગ્ન કરીશ અને ત્યાં સુધી ૧૦ વર્ષથી નાની વયની કોઈ બાલિકા કે ૫૦ વર્ષથી નીચેની વયની મહિલાની સામે નજર સુધ્ધા નહીં માડું.

 

ભગવાન અયપ્પાએ બ્રહ્મચારી રહીને પણ દેવી મલ્લિકાપ્પુરાથામ્પાના પ્રેમને વધુ પવિત્રતાનો કોલ આપતા વધાવી લીધો.

 

ભગવાન અયપ્પાની સાથે દેવી પણ અમર થઇ ગયા. ભગવાન અયપ્પાના મંદિરની ડાબી બાજુ દેવીનું મંદિર તેમની યાદ અને પ્રતિક્ષામાં આદર સાથે ખડુ છે. યાત્રાળુઓ દેવી મંદિરના દર્શન કરે તે પછી જ ભગવાન અયપ્પાના મંદિરે દર્શન કરવા જાય છે.

 

આમ એવી માન્યતા છે કે રજસ્વલાને દર્શન કરવાનો બાધ છે પણ કારણ એ નથી કેમ કે ૧૦ની વય અગાઉ કે ૫૦ વર્ષની વય પછી પણ મહિલાને માસિક સ્ત્રાવનો પીરીયડ આવી જ શકે છે.

 

આ દેવીનું મંદિર ભગવાન અયપ્પાની નજીક એટલા માટે પણ હોવાનું મનાય છે કે આજે પણ દેવી ઇંતેજાર કરે છે કે ક્યારે સબરીમાલામાં એવો દિવસ આવે કે જ્યારે એક પણ નવો યાત્રી ના હાજર હોય જેથી તે ભગવાન અયપ્પાને લગ્ન માટેની શરત યાદ કરાવે.

 

મહીલા પર પ્રવેશની પાબંદી : ખરેખર પુરાણમાં એવો ક્યાંય નિર્દેશ નથી કરાયો કે સબરીમાલામાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે. મંદિરના વહીવટદારો, પૂજારીઓ અને મહિલાઓ પોતે જ એવું માને છે કે ભગવાન અયપ્પા વિજાતીયની સામે નજર સુદ્ધા ન પડે તેમ દેવીને આપેલા વચન આપણે તોડવું ના જોઈએ.

 

કેરળમાં ભગવાન અયપ્પા માટેની શ્રદ્ધા તેના માટે તેઓ જીવસટોસટની બાજી ખેલી નાખે તેવી છે. કેરળની મહિલાઓ સ્વયંભૂ જ ભગવાન અયપ્પાની ઇચ્છાને સર આંખો પર ચઢાવીને દર્શન કરવા જતી નથી.

 

તમે જોઈ શકો છો કે, કેરળની અયપ્પા અને દેવી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતી મહિલાઓ જ સુપ્રીમ કોર્ટના હુકમ છતાં જે એક્ટિવિસ્ટ જેવી મહિલાઓને દર્શન કરવા જતા અટકાવે છે. કેરળના પુરુષો કહે છે કે, સવાલ મહિલાઓને દર્શનના હક્કથી વંચિત રાખવાનો નથી પણ ભગવાન અયપ્પાની અને દેવીની પરસ્પરની સમજૂતીનું પાલન કરવાનો છે.

 

બુદ્ધિજીવીઓની સબરીમાલાની પરંપરા વિરુદ્ધની દલીલ : શું કોઈ પણ ભગવાન સ્ત્રી તેનું બ્રહ્મચર્ય જ તોડી નાખશે તેવો ડર રાખી શકે ખરા ? પત્ની સિવાયની સ્ત્રી ભગવાન માટે માતા, પુત્રી કે ભગિની ના હોય ? તેનાથી પણ આગળ વેદ- પુરાણો અને ઉપનિષદોમાં તો ખરેખર પરમ જ્ઞાાનદ્રષ્ટિ એ છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ જ ભેદ નથી.

 

જગતમાં ચેતનમાં જડ સ્વરૃપની અને જડમાં ચેતન જેવી સૂક્ષ્મ દ્રષ્ટિના ભગવાન સ્વામી હોય છે. જે મહિલાઓ પણ ભગવાન દર્શન કરવાની નેમ ધરાવે છે તેઓની દ્રષ્ટિમાં વિકારનો થોડો હોય. મહિલાઓ સહિત આપણે તમામ તો ભગવાનને પરમ પિતા તરીકે જોતા હોય છે. રહી વાત માસિક સ્ત્રાવની તો મહિલાને આપેલી તે ઇશ્વરીય દેન જ છે. આલોક- પરલોકના અવતાર, યુગપુરુષો, સંતો, વિદ્વાનો માતાઓની જન્મદાત્રી આ રજસ્વલાની ઇશ્વરીય સિસ્ટમને આભારી છે.

 

આપણે ત્યાં મહિલાઓને આમ છતાં પીરિયડમાં હોય ત્યારે સ્વયં પરંપરા જાળવવા ખાસ તર્ક- દલીલ કર્યા વગર ધર્મસ્થાનો, મંદિર કે યાત્રા સ્થળો, યજ્ઞા- પૂજાવિધિમાં નથી જ બેસતી તેમાં કોઈ પુરુષપ્રધાન સમાજનો ડર કે સજા નથી માત્ર પરંપરાને પાળે છે. એક થિયરી એવી છે કે વર્ષો પહેલા જંગલ અને પર્વતો વચ્ચે આવેલી આ યાત્રાસ્થળના યાત્રાળુઓ પર વાઘ હુમલા કરતા હતા. તે વખતે મહિલાઓ યાત્રામાં જોડાઈ શકતી હતી. ૪૧ દિવસની કઠિન યાત્રા દરમ્યાન મહિલાઓ માસિક સ્ત્રાવનો સમયગાળો આવે જ. વાઘને માણસના લોહીની ગંધ દૂરથી ખેંચી લાવી શકે છે.

 

વાઘના હુમલાની ઘટના વધતા મહિલાઓ સ્વયં આવતી બંધ થઈ. જો કે હવે આ માર્ગમાં વાઘનો કોઈ રંજાડ નથી આમ છતાં શાપ ન લાગે કે ભગવાન અયપ્પાને નારાજ ન કરાય તેવી શ્રદ્ધાથી મહિલાઓને સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી છે છતાં તે માત્રમાં પ્રતિસાદ નહી મળે.

 

યાત્રામાં રાજ્ય બહારના કે રાજ્યના જ પણ અન્ય ભગવાન કે ધર્મમાં માનનારાઓ આ પ્રકરણને રાજકીય તનાવ સર્જવાનું પ્લેટફોર્મ બનાવી ચૂક્યા હોઈ તેઓ સબરીમાલાના શ્રદ્ધાળુ તરીકે જવા દલીલબાજી કરતા હોય તેવુ જોવા મળ્યું છે. આવા તત્ત્વોને  ભગવાન અયપ્પા અને દેવીની ભક્ત મહિલાઓ અને પુરુષો અટકાવે છે અને વાતાવરણ અજંપાભર્યું છતાં હિંસક બન્યું છે.

 

કોર્ટે ચંચૂપાત કરાય? :

ખરેખર કોર્ટે આવા ધાર્મિક શ્રદ્ધા, પરંપરા કે વેદો- ઉપનિષદો, પુરાણ, ભાગવત્ ગીતા અને રામાયણ કે અન્ય ધર્મોની પૂજા- બંદગી વિધિમાં ચંચૂપાત કરવાની જરૃર શું છે ? ભારતમાં અને તેમાં પણ હિન્દુ ધર્મની લગ્ન પ્રથામાં પતિ- પત્ની, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના વચનથી અરસપરસ વફાદારી, પતિ અને પત્ની વ્રતાથી બંધાયેલા છે.

 

સુપ્રીમ કોર્ટે પત્નીને મહિલા અને પતિને પુરુષ ગણાવી તેઓ ઇચ્છે તેવા બીજા પાત્ર કે પાત્રો જોડે સંમતીથી સેક્સ સંબંધ બંાધી શકે તેવો ચુકાદો આપ્યો તે તેના દાયરામાં નથી આવતું તેવી સુપ્રીમ કોર્ટની ટીકા થઈ છે. હવે સબરીમાલામાં ધાર્મિક લાગણી, પરંપરાનો મધપૂડો છેડી મહિલા પ્રવેશના હક્કો બતાવ્યા છે આ કેસને મહિલા સમાનતા હક્ક સાથે કોઈ લેવાદેવા નથી.

 

કાલે સવારે કોઈ જાહેર હિતની અરજી કરીને મંદિરમાં ચંપલ પહેરીને દર્શન કરવાની પરવાનગી કે મૂર્તિ પર ફૂલ ચઢાવવાનો કે પ્રસાદ ધરાવવાનો પ્રતિબંધ માગી શકે. કોઈ બદી સામે જાગૃતિ અભિયાન જરૃર છેડી શકાય પણ કોર્ટે જે તે બંધારણ, ટ્રસ્ટ કે ખાનગી એકમના નિયમોને ફગાવી ચૂકાદામાં દરમ્યાનગિરી ન કરવી જોઈએ તેવી નાગરિકોમાં લાગણી પ્રવર્તે છે. કોઈ મુદ્દો કે સમસ્યા યોગ્ય કે અયોગ્ય છે તેની ચર્ચા થઈ જ શકે પણ મનસ્વી ચૂકાદા દેશની સંસ્કૃતિ, સભ્યતા અને પરંપરાના હાર્દ પર ફટકો પહોંચાડી શકે છે.

 

પુરુષોના પ્રવેશ પર નિષેધ : દેશમાં એવા મંદિરો પણ છે કે જ્યાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. કન્યાકુમારીમાં ભગવતી માનું આવું જ મંદિર છે જ્યાં ૩૦ લાખ મહિલાઓએ ઓનમનો તહેવાર ઉજવ્યો હતો.

 

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ આ મંદિરમાં પુરુષોને સ્થાન નથી. કેરાલાના જ ચક્કુલાથુકાયુ મંદિર, પુષ્કરના બ્રહ્મા મંદિરમાં પરણિત પુરુષ પ્રવેશી નથી શકતા. બિહારના મુઝફ્ફરપુરમાં માતા એક મંદિરમાં અમુક મહિના પુરુષને પ્રવેશ નથી આપવામાં આવતો. ત્ર્યંબકેશ્વર મંદિર, નાસિકના ગર્ભગૃહમાં પુરુષ કે મહિલા બંનેને પ્રવશવા નથી દેવાતા.

 

આસામના કામરૃપ કામાખ્યા મંદિરમાં આવેલ સતી માતાજી મંદિરમાં રજસ્વલા મહિલાઓને એટલા માટે પ્રવેશ આપવામાં આવે છે કે મા સતીના રજસ્વલા વાઘા પવિત્ર મનાય છે. અહીં પૂજારી તરીકેની સેવા પણ મહિલા આપે છે.

 

એકંદરે એવું કહી શકાય કે આપણામાંના મોટા ભાગના અમુક પરંપરાનું પાલન નહીં કરીએ અને તો દેવ કે દેવી નારાજ થશે તે ધોરણે આમાન્યા જાળવવા પ્રયત્ન કરીએ છીએ.

 

કેરળની મહિલાઓ જ ભગવાન અયપ્પાના મંદિરે દર્શન કરવા જવા નથી માંગતી હા, આગળ જતા નવી પેઢી કઈ દ્રષ્ટિથી શ્રદ્ધાને મૂલવે છે તેના પર આધાર છે.

 

સબરીમાલામાં પૂજારીઓ અને પ્રખર ભક્તો જ મહિલાઓને વિનવે છે કે મહેરબાની કરી ભગવાન અયપ્પા અને દેવીના પ્રેમ વચનમાં બાધારૃપ ના બનો સુપ્રીમ કોર્ટે પરંપરા અને સંસ્કૃતિને ડહોળવાની જાહેર અરજી ઉપર ચુકાદો આપતા બે વખત વિચારવું રહ્યું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuBi4YpbKu3_oMtVZYPU8F%3DE333tX5ejLznjd1qf_m_AA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment