Monday, 29 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દીપવીર નામ મળ્યું અને લગ્નનો માર્ગ મોકળો થયો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દીપવીર નામ મળ્યું અને લગ્નનો માર્ગ મોકળો થયો -- દીપિકા રણવીર!
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા

ઘણા લોકોને અમારી આ વાતનું આશ્ર્ચર્ય થાય છે. સિક્રેટ ડાયરી તો વ્યક્તિની અંગત, પર્સનલ ડાયરી હોય. કોઇ બે જણાની સંયુક્ત સિક્રેટ ડાયરી કઇ રીતે હોઇ શકે? આવું વિચારનારા અમારી જિંદગી અને અમારી લાઇફસ્ટાઇલથી અજાણ છે એટલે આવું વિચારે છે. હકીકત એ છે કે અમારા બંનેની જિંદગી ખુલ્લી કિતાબ જેવી છે એટલે અમારી સિક્રેટ ડાયરી પણ ખુલ્લી કિતાબ જ છે.

કેટલાક લોકોના મનમાં એ વાતની પણ ઉત્સુકતા છે કે આ સંયુક્ત સિક્રેટ અમે લખીએ છીએ કેવી રીતે? ડાયરી અમારા બેમાંથી કોણ લખે છે? આ કોઇ મોટી સમસ્યા નથી. અમારા બેડરૂમમાં અમે આ સિક્રેટ ડાયરી રાખી છે અને બેમાંથી જેને જ્યારે કંઇક લખવાનું મન થાય ત્યારે એ એમાં લખવા માંડે છે. આથી આમાં અમારા બંનેની રેન્ડમ એન્ટ્રી લખાયેલી હોય છે.

દીપિકા

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાના સેટ્સ પર રણવીર સાથે મુલાકાત થઇ. પહેલી જ નજરમાં એ મને ગમી ગયો. એમ તો ઘણા પુરુષો મને પહેલી અથવા બીજી અથવા ત્રીજી નજરમાં ગમી જતાં હોય છે. રણવીર બહુ ભલો માણસ હોય એવું લાગે છે. મને જોકે દરેક પ્રકારના પુરુષો ગમે છે, પરંતુ ભલા માણસો જરા વધુ ગમે છે. વિજય માલ્યાનો સુપુત્ર ભલો નહોતો અને રણબીર કપૂર પણ ભલો નહોતો. આ રણવીર સંબંધ નિભાવે એવો લાગે છે. જોઇએ. અત્યારે તો અમે એકબીજાને ગમ્યા છીએ. જોઇએ આગળ શું થાય છે. 

રણવીર

એક નાના કલાકારમાંથી હું અચાનક મોટો સ્ટાર બની રહ્યો છું. સંજય લીલા ભણસાલીએ રામલીલા ફિલ્મમાં મને લીડ રોલ આપીને ઇન્ડસ્ટ્રીમાં મારી વેલ્યૂ વધારી દીધી છે. મને તો લોટરી લાગી હોય એવું લાગે છે, કારણ કે ફિલ્મની સાથોસાથ હીરોઇન દીપિકા પણ મારા હાથમાં આવી ગઇ હોય એવું લાગે છે. સેટ્સ પર અમે પહેલી વાર મળ્યા ત્યારે જ અમે એકબીજાના પ્રેમમાં પડી ગયા હોય એવું લાગ્યું. કોઇ કહે છે કે દીપિકાનો ચહેરો હસમુખો છે એટલે એ બધા સામે હસતી હોય એવું લાગે, પરંતુ મેં તો એને પૂછીને ખાતરી કરી લીધી હતી. મેં એને પૂછ્યું કે તું મારી સામે જ હસે છે ને? તો દીપિકાએ હા પાડી.

દીપિકા

સંજય લીલા ભણસાલીની ફિલ્મ હોય એટલે હિટ જવાની શક્યતા વધુ હોય અને રામલીલા પણ હિટ ગઇ છે. આ સમાચાર મને રણવીરે આપ્યા, કારણ ફિલ્મ રિલીઝ થઇ એ દિવસે રણવીર શહેરનાં વિવિધ થિયેટરો તરફ રખડવા ગયો હતો. હું તો ઓલરેડી સ્ટાર હતી જ, પણ રણવીર માટે આ ફિલ્મ બહુ મહત્ત્વની હતી. એની કરીઅરનો આધાર આ ફિલ્મની સફળતા કે નિષ્ફળતા પર હતો. રણવીરે મને ફોન કરીને જાણ કરી કે આપણી ફિલ્મ હિટ છે. મેં કહ્યું કે તો આપણી જોડી પણ હિટ. પછી તો અમારા બંનેની કરીઅર સડસડાટ ચાલી. 

રણવીર

સંજય લીલા ભણસાલી મારા ભગવાન છે. રામલીલા હિટ ગઇ એ પછી મને કેટલીક ફિલ્મો મળવા માંડી. સંજય લીલા ભણસાલીએ મને બાજીરાવ મસ્તાની પણ આપી. આ ફિલ્મે તો ખરેખર મારી કરીઅરનો ગ્રાફ બદલી નાખ્યો. હું તો માનવા લાગ્યો છું કે ભણસાલી સર અને દીપિકાને કારણે જ મારી કરીઅર ઊંચકાઇ છે. આ બંને મારા માટે શુકનવંતા છે. ભણસાલી સરનો મેં ખૂબ ખૂબ આભાર માન્યો, એમના પગમાં પડ્યો. એમની સાથે બીજું તો કંઇ કરી શકાય નહીં. દીપિકા સાથે મેં લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. દીપિકા એકદમ કોઓપરેટિવ છે. મોટે ભાગે એ કોઇને, ક્યારેય, કોઇ વાતની ના નથી પાડતી. લગ્ન માટે મેં એને પૂછ્યું તો એણે મનેય ના ન પાડી. આ રીતે શાદી પક્કી થઇ ગઇ.

દીપિકા

રણવીર સાથે ઘણા લાંબા સમયથી અફેર ચાલી રહ્યું છે. હવે અંદરથી એવી ઇચ્છા થઇ રહી છે કે સેટલ થઇ જવું જોઇએ. રણવીર સાથેના અફેરની જાણ ઇન્ડસ્ટ્રીમાં બધાને છે. હવે સૌ લગ્નની જાહેરાતની જ રાહ જોઇ રહ્યા છે. હું આ વિશે વિચારી રહી હતી ત્યાં જ રણવીરે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મેં કહ્યું કે કુંડળીઓ મેળવવી પડશે. રણવીર સહમત થયો. કુંડળી મળી ગઇ. મેં કહ્યું કે આપણા બંનેના નામનું એક ટૂંકું સંયુક્ત નામ મળવું જોઇએ. રણવીરને સમજાયું નહીં એટલે મેં એને વિગતવાર સમજાવતાં કહ્યું કે કે જેમ એન્જેલિના જોલી અને બ્રેડ પિટનું અફેર ચાલતું હતું અને બંનેના લગ્ન થયા ત્યારે એ બંને માટેનું એક કોમન નામ 'બ્રેન્જેલિના' પ્રચલિત થયું હતું, જેથી મીડિયાને એ બંને વિશેના ન્યુઝ કવર કરવામાં સરળતા રહે. આ જ રીતે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માટે પણ કોમન ટૂંકું નામ શોધી કાઢવામાં આવ્યું હતું. વિરુષ્કા. જ્યાં સુધી આવું નામ ન મળે ત્યાં સુધી અફેર વિશે લખવાની ફિલ્મ રિપોર્ટરોને ફાવતું નથી. રણવીરને મેં સમજાવ્યો કે આપણા લગ્ન થાય એ પહેલા આવું કોઇ નામ શોધવાનું અત્યન્ત આવશ્યક છે. એ રાત્રે અમે મોડે સુધી જાગ્યા અને અમારું સંયુક્ત ટુંકું નામ શોધી કાઢ્યું. દીપવીર. બીજા દિવસે એક ન્યુઝ ચેનલના રિપોર્ટરને આ નામ અમે જણાવ્યું અને બસ. ત્યારથી દીપવીર નામ ચારેતરફ જોરજોરથી ગાજવા લાગ્યું. અમારા માટે લગ્નનો માર્ગ મોકળો થઇ ગયો.

રણવીર

લગ્નનું બધું નક્કી થઇ ગયું છે. લગ્નમાં પંજાબી વિધિ થશે અને દક્ષિણની વિધિ થશે. લગ્ન ઇટાલીમાં અને એક રિસેપ્શન મુંબઇમાં. લગ્નમાં અમારા ગોડફાધર ભણસાલી સર અને બીજા કેટલાક ચુનંદા મિત્રો હાજર રહેશે. રિસેપ્શનમાં આખું ગામ આવશે. લગ્નની ધમાલ થઇ રહી છે, પણ એક્સાઇટમેન્ટ હવે ઓછું થતું જાય છે. હવે કોઇ નવું તત્ત્વ રહ્યું નથી લગ્નના પ્રસંગ માટે. આ વિશે મેં દીપિકાને વાત કરી. મેં કહ્યું કે બધુ રૂટિન પ્રમાણે બની રહ્યું છે. થોડું બોરિંગ પણ લાગી રહ્યું છે. તો દીપિકાએ ઉત્સાહપૂર્વક કહ્યું કે આપણે બહુ એક્સાઇટેડ ન હોઇએ તો પણ જાહેરમાં ઉત્સાહ અને ઉલ્લાસ દેખાડવા જ પડે. નહીંતર મીડિયા કરશે શું? મીડિયાનો ઉત્સાહ ભાંગશે તો આખા દેશનો મૂડ ઓફ્ફ થઇ જશે. હું દીપિકાની વાત સાથે સહમત થયો અને અમે બંનેએ ચહેરા પર મોટું સ્મિત ફરકાવ્યું. 

દીપિકા

રણવીરે ગઇકાલે કહ્યું કે લગ્નની બાબતે હવે કોઇ ખાસ ઉત્સાહ કે એક્સાઇટમેન્ટ નથી રહ્યું. એની વાત મને આમ તો સાચી લાગી. બધુ રૂટિન પ્રમાણે બની રહ્યું છે. હું થોડી નિરાશા અનુભવી રહી હતી ત્યાં જ મને એક વિચાર આવ્યો અને હું ઉત્તેજીત થઇ ગઇ. રણવીરને મેં કહ્યું કે આપણું તો બધું પૂરું થવા આવ્યું, પણ આપણું આવનારું બાળક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપર સ્ટાર બનશે એ વાતનું એક્સાઇટમેન્ટ આપણે અનુભવી શકીએ. રણવીર ઉત્સાહથી કૂદી પડ્યો અને બોલ્યો, હા. કરણ જોહર નવી ફિલ્મ બનાવીને આપણા બાળકને લોંચ કરશે. મેં કહ્યું કે આપણા બાળકની સામે તૈમૂર કમ્પિટિશનમાં હશે, પણ ભણસાલી સર આપણા કેમ્પમાં હશે તો આપણા બાળકને એક પછી એક હિટ ફિલ્મો મળતી રહેશે. આવનાર બાળકના સુપરસ્ટારના સ્ટેટસ વિશે વિચારીને અમે અનોખો ઉત્સાહ અનુભવ્યો. હવે બોરિંગ લગ્નની રાહ જોઇ રહ્યા છીએ.

 


(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot3JRw%2BLNmBmOW%3DXgAABhev2LqkRPLnyxuVPXVz1WQsOA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment