વરસાદ ભરપુર વરસ્યો. આષાઢની અધુરાશ શ્રાવણે પુરી કરી દીધી. બે મહીનામાં ધરતીના રંગ બદલી ગયા. વગડો લીલોછમ્મ થઈ ગયો. ખીજડા જંગલી વેલાઓથી ઘેરાઈ ગયા. સડકની બેય બાજુએ ખોદાયેલ ખાડાઓમાં ભરાયેલું પાણી આછરી ગયું હતું. વવાઈ ગયેલા ખેતરોમાં મોલ લહેરાઈ રહ્યો હતો. તે છતાંય કેટલાય ખેતર વવાયા વગરના રહી ગયા. એમના ખેડૂ ક્યાં હતાં કોઈને ખબર ન હતી. એવા ખેતરોમાં આડેધડ ઉગી નીકળેલા ઘાસ વચ્ચે બોરડીની કાંટ ફાલી હતી. બે ખેતરના પાણીને રસ્તો આપવા બનાવેલા ગરનાળાની પાળી પર બેસી ગયેલા પુરૂષે નિરાશ આંખે પાછળ જોયું. આધેડ વયના એ પુરુષના ચહેરા પર ઘેરી પીડાના ચાસ પડી ગયા હતા. એ અકાળે વૃધ્ધ થઈ ગયેલો લાગતો હતો. તેની આંખોમાં જીવન હારી ગયાનો થાક હતો. તેણે બાંધેલી સફેદ પછેડી નીચે ઉતારી માથા પર હાથ ફેરવ્યો. ઉતરતા શ્રાવણનો ચડતા સૂરજ તીણો તડકો વેરાતો હતો. એ પુરુષે વિચારમાં માથું ધુણાવ્યું અને ફરી પાછળ રહી ગયેલી યુવાન વયની સ્ત્રી સામે જોયુ. જાણે પરાણે ચાલતી હોય તેમ એ સ્ત્રી ધીમા ડગલા ભરતી હતી. તે ચાલતા ચાલતા બેબાકળી આંખે ખેતરોમાં લહેરાતા મોલને પણ જોઈ રહી હતી. આમ તો તે આ સીમની હેવાઈ હતી. એક એક ખેતર, એકે એક વોકળા – વળાંક થી પરિચિત હતી. તે આ સીમમાં જ અડવાણે પગે ફરી હતી. આ એજ સીમ હતી જ્યાં તેના બાળપણના પગલાં અને મુગ્ધવયના સપના વેરાયેલા હતાં. આ સીમના તેણે અનેક રંગો જોયા હતા. ખેતર હંમેશની જેમ જ લહેરાઈ રહ્યાં હતાં. પણ એ સ્ત્રીની આંખોની સીમ સાવ ઉજ્જડ દેખાતી હતી. આમ તો તેનો દેહ ચોમાસામાં ફુટેલી કોઈ વેલ જેવો હતો. પણ સમયે તેના નમણા દેહ પર કચકચાવીને ચાબખા માર્યા હતા. રડી રડીને આંખોમાં આંસુ ખૂટી ગયાં હતાં. તેમ છતાં લહેરાતી સીમને જોઈ તેની આંખમાંથી આંસુ વહી નીકળ્યા. ગરનાળા પાસે બેઠેલા વૃધ્ધે ઉભો મોલ સુકાઈ જાય તેવો નિસાસો મૂક્યો. જાણે દિશા ભુલી ગઈ હોય તેમ એ યુવાન સ્ત્રી ગરનાળા પાસે અનાયાસે ઉભી રહી ગઈ. વહુ, બેસો બેટા. ઘડીક બેસો અહીં. એ વૃધ્ધ એટલું જ બોલી શક્યો. તેને કહેવું ઘણુંય હતું. પણ તેના શબ્દો ગળામાં જ અટવાઈ ગયા. એ યુવાન સ્ત્રીએ ચાંદલા વગરના કોરા કપાળ પર હાથ ફેરવ્યો. કપાળ પર પરસેવો વળી આવ્યો હતો. હથેળી ભીની થઈ ગઈ. તેના હોઠ ધ્રુજ્યા. અચાનક તેની આંખો પલકારા મારવા લાગી. તેણે આમ તેમ કેટલીય વાર જોયા કર્યું. જાણે કોઈ ભુલાયેલી ચીજ યાદ આવતી હોય તેમ તેની આંખોમાં ન સમજાય તેવી ચમક આવી. દૂર ડેમની પાળ પર બકરીઓનું ટોળું ચરતું હતું. ડેમના ઑગનમાં ફાલેલા ખીજડા અને દેશી બાવળનું ઝુંડ કોઈ ગીચ જંગલ જેવું લાગતું હતું. એ સ્ત્રીના હોઠ વચ્ચેથી એક શબ્દ નીકળી ગયો – બાપા ! એ શબ્દમાં અનેક ભાવો હતા. ન ઉકેલી શકાય એવા ભાવ.! સ્ત્રી જે રીતે બોલી તે સાંભળી પુરુષ ચમક્યો. તેણે એ યુવાન સ્ત્રી સામે જોયું. તે ફરી સ્તબ્ધ થઈ ગઈ હોય તેમ પાળી પર બેસી ગઈ. જાણે તેના શરીરના હાડકાં ભાર ઝાલતાં ન હોય તેમ નમી ગઈ હતી. પેલો પુરુષ ઉઠ્યો અને સ્ત્રીની નજીક જઈને બેઠો. શું બોલવું તે સુઝ્યું નહીં. તેણે પેલી યુવાન સ્ત્રીના માથા પર હાથ મુક્યો. પછી જાણે પોતે દાજ્યો હોય તેમ પોતાના હાથને જ જોઈ રહ્યો. પણ પુરુષના સ્પર્શથી પેલી સ્ત્રીના શરીરમાં કોઈ ચેતના ફરી વળી હોય તેમ એની પીઠ જરા ટટ્ટાર થઈ. હોઠ કંપ્યા. છાતીમાં ડૂમો ભરાયો. અને થોડીવારે આંખો વાટે નીકળીને વહેવા લાગ્યો. પુરુષના હૈયામાં ચિરાડો પડ્યો. તેનાથી જોઈ શકાતું ન હતું, બોલી શકાતું ન હતુ. તેમ છતાં તે બોલ્યો : વહુ, બેટા હવે કોઈ જીદ ન કરતા. હજી તો આયખું કેટલુંય પડ્યું છે. તમે રડો છો ને મારું કાળજું કપાય છે. તમને લેવા હરખે હરખે આખું ગામ લઈને આવ્યો હતો. આજે મને શું થાય તે મારું મન જાણે છે. તમે હવે રડો નહીં, બેટા રડો નહીં. પુરુષનો કંઠ રુંધાઈ ગયો. સ્ત્રી અચાનક આંસુ ભરેલી આંખે હસી પડી. ખડખડાટ હસી પડી. તેનો ચહેરો જુદા રંગથી રંગાઈ ગયો. તે આંસુ સાફ કર્યા વગર જ બોલી. : હવે નહીં રડુ બસ. તમે જે કીધું તે કરીશ. કદી નહીં રડું. આતો સીમ જોઈને બધું યાદ આવી ગયું. બાપા તમને યાદ છે અહીં જ આપણાં ખેતર હતાં. તે વખતે તમે અને મારા બાપા બેય યુવાન હતા. હું નાની હતી. તમે મારા માટે પીપર લઈ આવતા. બળદોને છુટ્ટા મેલી તમે ને મારા બાપા આ સડક પર જ ચાય બનાવતા. અને તે વખતે ધીરજ પણ – જાણે અચાનક જ અવાજ ચાલ્યો ગયો હોય તેમ એ સ્ત્રી ચૂપ થઈ ગઈ. તે વળી ડાબે જમણે જોવા લાગી. થોડીવાર માટે હળવા થઈ ગયેલા પુરુષના મોં પર ફરી નિરાશા ફરી વળી. તેણે સ્ત્રી તરફ જોઈને કહ્યું ; બોલી નાખ બેટા બધુંય બોલી નાખ. મને ખબર છે તને બધું યાદ આવતું હશે. ધીરજ અને તું નાનપણમાં અહીં જ રમ્યા છો. આ સડક પર ખૂબ દોડાદોડી કરી છે. હું થોડું વિસરી ગયો હોઈશ ? તારો બાપ તો અમુલખ માણસ છે. એ મારો વેવાઈ તો પછી થ્યો. અમે જુવાનીથી જ ભાઈબંધ હતા. એણે ખરી ભાઈબંધી નિભાવી પણ કુદરતને એ મંજુર નંઈ હોય દીકરા. તારા મનમાં જે કંઈ છે તે બોલી નાખ. નંઈતર એકલી પડીશ ત્યારે એ વાતો રડાવશે ! પેલી સ્ત્રી સીમ સામે જોઈ જ રહી. એની શરીરમાં અજાણ્યો કંપ હતો. તે કંઈક ઊંડું વિચારી રહી હતી, થોડીવાર મૂંગા રહ્યા પછી તે બોલી – નાનપણમાં તમે મારી દીકરી કહીને મને ખભે ઉંચકી લેતા. તે વખતે મને ખબર ન હતી કે સસરા લેખે મારે તમારી લાજ કાઢવાની થશે. પણ આજે ફરી મને તમારી દીકરી થવાનું મન થયું છે. તમે મને દીકરી ગણો છો ને ? બાપા મારી એક વાત માનશો ? પુરુષે ચમકીને સ્ત્રી સામે જોયું. તેના ગળામાંથી ગભરાટભર્યો સવાલ નીકળ્યો. – બેટા એવું કાંઈ ન માગજે કે હું તને આપી ન શકું. બાપા આંસુ કેમ નીકળી ગયા તેની મને ખબર નથી પડતી. બાકી મેં નક્કી કરેલું કે હું નહીં જ રડું. પણ મેં તમને કહેલું છે ને કે, એ જ્યાં જ્યાં ગયા હતા ત્યાં હું પણ જાઉં. એમણે જે જમીન પર પગ મૂક્યો છે એ જમીન પર હું પણ પગ મૂકું. મારે આખી સીમમાં ફરવું છે બાપા. મને ખબર છે ગામ મને ગાંડી ગણશે. ન કરવાની વાતો કરશે. તમારીય નિંદા કરશે. તમારા આંગણામાંથી નીકળી જાઉં તે પહેલા મારી આ ઈચ્છા પુરી કરશો ને ? પેલો પુરુષ ખરેખર ગભરાઈ ગયો. સ્ત્રીના અવાજમાં જુદો જ રણકો હતો. તેણે કહ્યું – બેટા ફરી એજ વાત ? હા, તમે મને મારા બાપાને ત્યાં મૂકી આવો તે પહેલા મને આ સીમમાં ફેરવો. ચાલો મને એ બધી જ જગ્યાઓ બતાવો જ્યાં એ ફર્યા હતા. મારે એ જગ્યાની હવામાં શ્વાસ લેવા છે. મારે એમના શ્વાસ મારી છાતીમાં ભરવા છે. મને ખબર નથી કે ક્યારે હું ધીરજની મટીને કોઈ બીજાની થઈ જઈશ. મારા બાપા મારો હાથ કોઈ બીજાને આપી દે તે પહેલા મારે એમની બધી યાદ તાજી કરી લેવી છે. એમના પગલાં ભુંસાઈ ગયા હશે તો પણ હું ઓળખી જઈશ. પુરુષ અવાચક બની સ્ત્રીને જોઈ રહ્યો. સ્ત્રીએ ઓઢણી હટાવી માથું ખુલ્લું કરી નાખ્યું, એના કાળાભમ્મર વાળનો જથ્થો હવામાં લહેરાઈ રહ્યો. તેણે પુરુષ તરફ એકધારું જોતાં કહ્યું – બાપા લ્યો, સસરાની લાજ હટાવી નાખી. હવે તો તમારી દીકરી થઈ ગઈને. ? બેબાકળા બની ગયેલા પુરુષે આમ તેમ જોતાં કહ્યું – દીકરા માથે ઓઢી લે ! કોઈ જોશે તો જે વાતો કરશે તે જાણીને તારો બાપ કૂવો પુરશે. દીકરા આવી જિદ્દ ન કર. એ ચાલ્યો ગયો. એને ભુલી જા. સંસારમાં જીવ પરોવ દીકરા. સ્ત્રીએ હસી પડતાં માથે ઓઢી લીધું. તે જરા ઉંચા અવાજે બોલી ગઈ. બાપા, તમે લોકોથી બી ગયા ? લોકો ભલેને વાતો કરે. અને લોકોને શું ? એ તમારો દીકરો થોડો વાળી દેવાના છે ! મારો ઘરવાળો પાછો લાવી દેશે એ લોકો ? દીકરા બધી વાત સાચી પણ હું દુનિયા સામે નઈં લડી શકું. તો આજે મને કાયમ માટે મૂકવા જ જાઓ છો ને ? એ પુરૂષ ચૂપ થઈ ગયો. બાપા હું તમારી પાસે ક્યાં ઝાઝું માગુ છુ ? હુ તમારા ઘરમાં ઝાઝી જગ્યા પણ નહી રોકું. કોઈ ચીજમાં ભાગ પણ નહીં પડાવું. મને તમારા ઘરમાં રહેવા દ્યો. હજી પણ કહું છું કે રહેવા દ્યો. તમે કહો છો, મારા બાપા કહે છે, અરે ! આખું ગામ કહે છે કે, ધીરજ ચાલ્યો ગયો. એનું શરીર પાણીમાં તરફડીને મરી ગયું. ભલે આખી દુનિયા કહે હું નથી માનતી. જરાય નથી માનતી કે મારો ઘરવાળો ધીરજ મરી ગયો છે. તમે જે ધીરજ ને બાળી આવ્યા એ તો એનું શરીર હતું. પણ એવી કેટલીય ચીજો છે જે તમે બાળી શક્યા નથી. એ બાળી શકાય એમ જ નથી. બાપા હું એ વસ્તુઓને સાથે લઈને જીવી લઈશ. તમે પાછા વળો અથવા મને એ બધી જગ્યાઓ બતાવો જ્યાં ધીરજ ફર્યો હતો. મને એ પાણી બતાવો જેણે ધીરજના શરીરને ગુંગળાવી નાખ્યો. મને જવાબ આપો. ઉભો થયેલો પુરુષ ફરી ગરનાળાની પાળી પર બેસી ગયો. થોડીવાર તે ગાંડા જેવી વાતો કરતી સ્ત્રીને જોઈ રહ્યો. પછી એક મોટો નિસાસો મૂક્યો. બાપા, તમારી દીકરી માટે એટલુંય નહીં કરો.? ચાલો તમે મને મૂકી આવો મારા બાપાના ઘેર. પણ મને એ કોતર તો બતાવો જ્યાંથી ધીરજ લપસ્યો. મને એ ઘૂનો બતાવો જ્યાં ધીરજે છેલ્લાં શ્વાસ લીધા હતા. મારા માટે એટલું તો કરશો ને ? બેટા તું. એ જગ્યાએ જઈને તુ શું કરીશ ? મારો જીવ નથી હાલતો ફરી એ જગ્યાએ જવાનો. જે પાણીએ મારા દીકરાનો ભોગ લીધો એ પાણીને મારે નથી જોવા. બાપા તમે ધીરજને ભૂલી જવા માગો છો. હું એને ભુલવા નથી માગતી. એ આધેડ પુરુષ કોઈ સતી સ્ત્રીને જોતો હોય તેમ પોતાના સગા દીકરાની યુવાન વિધવાને જોઈ રહ્યો. એને વિચાર આવ્યો કે હું આ શું જોઈ રહ્યો છું. આ એકવીસ વર્ષની કોડીલી કન્યા જેવી છોકરી બે ચોટલા વાળીને જ્યારથી સીમમાં આવતી થઈ ત્યારથી એને વહુ તરીકે ઘરમાં લાવવાનું સપનું જોયું હતુ. એ ભાઈબંધની જ દીકરી હતી. સપનું સાચું પડ્યું. ત્રણ મહીના પહેલા વૈશાખમાં હાથ પર મેંદી મૂકીને આવી હતી. પણ નદીની કોતરોના ઘૂનાના પાણીએ એનું સિંદૂર ધોઈ નાખ્યું. એકનો એક દીકરો ચાલ્યો ગયો. બધું વેરવિખેર થઈ ગયું છે. લગ્નના ત્રણ મહીને જ ઘરમાંથી દીકરાની નનામી નીકળી. આખું ગામ હબક ખાઈ ગયું. પણ દીકરાને પરણી ને આવેલી આ જોગણ જેવી બાઈ માનવા જ તૈયાર નથી કે તેનો ઘરવાળો મરી ગયો છે. તેને ધીરજની ઘરવાળી તરીકે જ જીવવું છે. એ કહે છે કે, જ્યાં જ્યાં ધીરજ ફર્યો ત્યાં ત્યાં ફરવું છે. ગામ કહે છે છોકરીનું ચસ્કી ગયું છે. કોઈ કહે છે કે એને કોઈ વળગાડ છે. અને એ વડગાળને કારણે જ ધીરજ મરી ગયો છે. એનો બાપ સમજે છે કે જુવાન છોકરીનું જીવતર બગાડાય નહીં. એણે એને કેટલીય સમજાવી પણ એણે પોતાના બાપને કહી દીધું, હું તો આ ઘરમાં જ રહીશ. એ લાખેણા માણસે જતાં જતાં કહ્યું કે – ભલે હમણાં તમારા ઘરે રહે. એનું મન શાંત થાય ત્યારે મૂકી જજો. તમેય બાપ જ છો. આ તો લોક વ્યવહાર સાચવવા માટે મારે ત્યાં રહેશે. અને સારું ઠેકાણું મળશે તો વળાવી દઈશ. આજે માંડ સમજાવીને લઈ જાઉં છું. બેય ગામની વચ્ચે છેટુંય કેટલું. નદીની આ પાર એક ગામ ને ચાર ખેતર હાલો એટલે પેલું ગામ. પણ છોરી અધવચ્ચે વટકી છે. એ જુદી માટીની છે. પેલા પુરુષના વિચારો પામી ગયેલી સ્ત્રીએ કહ્યું. મને ખબર છે તમે કાલે મારા બાપાને મળીને આવ્યા છો. તમે મને કાયમ મૂકવા જાઓ છો. ભલે મૂકી આવો. જેવું મારું મારું નશીબ. પણ જતાં જતાં મારી એક ઈચ્છા તો પુરી કરો. મને એ ઘૂના પાસે લઈ જાવ. દીકરા જીદ છોડ. એ જગ્યાએ જતા મારો જીવ નથી હાલતો. બાપા તમારો દીકરો મારો ધણી હતો. હાલો છો મારી સાથે ? એ પુરૂષ થોડીવાર ચૂપ રહ્યો. કેટલીયવાર સુધી તેણે ખેતરો અને વૃક્ષો ને જોયા કર્યું. પછી મસ મોટો નિસાસો નાખીને નછુટકે બોલતો હોય તેમ બોલ્યો હા ચાલ, પણ બેટા તારી મેરબાની, કોઈને કે'તી નહીં કે હું તને એ જગ્યાએ લઈ ગયો હતો. નઈતર ગામ મારી હાંસી કરશે. સ્રીની આંખો ચમકી ઉઠી. પુરુષે ન છુટકે નદીના કોતરની વાટ ઝાલી. સ્ત્રીની ચાલ બદલાઈ ગઈ. બેય સડક ઉતરીને ડેમ તરફ ચાલ્યા. આગળ ઝાડી ગીચ થતી જતી હતી. સ્ત્રી ઊંડા ઊંડા શ્વાસ લેતી ચાલતી હતી. આખરે નદીની કોતરો દેખાઈ. એક જગ્યાએ નદી વળાંક લેતી હતી. પુરુષ ઊભો રહી ગયો. સ્ત્રી એનો હાથ પકડતાં બોલી – કેમ બાપા ઊભા રહી ગયા. ? એના અવાજમા ન સમજાય તેવી ઉતેજના હતી. બેટ શીદને તુ એક બાપને એનો દીકરો જ્યાં મરી ખૂટ્યો એ જગ્યાએ લઈ જાશ ? જો પેલો વળાંક દેખાય છે. ને એની પાછળ જ ઊંડો ઘૂનો છે. આખું વર્ષ એમા પાણી ભરાયેલું રહે છે. ત્યાં જ મારો ધીરજ ..... પુરુષનું ગળું રૂંધાઈ ગયું. પણ એ સ્ત્રીના અવાજ ફરી ગયો. તેણે કંપતા અવાજે કહ્યું – બાપા હું જાઉં છું. મારે ધીરજને મળવું છે. જલદી મળવું છે. નહીંતર એ બહુ દૂર નીકળી જશે. હું એને આંબી નહીં શકું. હું જાઉં છું બાપા........ પુરષ કંઈ સમજે તે પહેલા એ યુવાન સ્ત્રી દોટ મૂકી. તેની આંખોમાં ચમક હતી. તેણે વાયરાની જેમ દોટ મૂકી. પુરુષના શરીરમાં ભયનું લખલખું ફરી વળ્યું. તેને અચાનક જ કંઈક સમજાયું, અને તેણે પણ એ સ્ત્રીની પાછળ દોટ મૂકી. એ પુરુષ હતો, હજી દોડી શકે એટલું તેના પગમાં બળ પણ હતું, તેમ છતાં તે પેલી પંખીણીની જેમ ઉડી જતી છોકરીને આંબી શક્યો નહીં. એ વળાંક પર પહોંચ્યો ત્યારે સંભળાયેલા જોરદાર ધુબાકાના અવાજે જાણે તેના પગ જ ભાંગી નાખ્યા. ઘૂના પાસે પહોંચ્યો. એની આંખો ફાટી ગઈ. ઘૂનાનું કાળું પાણી હિલ્લોળાતું હતું. એ પુરુષના ગળામાં ચીસ અટકી ગઈ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvDwiGxyVUMdVnmgfdgo96y4-c3DsojQEiYTT9O9_yQhA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment