Wednesday 31 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ?
કાજલ ઓઝા વૈધ

 

 


દેશના કોઈ પણ ભાગમાં, કોઈ પણ ભાષાના અખબારમાં લગભગ રોજ એક બાળકીના બળાત્કારના સમાચાર છપાય છે. જરા વિચાર કરીએ તો સમજાય કે, આવી કુમળી, છ-બાર મહિનાની દીકરી ઉપર બળાત્કાર કરનાર માણસ વિકૃત નહીં તો બીજું શું? જેના શરીરનાં અંગો પણ હજી તો સ્ત્રી હોવાની ઓળખ આપતાં નથી થયાં એવી છોકરીમાં સ્ત્રી જોનાર પુરુષને આપણે શું કહી શકીએ?

 

'હેવાન'ને મારી નાખવાથી હેવાનિયત નહીં મરે. હેવાનિયત જન્મે છે એ મૂળને ઉખેડવાં પડશે. આપણે દીકરીને વધુ મજબૂત, ચાલાક અને સમજદાર બનાવવી પડશે

 

છેલ્લા થોડા સમયમાં આવા, નાની બાળકીઓ પર થતા બળાત્કારો અને ગર્લચાઇલ્ડને ઉઠાવી જવાના, અપહરણના આંકડા જાણીએ તો હૃદય હચમચી જાય. પશ્ચિમના અને મિડલઇસ્ટના દેશોમાં આવી કૂણી છોકરીઓની બહુ માંગ છે એમ કહેવાય છે. બાંગ્લાદેશ અને આસામ-બંગાળથી છોકરીઓને ખરીદવામાં આવે છે. સેક્સ માર્કેટમાં વેચી દેવાય છે. એક વાર મુંબઈ, દિલ્હી કે વિદેશ પહોંચી ગયેલી છોકરીની કોઈ ભાળ એના પરિવારને ક્યારેય મળતી નથી. નવાઈની વાત એ છે કે આવી મિસિંગ કમ્પ્લેન્સ, ખોવાયેલી છોકરીઓની, યુવતીઓની કેટલી બધી ફરિયાદો અનેક પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ પડી છે. એનાં પરિણામ ભાગ્યે જ મળ્યાં છે.

 

સેક્સવર્કિંગ અથવા વેશ્યાગીરીના વ્યવસાયમાં ચૌદ વર્ષથી નીચેની છોકરીઓના વધારે ભાવ આવે છે. આ બધું જાણતા અને એ વિશેના પુરાવા હોવા છતાંય આ વ્યવસાયમાં પડેલા અને તેને વિકસાવી રહેલા લોકો સામે ખાસ કોઈ કડક પગલાં લેવામાં આવતાં નથી. આવા લોકોને પોલીસ, રાજકારણી અને લોકલ 'ભાઈ' ગેંગની મદદ મળતી રહે છે. આપણે બધા આપણાં ઘરોમાં સલામત છીએ. આપણને બીજાની તકલીફ ત્યારે જ સમજાય છે જ્યારે એ જ તકલીફ આપણા ઉપર આવે. આપણી દીકરી ડ્રાઇવર સાથે ટ્યુશને કે ક્લાસીસમાં જાય છે. એ સમયસર ઘેર પાછી આવે છે ત્યાં સુધી કોઈની ખોવાઈ ગયેલી દીકરી વિશે છાપામાં વાંચીને આપણે કિટી પાર્ટીઓમાં, સામાજિક મેળાવડામાં એ વિશે ચર્ચા કરીએ. એથી વધુ કશુંય કરવાની આપણને જરૂરિયાત પણ લાગતી નથી!

 

નાની બાળકીઓના બળાત્કારો થાય ત્યારે આપણે આ કૃત્ય કરનારા 'હેવાનો'ને ગાળો દઈ શકીએ છીએ, પરંતુ આ વિશે કોઈ નક્કર પગલાં લેવાવાં જોઈએ એવું ભારતના સવા સો કરોડ વોટર કહેવા તૈયાર નથી, એ કેટલી આઘાતનજક બાબત છે. આવો એકાદ કિસ્સો હોય તો બરાબર છે, પરંતુ જ્યારે રોજેરોજ આવા એકથી વધુ કિસ્સા બનવા લાગે ત્યારે પણ આપણી આંખ ન ખૂલે એવા કેવા જાડી ચામડીના આપણે થઈ ગયા છીએ!

 

નાની બાળકી જેના નાનકડા અંગમાં આવા 'હેવાન'નું અંગ પ્રવેશ્યું હશે ત્યારે એ કેટલું રડી હશે, એણે કેવી ચીસો પાડી હશે, એને કેવી અને કેટલી પીડા થઈ હશે એનો વિચાર એકાદવાર કરવા જેવો છે. જેને પૂરું બોલતાં પણ નથી આવડતું એવી નાનકડી દીકરી ઉપર અત્યાચાર થાય અને એ વિશે 'હેવાન'ને જાહેરમાં મારીને કે ગામ બંધ રાખીને આપણે શું સાબિત કરીએ છીએ? આ દેશ તમાશાનો દેશ બનતો જાય છે. લગભગ દરેક બાબતમાંથી રાજકીય માઇલેજ કેવી રીતે કાઢવા એ સિવાયનો વિચાર આપણને ભાગ્યે જ આવે છે. હિન્દુ-મુસલમાનનું રાજકારણ હોય કે દલિત અને બીજા વર્ગનું. અંતે એક રડતી, કકળતી, ચીસો પાડતી છોકરીને વસ્તુ બનાવીને એમાંથી શું-શું વેચી શકાય એટલું જ શોધવામાં મીડિયા, માણસો અને મહત્ત્વાકાંક્ષી રાજકારણીઓને રસ છે. જ્યાં સુધી એ ન્યૂઝ વેચાતા રહે ત્યાં સુધી શેરડીના સાંઠાની જેમ એને ફરી ફરીને મીડિયાના મશીનમાં નાખવામાં આવે છે. એનો પૂરેપૂરો રસ નીકળી જાય ને કુચ્ચો થઈ જાય એટલે ફરી આવા કોઈક નવા સમાચારની શોધ કરવામાં આવે છે. આરોપીને સજા થતી હશે, જેલ કે ફાંસી પણ આવા એકાદ આરોપીને સજા કરીને આપણે પોતાની જ પીઠ થાબડીએ છીએ. કયા અખબારના સમાચારને લીધે એને સજા થઈ એને પણ સમાચાર બનાવીને છાપવામાં આવે છે. ફરી એક વાર એક 'હેવાન' બજારમાંથી નીકળે છે. ફરી એક બાળકીની ચીસો મીડિયાનો મસાલો બને છે.

 

એક સમયે બાળવિવાહ થતા, 'પેટે ચાંદલા' કરીને એકબીજાનાં સંતાનોને પોતાનાં પુત્રવધૂ કે જમાઈ બનાવવાનાં વચનો અપાતાં. નાની ઉંમરે લગ્નો થઈ જતાં. તેમ છતાં આણું તો ત્યારે જ થતું જ્યારે કન્યા રજસ્વલા થાય. એક કન્યા જ્યારે સ્ત્રીમાં પરિવર્તિત થાય ત્યાર પછી તે લગ્નસંબંધમાં દાખલ થવાને યોગ્ય છે, એવું સમાજ ત્યારે પણ માનતો. એ પછી આપણે ઘણા આગળ વધ્યા, એડવાન્સ થયા, ભણ્યાં. વિજ્ઞાન અને સામાજિક ક્ષેત્રે ઘણાં પરિવર્તનો આવ્યાં. તો માનસિક રીતે આપણે વધુ પછાત, વધુ વિકૃત કેમ થઈ રહ્યા છીએ? આનો સાદો અને બેઝિક જવાબ એ છે કે આપણે અજાણતાં જ સેક્સને એટલું બધું ચગાવીને, મસાલેદાર બનાવીને વેચવા લાગ્યા છીએ કે ચારે તરફ સેક્સ સિવાય ભાગ્યે જ કોઈ વાત કે વિષય જોવા મળે છે. સિનેમામાં કામ કરતી અભિનેત્રીની છાતી અને કમરથી શરૂ કરીને હોર્ડિંગ પર દેખાતા અંત:વસ્ત્રોની જાહેરાત સુધી એક જ વાત હેમર કરવામાં આવે છે, સ્ત્રીનું શરીર! એક ગરીબ, સાઇકલ રિક્ષા ચલાવતો માણસ કે લારી ખેંચતો માણસ, મજૂર કે ઘરનો નોકર. એને માટે આ બધાં દૃશ્યો ઉશ્કેરણીજનક છે.

 

અભણ અને પછાત માનસિકતા ધરાવતા લોકો સ્ત્રીને પોતાની ભૂખની પૂર્તિ કરવાનું સાધન માને છે. એમની ભૂખ ચોવીસ કલાક જગાડવામાં આવે છે. ચારેતરફ દેખાતી સેક્સની ભરમાર એમના મનમાં સ્ત્રી શરીર પરત્વેના વિચારોને તીવ્ર, વિકૃત કરી નાખે છે કે એમને માટે સ્ત્રીનું શરીર અનિવાર્ય જરૂરિયાત બની જાય છે. પુરુષનો સંયમ પ્રમાણમાં ઓછો છે એ વાત મનોવૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂકી છે. વિધવા સ્ત્રી કદાચ પુરુષ શરીર વગર ચલાવી શકે, પણ વિધુર પુરુષના સ્ખલનના કિસ્સા સરખામણીએ વધુ છે એવું આપણે જાણીએ છીએ. જેનો સંયમ ઓછો છે એનો પોટેન્શિયલ ગ્રાહક બનાવીને એના સંયમને ઉશ્કેરવાનું કામ કરતા સિનેમા, ટેલિવિઝન, એડવર્ટાઇઝિંગ કંપનીઝ થોડીક જાગે એ જરૂરી છે. પોતાના શરીરનો ઉપયોગ કોઈ પણ વસ્તુ વેચવા માટે કરી રહેલી સ્ત્રી પણ એની સુંદરતાને થોડીક સંયમમાં રાખે તો સમાજને ફાયદો થઈ શકે, એવું નથી લાગતું? સુંદર સ્ત્રીઓ ત્યારે પણ હતી ને આજે પણ છે, પરંતુ આજની સુંદરતા માત્ર પ્રદર્શનનો વિષય કેમ બની ગઈ છે? પોતે મોડર્ન છે એવું દેખાડવા માટે માતા-પિતા પોતાની દીકરીને ટૂંકા કે તદ્દન પટ્ટી જેવી બાંય ધરાવતાં કપડાં પહેરાવે છે, પરંતુ એ માતા-પિતા દીકરીને પોતાની સલામતીની કાળજી લેવાનું શીખવતા નથી. એને આંખમાં રહેલી વિકૃતિ વાંચતા શીખવતાં નથી.

 

કેટરીના કૈફ કે દીપિકા પદુકોણ જ્યારે એક વેંતની શોર્ટ્સ કે ઓફ શોલ્ડર પહેરે છે ત્યારે એની આસપાસ બે બાઉન્સર હોય છે. આપણી દીકરી જ્યારે અાવાં કપડાં પહેરીને સાઇકલ પર કે ટુ વ્હીલર પર એકલી જાય છે ત્યારે? ફ્રીડમ અને સ્ત્રી સ્વતંત્ર્તાના નામે પોતાની રોટલી શેકતા ડોક્યુમેન્ટ્રી મેકર્સ, એનજીઓ કે સિનેમા મેકર્સ સ્ત્રીને સ્વતંત્રતાની કેપ્સ્યૂલ તો ખવડાવે છે, પણ એની આડઅસરોમાંથી બચાવવાનો ઉપાય કોણ આપશે? સ્ત્રી કંઈ પણ પહેરે, ગમે તેમ જીવે, સ્વતંત્રતા એનો અધિકાર છે. હા! પરંતુ આ સચ્ચાઈની સામે આપણી આસપાસ વેરાયેલા, હરી, ફરી, ચરી રહેલા વિકૃત પશુઓને નાથવાનો રસ્તો છે? પુરુષોની શેવિંગ બ્લેડ કે એમની અન્ડરવિયરની જાહેરાતમાં પણ દેખાવડું સ્ત્રીશરીર જરૂરી છે? અમુકતમુક આફટરશેવ વાપરવાથી સ્ત્રીઓ આકર્ષાશે કે અમુક ગંજી પહેરવાથી સ્ત્રી એને ભેટી પડશેે, આ કયા પ્રકારનું વચન આપવામાં આવે છે ગ્રાહકને? જ્યારે આવું નથી થતું ત્યારે ઉશ્કેરાયેલા ગ્રાહકની ભૂખ વિકૃતિમાં પલટાઈ જાય છે. સંસ્કૃત કહેવત 'બુભુક્ષિત કિમ્ ન કરોતી પાપમ્'ના ન્યાયે જેની ભૂખ ભયાનક અને અકુદરતી રીતે જગાડી દેવામાં આવી છે એવો આ વિકૃત બની ગયેલો બુભિક્ષિત જગતનું સૌથી નિમ્ન પાપ કરવા તૈયાર થાય છે. 'હેવાન'ને મારી નાખવાથી હેવાનિયત નહીં મરે. હેવાનિયત જન્મે છે એ મૂળને ઉખેડવાં પડશે. આપણે દીકરીને વધુ મજબૂત, ચાલાક અને સમજદાર બનાવવી પડશે. આવા સમાચારોને ચગાવવાને બદલે એ પછી લેવાયેલાં પગલાંને સમાજ સુધી પહોંચાડવાનું કામ કરવું પડશે. પગલાં લેવાય એ જોવાની જવાબદારી આપણે સૌએ ઉઠાવવી પડશે. હું તૈયાર છું, તમે છો?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ost3tozNyoQHc3imGG058Ocrjr0DV3xpAoqjWUoBq7esw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment