Sunday 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તારું સત્ય વિરુદ્ધ મારું સત્ય (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



MeToo અને રશોમોન ઇફેક્ટઃ તારું સત્ય વિરુદ્ધ મારું સત્ય!
શિશિર રામાવત

 

 

સત્ય સાપેક્ષ અને બહુપરિમાણી છે. જાતીય શોષણનો ભોગ બનેલી સ્ત્રીઓની પીડાનું અંતિમ સત્ય શું છે?

 

ચાલો, મોડી તો મોડી, પણ ભારતમાં 'મી ટુ મૂવમેન્ટ' શરૂ થઈ ખરી. નાના પાટેકર, આલોક નાથ, 'ક્વીન' ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલ, ચેતન ભગત, કૈલાસ ખેર વગેરે જેવી ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલી હસ્તીઓનાં નામ મહિલાઓનું જાતીય શોષણ કરનારા અભદ્ર પુરુષ તરીકે ઊછળ્યાં ને  આપણે આંચકો ખાઈ ગયા. સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલી મહિલાઓ પોતાનું મોઢું ખોલે એ સારું જ છે. સ્ત્રીની ગરિમા જાળવી ન શકતા પુરુષોના બદવર્તનનો બચાવ ન જ હોઈ શકે. આ એક વાત થઈ. સમાંતરે બીજો અભિગમ એવો છે કે જ્યાં સુધી પૂરી છાનબીન ન થાય, ગુનો પૂરવાર ન થાય અને સંપૂર્ણ સત્ય સામે ન આવે ત્યાં સુધી જેના પર આક્ષેપ થયો છે એ પુરુષને દોષી માની લેવાની ઉતાવળ ન કરાય.

 

એક ઘટનાને એક સાથે અનેક દષ્ટિકોણથી જોઈ શકાતી હોય છે. સત્ય આખરે તો એક સાપેક્ષ વસ્તુ છે... અને સૌનું પોતપોતાનું સત્ય હોય છે! વર્ષો પછી, ઇવન દાયકાઓ પછી ઓચિંતા અતીતનું તળ ફાડીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ઘટના સપાટી પર આવે ત્યાં સુધીમાં એના અમુક રંગ બદલી ગયા હોય, કદાચ એનો આકાર ઓળખી શકાય એવો રહ્યો ન હોય, એવું બને? આ સંદર્ભમાં એક અફલાતૂન જપાની ફિલ્મની વાત કરવી છે. વિશ્વસિનેમામાં ઓલ-ટાઇમ-ક્લાસિક ગણાતી 'રશોમોન' નામની ફિલ્મ છેક 1950માં રિલીઝ થઈ હતી. આમ છતાં કથાવસ્તુની દષ્ટિએ તે આજની તારીખે પણ એટલી જ રિલેવન્ટ અને મોડર્ન લાગે છે.

 

એવું તે શું છે એવરગ્રીન 'રશોમોન'માં? જપાની ભાષામાં, રશોમોન એટલે 'દ્વાર'. ફિલ્મની કહાણી ટૂંકમાં જોઈએ. એક વરસાદી દિવસે એક ગામની બહાર ખંડિયરમાં એક કઠિયારો, સાધુ અને ગામવાસી એક આંચકાજનક ઘટના વિશે ચર્ચા કરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં કઠિયારાએ જંગલમાં એક સમુરાઈ એટલે કે યોદ્ધાની લાશ જોઈ હતી. સામુરાઈ હત્યા થઈ એ દિવસે એને એની પત્ની સાથે જંગલ તરફ જતા સાધુએ જોયા હતા. સાધુ અને કઠિયારા બન્નેને કોર્ટમાં બોલાવવામાં આવેલા. કોર્ટમાં તજોમારુ નામના જંગલના રાજા કહેવાતા ખૂંખાર ડાકુને પણ કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો.  એના પર આરોપ હતો કે એણે સમુરાઈની હત્યા કરી છે અને એની પત્ની પર બળાત્કાર પણ કર્યો છે. ડાકુ, સ્ત્રી અને એક ભૂવાના માધ્યમથી મૃત સમુરાઈનો આત્મા જુબાની આપે છે. વિચિત્ર વાત એ છે કે ત્રણેયની કથની એેકબીજા કરતાં સાવ જુદી અને વિરોધાભાસી છે!

 

સૌથી પહેલાં ડાકુની જુબાની સાંભળો. એ કહે છે કે હું સમુરાઈને જુના જમાનાની એક કિમતી તલવારની લાલચ આપીને જંગલમાં ઊંડે ઊંડે લઈ જઈ એને બાંધી દીધો. એની પત્નીએ શરુઆતમાં ખુદને બચાવવાની બહુ કોશિશ કરી, પણ આખરે  મારા પુરુષાતનથી મોહિત થઈને મને વશ થઈ ગઈ. પછી કહે, તમે બન્ને પુરુષો હાથોહાથની લડાઈ કરો. જે જીતશે એ મારો માલિક, એની સાથે હું ચાલી નીકળીશ. મેં સમુરાઈને મુક્ત કર્યો. અમારી વચ્ચે જીવસટોસટની લડાઈ થઈ. એમાં હું વિજયી સાબિત થયો, પણ ત્યાં સુધીમાં આ સ્ત્રી લાગ જોઈને નાસી ગઈ હતી.

 

સ્ત્રી રડતીકકડતી કંઈક અલગ જ વાત કરે છે. એ કહે છે કે આ નરાધમ ડાકુએ મારા ધણીને બંદીવાન બનાવ્યો અને એના દેખતા મારા પર બળાત્કાર કર્યો. મારું શરીર અભડાઈ ગયું. મેં પતિની ખૂબ માફી માગી, પણ એણે નજર ફેરવી લીધી. મેં એના હાથ ખોલ્યા અને કાકલૂદી કરી કે હવે મારે જીવીને શું કરવું છે? તમે મારો જીવ લઈ લો. પતિ કંઈ ન બોલ્યો, પણ એના ચહેરા પરથી લાગતું હતું કે એને મારા પ્રત્યે નફરત થઈ ગઈ છે. હું બેહોશ થઈને ઢળી પડી. ભાનમાં આવી ત્યારે શું જોઉં છું? મારા પતિની છાતીમાં કટારી હૂલાવી દેવામાં આવી છે...

 

હવે આવે છે મૃત સમુરાઈનો વારો. કોર્ટમાં ભૂવો બોલાવવામાં આવે છે. એના થકી સમુરાઈનો આત્મા જુબાની આપે છે કે ડાકુએ મારી પત્ની પર બળાત્કાર કર્યો. પછી એને કહ્યું: આવા નબળા ધણી સાથે રહીને તું શું કરીશ? એના કરતાં ચાલ મારી સાથે. મારી સ્ત્રી તૈયાર થઈ ગઈ. કહે, હું તારી સાથે આવીશ, પણ એની પહેલાં તારે મારા ધણીને મારી નાખવો પડશે. એ જીવતો હશે તો હું બે પુરુષોની જાગીર ગણાઈશ અને એ વાતનો બોજ આખી જિંદગી રહ્યા કરશે. આ સાંભળીને ડાકુ જેવો ડાકુ પણ ચોંકી ઉઠ્યો. એણે મને (સમુરાઈને) પૂછ્યું: સાંભળ્યું તારી પત્ની શું બોલી તે? બોલ શું કરું એનું? મારી નાખું કે છોડી મૂકું? સ્ત્રી છટકી ગઈ. ડાકુએ મને મુક્ત કરી દીધો, પણ પત્નીની બેવફાઈનો આઘાત એટલો તીવ્ર હતો કે મેં એની કટારી મારા શરીરમાં ખોંસીને જીવ દઈ દીધો.

 

હવે કઠિયારો પેલા સાધુ અને ગામવાસીને કહે છે કે આ ત્રણેય ખોટું બોલે છે. હકીકત શી છે એ હું જાણું છું કારણ મેં બઘું સગ્ગી આંખે છૂપાઈને જોયું છે. બન્યું હતું એવું કે સ્ત્રી પર બળાત્કાર કર્યા પછી ડાકુએ એને કહ્યું કે તું સમુરાઈને પડતો મૂક, મને પરણી જા. સ્ત્રીએ પતિના હાથ ખોલ્યા. મુક્ત થયા પછીય સમુરાઈએ કશું ન કર્યું. સ્ત્રીએ બન્ને પુરુષોને બરાબરનું સંભળાવ્યું. કહ્યું કે તમે બન્ને સાવ નમાલા છો. મારો પ્રેમ પામવા માટે એકબીજા સાથે યુદ્ધ પણ કરી શકતા નથી? સ્ત્રીએ બન્નેને ઉશ્કેર્યાં તો ખરા, પણ ડાકુ અને સમુરાઈ એકબીજા સામે બાથ ભીડતા ગભરાતા હતા. બન્નેએ લડવાનું ફક્ત નાટક કર્યું. છતાંય કોઈક રીતે ડાકુના હાથે સમુરાઈની હત્યા થઈ ગઈ. દરમિયાન સ્ત્રી નાસી ગઈ. ડાકુ પણ પોતાની તલવાર લઈને લંગડાતો લંગડાતો ચાલ્યો ગયો.

 

સચ્ચાઈ શું હતી? ખરેખર શું બન્યું હતું? કોણ કેટલી માત્રામાં ખોટું બોલતું હતું? શા માટે? ફિલ્મના અંતમાં ફરી એક નાનો ટ્વિસ્ટ આવે છે જેના પરથી ખ્યાલ આવે છે કે ઈવન કઠિયારાનું વર્ઝન પણ પૂરેપૂરી સાચી નથી!

 

માસ્ટર ફિલ્મમેકર અકિરા કુરોસાવાએ બે ટૂંકી વાર્તાઓના આધારે 'રશોમોન'ની સ્ક્રિપ્ટ લખી હતી. આ ફિલ્મ થકી ઈન્ટરનેશનલ ઓડિયન્સ પહેલી વાર કુરોસાવાનાં કામથી પરિચિત થયું, એટલું જ નહીં, તેમનું ફેન બની ગયું.  આ ફિલ્મને 'ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ ફોરેન લેંગ્વેજ ફિલ્મ' હોવાના નાતે ઓનરરી એકેડેમી અવોર્ડ પણ મળ્યો.

 

'રશોમોન' ફિલ્મનું પુષ્કળ વિશ્લેષણ થયું છે. આ ફિલ્મમાં ખૂબ બધાં સિમ્બોલ્સ એટલે કે પ્રતીકોનો ઉપયોગ થયો છે. ઉદાહરણ તરીકે, અશુભ અને પાપ કુરોસાવાએ પ્રકાશની ગેરહાજરી વડે દર્શાવી છે. જેમ કે, સ્ત્રી જ્યારે પરાયા પુરુષને વશ થઈ રહી હોય ત્યારે સૂરજ અસ્ત થતો દેખાડ્યો છે. કુરોસાવા એક સાથે વધારે કેમેરાથી દશ્યો શૂટ કરતા કે જેથી એડિટિંગ કરવામાં પુષ્કળ મોકળાશ રહે. ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ટીમના સભ્યો સતત પૂછતા રહેતા હતા કે સર, આપણે ફિલ્મની વાર્તામાં ચાર વિરોધાભાસી વર્ઝન દેખાડયા તો ખરા, પણ ખરેખર શું બન્યું હતું એ અમને તો કહો! કુરોસાવાનો જવાબ એક જ રહેતો કે આ મુદ્દો મહત્ત્વનો છે જ નહીં. વાત છે મલ્ટિપલ રિયાલિટીઝની, એક સત્યને પકડવાને બદલે તેના અલગ અલગ સંભવિત રંગોને એક્સપ્લોર કરવાની.

 

મી ટુ મૂવમેન્ટમાં જોડાનારી મહિલાઓ પ્રત્યે આપણી સંપૂર્ણ હમદર્દી છે જ, પણ શું જે ઘટનાઓ સામે આવી રહી છે એના સત્યને બ્લેક-એન્ડ-વ્હાઇટમાં જોવું જોઈએ? કે પછી, આ બે અંતિમો વચ્ચેના ગ્રે શેડ્ઝ પર પણ ધ્યાન આપવું જોઈએ?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtXMvoWzk8YJUceTVXUXccYT5LrtUedCM0K3np04i9rqw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment