Tuesday 30 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને?
જિગીષા જૈન

 

 

 

હાર્ટ-અટૅક આવે તો છાતીમાં સખત પેઇન થાય છે અને શ્વાસ ચડવા લાગે છે. આ બન્ને એનાં મૂળભૂત લક્ષણો છે જેને સમજીને વ્યક્તિએ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જોઈએ, પરંતુ જો અટૅક આવે ત્યારે એક પણ લક્ષણ દેખાય નહીં તો? આ પરિસ્થિતિને સાઇલન્ટ હાર્ટ-અટૅક કહે છે. ભારતમાં ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. મોટા ભાગે ડાયાબિટીઝના દરદીઓમાં આ તકલીફ જોવા મળે છે જે ઘાતક અને ગંભીર સમસ્યા છે.

 

મહેતા પરિવારના પંચાવન વર્ષના વડીલને છેલ્લા બે દિવસથી ખૂબ અળખામણું લાગતું હતું. બેચેની થતી હતી અને અંદરથી કંઈ સારું નથી એમ લાગતું હતું. ઘરના બધાએ કહ્યું કે આવું તો થાય, થોડી ઊંઘ બરાબર કરો તો બધું જતું રહેશે. થાક એકદમ લાગવા લાગ્યો હતો તો તેમને થયું કે તેમની શુગર ઓછી થઈ જતી હશે. છેલ્લાં ૧૫ વર્ષથી તેમને ડાયાબિટીઝ હતો અને દવાઓ ખાતાં-ખાતાં ક્યારેક એવું થતું કે શુગર એકદમ વધી કે ઘટી જતી. આવા સમયે થાક લાગતો. તેમને થયું કે શુગરની જ તકલીફ હશે એટલે એક વખત ડૉક્ટરને બતાવી આવીએ.

 

ડૉક્ટરે પૂછ્યું, 'છાતીમાં દુખાવો કે શ્વાસમાં કોઈ તકલીફ થઈ રહી છે?'

 

મહેતાભાઈએ કહ્યું, 'ના, કશું નથી. બસ, થાક થોડો લાગતો હતો તો થયું કે બતાવી આવીએ.'

 

ડૉક્ટરે તપાસ કરી અને લાગ્યું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવી લઈએ. ટેસ્ટમાં ખબર પડી કે મહેતાભાઈને હાર્ટ-અટૅક આવ્યો હતો. કોઈ પણ લક્ષણ બતાવ્યા વગર મહેતાભાઈને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમનો તરત ઇલાજ શરૂ થયો. મેડિસિન આપવામાં આવી. દસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા. બાયપાસ પણ થઈ ગઈ, પરંતુ હજી જોઈએ એવી રિકવરી આવી નથી એનું કારણ એ હતું કે તે અટૅકના બે દિવસ પછી હૉસ્પિટલમાં પહોંચ્યા અને તેમના મોડા હૉસ્પિટલ પહોંચવા પાછળ જવાબદાર તેમનો સાઇલન્ટ હાર્ટ-અટૅક હતો. હાર્ટ-અટૅક જે કોઈ પણ લક્ષણ વગર આવ્યો હતો. જો વ્યક્તિને કંઈ થાય જ નહીં તો તેને ખબર કેમ પડે કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. છતાં ડૉક્ટર તેમને નસીબદાર ગણાવતા હતા, કારણ કે આ પરિસ્થિતિમાં જેમને પણ સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકોમાંથી પચીસ ટકા લોકો હૉસ્પિટલ પહોંચી શકતા જ નથી, સીધા જ મૃત્યુ પામે છે.

 

સાઇલન્ટ હાર્ટ-અટેક પોતે જ એક મોટી બલા છે. ઘાતક રોગોમાં સૌથી પહેલો નંબર હાર્ટ-અટૅકનો આવે છે, પરંતુ એમાં પણ વધુ ઘાતક અને ગંભીર કંઈ છે તો એ છે સાઇલન્ટ હાર્ટ-અટૅક. હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રfનનો જવાબ આપતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, 'ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે અને શરીરમાં કોઈ પણ તકલીફ ઊભી થાય તો આદર્શ રીતે શરીર કોઈ ને કોઈ ચિહ્ન દ્વારા જતાવે છે કે કઈ તકલીફ છે.

 

હાર્ટ-અટૅકનાં પણ ખાસ ચિહ્નો છે. જેમ કે એનાં ક્લાસિક ચિહ્નોમાં છાતીમાં દુખાવો અને શ્વાસ ચડવો મુખ્ય છે. આદર્શ રીતે અટૅક આવે એ પહેલાં પણ અમુક ચિહ્નો સામે આવે છે અને અટૅક આવ્યા પછી તો તરત જ દુખાવો અને શ્વાસની તકલીફ દેખાય એટલે વ્યક્તિ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગે છે. જોકે સાઇલન્ટ હાર્ટ-અટૅક એને કહે છે જેમાં અટૅકનાં આ મુખ્ય ચિહ્નો જોવા મળતાં જ નથી. ઊલટું કોઈ પણ ચિહ્નો જોવા મળતાં નથી. ખબર જ નથી પડતી દરદીને કે તેને અટૅક આવ્યો છે અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જરૂરી છે. આ ખરેખર ગંભીર તકલીફ છે.'

 

કોના પર રિસ્ક?
આમ તો સાઇલન્ટ હાર્ટ-અટૅક તેને પણ આવી શકે છે જેના શરીરમાં દુખાવાને સહન કરવાની કૅપેસિટી ઘણી વધારે હોય. આપણે ત્યાં એવા લોકો છે જેમને વાગે તો અસર જ નથી થતી, કારણ કે તેમની સહનશક્તિ ખૂબ વધારે હોય છે. એટલે તેમને અહેસાસ જ નથી થતો કે આ પેઇન છે અને ડૉક્ટર પાસે જવું જરૂરી છે. બાકી સૌથી વધુ રિસ્ક કોના પર છે એ વાત કરતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, 'સાઇલન્ટ હાર્ટ-અટૅક થવા પાછળનું મુખ્ય કારણ ડાયાબિટીઝ છે. ડાયાબિટીઝ ધરાવતા દરદીઓમાં જેમને હાર્ટ-અટૅક આવે છે તેમના ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હોય છે. ખાસ કરીને જેમને ૧૦-૧૫ વર્ષથી ડાયાબિટીઝ હોય અને એ પણ કન્ટ્રોલમાં ન રહેતો હોય તો સાઇલન્ટ હાર્ટ-અટૅકનું રિસ્ક ખૂબ વધી જાય છે. ડાયાબિટીઝને કારણે વ્યક્તિના શરીરમાં ન્યુરોપથીની તકલીફ સર્જા‍ય છે. એટલે કે વ્યક્તિની નસો ડેમેજ થાય છે જેને લીધે શરીરમાં જે પણ ઈજા થાય એ બાબતે મગજ સુધી એનો સંદેશો પહોંચતો નથી અને એને કારણે મગજ કોઈ રીઍક્શન જ આપતું નથી. તેની સંવેદના જ મરી જાય છે. એને કારણે કોઈ લક્ષણો જોવા મળતાં નથી. તકલીફ તો થઈ જ છે, ડૅમેજ થઈ જ રહ્યું છે; પરંતુ લક્ષણો દ્વારા સમજી શકાતું જ નથી. આ પરિસ્થિતિ સમજીએ એના કરતાં પણ વધુ ગંભીર છે.'

 

નુકસાન
હાર્ટ-અટૅક થયા પછી તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ઇલાજ કરવાનો હોય છે એ ત્યારે જ વધુ અસરકારક નીવડે છે જ્યારે તમે વહેલાસર હૉસ્પિટલમાં પહોંચો. આ બાબતે વાત કરતાં ડૉ. પ્રતીક સોની કહે છે, 'જેમને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકો હૉસ્પિટલમાં મોડા પહોંચે છે. તેમનો રેગ્યુલર ઇકોકાર્ડિયોગ્રામ કઢાવીએ ત્યારે ખબર પડે છે કે તેમને અટૅક આવ્યો હતો. ત્યારે એ જોવામાં આવે છે કે તેમના હાર્ટને કેટલું ડૅમેજ થયું છે અને એ મુજબ તેમનો ઇલાજ કરવામાં આવે છે. સંપૂર્ણ ઇલાજ કર્યા છતાં પણ આ દરદીઓમાં એવી રિકવરી જોવા મળતી નથી જે તાત્કાલિક ઇલાજ મેળવનાર દરદીમાં જોવા મળે છે. આ સૌથી મોટી તકલીફ છે, કારણ કે ભવિષ્યમાં આ દરદીઓને વધુ નુકસાન વેઠવું પડે છે.'

 

રોકી શકાય?
જે રોગનું કોઈ લક્ષણ જ નથી એને રોકવો અશક્ય જ છે, પરંતુ એ ન થાય એ માટે અમુક પ્રયત્નો કરી શકાય. એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, 'સૌથી મહkવની વસ્તુ એ છે કે વ્યક્તિ પોતાને ડાયાબિટીઝથી જ બચાવે, પરંતુ જો તે એનો ભોગ બની જ ચૂક્યો હોય તો ડાયાબિટીઝને શરૂઆતી સ્ટેજમાં જ સંપૂર્ણ રીતે દૂર કરવાની કોશિશ કરે. જો એ શરૂઆતી સ્ટેજ જતું રહ્યું હોય અને ડાયાબિટીઝ વ્યક્તિને છે જ તો એ બાબતે અત્યંત સજાગ રહે કે તેનો ડાયાબિટીઝ હંમેશાં કન્ટ્રોલમાં રહે. ડાયાબિટીઝ જેટલો કન્ટ્રોલમાં નહીં રહે એટલી તકલીફની શક્યતા વધવાની જ છે. માટે જરૂરી છે કે ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખે. જે લોકો શિસ્તબદ્ધ છે અને શુગર એકદમ કન્ટ્રોલમાં રહે છે એમને આ તકલીફ નથી થતી.'

 

માઇલ્ડ અને સાઇલન્ટમાં ફરક
હાર્ટ-અટૅક આવે પણ લક્ષણો જ દેખાય નહીં એનો અર્થ શું એ થાય કે અટૅક એટલો માઇલ્ડ છે કે ખબર જ ન પડી? ના, માઇલ્ડ અટૅકમાં પણ એવું થતું હોય છે કે દરદીને ખાસ ખબર પડતી નથી કે તેને અટૅક આવ્યો છે. જોકે માઇલ્ડ અટૅક અને સાઇલન્ટ અટૅકમાં ફરક છે. સાઇલન્ટ અટૅકનો મતલબ એ જ કે વ્યક્તિને ચિહ્નો કોઈ દેખાતાં નથી. જોકે અટૅક તો સિવિયર કે માઇલ્ડ બન્નેમાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલા માટે જ સાઇલન્ટ અટૅક આવતી વ્યક્તિઓમાં પચીસ ટકા વ્યક્તિઓ હૉસ્પિટલ સુધી પહોંચી પણ નથી શકતી, ત્યાં જ ઢળી પડે છે જેનો અર્થ એ કે અટૅક એટલો સિવિયર હતો કે જીરવી જ ન શક્યા; પરંતુ લક્ષણો જ નહોતાં એટલે ખબર જ ન પડી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovoaq%2BHaZTAO2Mxt59RVRjGQ6OJQpTLM-y4WA9OYN155g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment