Monday 29 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઉલઝનની આરપાર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઉલઝનની આરપાર!
કેતકી જાની
 

 

લગ્નને ત્રણ વર્ષ થયા છતાં હજી સાસુ સાથે ટ્યુનિંગ જામતું નથી!

 

સવાલ: મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. હજી સુધી મારી સાસુ જોડે મારું ટ્યુનિંગ બરાબર જામતું નથી. તેમને બધી જ વાતમાં હક જમાવવા હોય છે, તેમના કહ્યા મુજબ થાય તો પણ ગમે ત્યાંથી વાંધો પાડે જ. મારે શું કરવું?

 

જવાબ: પ્રિય બહેન, હું આવી દરેક ઉલઝનમાં એક વાત ખાસ કહું છું કે ઘરમાં જેમની જોડે રહેવાનું હોય તેમની સાથે ટ્યુનિંગ બનાવી રાખવામાં કેટલીક પાયાની જરૂરિયાત હોય છે; ભૂલી જવું, માફ કરવું, જવા દેવું, ચલાવી લેવું, મન મોટું રાખવું. ઉપરાંત ચાલશે, ગમશે, ફાવશે, ભાવશે - આ ચાર શબ્દો જીવનમાં ઉતારી લેવા. હું જાણું છું મારી વાત સાંભળી તમને થશે કે હું પણ સલાહ આપવા લાગી. પણ સાચું કહું? દરેક ઉલઝનને હું ચોતરફથી વિચારું છું અને ક્રમશ: એક એક બાજુ રજૂ કરવા પ્રયત્ન કરું છું. જેમની પાસે હંમેશાં રહેવાનું - જીવવાનું હોય તેને જીતવાનું કામ ક્યારેક આસાન હોય, ક્યારેક મુશ્કેલ. તમારા કેસમાં સાસુનો સ્વભાવ કદાચ આકરો છે એટલે તેમને જીતવામાં મુશ્કેલી પડી રહી છે, પણ એક વાત ધ્યાન રાખજો કે તેઓ તમને તેમના ઘર મુજબ ઢાળવા પ્રયાસ કરી રહ્યા હશે. તમારાં કામમાં કંઈક રહી જતું હશે, જે તેમને નહીં ગમતું હોય. તમારી અને તેમના પુત્રની દરેક વાતમાં દખલ કરતાં હશે. આમ કેમ તેમ જ કરવું તેવી રોકટોક કરતાં હશે. મોટાભાગની દરેક સાસુઓ એક કે બીજી રીતે કરતી જ હોય છે. કેટલીક સ્ત્રીઓ તેને ચાલાકીથી ટાળી જતી હોય, કેટલીક સામે બોલીને તડાફડી કરતી હોય, તો કેટલીક બધું મનમાં દબાવીને સહન કરતી હોય. તમારે તમારો રસ્તો નક્કી કરવાનો. સૌપ્રથમ મેં કહ્યું તે શબ્દો યાદ રાખી. શાંતિથી તેમની ગતિ-વિધિ નિહાળવી. ત્રણ વર્ષ થયા એટલે તમે તે ઘરની રીતરસમ જાણી ચુક્યાં હશો. ઘરમાં જેમ થતું હોય તેને ઉત્તમોત્તમ રીતે અનુસરો. તેમ કરવા છતાં તમને લાગે કે તેઓ તમારી પાછળ પડી ખોટા પરેશાન કરવા માગે છે તો ઓછામાં ઓછા અને સ્પષ્ટ શબ્દોમાં તેમને જવાબ આપતા શીખો. તેઓની સતત રોકટોક વિશે તમારા પતિની મદદ લો. ઘરનાં નાના - મોટા નિર્ણયોમાં તમારો મત પણ લેવાવો જોઈએ તેવો આગ્રહ રાખો. તેમની કોઈ પણ વાતમાં ઉશ્કેરાટમાં આવી જઈ તરત જ પ્રતિક્રિયા આપવાની આદત હોય તો તે આ જ ક્ષણથી બંધ કરી દો. અમુક સાસુ હાથે કરી વહુને આમ ઉશ્કેરી ઘરમાં અન્ય સભ્યો સામે જોરશોરથી બોલવા મજબૂર કરે છે. માટે સૌપ્રથમ કંટ્રોલ યૉરસેલ્ફ. જે તે વાતને ચોતરફથી મૂલવો. તે વાતમાં તમારું કનેક્શન, તમારી સાસુનું કનેક્શન, ઘરના અન્ય સભ્યોનું કનેક્શન, પછી તે વાતમાં ગંભીરતા લાગે તો બીજા દિવસે તે વાત અંગે ઘરનાં અન્ય સભ્ય કે તમારા પતિની હાજરીમાં અભિપ્રાય આપો. જ્યારે તમે બંને એકલાં હો તેમની વાતો માત્ર સાંભળો. તેમની સાથે તે વખતે કોઈ જીભાજોડી ન કરો. કામનો મુદ્દો હોય તો જ વિચારો, બાકી બધું એક કાનથી સાંભળી બીજા કાનથી પસાર કરી દો. તમારા ઘરની પરિસ્થિતિ મુજબ સર્વાંગ વિચાર કરી સાસુજીનો પ્રેમ જીતવાનો પ્રયાસ કરો, તમે ચોક્કસ સફળ થશો. પણ હા, આ સમય દરમિયાન તમારું વારંવાર અપમાન થતું હોય, તમને માનસિક તાણ અનુભવાતી હોય તો તમારા પિયરમાં વાત ચોક્કસ કરજો. સ્વાભિમાનના ભોગે અન્યને જીતવા દેવામાં ક્યારેક મનુષ્યમો આત્મા મરી જતો હોય છે, શરીર ભલે જીવતું હોય. માટે તમારા આત્મસન્માનની ગરિમા જાળવી જાત સાથે થોડું ઘણું સમાધાન કરી તમારાં સાસુને સ્વજન સમજી પરિસ્થિતિ કાબૂમાં કરવાનો પ્રયાસ કરો. બેસ્ટ લક.

------------------------------

સાસરામાં સેટ થઈ ગઈ છું, પણ પતિ સાથે મનમેળ નથી!

 

સવાલ: મારાં લગ્નને છ મહિના થયા છે. સાસરામાં સેટ ઘણી બધી રીતે થઈ છું. થોડું શીખું છું. મૂળ પ્રોબ્લેમ મારા પતિ સાથે છે. અમારો સ્વભાવ મેળ નથી થતો. હું બોલું તે તેમને ના ગમે અને દરેક વાત ઝઘડામાં પતે. હવે ધીરે ધીરે અજાણતા જ હું સેક્સમાં પણ સહકાર નથી આપતી અને વિમુખ થતાં જઈએ છીએ અમે. શું કરું તો લગ્નજીવન ટકી જાય.

 

જવાબ: 'લગ્નજીવન' ટકાવી રાખવા જે તત્ત્વો જરૂરી છે તે આજના પહેલા સવાલના જવાબમાં વાંચી જાવ બહેન. એ બધા તત્ત્વો થોડા ઘણા અંશે આચરણમાં લાવી તમે તમારાં તૂટતા લગ્નજીવનને ટકાવી શકો. પણ આ કરતાં પૂર્વશરત એ જ કે તમને તમારા પતિ માટે સાચો પ્રેમ હોવો જોઈએ. માત્ર લગ્નજીવન ટકાવવા પૂરતા તમે સેક્સ કરવા માગો છો કે જીવનયાત્રા તેની સાથે જ સુખથી સંપન્ન કરવા માગો છો તે નક્કી કરો. સેક્સ કંઈ લગ્નજીવન ટકાવવા માટે કરાતી એક્સરસાઈઝ નથી. તે તો શરીરની સાથે જ મનથી કરાતી સહજ ક્રિયા છે. તમે ધીરજથી તમારા પતિનું વ્યક્તિત્વ સમજો. તે જ તમને મદદ કરશે લગ્નજીવન ટકાવવા માટે. દરેક વાતના અંતે ઝઘડો થવાનાં કારણો - પરિબળોનું એનાલિસિસ કરો. બંને જણ ધીરજથી વિચારોની સરળ સંવાદોથી આપ-લે કરો. જીવન છે આ, કોઈ યુદ્ધભૂમિ નથી કે બેમાંથી એક વિજેતા બને. જીવનસફરનાં સહયાત્રીઓ એકમેકના પૂરક તો જ હોય જો બંને એકબીજાને સારી રીતે સમજતા હોય. માત્ર સેક્સમાં સહકાર આપવાથી બધું સીધું ને સરળ નહીં થાય બહેન. સર્વાંગી નિરીક્ષણ કરો તમારી અને તેમની માનસિકતાનું. બંને વચ્ચે ક્યાં અડચણ છે તે મુદ્દાઓ નોંધી રાખો. તે માટે તમારા તરફથી શું આચરણ શક્ય છે જે તમારા સંબંધને તંદુરસ્ત કરી શકે, તે નક્કી કરો. આત્મવિશ્ર્લેષણ તમને મદદ કરશે. તમે આમાં તમારી કોઈ બહેનપણીની મદદ લઈ શકો જે તમને અને તમારા પતિને જાણતી હોય. સેક્સ અને ભાવના એક જ સિક્કાની બે બાજુ છે. મનમાં પતિ માટે ઘૃણા હશે તો સ્વાભાવિક છે તમે તેમની સાથે સેક્સ જેવી અંતર્મનને ખોલતી ક્રિયામાં સહકાર ના જ આપી શકો. માટે પહેલા તમારા મનને તૈયાર કરો પછી શરીર સહકાર આપશે. સુખી લગ્નજીવન માટે શુભેચ્છા.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov7sEaOwmsr4Hq08KZe7r54tJh6MN8FwWqR5tUtXrn1uA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment