Tuesday 30 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વૈષ્ણવજન તો તેને કહીએ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વૈષ્ણવજન તો તેને કહીએ...
ભવેન કચ્છી

 

 

'વિશ્વ યોગ દિન'ના સ્વિકારની જેમ 'વૈષ્ણવજન'ને યુનાઇટેડ નેશન્સે વિશ્વગાન તરીકે જાહેર કરવું જોઇએ

 

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી: નરસિંહ મહેતાનું ભજન ૧૪૦ દેશોના સંયુક્ત પ્રોજેક્ટથી લોંચ કરાયુ

 

ગાંધીજીનું અસ્પૃશ્યતા નિવારણ પ્રદાન, 'હરિજન' શબ્દ નરસિંહ મહેતાની દેન

 

વૈષ્ણવ જન તો તેને કહિયે

જે પીડ પરાઈ જાણે રે

પર દુ:ખે ઉપકાર કરે તો ય

મન અભિમાન ન આણે રે

સકળ લોકમાં સહુને વંદે

નિંદા ન કરે કેની રે

વાચ કાછ મન નિશ્છળ રાખે

ધન ધન જનની એની રે

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી

પરસ્ત્રી જેને માત રે

જિહ્વા થકી અસત્ય ન બોલે

પરધન નવ ઝાલે હાથ રે

મોહ, માયા વ્યાપે નહીં જેને

દ્રઢ વૈરાગ્ય જેના માંહે

રામ નામ શું તાલી રે લાગી

સકળ તીરથ તેના તનમાં રે

વણ લોભી ને કપટ રહિત છે

કામ ક્રોધ નિધાર્યા રે

ભણે નરસૈયો તેનું દર્શન કરતા

કુળ એકોતેર તાર્યા રૈ

 

ભજન ? એ તો ચોખલિયા- વેદિયા અને વૃદ્ધો ગાય અમે તો અંગ્રેજીમાં તત્ત્વજ્ઞાાન સમજાવતા બૌદ્ધિક પુસ્તકો કિન્ડલ પર વાંચીએ છીએ. ગ્લોબલ સેમિનાર વર્કશોપમાં ભાગ લઈએ અને યુ ટયુબ પર ગુરૂઓનું તત્ત્વદર્શન માણીએ તેવા તમામ સુજ્ઞા નાગરિકોના લાભાર્થે 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ભજનને હવે અંગ્રેજીમાં તેના અર્થ સાથે જાણીએ.

 

તમે જ કહેશો કે 'શું યાર આમાં તો સકળ બ્રહ્માંડ અને સંસારની તમામ ફિલસુફી ૨૦ પંક્તિઓમાં આવરી લેવાઈ છે. વાંચો અંગ્રેજી ભાષામાં ભજન અને પછી કહો કે છેક ૧૫મી સદીમાં તેના રચયિતા કવિ નરસિંહ મહેતાએ વિશ્વને રૂડું બનાવવા માટે આપણે કેવા સદ્ગુણો ધારણ કરવા જોઈએ તેનો જે રોડમેપ આપ્યો હતો તે પ્રત્યેક વીતતી સદી સાથે વધુ પ્રસ્તુત નથી જણાતો?

 

Call these people vaishnav (Loved by God) Who feel pain for others.

 

Help those who are in misery, But never let self- conceit enter their mind.

 

They respect the entire world. Do not disparage anyone, Keep their words, actions and thought pure. the mother of such soul is blessed.

 

They See all equality, renounce Craving, respect other women as their own mother,

 

Their tounge never utters false words.

 

Their hands never touch the wealth of others.

 

They do not succumb to worldly attachments, they are firmly detached from the mundane.

 

They are enticed by the name of the god.

 

All places of pilgrimage are embodied in them.

 

They have forsaken greed and deceit, They stay a far from lust and anger,

 

Narsi Says; I would be greatful to meet such a soul,

 

Whose virtue liberates their entire lineage.

 

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની વર્ષભરની ઉજવણીના ભાગરૂપે ગત ૨ ઓક્ટોબરના રોજ નવી દિલ્હીના ગાંધી સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગોટિરેઝ તેમજ વિશ્વના ૧૪૦ દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીમોટ કંટ્રોલનું બટન દબાવીને ઓડિયો વિડિયો પ્રેઝન્ટેશન જાયન્ટ સ્ક્રીન પર રજૂ કર્યું અને સમગ્ર ઓડિટોરિયમ તેમજ જ્યાં જ્યાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ થતું હતું તે સર્વે મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હવે તો તેની યુ ટયુબ પણ વાઇરલ બની ચૂકી છે.

 

આ પ્રેઝન્ટેશન હતું મહાત્મા ગાંધીજીના સૌથી મનપસંદ ભજન 'વૈષ્ણવજન તો તેને કહીએ'નું. વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રાલયને એવો વિચાર સ્ફૂયો કે ગાંધીજીના ગુણો તેના વિશ્વ માટેના સ્વપ્ન અને વ્યક્તિત્વને ઉજાગર કરવામાં તેના જે પ્રિય ભજનનો જ પ્રભાવ હતો તેનું જ વૈશ્વિક લોચિંગ કરીએ.

ગાંધી આશ્રમની પ્રાર્થના અને ભજનોમાં 'રઘુપતિ રાઘવ' અને 'વૈષ્ણવજન તો' અગ્ર આદર ધરાવતા હતાં. નરસિંહ મહેતા રચિત ભજન ગુજરાતીમાં છે તેથી એમ પણ કહી શકાય કે ગુજરાતી તરીકે મોદીને મહાત્મા ગાંધી ઉજવણી અને સ્વચ્છતા અભિયાનના  વૈશ્વિક કાર્યક્રમમાં 'વૈષ્ણવજન'ને જ જોડી દેવાનો વિચાર સ્ફૂર્યો હોય. વિશ્વના ૧૪૦ દેશોના મિશન ઇન્ડિયાના એકમો અને દુતાવાસને અગાઉથી જણાવી દેવાયું કે તમામના પ્રદાનની મદદથી 'વૈષ્ણવજન તો તેને કહીએ' ભજનનું ઓડિયો વિડિયો મોકલાવી આપો.

 

આખરે ૪૦ દેશોના કલાકારો, વાદ્યકારોની થોડી થોડી સેકંડો લઈ પાંચ મિનિટનું ભજન તૈયાર કરાયું આ સાથે શક્ય એટલા દેશોની ઓળખ સમાન ક્લિપિંગ્સ ઉમેરાઈ. બીજી રીતે કહીએ તો જે રીતે ભારતના જુદા જુદા રાજ્યો, ભાષાને અને તેના વિખ્યાત ગાયકો- વાદ્યકારોને લઈને 'મિલે સૂર મેરા તુમ્હારા' પ્રોજેક્ટ પાર પડાયો હતો અને ભારતની ઓળખના સંદર્ભમાં તે ઉત્કૃષ્ટ સર્જન તરીકે ચિરંજીવ બની ગયો છે બરાબર એ જ રીતે 'વૈષ્ણવ જન' ભજન વિશ્વના પ્રદાનકર્તા અને વિઝ્યુલ્સ લઈને તૈયાર થયું છે.

 

આર્મેનિયાથી અંગોલા, શ્રીલંકાથી સર્બિયા, ઇરાકથી આઇસલેન્ડ જેવા દેશોના ગાયકો અને વાદ્યકારોનું તેમાં પ્રદાન છે. આને 'ફ્યુઝન મેડલે વર્ઝન' પણ કહી શકાય.

 

ખરેખર તો આ ભજનનું વિશ્વ સમજી શકે તેવી અંગ્રેજી સહિતની ભાષમાં ભાવાનુવાદ કરાવીને યુનાઇટેડ નેશન્સે તેને તેનું વિશ્વગાન તરીકે લોંચ કરવું જોઈએ. જે રીતે વિશ્વ યોગ દિનની જાહેરાત કરાવી આપણી શુભભાવનાનો યુનોએ સ્વીકાર કર્યો છે તેમ 'વૈષ્ણવજન'માં એ તમામ તત્ત્વો અને દ્રષ્ટિ સમાવિષ્ટ છે જેના માટે વિશ્વના ટોચના દેશો, યુનાઇટેડ નેશન્શ જ નહીં વિશ્વનો ત્રસ્ત નાગરિક પણ ઝંખે છે. આથી જ તેનું અંગ્રેજી ભાષાંતર અત્રે રજૂ કર્યું છે.

 

ગાંધીજીની મહાત્મા ગાંધી બનવા સુધીની પ્રેરક યાત્રામાં જોન રસ્કીન લિખીત અન ટુ ધ લાસ્ટ પુસ્તક, લીઓ ટોલ્સરોય અને શ્રીમદ્ રાજચંદ્રના પ્રભાવને ઇતિહાસકારો યોગ્ય રીતે બહાર લાવ્યા છે પણ ખરેખર ગાંધીજીની નજરના આદર્શ વિશ્વ નાગરિક અને તેના થકી નિર્માણ પામતા વિશ્વના જે ખ્યાલો હતા તેને 'વૈષ્ણવજન'ના ભજનમાં કવિ નરસિંહ મહેતાએ વણી લીધા છે.

 

બીજા તો પ્રેરણા લે કે નહીં પણ ગાંધીજીએ પોતે તો માનવ માંથી મહામાનવ બનવાના ગુણો તેમનામાં જાણે આત્મસાત કરી લીધા હતા. આ ભજનમાં માનવીના અપેક્ષીત ગુણો જોઇએ તો (૧) અનુકંપા (પરાયાની પીડા બદલ દુ:ખ-કરૂણા) (૨) આટલા મોટા ગજાનું વિરાટ વ્યક્તિત્વ કે જેના એક એક અનુયાયીઓ પોતે આગવા મહાન પુરૂષો તરીકે ઇતિહાસમાં આદર પામ્યા તો પણ ગાંધીજીનાં મન-અભિમાનનો છાંટો નહતો (૩) વિશ્વ આખુ આ પોતડીધારીને નતમસ્તક વંદન કરતું હતું. છતા તે વિશ્વના આમ આદમીમાં પણ ઇશ્વરના દર્શન કરતા હતા.

 

(૪) તેમણે તેમના દેશ-વિદેશના ટીકાકારો, વ્યંગકારો, ગોરાઓ અને તેના પ્રખર તેજોદ્વેષી ચર્ચિલની પણ નિંદા નહોતી કરી - જીન્હાનીપણ નહીં (૫) સમદ્રષ્ટિ અને પોતડી હોય પછી તૃષ્ણા તો શાની ?(૬) પરધન, પરસ્ત્રી, અસત્યની તો તેમની દ્રષ્ટિ હોવાની કલ્પના કરીએ તો પણ આપણને પાપ લાગે (૭) વૈરાગ્યની તેમની સ્થિતિ કોઇપણ હિમાલયનાયોગી કરતા કમ નહોતી. તેમના સંતાનો અને ખુદ પત્ની કસ્તુરબાની પણ એ ફરિયાદ રહેતી કે ગાંધીજીએ પિતા અને પતિની ભૂમિકામાં મોહ-માયાનો સ્પર્શ જ ના કરવા દીધો. (૮) ભજનની બે પંક્તિમાં જણાવાયું છે તેમ તેમના જીવનમાં 'રામનામ'નાં મંત્રનો પ્રભાવ હતો તે ગાંધીજીએ લખ્યું છે.

 

(૯) મંદિરમાં નહતા જતા, તેમણે યાત્રાઓ પણ નથી કરી. નરસિંહ મહેતા લખે છે કે જો તમે આ ભજનમાં જણાવેલ ગુણો કેળવીને જીવન વ્યતીત કરશો તો તમારામાં જ જાણે તમામ સકલ તીરથનો વાસ છે તેમ સમજજો. ગાંધીજીએ ભજનને જ તેના સુક્ષ્મ અને સ્થૂળ તત્ત્વમાં ઘૂંટી દીધું તેમને વળી શું તીરથ અને જાત્રા (૧૦) ગાંધીજીએ આઝાદીની અહિંસક લડતમાં ક્યારેય છળ કપટનો સહારો બ્રિટિશરો જોડે નહતો લીધો. (૧૧) નરસિંહ મહેતા છેલ્લે કહે છે કે જો તમે આવા કોઈ આત્માને મળો તો સમજજો કે તે જ નહીં તેના તમામ વંશજો (અનુયાયીઓ) તરી જશે. સમાજમાં ઉજળા ઉમદા તરીકે યાદ રખાશે.

 

'વૈષ્ણવ જન' ભજનને માત્ર હોઠ વડે બીજા બધા ગાતા રહ્યા અને ગાંધીજીએ તેને હૃદયના ધબકાર અને શ્વાસ સાથે વણી લીધું. આટલા ગુણો ધારણ કરી વ્યક્તિ જે પણ કાર્ય હાથ ધરે તો વિશ્વ સ્તરે દીપી જ ઉઠે. વિશ્વના નાગરિકો, નેતાઓ, ધર્મગુરૂઓ, તમામને ૧૫મી સદીમાં લખાયેલું ભજન ૨૧મી તો શું ૨૫મી સદીમાં જૂનું એટલું સોનાની જેમ જીવનને નિખાર આપતુ મનભાવન લાગશે.

 

... અને હા... ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે એક બહોળા વર્ગની નારાજગી વહોરીને જે સામાજિક જાગૃતિ તેમજ લડત આપી તે પણ નરસિંહ મહેતાની જ પ્રેરણા હોઈ શકે કેમ કે નરસિંહ મહેતા ૧૫મી સદીમાં અસ્પૃશ્યોની વસ્તીમાં જઇને ભજનની જમાવટ કરતા હતા. તે વખતે તેમને ભદ્ર નાગરી નાતે નાત બહાર કર્યા હતા.

 

નરસિંહ મહેતા કહેતા કે કે કોઈ ઉંચ-નીચ નથી. જે હરિનું નામ લે તે બધા આપણે મન સરખા. ગાંધીજીએ 'હરિજન' શબ્દ પણ નરસિંહ મહેતાની પ્રેરણામળી જ મેળવ્યો ના હોઈ શકે ? બાય ધ વે... ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીની સાથે જ 'વૈષ્ણવ જન'ને જો મોદીજી આ હદે વૈશ્વિક પ્લેટફોર્મ પર લઇ ગયા તો પછી ભારત જેના ભજન થકી ગાંધીજીને આગળ કરીને ગૌરવ લે છે તેવા નરસિંહ મહેતાને વિશ્વ સમક્ષ મુકે તે જરૂરી છે.

 

જૂનાગઢ સ્થિત નરસિંહ મહેતાનાં ચોરાને પણઆ વર્ષ દરમ્યાન એવા સ્થાપત્યમાં પરિવર્તિત કરો કે દુનિયાને બતાવી શકાય કે 'જુઓ આ પ્રેરણારૂપ ભજનના રચયિતા કવિની આ ભૂમિ અને આ તેમનો ચોરો.' નરસિંહ મહેતાના ચોરાને વિશ્વ પર્યટક સ્થળ તરીકે બનાવવું જ રહ્યું. માત્ર નાગરી જ્ઞાતિના ગૌરવની વાત નથી પણ કેન્દ્ર સરકાર અને ગાંધીજીના વિચારના પ્રસાર માટે કાર્યરત સંસ્થાઓની જવાબદારી છે.

 

બંગાળ કે મહારાષ્ટ્રમાં નરસિંહ મહેતા હોત તો વૈશ્વિક 'હેરિટેજ સાઇટ' તરીકે પ્રસ્થાપિત કરવામાં સફળતા મેળવી હોત, ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ તેમના આત્માને પ્રસન્નતા બક્ષવા પણ નરસિંહ મહેતાના ચોરાનું નવનિર્માણ પૂર્ણ કરીએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsP-9Bs9PTpE%2Bf3H1HJb3y3KDfmThfzxwjafK1mRGHfkQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment