Saturday, 27 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લગ્ન: પતિ અને પત્નીને બદલે નવા શબ્દો શોધવા પડશે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લગ્ન : પતિ અને પત્નીને બદલે નવા શબ્દો શોધવા પડશે!
ચંદ્રકાંત બક્ષી

 


લગ્નની વ્યાખ્યા સૌથી સરળ હોય છે. એક સ્ત્રી અને એક પુરુષ જિંદગીભર સાથે રહે, અગ્નિની સાક્ષીએ લગ્ન કરે, અથવા મૌલવી પાસે નિકાહ પઢી લે, અથવા ફાધરની સામે 'આઈ ડૂ', 'આઈ ડૂ'ના શપથ લઈને એકબીજાને વીંટી પહેરાવી દે. બંનેને પૂછવામાં આવે, રજામંદી હોવી જોઈએ, અથવા સપ્તપદીના ફેરા હોવા જોઈએ, અથવા કોર્ટમાં સિવિલ મેરેજ કરી લેવામાં આવે (મેં સિવિલ મેરેજ કર્યું ત્યારે કોર્ટની ફી પાંચ રૂપિયા હતી અને બે સાક્ષીઓ ઉભયપક્ષે હાજર કરવાના હતા. આ 1957ની વાત છે. આજે શું ભાવ છે ખબર નથી!) આજે લગ્નવિધિ એક તમાશાથી ઉદ્યોગ સુધી ફેલાઈ ગઈ છે. આજના છોકરાઓ લગ્નની બાબતમાં પછાત અને રૂઢિચુસ્ત અને માવડિયા રહી ગયા છે, અમે ખરેખર રોમાંટિક અને ફોરવર્ડ અને મર્દાના હતા. લગ્નવિષયક જાહેરખબરો જોતાં સમજાય છે કે ગુજરાતી જવાન મુરતિયાઓ રંગદ્વેષમાં ખદબદી રહ્યા છે. ગોરા ચામડાની તલબ એક સનક બની ગઈ છે. આ છોકરાઓનાં જાડિયાંપાડિયાં પેટને થરથરતાં જોઈને લાગે કે લગ્ન પહેલાં જ એમના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો છે? 39 ઈંચનાં પેટ હલાવીહલાવીને રોમાંસ કેમ થઈ શકે?

 

દુનિયાની બધી જ પ્રજાઓમાં લગ્નવ્યવસ્થા છે. હિંદુસ્તાનમાં સંયુક્ત પરિવારો છે. રાજીવ ગાંધીને પરણીને ઈન્ડિયા આવનાર ઈટાલીયન સોનિયા મીનીઓએ શરૂમાં એક સરસ, મૌલિક પ્રતિભાવ આપ્યો હતો. હિંદુસ્તાનમાં સગાઈ કોની સાથે કરવી, કેમ કરવી, ક્યારે કરવી, લગ્ન કઈ રીતે કરવાં, હનિમૂન કરવા ક્યાં જવું, ક્યારે સંતાન થવું, કઈ હોસ્પિટલમાં પ્રસૂતિ કરવી, છોકરો જોઈએ કે છોકરી, એનું નામ શું પાડવું... આ બધું જ પરિવાર નક્કી કરે છે! તો પુરુષે કરવાનું શું? પરિવારના મુરબ્બીઓ સંતાન પેદા કરવા સિવાયનું બધું જ કરી આપે છે! પ્રજોત્પતિ માટે બિચારા પતિની જરૂર પડે છે અને લેબોરેટરીના ગિનિપીગની જેમ એણે એની ભૂમિકા ભજવવાની છે અને છોકરો પેદા કરવાનો છે (છોકરી નહીં)! પશ્ચિમના સ્વતંત્ર સમાજમાંથી આવનાર વ્યક્તિને માટે આપણાં ભાભુ અને મોટા બાપા અને મોટા કાકા અને અદા અને દાદાજી અને મોટી બા જે રીતે પરિવાર પર છવાઈ જાય છે એ સમજવું અઘરું છે. લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નહીં પણ બે પરિવારો વચ્ચે થાય છે.

 

યુરોપ એક થઈ ગયા પછી ત્યાં નવી નવી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. હવે કારણોમાં 'હસબન્ડ' કે 'વાઈફ' જેવા શબ્દો વપરાતા નથી. 'સ્પાઉઝ' વપરાતો હતો, એ હવે વપરાતો નથી. હવે જે શબ્દ વપરાય છે એ છે 'કમ્પેનિયન' અથવા સાથી! લગ્ન કર્યા વિના સાથે રહેવાની 'લીવ-ઈન' પ્રથા પશ્ચિમી સમાજે સ્વીકારી લીધી છે. પણ આ બાબતમાં અમદાવાદીઓ સૌથી આગળ છે. ત્યાં 'મૈત્રીકરાર' જૂના થઈ ગયા, પછી 'સેવાકરાર' આવી ગયા, અને સાંભળ્યું છે કે હવે 'સેક્સ-કરાર'ની દિશામાંથી પ્રકાશ આવી રહ્યો છે!

 

યુરોપમાં આજે પ્રશ્ન એ પુછાય છે કે જો એક બેલ્જિયન એક સ્વિડને પરણે અને બંને ઈટલીમાં રહેતાં હોય તો ડિવૉર્સ ક્યાં લે? આપણા દેશમાં આપણે 'ક્રોસ-બૉર્ડર ટેરરિઝમ'ની ચિંતા કરતા રહીએ છીએ. યુરોપમાં આજે 'ક્રોસ-બૉર્ડર મેરેજ'ની ચિંતા અગ્રસ્થાને છે! ફિનલેન્ડમાં પ્રથમ 6 માસમાં વિવાહવિચ્છેદ થાય તો કોઈ પ્રશ્નો પુછાતા નથી, એ મળી જાય છે. ઇંગ્લંડમાં કાનૂન પાંચ વર્ષની અવધિ મૂકે છે. બેલ્જિયમમાં કોર્ટના ઑફિસર આરોપીના ખાટલાની તપાસ કરે છે, સાબિતી માટે, અને પછી જ ડિવૉર્સ અપાય છે! ઘણાખરા યુરોપિય દેશોમાં લગ્ન પહેલાંની સંપત્તિ એ વ્યક્તિની ગણાય છે અને લગ્ન પછી પ્રાપ્ત કરેલી સંપત્તિ 50:50ના હિસ્સામાં વહેંચાય છે. ઘણા દેશોમાં લગ્ન પહેલાં બંનેએ પોતપોતાની સંપત્તિ લગ્નના કરારનામામાં જાહેર કરવી પડે છે. નેધરલેન્ડમાં પાંચ વર્ષની અંદર જો ડિવોર્સ થાય તો એટલાં જ વર્ષો પૂરતું ભરણપોષણ આપવાનું રહે છે. બેલ્જિયમમાં જો દુશ્ચરિત્ર સાબિત થાય તો ભરણપોષણનો અધિકાર રહેતો નથી.

 

ઈંગ્લેન્ડમાં સ્પષ્ટ સલાહ અપાય છે કે જો તમે 'લવ'ની બાબતમાં ચોક્કસ હો તો જ ઘર ખરીદજો, નહીં તો લંડનમાં ભાડે રહેવામાં જ ડહાપણ છે. જો બાળકો હોય તો બાળકો જેની સાથે રહેવું પસંદ કરે છે એને ઘર મળે છે. જો બાળકો ન હોય અને લગ્ન 10 વર્ષથી વધારે ટકી ગયું હોય તો 50:50 પ્રમાણે ભાગ પાડી લેવાના હોય છે. ઇંગ્લંડમાં ઘણાંખરાં નિવાસો હાયર-પરચેઝ અથવા મોરગેજ પર હોય છે અને એ પછી ડિવૉર્સ થાય ત્યારે ખરેખર સમસ્યા ઊભી થતી હોય છે. ઈંગ્લંડમાં ડિવૉર્સ દર 15.9 ટકા છે, જે યુરોપનો સૌથી વધારે દર છે અને લંડનમાં 22.9 ટકા લગ્નો ડિવૉર્સમાં પરિણમે છે, જે ઈંગ્લેન્ડના કોઈ પણ શહેર કરતાં વધારે છે! કહેવાય છે કે લંડનમાં દર પાંચ લગ્ને એક લગ્ન તૂટી જાય છે. હવે ઈંગ્લેન્ડ અને અમેરિકામાં નવાં એપાર્ટમેન્ટ કે ઘરો એ રીતે જ બંધાવાં શરૂ થયાં છે કે જો ડિવૉર્સ થાય તો બંને જણ ઘરની વચ્ચેથી બે ભાગ પાડી શકે કે જેથી બંનેને બધી જ સગવડ મળી શકે! ઠંડીથી બચવા માટે હવે સૂર્યની પરિક્રમા પ્રમાણે, સૂરજમુખી ફૂલની જેમ, એ દિશામાં ફરતાં રહે એવાં ઘરો પણ બનવા માંડ્યાં છે અને ઈંગ્લેન્ડમાં આ વિચાર ઑસ્ટ્રીઆથી આવ્યો છે.

 

જગતમાં દરેક પ્રમુખ જાતિની લગ્નપ્રથામાં પોતાની કંઈક વિશેષતા હોય છે. જર્મનીમાં રિવાજ છે કે દુલ્હનના ઘરની સામે કાચની ડિશો ફોડવામાં આવે છે. માન્યતા એવી છે કે અવાજને લીધે દુષ્ટાત્માઓ ભાગી જાય પછી દુલ્હન આ બધું વાળી નાંખે છે, કે જેથી નવું ઘર શુકનવંતું થાય. ઇટલીમાં પાંજરામાંથી કબૂતર છોડવામાં આવે છે. મલેશિયામાં ઘરના વડીલ દુલ્હનના વાળ ચાર વખત ઓળે છે અને એવું મનાય છે કે એનાથી આ લગ્ન પર ચાર આશીર્વાદો ઊતરે છે : સુમેળ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સહિષ્ણુતા! ઈજિપ્તમાં બરાતની આગળ 'ઝૂફ્ફા' નામના ગાયકો ચાલે છે, જે દુલ્હનનું સૌંદર્ય અને દુલ્હાની સમૃદ્ધિનું વર્ણન કરતા રહે છે. કેનિયાના મસાઈ જનજાતિના લગ્નને દિવસે દુલ્હનના માથાનું મુંડન કરી નાંખવામાં આવે છે, નવી જિંદગીમાં પ્રવેશરૂપે, જાપાનમાં લગ્નવિધિ સમયે ધર્મગુરુ દુલ્હા અને દુલ્હનના માથા પરથી એક નાનો છોડ હલાવે છે, જેનાથી એ બંને પવિત્ર અને સ્વચ્છ બને છે. ઈન્ડોનેશિયામાં લગ્નને દિવસે દુલ્હન માથું ઢાંકે છે કે જેથી દુષ્ટાત્માઓની અસર ન પડે. મોરોક્કોમાં દુલ્હન લગ્નને દિવસે પાંચ-છ વખત ગાઉન બદલાવતી રહે છે. ઈરાનમાં લગ્નને દિવસે દુલ્હા અને દુલ્હન બંને સફેદ વસ્ત્રો પહેરે છે, જે શુચિતા, નિર્દોષતા અને વિશ્વસનીયતાનાં પ્રતીકો છે. દુલ્હો અને એનો પરિવાર ફૂલો, મીઠાઈઓ, ઝવેરાત વગેરે લઈને દુલ્હનને ઘેર જાય છે. ચેક રિપબ્લિકમાં બહેમિયા આવેલું છે. અહીં દુલ્હન પહેલીવાર દુલ્હાના ઘરમાં પ્રવેશતાં જ ત્યાં પડેલા ઝાડુથી એ રૂમ બહુ જ ઝડપથી વાળે છે, એ દર્શાવવા કે એ બહુ સરસ ગૃહિણી બની શકે છે. ઑસ્ટ્રીઆમાં દુલ્હન નાચતી રહે છે, એના માથા પર મૂકેલો તાજ પડી જાય ત્યાં સુધી, અને પછી એના માથા પર પત્નીની ટોપી મૂકવામાં આવે છે, હવે એ પરિણીતા બને છે. ફિલિપીન્સમાં દુલ્હો દુલ્હનને ધર્મગુરુએ આશીર્વાદ આપેલા 13 સિક્કાઓ આપે છે.

 

લગ્નનો આશય જગતભરમાં એક જ હોય છે, માત્ર પ્રજાઓમાં વિધિવિધાન જુદાં હોય છે - પણ નવી હવા ફૂંકાઈ રહી છે. એક એવો દિવસ પણ આવી રહ્યો છે જ્યારે 'પતિ' અને 'પત્ની' જેવા શબ્દોને બદલે આપણે બીજા પર્યાયો શોધવા પડશે...!

 

ક્લૉઝ અપ:-
મારો શ્વાસ અટકી રહ્યો હતો. હું હાંફતી હતી. હું રડતી હતી, એના તરફ ચીસ પાડી રહી હતી. 'શું બોલી રહ્યો છે તું? તું કેમ મને જુઠ્ઠું બોલે છે?' (હિલેરી ક્લિન્ટન, પતિ બિલ ક્લિન્ટનને)

- હિલેરી ક્લિન્ટન, 2003માં પ્રકટ થયેલી એમની જીવનકથામાંથી

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuVk2n5jqYDEk6nZGg%3D9XtJq-33zYUf5XOLnNrYVAENJQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment