Monday, 29 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પાર્કિન્સન્સના દરદીઓ માટે કસરત (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાર્કિન્સન્સના દરદીઓ માટે રોજ અડધા કલાકની કસરત ઘણી જ ફાયદાકારક સાબિત થાય છે!
જિગીષા જૈન

 

હાલમાં એક રિસર્ચે આ સાબિત કર્યું છે. આ એક્સરસાઇઝ સામાન્ય લોકો કરે એવી એક્સરસાઇઝ હોતી નથી. રોગીનાં ચિહ્નો, તેની મોબિલિટી અને તેની ઉંમર મુજબ તેણે કઈ એક્સરસાઇઝ કરવી એ નક્કી થાય છે. વળી જે દરદી ઍક્ટિવ હોય અને મોબિલિટીનો પ્રૉબ્લેમ દવાને લીધે હોય જ નહીં કે ઓછો હોય એવી વ્યક્તિ જ કસરત કરી શકે છે. ઍરોબિક્સ આ દરદીઓને ઘણું લાભદાયી સાબિત થાય છે

નિયમિત એક્સરસાઇઝ વ્યક્તિને ઘણા રોગોથી દૂર રાખે છે અને જે રોગી છે કે જેમને રોગ થઈ જ ગયો છે તેમણે પણ એક્સરસાઇઝ કરવી જ જોઈએ, કારણ કે આ એક્સરસાઇઝ તેમના રોગને કાબૂમાં રાખવા માટે મદદરૂપ બને છે. આ નિયમ દરેક રોગમાં લાગુ પડે છે પછી એ મગજના રોગો પણ કેમ ન હોય. મોટી ઉંમરે આવતો મગજનો રોગ, જે થવા પાછળનું કારણ ફક્ત વ્યક્તિની વધતી ઉંમર જ છે એ છે પાર્કિન્સન્સ ડિસીઝ. ભારતમાં પચાસ વર્ષથી ઉપરના લોકોમાં એક ટકા વ્યક્તિઓને પાર્કિન્સન્સ ડિસીઝ થાય છે. આ રોગમાં વીસ પેશન્ટે એક પેશન્ટ ૪૦ વર્ષની ઉંમરનો હોય છે. આમ નાની ઉંમરે પણ આ રોગ થઈ શકે છે. આ રોગ સાથે જીવવું ઘણું જ કપરું છે. જોકે આ રોગનો ઇલાજ છે આપણી પાસે; પરંતુ એ ઇલાજ દ્વારા એનાં લક્ષણોને કાબૂમાં લઈ શકાય છે, રોગને મટાડી શકાતો નથી. મોટી ઉંમરે વ્યક્તિનું જીવન ખૂબ જ અઘરું બનાવી દેતા, દરદીને પરાવલંબી બનાવી દેતા આ રોગના ઇલાજમાં એક મહત્વનો ભાગ એક્સરસાઇઝનો છે એવું હાલમાં પ્રકાશિત એક રિસર્ચનું માનવું છે. આજે જાણીએ પાર્કિન્સન્સના દરદીઓને કયા પ્રકારની એક્સરસાઇઝ કઈ રીતે કામ લાગે છે.

રોગ અને એનાં લક્ષણો
પાર્કિન્સન્સ અને એના ઇલાજ વિશે જાણતાં પહેલાં આ રોગ અને એનાં લક્ષણો વિશે જાણી લઈએ. પાર્કિન્સન્સ મગજને લગતી બીમારી છે. મગજના સંદેશાવાહકનું કામ કરતા ન્યુરો ટ્રાન્સમીટર્સ જ્યારે ૮૦ ટકા જેટલા ખામીયુક્ત બને ત્યારે પાર્કિન્સન્સ ડિસીઝનાં લક્ષણો દેખાવાનું શરૂ થઈ જાય છે. વળી ઉંમરની સાથે-સાથે એ વધતાં જાય છે. પાર્કિન્સન્સનાં શરૂઆતી લક્ષણો બધા જ દરદીઓમાં જુદાં-જુદાં હોય છે. એ વિશે જણાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ અને મૂવમેન્ટ ડિસઑર્ડર એક્સપર્ટ ડૉ. મોહિત ભટ્ટ કહે છે, 'હાથ-પગમાં ધ્રુજારી આવવી. ખાસ કરીને આ લક્ષણ જ્યારે હાથ-પગ સ્થિર હોય ત્યારે વધુ અનુભવી શકાય છે. આ ઉપરાંત હાથ-પગ અને શરીરનું હલનચલન ખૂબ ધીમું થઈ જાય છે. નાનાં-નાનાં પગલાં ભરીને તેઓ ચાલે છે. મોટા ભાગે વ્યક્તિ પોતાનું બૅલૅન્સ ગુમાવી બેસે છે. ચાલવામાં જ નહીં, બેસવામાં પણ એવું થઈ શકે છે. સ્નાયુઓ જકડાઈ જાય છે, જેથી કોઈ પણ કામ કરવામાં જરૂર કરતાં વધુ સમય લાગે છે. શરીરનું પૉશ્ચર બદલાઈ જાય છે સાથે-સાથે શરીરની સહજપણે ચાલતી પ્રક્રિયા જેમ કે ચાલતાં-ચાલતાં હાથ હલવા, અવાજ એકદમ સૉફ્ટ થઈ જવો, આંખો પટપટાવવી, હસવું વગેરે પણ બંધ થઈ જાય છે. આવા લોકોનો ચહેરો એકદમ એક્સપ્રેશન વગરનો હોય છે, જાણે કે માસ્ક પહેર્યો હોય.'

રિસર્ચ - દરરોજ અડધો કલાક
હાલમાં જર્નલ ઑફ પાર્કિન્સન્સ ડિસીઝમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર પાર્કિન્સન્સના દરદી જો અઠવાડિયામાં અઢી કલાક એટલે કે દરરોજનો અડધો કલાક પણ એક્સરસાઇઝ કરે તો તેમનાં ચિહ્નોમાં જરૂર ફરક પડે છે. ખાસ કરીને તેમની ક્વૉલિટી ઑફ લાઇફ ઇમ્પ્રૂવ થાય છે અને હલનચલનમાં સરળતા રહે છે. પાર્કિન્સન્સ એક પ્રોગ્રેસિવ ડિસીઝ છે. એટલે કે ઉંમર સાથે એની તીવ્રતા વધતી જાય છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે એક્સરસાઇઝ દ્વારા આ તીવ્રતાને ઓછી કરી શકાય છે. ૩૪૦૦ પાર્કિન્સન્સના દરદીઓને લઈને થયેલા આ રિસર્ચમાં તેમને બે વર્ષ સુધી ઑબ્ઝર્વ કરવામાં આવ્યા હતા. એમાંથી જે દરદીઓ એક્સરસાઇઝ કરતા હતા તેમના રોગનું પ્રોગ્રેશન જે એક્સરસાઇઝ નહોતા કરતા તેમની સરખામણીમાં ધીમું થયું હતું. જોકે સંશોધકોએ કયા પ્રકારની એક્સરસાઇઝ બેસ્ટ છે એવું આ રિસર્ચમાં જણાવ્યું નહોતું, પરંતુ એટલી ખબર ચોક્કસ પડી હતી કે મિનિમમ અડધો કલાકની દરરોજની એક્સરસાઇઝ દ્વારા ઘણું સારું પરિણામ પ્રાપ્ત થયું હતું.

એક્સરસાઇઝનું મહત્વ
પાર્કિન્સન્સના દરદીઓ માટે જે પ્રૉબ્લેમ સૌથી વધુ નડતરરૂપ લાગે છે એ છે તેમનો હલનચલનનો પ્રૉબ્લેમ. પાર્કિન્સન્સના દરદીઓના શરીરમાં સ્નાયુઓ ખૂબ જકડાયેલા હોય છે. એક જગ્યાએ એક પોઝિશનમાં આવ્યા પછી જ્યારે તેમને પોઝિશન બદલાવવાની હોય છે ત્યારે તેમના માટે ઘણું અઘરું પડી જતું હોય છે. એટલે જો એક્સરસાઇઝ કરવામાં આવે તો તેમના સ્નાયુઓમાં સ્થિતિસ્થાપકતા વધે અને તેમનું મગજ સાથેનું કનેક્શન પણ સ્થાપિત થાય તો વધુ ફાયદાકારક બને. આ વિશે સમજાવતાં સાયન હૉસ્પિટલના અસિસ્ટન્ટ પ્રોફેસર અને લ્ય્સ્ હોસ્પિટલ, ગોરેગામના ન્યુરોસર્જ્યન ડૉ. પ્રસન્ન પાટણકર કહે છે, 'એ હકીકત છે કે એક્સરસાઇઝ પાર્કિન્સન્સના દરદીઓને ઘણી મદદરૂપ થઈ શકે છે. પરંતુ એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે આ એક્સરસાઇઝ એ દરદીઓ જ કરી શકે છે જેમને દવાઓથી ફરક હોય અને જેમની મોબિલિટી દવાને લીધે સારી હોય અને હલનચલન વ્યવસ્થિત કરી શકતા હોય. જે દરદીઓને દવા લેવા છતાં અસર ન હોય અને તેમની મોબિલિટી ખરાબ હોય તો તેમણે એક્સરસાઇઝ કરવી ન જોઈએ. આમ ઇલાજમાં દવા પહેલાં અને બીજા નંબરે એક્સરસાઇઝ આવે. એક્સરસાઇઝથી ચોક્કસ ફરક પડે અને વ્યક્તિની હાલત સુધરે એમાં ના નહીં, પરંતુ એક્સરસાઇઝ દરદી તો જ કરી શકે જો તે દવા લેતો હોય અને એને કારણે તે ઍક્ટિવ રહી શકતો હોય.'

કયા પ્રકારની એક્સરસાઇઝ?
ઘણા પાર્કિન્સન્સના દરદીઓ એવા છે જેમને દર બે-ત્રણ કલાકમાં દવા લેવી પડે છે તેઓ એક્સરસાઇઝ કરી શકતા નથી. જેમને દિવસમાં બે કે ત્રણ વાર દવા લેવાની હોય છે તેઓ જ એક્સરસાઇઝ કરી શકે છે. પરંતુ આ એક્સરસાઇઝ કયા પ્રકારની હોય છે? આ પ્રશ્નનો જવાબ આપતા ડૉ. પ્રસન્ન પાટણકર કહે છે, 'એક જ અંગ કે એક જ સ્નાયુને અસર થાય એવી એક્સરસાઇઝ પાર્કિન્સન્સના દરદીને કામ લાગતી નથી. તેમના માટે જરૂરી છે કે એકથી વધુ સ્નાયુઓ એમાં કામે લાગે અને એકસાથે ઘણી ઍક્ટિવિટી માગજે કરવી પડે. વળી એક્સરસાઇઝ સતત બદલાતી રહે એ પણ આ દરદીઓ માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે ઍરોબિક્સ એક્સરસાઇઝ કે ડાન્સિંગ, જેમાં એકસાથે ઘણીબધી મૂવમેન્ટ હોય અને થોડી-થોડી વારે એ બદલાતી રહે. જો દરદી ખૂબ મોટી ઉંમરનો છે અને આ એક્સરસાઇઝ તે નથી કરી શકતો તો તેને એ કરી શકે એવી, પરંતુ એકથી વધુ સ્નાયુઓ કામ કરતા હોય એવી જ એક્સરસાઇઝ દેવી જોઈએ. જેમ કે દરદી ફક્ત વૉક કરી શકે છે તો વૉકની સાથે-સાથે તેને કહેવાનું કે હાથ પણ હલાવતા રહે.'

ધ્યાનમાં રાખો

૧. દરેક દરદીએ એક્સરસાઇઝનો પ્રકાર, એની તીવ્રતા અને એની જરૂરિયાત બદલતી જાય છે. જેમ કે એક દરદીને સ્પીચનો પ્રૉબ્લેમ છે તો તેને બોલવાની એક્સરસાઇઝ કરાવવી જરૂરી છે. કોઈ વ્યક્તિને નાની-નાની મૂવમેન્ટની તકલીફ હોય તો તેને લખવાની એક્સરસાઇઝ કરાવવામાં આવે છે, જેમાં દરદી પાસે મોટી સાઇઝના અક્ષરોમાં લખાવવામાં આવે છે. એને લીધે એની આંગળી જ નહીં, સંપૂર્ણ હાથની એક્સરસાઇઝ થાય.   

૨. આ એક્સરસાઇઝ દરદી પોતાની રીતે નથી કરી શકતો, તેને કોઈ નિષ્ણાતની મદદ ચોક્કસ જોઈશે; જે દરદી માટે શું યોગ્ય છે કે નથી એ રીતે તેને એક્સરસાઇઝ કરવાનું કહે.

૩. દરદીએ એક્સરસાઇઝ કરવી જોઈએ કે નહીં એનો નિર્ણય ડૉક્ટર જ લઈ શકે છે.

૪. આપણે ત્યાં પાર્કિન્સન્સ સોસાયટીઝ છે, જે આ દરદીઓએ જ બનાવેલી છે. ત્યાં આ પ્રકારની એક્સરસાઇઝ થતી હોય છે. આ સિવાય સ્પેશ્યલ ફિઝિયોથેરપિસ્ટ, જે ન્યુરોરીહૅબ સેન્ટરમાં કામ કરતા હોય કે એની ટ્રેઇનિંગ લીધી હોય તેમની પણ મદદ લઈ શકાય છે. જોકે વિદેશોના પ્રમાણમાં આપણે ત્યાં ન્યુરો રીહૅબ સેન્ટર્સ ઘણાં ઓછાં છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuKi8ZRAFotiGZON-hf%3DruwZtu8-iNERz0SaU3orQTe3Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment