Wednesday 31 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિદ્યાનું ઘટતું જતું પ્રભુત્વ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિદ્યાનું ઘટતું જતું પ્રભુત્વ!
કેલિડોસ્કોપ :- મોહમ્મદ માંકડ

 

 

પ્રાચીન ભારતમાં તાંત્રિક વિદ્યાનો દુરુપયોગ કરનાર એક જાદુગર કોકકાસ વિશેની કૃતિ, મૂળ અંગ્રેજીમાં લખાયેલી અને અધૂરી છોડી દેવાયેલી કૃતિ છે. એમાંનાં બે અગત્યનાં પાત્રો, મહાવિદ્વાન વિદ્યાપતિ અને એના હોશિયાર, ચાલાક પુત્ર રુદ્ર વચ્ચેની વાતચીત વિશે અહીં થોડું લખું છું.

 

રુદ્રને ગમે તેમ કરીને ધનવાન થવું છે – જલદી ધનવાન થવું છે. પરિણામે એ કોકકાસની જાળમાં ફસાય છે. વિદ્યાપતિ પોતાના પુત્રને વિદ્વાન બનાવવા ઈચ્છે છે. એમની વાતચીત આ પ્રમાણે છે.

 

:પિતાજી મારો મિત્ર વિક્રમ કહે છે કે બ્રાહ્મણો ભીખ ઉપર જીવે છે. એ બધા ભિખારી છે.:
પુત્રની વાત સાંભળીને વિદ્યાપતિને થોડો આઘાત લાગ્યો. તેમણે પૂછયું, :તારો એ મિત્ર શાળાએ જાય છે?:
:ના રે, એના પિતા ખેતી કરે છે. એ તો ખેતરે જાય છે.:
:તો એની વાત ન માનીશ બેટા, બ્રાહ્મણો ભીખ નથી માગતા, રાજા મહારાજાઓ એમનું સન્માન કરે છે.:
:પછી એમને પૈસા આપે છે બરાબરને?:
:હા, પણ એ પૈસા એમને ભિખારી ગણીને નથી આપતા.:
:જો કોઈ બ્રાહ્મણ રાજા પાસે ન જાય તો?:
:તો રાજા પોતે વિદ્વાન પાસે જાય છે.:
:કેમ રાજાને એ વિદ્વાનની ગરજ હોય છે?:
:રાજાઓ હંમેશાં વિદ્વાનોનું સન્માન કરે છે.:
:વિક્રમ કહે છે કે ખેડૂત પૈસા કમાય છે. બ્રાહ્મણો પૈસા કમાતા નથી. મજૂર પણ પૈસા કમાય છે. બ્રાહ્મણો પૈસા કમાતા નથી કારણ કે તેઓ એ કમાઈ શક્તા નથી. બ્રાહ્મણના દીકરાઓ પાઠશાળામાં જાય છે અને શ્લોકો શીખે છે. રાજાઓ કે ધનવાનો પાસે જઈને શ્લોકો બોલીને એમના વખાણ કરે છે. અને રાજાઓએ આપેલા દાન ઉપર જીવે છે.:
:બેટા, કોઈ વિદ્વાન બ્રાહ્મણ દાન લેવા જતા નથી.:
:જે લોકો રાજાઓ કે ધનવાનો પાસે નથી જતા એ લોકો પાઠશાળા શરૂ કરે છે અને છોકરાઓને શ્લોક શીખવે છે.:
:એમાં ખોટું શું છે?:
:પાઠશાળા ચલાવનારાઓને પણ ખાવું તો પડે જ છે ને? એના માટેના પૈસા કયાંથી આવે છે?:
:સમાજના ડાહ્યા માણસો એ આપે છે.:
રુદ્ર હસે છે, :એનો અર્થ એ કે બ્રાહ્મણ હંમેશાં બીજાનો ઓશિયાળો રહે છે.:
:બ્રાહ્મણો ક્યારેય કોઈના ઓશિયાળા નથી હોતા. વિદ્યા મેળવવી અને વિદ્યા આપવી એ બ્રાહ્મણોનું કામ છે. બ્રાહ્મણો ન હોય તો સમાજમાં અજ્ઞાન વ્યાપી જાય.:
:પણ વિદ્યાથી પૈસા મળી શકે ખરા?:
:બેટા, વિદ્યા પોતે જ ધન છે. એ જ સાચું ધન છે. એ એવું ધન છે કે જેને જમીનમાં દાટવું નથી પડતું કે છુપાવવું નથી પડતું. એ એવું ધન છે કે જેને ચોર ચોરી નથી શક્તા કે લૂંટારાઓ લૂંટી નથી શક્તા.:
રુદ્રને હસવાની ઈચ્છા થઈ, પણ પિતાના ડરને કારણે એ હસી શક્યો નહિ. બહુ અદબથી એ બોલ્યો, :પિતાજી જેના પૈસા ન ઉપજે એને ચોર લૂંટારાઓ ચોરીને કે લૂંટીને કરે પણ શું?:
:બેટા, તું આખી વાતને ખોટી રીતે સમજે છે. તેં સિકંદરનું નામ સાંભળ્યું છે?:
:હા, લોકો એને મહાન સિકંદર કહે છે.:
:એ મહાન સિકંદર એના ગુરુ અરસ્તુ (એરિસ્ટોટલ)ને નમન કરતો હતો.:
:કેમ એના ગુરુ પાસે કોઈ જાદુઈ શક્તિ હતી? એ સોનું બનાવી શક્તા હતા?:
:ના, એમની પાસે એવી કોઈ શક્તિ નહોતી.:
:મારા મિત્રો કહે છે કે ઘણાં કીમિયાગરો (એલ્કેમિસ્ટ) તાંબામાંથી સોનું બનાવી શકે છે.:
:ખરેખર તો એવો કીમિયાગર તો ભાગ્યે જ કોઈ હોય છે અને અરસ્તુ એવા કીમિયાગર નહોતા. પરંતુ બીજી રીતે તેઓ બહુ મોટો કીમિયો કરી શક્તા હતા.:
:શું?:
:એ સામાન્ય માણસને અસામાન્ય માણસ બનાવી શક્તા હતા. એટલે તો સિકંદરના પિતાએ એને અરસ્તુ પાસે મોકલ્યો હતો.:
:પરંતુ અરસ્તુને ખાવા-પીવા માટે તો સિકંદર ઉપર જ આધાર રાખવો પડતો હતો ને?:
:બેટા, વિદ્યાવાનને કોઈના ઉપર આધાર રાખવો નથી પડતો. લોકોને વિદ્યાવાન ઉપર આધાર રાખવો પડે છે. તું બ્રાહ્મણનો દીકરો છે. વિદ્યાનું મહત્ત્વ તું નહીં સમજે તો શું ખેડૂત કે વેપારીનો દીકરો સમજશે? ભગવાન રામ અને કૃષ્ણને પણ વિદ્યા મેળવવા ગુરુ પાસે જવું પડતું. પાંડવો તો ઠીક કૌરવો પણ ગુરુ દ્રોણનું સન્માન કરતા હતા.:
:પિતાજી આપની વાત સાચી છે,: રુદ્રએ નમ્રતાથી કહ્યું. એ બહુ ચાલાક હતો. વધારે દલીલ કરવાથી પિતાજી નારાજ થશે એમ માની એણે પિતાની વાત સ્વીકારી લીધી, પરંતુ એની નજર સામે તો સોનું રૂપું જ ચમક્તાં રહ્યાં.

વિદ્યાપતિ અને એમના પુત્ર રુદ્ર વચ્ચેની વાતચીત તો સદીઓ પહેલાની છે. અને સદીઓથી લક્ષ્મી અને સરસ્વતિનો વાસ સાથે ન હોવાનું કહેવાતું આવ્યું છે. મહાભારતમાં પણ યુદ્ધિષ્ઠિર કહે છે કે, 'તમામ પ્રકારના ધનમાં જ્ઞાન શ્રેષ્ઠ છે.' અને આગળ કહે છે કે, 'તત્ત્વનું જ્ઞાન એ જ જ્ઞાન.' વિદ્યાની તરફેણમાં ઘણી દલીલો-વાતો થતી રહી છે પણ સામાન્ય માણસનો ઝુકાવ તો ધન તરફ જ વિશેષ રહ્યો છે. વિદ્યાની વાતો કરનારાઓ પણ છેવટે તો વિદ્યા વેચીને ધનની પ્રાપ્તિ માટે જ તલસતા હોય છે. આજે ટેકનોલોજી અસાધારણ વિકસી છે, એ વિદ્યા છે. પરંતુ આખરે તો એ વિદ્યામાંથી લક્ષ્મી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એની વેતરણમાં જ એના જ્ઞાનીઓ હોય છે.

આજે પણ સાચું ધન તો ધરતી અને સાગર જ પેદા કરે છે. જંગલો તથા અનેક પ્રકારનાં ખનીજ અને ખનીજ તેલ આજની સાચી મૂડી છે. પણ એના ઉપર સરકારો અને ઉદ્યોગપતિઓનો કબજો છે. લોકોએ તો સોનારૂપાનાં સપનાઓથી સંતોષ માનવો પડે છે.
આજે ખેડૂતનો દીકરો ખેતીના વિષયમાં ગ્રેજ્યુએટ થયા પછી પણ ખેતી કરવાના બદલે નોકરી કરવાનું પસંદ કરે છે. ખેડૂતોના તો આપઘાત કરવાના સમાચારો આવતા રહે છે.

આજનો યુવાન સખત મહેનત કરે છે. આંખો ફાડીને વાંચે છે, પણ વિદ્યા મેળવવા માટે નહિ, પૈસા મેળવવા માટે અને એ માટે એણે સરકારમાં કે લોકોના પૈસે જ ચાલતી કોઈ મોટી કંપની કે ઉદ્યોગગૃહોમાં નોકરી કરવી પડે છે.

અને હવે, ધન પ્રાપ્ત કરવા માટે રાજકર્તાઓ કે બેન્ક અધિકારીઓ સાથેની સાંઠગાંઠ જેવાં બીજા અનેક રસ્તાઓ ખૂલી ગયા છે, ત્યારે વધુ ભણીને ડિગ્રીઓ મેળવવાની કડાકૂટમાં પડવાના બદલે ધન હોય તો ડિગ્રીધારીઓની સેવાનો, વિદ્યાનો ઉપયોગ કરીને, ઉપયોગ જ નહિ દુરુપયોગ કરીને વધુ ને વધુ ધન મેળવી શકાય છે એટલે સ્વાભાવિક રીતે જ વિદ્યાનું મહત્ત્વ ઘટતું જાય છે.

આજે ચારે તરફ પૈસાનું માન છે. અને પૈસાથી પૈસા કમાવાનું સરળ બનતું જાય છે. એટલે વિદ્યાનું-વિદ્યાવાનનું માન ઘટતું જાય છે. લાગે છે કે, મહાવિદ્વાન વિદ્યાપતિ અને એના પુત્ર રુદ્રની દલીલોમાં રુદ્ર નવી પેઢીનું પ્રતીક બની રહ્યો છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov%2BwB64JUqJ0E%2BcF4UsmjbZXOnxoZ0LHaH-xxwZgb-UfQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment