Saturday, 24 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શહાદતની ક્રૂર મજાક (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શહાદતની ક્રૂર મજાક!
યુદ્ધ કેસરી-પ્રફુલ શાહ

 

 

કારગિલનાં યુદ્ધમાં દેશ માટે લડીને ઘાયલ થયેલા અને નોકરીમાંથી નિવૃત્ત કરી દેવાયેલાં લાન્સનાયક સતબીર સિંહ શરીરમાં કારતૂસો અને દિલમાં આગ સાથે જીવે છે. દિલ્હી નજીકના ગામમાં જીવન-નિર્વાહ માટે રેકડી પર જ્યૂસ વેચે છે અને લોકોના એઠાં ગ્લાસ ધુએ છે! શું કામ ? કારણ કે સરકારે વચન મુજબનું એમને કંઇ જ ન આપ્યું. પેન્શનની રકમ સારવારમાં ખર્ચાઇ જાય. દીકરાએ ભણવાનું છોડી દેવું પડ્યું. આજેય સરકાર તરફથી મળવું જોઇતું વળતર મળ્યું નથી. એ માટેની અરજીની ફાઇલ્સ પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ, પ્રેસિડન્ટ ઑફિસ અને ડિફેન્સ મિનિસ્ટ્રીની ઑફિસમાં ધૂળ ખાઇ રહી છે. લગભગ બે દાયકાથી કોઇ નિર્ણય આવ્યો નથી.

 

એનાથી વધુ આઘાતજનક કિસ્સો છે લાન્સનાયક એમ.આર.રામચંદ્રનો. પિતા યાદગીરી, માતા એમ.બાલામણિ. આ દંપત્તિના ત્રણ દીકરા. એમાં સૌથી મોટા એમ.વાય. રામચંદ્ર. આંધ્ર પ્રદેશના (હવે તેલંગણા રાજ્યના) સિકંદરાબાદ શહેરના બોલારમ વિસ્તારમાં રામચંદ્ર અને દિવ્યા રહે. બન્ને બાળપણથી એકમેકને ઓળખે. મૈત્રી ગાઢ થતી ગઇ. યુવાનીને ઉંબરે પહોંચીને બન્ને વચ્ચે પરિણય અને અંતે લગ્ન. હા, એમ.વાય. રામચંદ્ર અને એમ. આર. દિવ્યાના લગ્ન થયા ૧૯૯૯ની બીજી મે ના રોજ. ત્યારે રામચંદ્રની ઉંમર ૨૪ વર્ષ અને દિવ્યા હતા માત્ર ૧૭ વર્ષના.

 

લગ્ન પછી બન્ને સહવાસ માણે એકમેકને વધુ સમજે અને અપનાવે એ અગાઉ મોટું વિઘ્ન આવ્યું. જમ્મુ કાશ્મીરના કારગિલમાં પાકિસ્તાને ભારત સામે ઉંબાડિયું કર્યું. દિલ્હીમાં બિરાજમાન ભારત સરકાર, ગુપ્તચર તંત્ર અને સમગ્ર વહિવટીતંત્રની ઘોર નિષ્ફળતાના પરિતાપરૂપે કારગિલ બની શક્યું. હવે ભલે કારગિલ વિજય દિનના દેખાડા અને દંભ થતા હોય પણ એમાં લશ્કર-સૈનિકોની બહાદુરી સિવાય હરખાવા કે ગર્વ અનુભવવા જેવું ભાગ્યે જ કંઇક છે.

 

આ યુદ્ધમાં ભારતના પ૨૭ નરબંકા શહીદ થયા પણ આ આંકડો ૧૬૦૦ હોવાનો દાવો ખુદ પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફે કર્યો હતો. ૧૩૬૩ ભારતીય જવાનો ઘાયલ થયા હતા. આ દાવાબાજીમાં વધુ પડવાને બદલે માની લઇએ કે ૫૨૭ બત્રીસલક્ષણા આ યુદ્ધના ખપ્પરમાં હોમાઇ ગયા. આમાં હૈદરાબાદના ત્રણ જવાન હતા, એમાંના એક હતા લાન્સનાયક એમ.વાય. રામચંદ્ર. આ જવાનની શહાદત પણ ક્યારે થઇ? લગ્નના બે મહિના બાદ!

 

હા, રામચંદ્ર અને દિવ્યાએ પ્રભુતામાં પગલાં માંડયા ૧૯૯૯ની બીજી મેના દિવસે અને રામચંદ્ર શહીદ થયા ૧૯૯૯ની ૧૭મી જુલાઇના રોજ. પૂરા અઢી મહિનાનું લગ્નજીવન અને એમાંથી બાદ કરવાના ફરજ પર પહોંચી ગયાના દિવસો. પતિએ દેશ માટે જીવ ન્યોછાવર કરી દીધો ત્યારે દિવ્યાની ઉંમર માત્ર ૧૭ વર્ષ. કારગિલમાં આપણે કેવી કુંભકર્ણની ઊંઘે નસકોરાં બોલાવતા હતા, એનો વધુ એક પુરાવો રામચંદ્ર-દિવ્યાના કિસ્સામાં જોવા મળે છે. દિવ્યાને રામચંદ્રનો છેલ્લો પત્ર મળ્યો. એમાં લખ્યું હતું કે 'અહીં બધુ બરાબર છે, શાંતિ છે. ખોટી ફિકર કરવી નહીં. હું બહુ જલદી ઘરે આવીશ.' આ પત્ર વાંચીને રામચંદ્રના માતા-પિતા અને બન્ને ભાઇ ખુશ થઇ ગયા. દિવ્યાના મનમાં કેવી લાગણી હશે એ કલ્પના જ કરવી રહી. પણ બીજા દિવસે ધરતી રસાતાળ થાય એવા ન્યૂઝ આવ્યા કે લાન્સનાયક એમ.વાય.રામચંદ્ર શહાદતને વર્યા છે! માની લઇએ કે પત્ર પાંચ-દસ દિવસ અગાઉ લખાયેલો હશે પણ એનાથી સાબિત શું થાય છે? જવાનો પણ માથે તોળાતા યુદ્ધના જોખમથી સાવ અજાણ હતા.

 

કારગિલ યુદ્ધ પતી ગયું. પોતાની મહાભૂલ પર લીંપણ કરવા માટે સરકારે અછોવાના કરવા પડે એમ હતા. પણ શહીદો થોડા ફરી જીવતા થવાના હતા? એમ. વાય. રામચંદ્રે ન્યોછાવર કરેલા જીવની કદર કરવા સરકાર તરફથી એમના પરિવારને ૩૦૦ ચોરસ વારનો જમીનનો પ્લોટ, શહીદની વિધવાને નોકરી અને પેટ્રોલ પંપ આપવાની ઘોષણા થઇ. આ મોટા ઉપાડે થયેલી જાહેરાત. અખબારો-ટીવીમાં આવી જતા સરકારે ફરજ બજાવ્યાની લાગણી અનુભવી. જાણે પાપનું પ્રાયશ્ર્ચિત કર્યું. પણ પછી શું? આ બધા વચનોનો અમલ થયો? કેટલાં વચનોનો અમલ થયો? ક્યારે થયો?

 

આ સવાલોના જવાબ એમ. વાય. રામચંદ્રના કેસમાં એક જ છે. એકેય વચનનો આજ સુધી અમલ નથી થયો. હા, ઓગણીસ વર્ષ પૂરા થયા કારગિલ યુદ્ધને છતાં...રામચંદ્રનો પરિવાર અને ખાસ તો પત્ની દિવ્યાએ ખૂબ પ્રયાસ કર્યા પણ કંઇ હાથ લાગ્યું નહીં. નોકરશાહીને હૃદય કે લાગણી જેવું હોય છે ખરું? આટલા બધા વર્ષોથી સત્તાધીશો પાસેથી જવાબ સાંભળવા માથાકૂટ અને દોડધામ કરનારા દિવ્યા 'હવે એકદમ કંટાળ્યા છે:' હું સરકારી ઑફિસના પગથિયાં ચડી-ઉતરીને થાકી છું હવે મારા પતિ શહીદ થયા ત્યારે બધાએ નોકરી, પેટ્રોલ પંપ, ગેસ એજન્સી અને જમીન આપવાની વાતો કરી, વચનો આપ્યા. પરંતુ આમાંથી એકેય વચનનો અમલ થયો નથી. શહીદની વિધવા તરીકે વચન આપ્યા મુજબની. નોકરી મેળવવા માટે હું આપણી સિસ્ટમ સામે લડવા પ્રયાસરત રહી. નોકરી, પેટ્રોલ પંપ કે ગેસ એજન્સી મેળવવા મેં કોઇ સરકારી ઑફિસના આંટાફેરા કરવાનું બાકી નહોતું રાખ્યું. પરંતુ થોડા સમય બાદ સમજ પડી કે આ બધી ચીજો બધાને માટે નથી. મારી જેવા ઘણાં પરિવારોને આમાંથી કંઇ મળ્યું નથી. અમે ભેગા થઇએ ત્યારે એકમેકના અનુભવ સાંભળીએ. આથી પોતે એકલા ન હોવાનો સધિયારો મળે!

 

સ્વાભાવિક છે કે દિવ્યામાં હવે કડવાશ આવી ગઇ છે. આપણી સિસ્ટમ માટે તિરસ્કાર થાય એમાં ખોટું નથી. અત્યારે દિવ્યા એક કુરિયર ઑફિસમાં નોકરી કરે છે. સૌથી મોટી મૂડી છે પતિ સાથેના સંભારણા. બાળપણના, યુવાનીના અને લગ્નના અઢી મહિનાના. આ સંભારણા અને પ્રેમ એટલા સબળ છે કે દિવ્યા માટે ફરી લગ્ન કરવાનું શક્ય જ નથી. એ સમયે આસાનીથી ટેલિફોન થઇ શક્તા નહોતા એટલે દિવ્યા પાસે પતિના પત્રો છે. અત્યારે પોતાના માતા-પિતા અને ભાઇઓ સાથે બોલારમમાં રહેતા દિવ્યાએ પતિની ચિરવિદાય બાદ બી.કૉમ.ની ડિગ્રી મેળવી લીધી છે.

 

તાજેતરમાં એક લશ્કરી અધિકારીના પત્ની અને શહીદોના પરિવાર માટે કંઇક ને કંઇ કરી છૂટવા પ્રયત્નરત અનિતા શર્મા રામચંદ્રના પરિવારને મળવા ગયા હતા. શહીદના માતા-પિતાની ઉંમર અને અવસ્થા જોઇને તેઓ ગળગળા થઇ ગયા હતા. પણ અમલદારશાહીને ક્યાં આની પડી છે?

 

એમ. વાય. રામચંદ્રના ભાઇ રવિ કિરણ કહે છે,"શરૂઆતમાં અમને એક પ્લોટ બતાવાયો હતો. આ તળાવની બાજુની જમીન હોવાથી રહેવા લાયક નહોતી. ત્યાર બાદ આખી વાત એકદમ ટલ્લે ચડી ગઇ.

 

હમણાં રવિ કિરણે આ મામલા પર ટ્વીટ કર્યું તો અણધાર્યો પ્રતિસાદ મળ્યો. તેલંગણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવના પુત્ર અને રાજ્યના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન મિનિસ્ટર કે. ટી. રામરાવે સામેથી રવિ કિરણને મળવા બોલાવ્યા. તેમણે કલેક્ટરને સૂચના આપી કે સત્વરે શહીદના પરિવારને જમીન ફાળવી દો. રવિ કિરણને મળેલી માહિતી મુજબ પ્લોટનો સર્વે નંબર નક્કી થઇ ગયો છે. અને સત્વરે એમના પરિવારને સત્તાવાર જાણકારી અને જમીન મળી જશે.

 

જો કે આશા બંધાવાથી કામ થઇ જવા વચ્ચે ઘણો ફરક હોય છે. પત્રો લખી-લખી અને ઑફિસના ધક્કા ખાધા બાદ દિવ્યાબહેનને એક સરકારી અમલદારે કંટાળીને સંભળાવી દીધું હતું કે હજી તો ૧૯૭૧ના યુદ્ધના શહીદોના પરિવારને નોકરી મળી નથી, તો તમને કેવી રીતે ખાતરી આપી શકીએ? તમારે રાહ તો જોવી જ પડશે.

 

જો નોકરી આપવાનું શક્ય ન હોય તો વચન શા માટે અપાય છે? અને સરકાર ઇચ્છે તો નોકરીઓ ઊભી કરવાનું મુશ્કેલ નથી, પણ જો ઇચ્છે તો...

 

લાન્સનાયક એમ.વાય.રામચંદ્ર સાહેબ, આ દેશ આપની શહાદતને લાયક નથી. વી.આર.વેરી સૉરી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsPCJP7vW6nvoB0vev72dNp7uVv3Mn-Ah1eA_ONurCkEQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment