Wednesday 28 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ત્યાગીની ખરી પરીક્ષા સંસારની ભીતરમાં (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ત્યાગીની ખરી પરીક્ષા સંસારની ભીતરમાં!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર
 

 

 

પતંજલિ યોગસૂત્રમાં મનુષ્યના ચિત્તની ત્રણ અવસ્થા બતાવી છે એક સુષુપ્તિ, બીજી સ્વપ્ન અને ત્રીજી જાગૃતિ. સાધારણ રીતે માણસ સ્વપ્ન અવસ્થામાં હોય છે. માણસ ઊંઘતો હોય કે જાગતો હોય વિચારોના ઘોડા દોડ્યા કરે છે. મન ઘડીક અહીં તો ઘડીક ત્યાં કૂદકા માર્યાં કરે છે. આ અવસ્થા છે ઇચ્છાની, કામનાની, માણસને જીવનમાં જે નથી મળતું અને જેની આકાંક્ષા હોય છે તેમાં સ્વપ્નો રચાય છે. કેટલીક વખત માણસ વિચારો અને સ્વપ્નોમાં આ બધું ભોગવી લેતો હોય છે. સ્વપ્નો રૂપાળાં લાગે છે. માણસ મોટે ભાગે કલ્પના અને ધારણાના આધાર પર જીવતો હોય છે. વાસ્તવિકતાથી દૂર ભાગે છે. આમાંથી બચવાના બે ઉપાય છે. સ્વપ્ન અવસ્થાની બંને બાજુએ એક એક અવસ્થા છે. સુષુપ્ત અવસ્થા એટલે બેહોશી, પ્રગાઢ નિદ્રા કે જેમાં સ્વપ્ન ન બચે અને બીજી જાગૃતિ અવસ્થા કે જેના દ્વારા માણસ સ્વપ્નોમાંથી બહાર આવી શકે. સ્વપ્ન એટલે સંસાર જેની વચ્ચે આપણે ઊભા છીએ. જ્ઞાની પુરુષોએ તેને માયા કહી છે. સંસાર એટલે જે નથી તે આપણે જોઇ રહ્યા છીએ અને જે છે તે દેખાતું નથી. અહીં કોઇ વસ્તુ કાયમી નથી અને આપણે તેને કાયમી માની રહ્યાં છીએ. અને આ ધરતી પર કાયમના માટે રહેવાના હોઇએ તે રીતે વર્તીએ છીએ. માણસ જાગે છે ત્યારે સ્વપ્નો તૂટી જાય છે અને બધુ સાફ દેખાવા લાગે છે. સ્વપ્નોમાંથી બહાર આવીને માણસ ધર્મ તરફથી યાત્રા શરૂ કરી શકે છે. જ્યાં સુધી ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને સ્વપ્નો છે ત્યાં સુધી ધર્મનો કોઇ અર્થ નથી. એક બાજુ ધર્મ થાય છે અને બીજી બાજુ અધર્મ સધાઇ જાય છે. આ તંદ્રામાંથી બહાર આવવું જરૂરી છે. જીવન એ વર્તમાન છે તેને અતિત કે ભવિષ્ય સાથે જોડવાથી ખ્વાબો રચાય છે. વર્તમાન એ વાસ્તવિકતા છે ભવિષ્ય એ સ્વપ્ન.

 

મહાવીરનું સૂત્ર જાગરણનું છે. મહાવીર કહે છે જાગો, ઊઠો અને આ માયાજાળને તોડી નાખો. માણસ ઊંઘમાં તો સ્વપ્નો જુએ છે. પરંતુ ખુલ્લી આંખે પણ સ્વપ્નો જોઇ રહ્યો છે. સ્વપ્નોના મહેલો હંમેશાં રૂપાળા હોય છે. સ્વપ્નો ત્યારે બંધ થાય જ્યારે વિચારોના તરંગો બંધ થઇ જાય, મન સાફ થઇ જાય. ભીતરમાં ચિત્ર ઘૂમી રહ્યું હોય ત્યારે તરંગો ઊભા થવાના જ છે. આ તરંગો બંધ થાય અને મન સ્થિર થાય ત્યારે ચૈતન્ય અવસ્થાને પામી શકાય છે. આ અવસ્થા એવી છે જેમાં માણસ ગુલામ મટીને માલિક બને છે. સામાન્ય રીતે આપણે સ્વભાવ અને વૃત્તિઓ મુજબ ચાલીએ છીએ. ઘડીક કોઇ વસ્તુ સારી લાગે છે તો કોઇ વસ્તુ ખરાબ લાગે છે મન સ્થિર અને શાંત નથી. અંદર બધું ડહોળાયા કરે છે. માણસ સામાન્ય રીતે ધન, દોલત, ચીજવસ્તુઓ, પત્ની અને સંતાનોમાં માલિક બનવાનો પ્રયાસ કરે છે અને તેની પર હકૂમત ચલાવે છે. જે બીજાનો માલિક બનવા પ્રયાસ કરે છે તે તેનાથી બંધાઇ જાય છે. કોઇને બાંધવાનો પ્રયાસ કરીએ તો આપણે બંધાઇ જવું પડે છે. જે પોતાનો માલિક નથી એ બીજા કોઇનો માલિક બની શકે નહીં.

 

જ્ઞાની પુરુષો કહે છે આ જગતમાં જ્ઞાન સારભૂત અર્થ છે. બોધ સારભૂત અર્થ છે. જે માણસ પ્રતિપલ જાગૃત રહે છે તે કર્મોના બંધનોને કાપી શકે છે. જીવનમાં દરેક માણસને કાંઇક ને કાંઇક જોઇએ છે. કોઇને ધન, કોઇને પદ-પ્રતિષ્ઠા, કોઇને સુખ પણ આ બધું મળ્યા પછી પણ સંતોષ થતો નથી. નથી મળતું ત્યાં સુધી આકર્ષણ રહે છે. મળ્યા પછી પણ સાચું સુખ હાથમાં આવતું નથી. યોગ્ય પ્રમાણમાં વિનય, વિવેક અને સંયમ સાથે આ બધું હોય ત્યાં સુધી સારું છે, વધુ પડતું જે કાંઇ આવે છે તે છેવટે દુ:ખમાં પરિણમે છે. સુખનો આ સાચો આધાર નથી. જીવનમાં ઘણું અધૂરું રહી જાય છે. સ્વપ્નો કદી કોઇનાં પૂરાં થતાં નથી. જીવનનો અર્થ આપણી ભીતરમાં છે. આપણે જાગી જઇએ ત્યારે જીવનનો અર્થ પણ જાગશે. આ ચેતના છે પછી બેહોશી રહેશે નહીં.

 

મહાવીર પ્રભુએ કહ્યું છે કે ધાર્મિકોનું જાગવું અને અધાર્મિકોનું સૂઇ રહેવું શ્રેયકર છે. પરંતુ સારા માણસો સમયસર જાગતા નથી એટલે ખરાબ માણસો ઉપદ્રવ મચાવતા રહે છે. નાદીરશાહ બહુ જુલમી રાજા હતો અને એટલો જ આળસુ હતો. રાતે નાચ, ગાન અને જલસા અને સવારે અગિયાર બાર વાગ્યા પહેલા તે કદી ઊઠતો નહીં. તેણે એક દિવસ એક સૂફી ફકીરને પૂછ્યું, મારા દરબારીઓ મને કહે છે બહુ આળસ ઠીક નહીં મારે વહેલા ઊઠી જવું જોઇએ. આપની શું સલાહ છે? ફકીરે કહ્યું: તમે મોડે સુધી સૂઇ રહો તે જ સારું છે. નાદીરશાહે કહ્યું તમારો કહેવાનો અર્થ શો છે ? ફકીરે કહ્યું : તમારા જેવી વ્યક્તિ જેટલી વધુ સુઇ રહે એટલી પ્રજા વધુ સુખી. તમે સૂઇ રહો એ તમારા માટે અને રાજ્યના લોકો માટે સારું છે. એટલો ઉપદ્રવ ઓછો. આપ સૂતા રહો એમાં જ સર્વનું ભલું છે.

 

ફકીરે મહાવીરનું સૂત્ર દોહરાવ્યું પણ નાદીરશાહની આંખો ખૂલી નહીં. આંખો બંધ હોય ત્યાં સુધી સ્વપ્નો રહે છે. અધાર્મિક માણસ સક્રિય થઇ જાય તો તે અધર્મ જ કરશે. ધાર્મિક માણસો શક્તિશાળી અને અધાર્મિક માણસો નબળા રહે, કમજોર રહે, એ સારું છે. ધાર્મિક જાગે અને અધાર્મિક સૂતો રહે એ ઇચ્છનીય છે, પરંતુ આ જગતમાં ઊલટું બની રહ્યું છે. સારા માણસો નિષ્ક્રિય બન્યા છે એટલે ખરાબ માણસોને મોકળું મેદાન મળી રહ્યું છે. સારા માણસો નહીં જાગે તો સત્તા અને શક્તિ ખરાબ માણસોના હાથમાં જઇ પડશે.

 

ધન અને સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે એ સંપૂર્ણ સત્ય નથી. શક્તિ કોઇને ભ્રષ્ટ બનાવતી નથી, પરંતુ આપણી અંદર જે વિચારો હોય છે તેને પ્રગટ કરે છે તે આપણને ભ્રષ્ટ થવાનો અવસર આપે છે. જેની આપણે રાહ જોઇ રહ્યા છીએ. અન્યથા તે આપણને કેવી રીતે ભ્રષ્ટ બનાવી શકે? માણસ પાસે કશું ન હોય કશું કરવાની તક ન હોય ત્યારે તે કહે હું ત્યાગી છું, પ્રામાણિક છું, સદાચારી છું, તો તેનો કોઇ અર્થ રહેતો નથી. ત્યાગીની ખરી પરીક્ષા સંસારની ભીતરમાં છે. સંસાર બહારથી અને અંદરથી નાબૂદ થવો જોઇએ તો જ તેની યથાર્થતા છે, મન ભરેલું હોય તો ત્યાગનો અર્થ નથી. એટલે મહાવીર જાગવાનું કહે છે. ભાગવાનું નહીં આપણે જાગી જઇએ તો બધી વસ્તુઓ છૂટી જશે. ત્યાગ કરવા જેવું કશું બચશે જ નહીં.

 

આપણે જે કાંઇ કરીએ છીએ એ મહત્ત્વનું નથી, પરંતુ શા માટે કરી રહ્યા છીએ તે મહત્ત્વનું છે. જાગૃતિમાં કરી રહ્યા છીએ કે બેહોશીમાં તે મહત્ત્વનું છે. કર્મ તો બધા માણસ કરે છે. જીવન જીવવા અને ટકાવવા એ જરૂરી છે. જરૂરત અને વાસના વચ્ચે ભેદ છે. જરૂરત બધાની પૂરી થવી જોઇએ વાસનાનો અંત નથી એ કદી પૂરી થતી નથી અને તેને જીવનની જરૂરત સાથે કોઇ સંબંધ નથી. ભૂખ્યો માણસ રોટી માગે-જેની પાસે અંગ ઢાકવા માટે કશું નથી એ વસ્ત્રો માગે એ સમજી શકાય છે. પરંતુ કોઇ શ્રીમંત માણસ ભીખારી જેવો બની રહે અને હાથ ફેલાવતો રહે તો વાસના છે, લાચારી છે. માણસની જરૂરત બહુ ઓછી છે. વાસના, આકાંક્ષા અને ઇચ્છાઓ પ્રબળ છે જે માણસને ચેનથી રહેવા દેતી નથી. માયાનું આ જગત મનમાંથી નીકળી જાય તો માણસ ત્યાગી અને તપસ્વી બની જાય ધર્મનો આ મર્મ છે.

 

આમ છતાં ક્રોધ, માન, માયા અને લોભમાં માણસ અટવાતો રહ્યો છે. કોઇને જે છે તેમાં સુખ દેખાતું નથી, નથી તેનો વલોપાત છે. ધર્મની વાતો થાય છે પણ ધર્મના સિદ્ધાંતો મુજબ કોઇ ચાલતું નથી. દંભ અને દેખાવ વધ્યો છે. સારા માણસો બહાર આવતા નથી અને ઉપદ્રવી માણસો અડિંગો જમાવીને બેઠા છે. કશું સાથે આવવાનું નથી એ સમજવા છતાં માણસ જેટલું મળે તેટલું ભેગું કરી રહ્યો છે અને ધતીંગો ચાલી રહ્યાં છે. આ અંગે કુતુબ આઝાદની એક રચના પ્રેરક છે...

 

ખુમારી રહી છે ન લાલી રહી છે

ન ચહેરા પર કંઇ ખુશાલી રહી છે

ચમનમાં હવે હીંચકો બાંધીએ ક્યા,

ન વૃક્ષ રહ્યાં છે ન ડાળી રહી છે.

પથારા છે કંટકના ડગલેને પગલે

રહી છે તો બસ પાયમાલી રહી છે

ખુદા જાણે! કયો ધર્મ પાળે છે દુનિયા

ધતીંગોની વણઝાર ચાલી રહી છે

ખજાનાના માલિકને સમજાવો કોઇ

જનારની મુઠ્ઠીઓ ખાલી રહી છે

ખુમારી છે 'આઝાદ' થઇને રહો તો

ગુલામી હંમેશા નમાલી રહી છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oui8bKSsa9fF_gdVQETCumr8BgBrTyzNd3b6Q5-MNvmWw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment