છત્રીસ વર્ષની ચિનાર શાહ વીસ વર્ષ લાંબી રઝળપાટભરી લાઈફના ફ્લેશબેક ઉપર નજર કરે છે ત્યારે એને સમજાય છે કે આ બે દાયકામાં તે પોતાના નસીબના પથ્થર પર પોતાનું કહી શકાય એવા એક ઘરનું સરનામું પણ કોતરી શકી નથી. મુંબઈના મોહંમદઅલી રોડ ઉપર આવેલી એક ગંદી ચાલીની અંધારીયા રૂમમાં ધૂલકા ફૂલ ખીલ્યું હતું. ગોરી ત્વચા અને માંજરી આંખોવાળી છોકરી. નાનપણથી જ તે સૌની લાડકી બની ગઈ હતી. હુશ્નની ચિનગારી ચાંપી દે એવી છોકરીનું ચિનાર નામ દાદીમા શબ્બોખાતૂને પાડ્યું હતું. રમતિયાળ, વાચાળ અને ચંચળ ચિનાર પરિવારની તો લાડકી હતી જ, પાડોશીઓ પણ તેને રમાડવા માટે લઈ જતા અને રમકડાં વગેરે ચીજો અપાવતા.
ચિનારના અબ્બાજાન હારુન રઝા શાહ પાક નમાઝી ઈન્સાન. જાણે ખુદાનો ફરિસ્તો જોઈ લો. અમ્મીજાન શમીના અખ્તર પણ ભલી બાઈ હતી. હારુનને લોખંડના પીપડાં અને ડબ્બાનો કારોબાર એટલે તે હારુન રઝા શાહ ટીનવાલા તરીકે વેપારીઆલમમાં જાણીતા. ચિનાર મા-બાપનું છઠ્ઠું સંતાન. ત્રણ બહેનો અને બે ભાઈ પછી તેનો જન્મ થયેલો. બધા ભાઈ-બહેનો મદરેસાની મઝહબી તાલીમ ઉપરાંત શહેરની સરકારી પ્રાઈમરી સ્કૂલમાં ભણવા જતા.
ઘરની નબળી આર્થિક સ્થિતિ અને મજબૂરીના કારણે ધોરણ સાત પછી કોઈ આગળ ભણી શક્યું નહોતું. તેર વર્ષની ચિનાર સાતમા ધોરણમાં પાસ થઈ ત્યારે અમ્મીજાનનો ઈન્તેકાલ થયો. બસ ત્યારથી જ કદાચ ચિનારના માથે એક પછી એક આફત શરૂ થઈ. અબ્બાજાને સલમા નામની સ્ત્રી સાથે બીજી શાદી કરી હતી અને ઘરમાં નવી માનું રાજ ચાલવા લાગ્યું હતું. હારુને પાંચેય ભાઈ-બહેનને જરી-ભરતના કામે લગાડી દીધા હતા, પરંતુ ચિનાર માધ્યમિક શિક્ષાની જીદ કરી રહી હતી. અબ્બાજાનને ઝૂકવું પડ્યું હતું. સૌતેલી મા સલમાની હાર થઈ, જે તેની બરદાસ્તની બહાર હતું.
સલમા પાંચ ભાઈ-બહેનમાં ચિનારને સૌથી વધુ નિશાન ઉપર રાખતી. સલમા પોતે સાંવલી હતી અને તેનાથી ચિનારનું રૂપ જોયું જતું નહોતું. ચિનારને સાવકી માની મારઝૂડનો સૌથી વધુ ભોગ બનવું પડતું. બધા ચિનારને નૂર-એ-જન્નત કહેતા, પરંતુ તેની ગોરી ચામડી ઉપર મારનાં નિશાન અને ચાઠાં પણ પડી જતાં હતાં. બીજા ભાઈ-બહેનો કમાઈને રૂપિયા ઘરે લાવતા એટલે સલમાને વહાલાં લાગે પણ ચિનાર તો ભણતી હતી, એની કોઈ આવક ન હોવાથી સાવકી મા માટે અળખામણી પણ ખરી.
પાડોશમાં રહેતો અને નવમા ધોરણમાં બે વાર નાપાસ થયેલો સત્તર વર્ષનો નૂર-ઉલ-હસન પંદર વર્ષની ચિનારને અવારનવાર મદદરૂપ બનતો. આસપાસના લોકો એને નૂરુ કહીને બોલાવે. તે સૌનું કામ દોડી દોડીને કરે. એથી જ તે સૌનો વહાલો પણ ખરો. એક દિવસ સલમાએ ચિનારને બપોરના સુમારે માર મારીને ઘરમાંથી ઉઘાડા પગે જ કાઢી મૂકી હતી. દાઝતા પગે ચાલી રહેલી ચિનારને નૂરુએ પોતાના પગમાંથી સ્લિપર કાઢીને પહેરવા આપી દીધી હતી.
ચિનારનું દુ:ખડું સાંભળીને તે પોતાના ઘરે લઈ ગયો હતો અને પોતાની વિધવા માને કહીને ચિનારને થોડું ખાવાનું પણ આપ્યું હતું. મોડી સાંજે અબ્બાજાન ઘરે આવી ગયા હશે એમ માનીને ચિનાર ઘરે પાછી ફરી હતી. જો કે અબ્બાજાન તો બહારગામ ગયા હોવાથી બીજા દિવસે આવશે, એવું જાણીને ચિનારના હોશકોશ ઊડી ગયા હતા. હવે શું થશે, એની ચિનારને ખબર પડી ગઈ હતી. સલમાને તો મોકળું મેદાન મળી ગયું હતું. ચિનાર બપોરથી પાડોશી નૂરુના ઘરે રોકાઈ હતી, એવું જાણીને સલમાએ રાત્રે ચિનારને ફરી એક વાર ખૂબ મારી હતી.
રાતભર ઘર બહાર ઓટલા ઉપર પડી રહેલી ચિનારની હાલત જોઈને મધરાતે નૂરુ તેને ઓઢાડવા માટે ઘરેથી ચાદર અને થોડુંક ખાવાનું લઈ આવ્યો હતો. આ બધું જોઈને ચિનારની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ચિનાર અને નૂરુ હવે સરકારી શાળાનું હોમવર્ક પણ સાથે કરતાં અને હળીમળીને વાતો પણ કરતા. આથી ચાલીના કેટલાક રહીશોની ચુગલીનો વિષય પણ બની ગયાં હતાં. ભણવામાં નબળા નૂરુને ચિનાર મદદ કરતી. આમ સમય જતા બેઉએ બોર્ડની ઍક્ઝામ પણ ક્લીયર કરી હતી.
એક દિવસ ચાલીમાં વાત હવા બનીને ઊડી હતી કે નૂરુ હારુન રઝા શાહની ચિનારને લઈને ક્યાંક ભાગી ગયો છે. અઢાર વર્ષનો નૂરુ અને સોળ વર્ષની ચિનાર પોતપોતાના ઘરેથી ગુમ હતા. જો કે નૂરુ તો ઘરેથી માને કહીને જ નીકળ્યો હતો. હારુન રઝા શાહે પોલીસને પોતાની સગીર દીકરી ગુમ થવા વિશે જાણ કરી હતી અને શકદાર તરીકે પાડોશી યુવાન નૂર-ઉલ-હસનનું નામ પણ આપ્યું હતું. પરિવારે અને પોલીસે ખૂબ શોધખોળ કરી, પરંતુ ઊડી ગયેલાં બે પંખીનો કોઈ પત્તો નહોતો.
સમય જતા માહોલ શાંત પડ્યો હતો. ચાલીમાં ઊડતી ઊડતી વાત આવી હતી કે નૂરુના એક સંબંધી દિલ્હીમાં રહે છે, ત્યાં નૂરુ અને ચિનારે આશરો લીધો હતો. ચિનાર અને નૂરુએ અરસપરસ પ્રેમનો એકરાર કર્યો હતો. સાથે જીવવા મરવાની કસમો ખાઈ લીધી હતી. ચિનાર નૂરુની મંઝિલ બની હતી તો નૂરુ ચિનાર માટે મકસદ બન્યો હતો. પુરાની દિલ્હીમાં ખાલીદ ચાચાએ પ્રેમી પંખીડાને રહેવા માટે એક અલગ ઓરડી પણ આપી હતી. નૂરુ અને ચિનાર કોઈ બોજ બનીને રહેવા માગતા નહોતા. નૂરુને મનમાં એમ હતું કે આટલું મોટું શહેર છે તો કોઈને કોઈ કામધંધો મળી જશે, રોજગારીમાંથી થોડા રૂપિયા ખાલીદ ચાચાને પણ આપીશ. ધીમે ધીમે ખુદનું મકાન પણ લઈ લઈશું અને ઘર-ગૃહસ્થી વસાવી લઈશું.
દિવસોના દિવસો અને હવે મહિના ઉપર મહિના વીતવા લાગ્યા પણ નૂરુનું ક્યાંય ઠેકાણું પડ્યું નહિ. બેઉ ખાલીદ ચાચા ઉપર બોજ બનીને રહેતા હોવાનું માની રહ્યાં હતાં અને તેમના અહેસાનનો ભાર પણ અનુભવી રહ્યાં હતાં. એક દિવસ ખાલીદ ચાચાએ સલાહ આપી હતી કે નૂરુને નોકરી ના મળે તો ચિનારે પણ નોકરી માટે ટ્રાય કરવી જોઈએ.
- પણ મને નોકરી આપશે કોણ? ચિનારે નોકરી કરવાની તૈયારી બતાવવાની સાથે સવાલ પણ કર્યો હતો.
સત્તર પાર કરવા પહોંચેલી ખૂબસૂરત ચિનારના આ સવાલ સામે ખાલીદ ચાચાએ શરારતી અંદાજમાં જવાબનૂમા સવાલ કર્યો હતો કે તને નોકરી આપવાનો ઈનકાર પણ કોઈ કરી શકે, ભલા?
ચિનારને જ્યારે ખબર પડી કે તેને એક લાખ રૂપિયામાં વેચી દેવામાં આવી છે, ત્યારે તો બહુ મોડું થઈ ગયું હતું. દિલ્હીની એક કોઠીમાં તેને લઈ જઈને રાખવામાં આવી હતી. સુખ-સાહ્યબીનો પાર નહોતો. એરકન્ડિશન્ડ કમરા અને એરકન્ડિશન્ડ કાર. રાતના સુમારે ફાઈવસ્ટાર હોટલના ડાન્સ ફ્લોર પર પરફોર્મ કરવું એક રૂટિન બની ગયું હતું. ખાલીદ ચાચા કે નૂરુનો હવે કોઈ પત્તો નહોતો. જેમ જેમ ચિનારના રૂપને વસંત આવતી ગઈ તેમ તેમ માલિકો પણ બદલાતા ગયા અને દિલ્હી પછી સિમલા, શ્રીનગર, સિલીગુડી (આસામ), ફૈઝાબાદ, ઉજ્જૈન અને હવે ભોપાલ એમ શહેરો પણ બદલાતા ગયા. અરે! તેનું નામ પણ બદલાતું રહ્યું છે. નવા માલિક, નવું શહેર અને નવું નામ.
ઘરથી બળેલી વનમાં ભાગી, તો વનમાં લાગી આગ. - આ સ્થિતિ ચિનારની છે. ઘર-પરિવારમાં તેને કોઈનો પ્રેમ ન મળ્યો. નૂરુમાં તેને પ્રેમની ખોજ હતી પણ એ'ય દગાખોર નીકળ્યો. ચિનારને પ્રેમ નહિ પણ વાસનાની આગે ચોતરફથી ઘેરી લીધી છે. જો કે ચિનારના દિલમાં હજુ'ય પ્રેમની આગ જલતી રહી છે.
સોળ-સત્તર વર્ષની કુમળી વયે ઘરેથી બંડ પોકારીને નીકળી ગયેલી ચિનારને હવે પરિવાર સાથે કોઈ સંબંધ રહ્યો નથી. લખનઊથી દિલ્હી જતા પહેલા અને ઍરપોર્ટ પહોંચે તે પહેલા ઍરપોર્ટ પાસેની ફાઈવસ્ટાર હોટલમાં તે પોલીસના હાથે ચઢી ગઈ હતી. પોલીસે રેડ પાડીને કેટલાક માલેતુજાર યુવાનો, વેપારીઓને યુવતીઓ સાથે ઝડપી લીધા હતા. યુવતીઓનાં નિવેદન લઈ લઈને સાક્ષી બનાવીને જવા દેવામાં આવતી હતી.
લખનઊ પોલીસ ખાનાપૂર્તિ કરી રહી હતી. મહિલા પોલીસે પૂછ્યું કે આપકા નામ, પતા ઔર સબ ડિટેઈલ્સ લિખવાઓ.
ભુખરી ઝુલ્ફોની રેશમી ઘટાને ઝટકો આપીને સિગારેટ પી રહેલી ચિનારે બેફિકરાઈથી જવાબ આપ્યો હતો કે નામ? અરે, મેડમજી, નામ તો કુછ ભી લિખ દો ના. ક્યા ફર્ક પડતા હૈ? ઔર પતાકા પતા ચલતે હી હમ આપકો ખબર કર દેંગે. મેરા પતા તો મેં ખુદ ઢુંઢ રહી હું. અગર આપકો ભી મિલ જાય તો બતા દેના. યહાં તો રોજ શહર બદલતા હૈ ઔર શહરકે સાથ સાથ નામ ભી બદલતા રહતા હૈ.
લાચાર અને નિરાશ ચિનાર નિ:સહાય પણ હતી. મહિલા પોલીસ અને બીજા સાંભળનારા સૌ ચિનાર સામે અજબ રીતે જોઈ જ રહ્યાં અને ચિનાર ચક્કર ખાઈને ઢળી પડી.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os-6obtMxrvF4XNAozCOz4gFm_jCvYm8C4FMbsr0zk6LA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment