'જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ, દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ, સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ? ડામીસને ઘેર જોને લીલાલ્હેર છે પ્રભુ', ભાવનગરના કવિ હિમલ પંડ્યાની આ રચનામાં જીવનને ઝેર કહેવાયું છે. આપણી જિંદગી, આપણી માનસિકતા, આપણી સંસ્કૃતિ, આપણું વાતાવરણ, આપણું વર્તન અને આપણું સમગ્ર અસ્તિત્વ ધીમે ધીમે ઝેરી થતું જાય છે. ઝેરી એટલે કે ટોક્સિક શબ્દને 2018ના ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર ડિક્લેર કરવામાં આવ્યો છે. આ વર્ષ દરમિયાન આ શબ્દના ઉપયોગમાં 45 ટકા જેટલો વધારો થયો છે. આમ તો ટોક્સિક શબ્દનો સીધો સાદો અર્થ ઝેરી એટલે કે વિષમય થાય છે. જોકે હવે તેનો ઉપયોગ બીજા શબ્દોની આગળ લગાડવાનું વધી રહ્યું છે. એક સમયે ટોક્સિક શબ્દ મોટાભાગે વાતાવરણ કે કેમિકલના સંદર્ભમાં વપરાતો હતો. હવે ટોક્સિક શબ્દ સંબંધો અને સંસ્કૃતિ માટે પણ વપરાવા લાગ્યો છે. ટોક્સિક રિલેશનશિપ અને ટોક્સિક કલ્ચરની ચર્ચાઓ થવા લાગી છે. એ સિવાય આ વર્ષમાં મી ટૂ કેમ્પેઇનના કારણે ટોક્સિક મેસ્ક્યુલિનિટી બહુ ગાજી છે. ટોક્સિક શબ્દની પસંદગી પાછળ મહત્ત્વનું કારણ તો મી ટૂ કેમ્પેઇન સંદર્ભે વપરાયેલો આ શબ્દ જ છે. ટોક્સિક મેસ્ક્યુલિનિટી એટલે ઝેરી મર્દાનગી. ખતરનાક પૌરુષત્વ. જે લોકો મહિલાઓ સાથે ખરાબ વર્તન કરે છે તેના માટે આ શબ્દ વાપરવામાં આવે છે. મી ટૂ કેમ્પેઇનમાં વિદેશમાં આ શબ્દ મોટા પ્રમાણમાં વાપરવામાં આવ્યો. મેસ્ક્યુલિનિટી શબ્દ મેસ્ક્યુલિન પરથી આવ્યો છે. મેસ્ક્યુલિનનો અર્થ થાય છે, મરદને છાજે તેવું. શૂરવીર, મરદોનું, મર્દાની અથવા નર જાતિનું. ટોક્સિક મેસ્ક્યુલિનિટી પુરુષના નેગેટિવ વર્તનનો અતિરેક દર્શાવે છે. વિદેશના એક્સપર્ટ મેઇલ જેન્ડર રોલની વાત કરે છે. આજનો પુરુષ વોયોલન્ટ, અનઇમોશનલ અને સેક્સચ્યુલી એગ્રેસિવ બનતો જાય છે. બધા જેન્ટ્સ એવા નથી, સારા લોકો પણ છે જ, જોકે ટોક્સિક મેન્ટાલિટી વધતી જાય છે એ પણ હકીકત છે. ટોક્સિક શબ્દ સત્તરમી સદીમાં આવ્યો હોવાનું મનાય છે. તેનું મૂળ લેટિન ભાષામાં છે. લેટિન ભાષામાં ટોક્સિકમ નામનો શબ્દ હતો. તેનો મતલબ ઝેર થાય છે. તેના પરથી આવ્યું ટોક્સિકસ એટલે કે ઝેરી. ધીમે ધીમે ટોક્સિક શબ્દ અનેક રીતે વપરાવા લાગ્યો. પહેલાં તેનો ઉપયોગ કેમિકલ, સબસ્ટન્સ, ગેસ, વેસ્ટ અને એરના સંદર્ભમાં થતો. છેલ્લા થોડા સમયથી તેનો ઉપયોગ રિલેશનશિપ, કલ્ચર અને સોશિયલ મીડિયા માટે થવા લાગ્યો છે. ટોક્સિક રિલેશનશિપનાં ઉદાહરણો તો આપણી આસપાસ ઢગલાબંધ મળી આવે છે. બે વ્યકિત વચ્ચેની કડવાશ એ આજનું સૌથી મોટું દૂષણ છે. પહેલાં કોઇને કોઇની સાથે ન ફાવતું હોય તો એવું કહેવાતું કે તેના સંબંધો બગડ્યા છે. હવે સંબંધો માત્ર બગડતા નથી પણ ઝેરી થઇ ગયા છે. એવા ખતરનાક કે માણસ બદલો લેવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે. મનોવિજ્ઞાનિકો કહે છે કે, હવે લોકોએ એ ધ્યાન રાખવાનું છે કે પોતાનામાં ટોક્સિક તત્ત્વો ઘૂસી ન જાય. તેનાથી માણસ બીજાને તો નુકસાન પહોંચાડતા પહોંચાડે છે, પોતે પણ ખતમ થાય છે. ગુસ્સો, નારાજગી, ઉદાસી, દુશ્મનાવટ અને વેર લેવાની વૃત્તિ આપણી શક્તિને ઘટાડે છે. લોકોની ક્રિએટિવિટી ખતમ કરે છે. માણસ તેનાથી જેટલો મુક્ત રહે એટલો સુખ અને શાંતિની વધુ નજીક રહે છે. સોશિયલ મીડિયામાં ટોક્સિક પોસ્ટ્સ અપલોડ થતી રહે છે. જે માણસ ઝેરી વિધાનો કરે છે એ તો એનો ભોગ બને જ છે, સાથોસાથ વાંચવા કે જોવાવાળા ઉપર પણ તેની વિપરીત અસર થાય છે. કડવાશ સોશિયલ મીડિયા પર ઠલવાતી રહે છે. એ વાંચીને આપણને શું થાય છે? દુનિયા પ્રત્યેના નજરિયામાં કેવો બદલાવ આવે છે? આપણને એમ થાય છે કે બધું ખાડે જવા બેઠું છે. આપણી પ્રકૃતિમાં આવતા ફેરફારને આપણે સમજી શકતા નથી. કટ્ટરતા કે અસહિષ્ણુતા વધવાનું કારણ એ પણ છે. સોશિયલ મીડિયા પહેલાં આપણામાં એક માન્યતા ઊભી કરે છે અને પછી ધીમે ધીમે તેને દૃઢ બનાવે છે. તેનાથી ચેતવા જેવું છે. સોશિયલ મીડિયા સમય બગાડે છે એવી વાતો બહુ થાય છે. સમયનો બગાડ ગંભીર વિષય છે પણ તેનાથીયે ગંભીર તો આપણી માનસિકતા બગાડે છે એ છે. માત્ર નેગેટિવ પોસ્ટ્સ જ નહીં, કોઇના મજા કરતા ફોટા કે વાતો પણ આપણને એવું વિચારતા કરે છે કે બધા લોકો મજા કરે છે, મારા જ નસીબ ખરાબ છે. બધા કેવા ફરવા જાય છે, હું તો ક્યાંય જઇ જ નથી શકતો. કોણ કેવાં કપડાં પહેરે છે અને કેવી સ્ટાઇલ મારે છે એના વિશેના ખયાલો પણ આપણને અસર કરતા રહે છે. આખી દુનિયા દેખાડાની થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પરથી આપણે લોકો અને દુનિયા વિશે જાતજાતના અભિપ્રાયો બાંધવા લાગ્યા છે. ટોક્સિકના કારણે જ ડિટોક્સનું ચલણ વધતું જાય છે. ડિટોક્સ ડાયટથી માંડીને ડિટોક્સ બિહેવ્યર સુધીની વાતો થવા લાગી છે. મોબ લિન્ચિંગ એ ટોક્સિક કલ્ચર છતું કરે છે. લોકો સમજ્યા વિચાર્યા વગર મેદાનમાં ઊતરી આવે છે. અસહિષ્ણુતા વધતી જાય છે. મારી વાત જ સાચી, હું માનું છું એ જ યોગ્ય, હું કરું એ જ વાજબી. બીજા કોઇની વાત કે બીજા કોઇના વિચારને સ્વીકારવાની વાત તો દૂર રહી આપણે એને સમજવાનો પ્રયત્ન પણ નથી કરતા. કોઇનો મત આપણાથી જુદો હોઇ શકે છે એ સ્વીકાર જ સમજદારીનું દર્શન કરાવે છે. ટોક્સિક શબ્દ ભલે વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કરાયો હોય, આપણામાં તેની અસર ન આવે એ મહત્ત્વનું છે. આપણી જિંદગીનાં અનેક પરિબળો એવાં હોય છે જે આપણે બદલી શકતાં નથી, પણ આપણે ઇચ્છીએ તો આપણે ચોક્કસપણે બદલી શકીએ છીએ. જિંદગીને સરળ અને સહજ રાખવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ટોક્સિક એલિમેન્ટ્સને ઓળખીએ અને બને એટલા આપણાથી દૂર રાખીએ. ટોક્સિક તત્ત્વોનું જોર વધી રહ્યું છે, એટલે તકેદારી પણ વધારવી પડે એમ છે. kkantu@gmail.com Blog: www.krishnkantunadkat. blogspot.com |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OspWYZwma5C4stBMNv3G9-7z3akMdRx7Fz4TUseEW_WHg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment