ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોંનો!જાયે હમ દોંનો! બ્રેકઅપ્સને હસીને સ્વીકારતી જવાન જનરેશન આવી છે, પણ એટલે બ્રેકઅપનું પેઇન ને કમ્પલેઇન ઘટે છે? રિચાર્ડ બાક મોટા ગજાના પોએટિક ઇન્સ્પિરેશનલ રાઈટર. ૧૯૮૨માં એમની ચારસો એક પાનાની કથા આવેલી. 'બ્રિજ એક્રોસ ફોરએવર!' સેમી (અમેરિકન ઉચ્ચારોમાં સેનાઇ) ઓટોબાયોગ્રાફિલ નોવેલ.
યાને વ્યક્તિગત જીવનની વાતો, પણ થોડા કલ્પનાના રંગો પૂરીને. વાર્તામાં નાયક એક લેખક છે, અને એને સોલમેટની જેમ મળેલી રમણી લેસ્લી એકટ્રેસ છે. બેઉ વાતવાતમાં મૈત્રીથી મહોબ્બત સુધીના પડાવ વટાવતા વટાવતા નજીક તો આવે છે. પણ કમિટમેન્ટ ઇસ્યૂઝ છે, કોમ્પિટિબિલિટી કવેશ્ચન્સ છે. જે - તે વખતે સ્ત્રી લાગણી વરસાવે છે, ત્યારે કન્ફ્યુઝડ પુરૂષ એ ઝીલી નથી શક્તો. એની વે, એન્ડ રિઝલ્ટ ઈઝ બ્રેકઅપ. લેખના શીર્ષકમાં વર્ષા અડાલજાની નવલકથાનું શીર્ષક ઉછીનું લીધું તે : ગાંઠ છૂટયાની વેળા. છેડાછેડી બાંધવાનો ઉત્સવ રણવીર-દીપિકા, પ્રિયંકા-નિક મનાવે એની મોસમ છે. પણ એ રણવીરસિંહ-દીપિકા સાથે જ દીપિકાનો એક્સ રણબીર કપૂર મેરેજ પહેલા પાર્ટી કરીને સેલ્ફી લે છે. બ્રેકઅપ બાદ રણબીર-કેટરીના કે શાહીદ-કરીના પ્રોફેશનલી સાથે કામ કરીને પોતાના પ્રોજેક્ટસ પણ પૂરા કરે છે. કેટરીના-સલમાનનું એક્ઝામ્પલ તો જગજાહેર છે. ઈન શોર્ટ, આખી એક જનરેશન આવી ગઈ છે, જે પાસ્ટ રિલેશન્સ અને બ્રેક અપ્સને સહજતાથી સ્વીકારે છે. સામા પવને પતંગ ચગાવવાના મોટીવેશનનું લાઈફમાં મહત્ત્વ છે, એટલું જ પવન પડી જાય ત્યારે પતંગ ઉતારવાના ડિસિશનનું પણ છે! એવું નથી કે સેલિબ્રિટીઝ છે, માટે આ આસાન છે. સેલિબ્રિટીઝને ત્રણ ફાયદા થતા હોય છે. એક, આર્થિક સલામતીને લીધે દુનિયાના અભિપ્રાયો સામે પોતીકો કિસ્સો બાંધવો આસાન બને છે. બે, એમની પાસે વ્યસ્તતા વધુ હોઈને એક્ટીવિટીઝમાં ડૂબેલું ચિત્ત લાંબો સમય શોકગ્રસ્ત રહેતું નથી. ત્રણ, એમની પાસે રિલેશનમાં ફ્રેશ સ્ટાર્ટ માટે ઓપ્શન વધુ હોય છે, ઇઝી પણ હોય છે, કેમ્પેરેટિવલી. છતાં ય દુ:ખ એમને ય થાય, સંતાપ-વસવસો-પીડા-એને લીધે વ્યસનો કે મૂડ સ્વિંગ્સ બધામાંથી એ ય પસાર થાય. આજે ખુશખુશાલ મેરેજના ફોટા શેર કરતી દીપિકાએ જ એના ડિપ્રેશનની કબૂલાત કરેલી, એ યાદ છે ને? એટલે સફળ વ્યક્તિઓ માટે ય બાદશાહ જેવાના કે હની સિંઘ જેવાના અવાજમાં ગવાતા બ્રેક અપ સોંગ જેટલી આસાન પ્રક્રિયા આ નથી હોતી. હા, અમુક આમ જ ઇમોશનલેસ મોશનમાં જીવત ફાંદાબાજ ફરજંદોની વાત નથી, જે તુ નહિ તો ઓર સહીના મોડમાં જ પરમેનન્ટ જીવતા અય્યાશો છે. વાત આઈ લવ યુ સુધી પહોંચેલા રોમેન્ટિક રિલેશન્સની છે. એમાં ક્યારેક પુરૂષ સ્ત્રી કરતાં વધુ આકુળવ્યાકુળ હોય છે. વનનાઇટ સ્ટેન્ડના અમુક કિસ્સાઓમાં સ્ત્રી સાહજિક રીતે એ અનુભવાતો આનંદ હૃદયમાં સાચવીને આગળ વધી જાય છે, પણ ક્યારેક પુરૂષ ઘેલો થઇ એમાં ચોંટી જાય છે. ક્યારેક ઝટ વ્યક્ત ન થઇ શક્તી સ્ત્રી મનમાં ને મનમાં ઘૂંટાય છે,સોસવાય છે. (સોસવાવાનું અંગ્રેજી તરત સૂઝતું નથી. પણ એટલે એ અનુભૂતિ તો યુનિવર્સલ જ છે). પણ છતાં ય નવી જનરેશનમાં જેમને યોગ્ય શિક્ષણ મળ્યું છે, સારો ઉછેર થયો છે, એ પેઢી તો ખાસ્સી મેચ્યોર છે. સેન્સેટિવિટીને હેન્ડલ કરવા બાબતે ટ્રાન્સપરન્ટ છે. દુનિયાને દેખાડવા મહોરાં પહેરી ફરતી નથી. એટલે બ્રેકઅપની પાર્ટીઝ આપે છે. એના, યાને ખુદ પરના જોક બનાવે છે. સોશ્યલ નેટવર્ક પર એનું શેરિંગ પણ કરે છે. ગુડ. પણ પાટો વધુ સારો બાંધતા આવડે, એટલે જખમનું અસ્તિત્વ જ સાવ મટી જાય ખરું? કોઈ પણ જૂનો, સારો, ગાઢ સંબંધ તૂટે ત્યારે એના ઉઝરડા અને ઉહંકારા તો નીકળે છે. બધાને કહી ન શકાય અને ભીતરથી સહી ન શકાય, એવો એક તબક્કો આવે છે રિલેશનનો. એમાં વિદાયની વેદના સાથે ખુદ પરની આશંકાઓના ગિલ્ટ ખતરનાક રીતે ઘેરી વળે છે. દરેક બ્રેક અપ બાદ એવી લાગણી થાય કે આપણામાં કંઇક ખૂટે છે, અધૂરપ છે કે કશીક એલર્જીકારક નેગેટીવિટી છે, જેને સામી વ્યક્તિ જીરવી નથી શક્તી. પસંદ નથી કરતી. એવરી રિજેકશન લીડ્સ ટુ થોટ્સ ઓફ કરેકશન. અને સ્વભાવ ઝટ બદલતો નથી, એ બાબત વળી પેદા કરે ફ્રસ્ટ્રેશન! આપણી જ પર્સનાલિટીમાં આપણી જ ખુશીને ખતમ કરતું કોઈ વિષ હોય, એ વાસ્તવ સુધારવાનું છોડો, સ્વીકારવા માટે ય શ્યામસુંદર સ્થિતપ્રજ્ઞાતા જોઇએ. જે કેળવવી સહેલી નથી. કોઈપણ ડેપ્થવાળી રિલેશનશિપની મજા એ છે કે, એ આપણામાં કશુંક ઉમેરે છે. આપણી દુનિયા વિશેની સમજ અને અનુભવની શક્તિને વિસ્તારે છે. રેગ્યુલર રૂટિનની બહાર આપણને લઇ જાય છે, નવીન દ્રષ્ટિકોણ કે શોખ કે ટેસ્ટના ચાર્મ સાથે. ફ્રેશનેસ હોય ત્યારે આ બદલાવ ગમે ય છે. વેકેશનમાં ફરવા જઇએ ત્યારે નવ દ્રશ્યો રોમાંચક લાગે, પણ ત્યાં જ રોકાઈએ તો સમય જતાંજરા બોરિંગ પણ લાગે એવું! પણ એટલે સંબંધની સમાપ્તિ થાય, ત્યારે એક વ્યક્તિ જ જીવનમાંથી નથી જતી. પ્રગાઢતાની ડિગ્રી મુજબ આપણી પણ થોડીક સેલ્ફ એના જવા સાથે ખોવાઈ જતી હોય છે, મૂરઝાઈને મરી જતી હોય છે. પેલું રાતોની રાતો જગાડતું પેઇન એમાંથી શરૂ થાય છે. એમાં વાંક શોધવાનો ગિલ્ટ મળે, એ સલ્ફ્યુરિક એસિડમાં પાણી ઉમેરવા જેવી વિસ્ફોટક ગરમી પેદા કરે! પછી ઘણી વાર સંવેદનશીલ માણસ બીજી વારના સંબંધમાં ય પોતાની ફરતે પેલા રિજેક્શનના પીડાદાયક અનુભવનું રિપિટેશન ટાળવા અદ્રશ્ય દીવાલો ઊભી કરે! પ્રેમ અને ભરોસા જેવા શબ્દો એના માટે પછી અભિનય થઈ જાય, અનુભૂતિ નહિ! ઘણી વખત વ્યક્તિ જ મિસમેચ હોય પણ ખબર મોડી પડે. ક્યારેક વગર કારણે કોઈનો ઈન્ટરેસ્ટ જ ઉડી જાય. શક્ય છે. આપણે એ સ્વીકારી નથી શકતા કે બે વ્યક્તિ ક્વૉલિટી ઈન્ડિવિજ્યુઅલ્સ હોય એટલે 'ટુગેધર' રહી જ શકે, એવું થિઅરીમાં લાગતું હશે, પ્રેક્ટિકલમાં હોતું નથી. ઘણા જીદ્દી થઈ ફિક્સ ફોર્મેટમાં જીવે. ઘણા સતત ગ્રોથ પામે, નવું શીખીને. અલ્ટીમેટલી, એક જ ઘટના તરફ બધાની રિએક્ટ કરવાની કેપેસિટી જુદી-જુદી હોવાની. કોઈક એવું માને કે, રિજેક્શન તો ઓક્સિજનની જેમ પાર્ટ ઓફ લાઈફ છે. બધાને થયા હોય. રાજેશ ખન્ના અને સલમાનને, લારા દત્તા અને પ્રિયંકાને ય છોડનારા છે, ને એમને બીજા મળી પણ ગયા છે. મૂવ ઓન એન્ડ હેવ ફન. કેટલાક કોચલું વળીને ખુદને કોસવાની સંતાપસફર પર નીકળી પડે. એટલે જ છોડવાનું પણ શાસ્ત્ર હોવું જોઈએ. વિચ્છેદના પણ વિધિવિધાન હોવા જોઈએ. ગુડબાયની પણ રૂલબુક હોવી જોઈએ. એન્ટ્રી જેટલી જ અગત્યની બાબત છે : એક્ઝિટ. જ્યોર્જ લુકાસ કે જે.કે. રોલિંગથી રહેવાતું નથી એટલે ઘડી ઘડી છોડયા પછી પણ પોતાના સ્ટાર વોર્સ કે હેરી પોટરના યુનિવર્સમાં પહોંચી જાય છે. પૈસા મેળવે છે ને ચાર્મ ગુમાવે છે. અનહદ ખેંચ્યા કરવામાં લંબાઈ વધે છે, પણ શુષ્કતા ય વધે છે. સમયસર ઉભા થવામાં ય એક કશીશ તો બચે છે, ધીમી ધીમી સુગંધ વીખેરતી. ફોરેનમાં બ્રેકઅપ વેબસાઈટ્સ છે, જે તમને બ્રેકઅપ મેસેજ લખી દે! એટલે શરૂઆતમાં 'બ્રિજ એક્રોસ ફોરએવર'ને યાદ કરી. એમાં સુંદર એટલી જ સમજદાર એવી નાયિકા એક પત્ર લખે છે. લવલેટર નહિ, લીવ-લેટર. રિચાર્ડ બાકની લેસ્લી લખે છે : ''સંગીતની (વેસ્ટર્ન સિમ્ફનીની) મૂળભૂત ઓળખ 'સોનાટા' ફોર્મમાં છે. જેમાં પહેલા એક્સપોઝિશન હોય : ધીમે ધીમે ઉપાડ થાય. વાદ્યો, રિધમ સેટ થાય, ધુનની લહેરખીઓનો આરંભ થાય. પછી ડેવલપમેન્ટ સ્ટેજ આવે જેમાં સૂર ઉપર-નીચે થાય, લય જોર પકડે અને ધ્વનિ એકમેકમાં ભળીને ફેલાતો જાય. છેલ્લે રિકેપિચ્યુલેશન આવે. કોમ્પલેક્સ સૂરાવલિઓ એના શિખર પર પહોંચે, એક મેચ્યોર મેમરી મેજીક બની હળવે હળવે શાંત થાય. મોટા ભાગના સબંધોની શરૂઆત આકર્ષક અને રસપ્રદ હોય છે. સહજ મુલાકાતો થતી હોઈ ડિફેન્સના કવચ કે ગણત્રીની શતરંજ એમાં ઉમેરાતી નથી. નવીન એક્સપ્લોરેશનનો ચાર્મ ફન પેદા કરે છે. એક્સાઈટમેન્ટ પ્લેઝર આપે છે. ફુલો ખીલેલા હોય છે, એટલે કાંટા હોવા છતાં ઢંકાયેલા લાગે છે! પણ કાયમ બિગિનિંગ જ ચાલ્યા ન કરે. (તો તો કેરેક્ટર ઈન્ટ્રોડક્શન જ ચાલે, પ્લોટ આગળ વધે જ નહિ. જેમ કે 'ફેન્ટાસ્ટિક બીસ્ટ એન્ડ ક્રાઈમ્સ ઓફ ગ્રિન્ડલવાડ) શરૂઆત થાય, એનો અંત પણ આવે. એટલે સારા સંબંધમાં બેઉ વ્યક્તિએ એકબીજાને થોડી સ્પેસ આપી નવી-નવી યાત્રા પણ કરવી જોઈએ. નવી જગ્યાઓ, નવા લોકો તમને નવા બનાવે અને તમે પાછા ફરીને એ જ સંબંધમાં થોડી નવી તાજગી ઉમેરી શકો. (એકની એક વાતોનો કંટાળો ન રહે. કોઈક નવા સંગીત કે પુસ્તક કે વાનગીથી શરૂઆત થાય.) કરીઅર કે પ્રોફેશનને લીધે ય થોડું સેપરેશન આવે, એ જરૂરી. સતત ઘરમાં જ એકબીજા સામે જ રહેનારા બેય પતિ-પત્નીનો પ્રેમ વધે નહિ, ઘટે. પણ આપણી વચ્ચે સમયની ન પૂરાય એવી ખાઈ વધતી જાય છે. જે અસુખ પેદા કરે છે. કદાચ તું એવોઈડ કર કે બીજી બાબતો - વ્યક્તિઓને વધુ પ્રાધાન્ય (પ્રાયોરિટી, ધેટ ઇઝ) આપ એમાં 'આપણો સમય' લિમિટેડ થતો જાય છે, એના કાળા વાદળો મારા - મનમાં સતત ઘેરાયા કરે છે. તારી હૂંફ કે અપેક્ષિત પ્રતિસાદના અભાવે ક્યાંક હું દયાપાત્ર ન થઈ જઉં એનો ડર મને સતાવે છે. સત્ય બરફના તોફાનની જેમ ઢળતું આવે, ત્યારે આંખો મીંચી દેવાથી એ જતું રહેવાનું નથી. પ્રામાણિકતા અને હિંમતથી કબૂલવું પડે કે આપણા સંબંધમાં એ ઉષ્મા નથી રહી. (ઉષ્મા ન રહે તો ગરિમા ન રહે. ક્રેઝ એન્ડ રિસ્પેક્ટનું ફિફ્ટી-ફિફ્ટી બેલેન્સ જ લવ પેદા કરે!) એટલે હું ગમે તેટલું ઈચ્છું, હું આગળ નહિ વધી શકું. નાના-નાના અનેક મૃત્યુ કરતા એક વસમો આઘાત સહી લેવો સારો. મારે સ્વીકારવું પડે કે 'જૉય ઓફ કેરિંગ' કેવો હોય એ કોમ્યુનિકેટ તને કરવાના મારા પ્રયાસો નિષ્ફળ ગયા. તને એ કાળજી, ખેવના બંધન લાગવા લાગી. ડિયર રિચાર્ડ, આ બધું તને પ્રેમથી, ધીમા સાદે ભીનાશથી લખું છું. પણ સોફ્ટ ટોનનો અર્થ એવો નથી કે, મારી ભીતર એનો ગુસ્સો નથી. એ ક્રોધ તો છે, હકીકત છે. પણ એટલે એનું રૂપાંતર આક્ષેપો, આરોપો અને ફોલ્ટફાઈન્ડિંગમાં કરવું નથી. હું એટલે આંતરખોજ કરી વધુ સમજણ કેળવવાનો પ્રયત્ન કરું છું. કારણ કે, આપણો સંબંધ વિકસવાનો નથી એ બાબતનું દર્દ મારે ઓગાળીને ઓછું કરવું પડશે. મેં થોડાક અપમાનો અને ઉપેક્ષા વેઠીને ય આ રિલેશનશિપ સાચવવાની કોશિશ કરી. બધી મર્યાદાઓ છતાં શક્ય એટલું બદલવા મહેનત કરી. પણ આ બધો કકળાટ હું યાદ નહિ કરું. જસ્ટીફિકેશન અને આર્ગ્યુમેન્ટ્સની યાદી બે ય પક્ષે લંબાતી જશે. મને તો ગૌરવ છે કે, આપણે મળ્યા, સાથે સમય વીતાવ્યો. એ એક દુર્લભ અને સરસ તક હતી એનો કમસેકમ મને તો અહેસાસ રહ્યો, અને જ્યારે સાથે હતા ત્યારે શ્રેષ્ઠ અને ઉત્તમ, પ્યોરેસ્ટ એન્ડ હાઇએસ્ટ લાગણીઓ એમાં રાખી. આજે આ સંબંધનો અંત આવે છે, ત્યારે હું નિખાલસતાથી કહી શકું કે આપણું સજોડે ખૂબસુરત ભવિષ્ય ઘડાય એ માટે હજુ ય કશુંક મારાથી થઇ શકતું હોત, તો એ મેં જરૂર કર્યું હોત. પણ એ દુ:ખની સાથે આનંદ પણ છે કે તારો મને સ્પેશ્યલ કહેવાય એવો પરિચય થયો. આપણે સાથે જે સમય વીતાવ્યો એને કીમતી ખજાનાની જેમ હું જાળવીશ. મારો ય એ ગાળામાં વિકાસ થયો, કશુંક તારામાં મારે લીધે આવ્યું, તારી સાથે રહી ઘણું માણવા, જાણવા અને શીખવા મળ્યું. એકબીજાના સ્પર્શે આપણે બેઉ બેહતર ઈન્સાન બન્યા. મને અત્યારે ચેસની રમત પણ યાદ આવે છે. એ એવી રમત છે, જેમાં રમનારા બે હોય છે. પણ બે ય સતત માત્ર પોતાની બાજી ઉપર જ ફોકસ થઇ વિચારે છે. સામા તરફ એની ચાલનો જવાબ આપવા જેટલું જ ધ્યાન આપે છે! જેમ-જેમ રમત આગળ વધે છે, એમ સામસામો સંઘર્ષ વધે છે. ટૂકડે-ટૂકડે બેઉ પોતપોતાના સૈન્યને ગુમાવે છે, અને છેલ્લે એક ફસાય છે અને બીજા એને પરાજય માટે ક્યાંય હલીચલી ન શકે એમ મજબૂર કરે છે. મને લાગે છે, તું લાઈફને ચેસ તરીકે નિહાળે છે. હું એને સોનાટા તરીકે જોઉં છું. અને આ તફાવતને લીધે કિંગ એન્ડ ક્વીન હારી ગયા છે, અને ગીત ખામોશ છે! હું છતાં ય તારી મિત્ર છું, ને મને ખબર છે કે તું ય મારો મિત્ર છે. હું આ ઉંડા, કોમળ પ્રેમથી છલોછલ હૃદયે લખું છું. તને ય ખબર છે, તારા માટે કેટલી ચાહત અને માન છે. પણ એ સાથે જ એક કાયમી દર્દ પણ છે, કે આપણી વચ્ચે ઉજ્જવળ સંભાવનાઓ હતી, જે ખાસ અને સુંદર હતી એ આમ જ અધૂરી રહી, તક રોળાઇ ગઇ!'' આપણે ત્યાં અસંખ્ય લવસ્ટોરીઝ અકાળે જ આથમી જાય છે. મા-બાપ અને સમાજના આગ્રહોમાં કંઇક ફરજીયાત કજોડાંઓ જડબેસલાક રચાય છે. પછી વડીલો વધતા ડિવોર્સ રેટની ચિંતા કરે છે. જેન્યુઇન સમસ્યાઓ હોય, સેક્સ, દહેજ, ડોમેસ્ટિક વાયોલન્સ, સાસરિયા-પિયરિયાના ઘોંચપરોણા જેવી કોઇ તકલીફો હોય એ તો સમજી શકાય છે. પણ હજુ 'મનમેળ ન હોય' એ વાસ્તવ ઘણાઘરા સામાજીક કે કૌટુંબિક ઠેકેદારોને ગળે ઉતરતું નથી. કાયદો ય એમાં મદદ કરતો નથી. બે વ્યક્તિને એકબીજા સાથે કોઇ ગેપને લીધે ન પણ ફાવે. ઉછેર, આદતો, શોખ જુદા હોઇ શકે. દુનિયા જોવાના અલગ જ પર્સ્પેક્ટિવ્ઝ હોય. ગુ્રપ અને શિક્ષણ અલગ હોય. પહેલા જેટલા સમાધાન અને સહનશીલતા આજે સંભવ નથી. અભિવ્યક્તિના મુક્ત માધ્યમો વધી ગયા. વન-વે રિમોટ કંટ્રોલથી એક લીડર, એક ફોલોઅર એવું કાયમ થતું નથી. બહુ ચર્ચા ન થઇ, પણ લાલુપ્રસાદના પુત્ર તેજપ્રતાપે રેર કેન્ડીડ કબૂલાત કરી કે, 'મારા લગ્ન ઐશ્વર્યા સાથે થયા, એ પોલિટિકલ ઈકોનોમિક મેરેજ હતા. વડીલોએ એમના પાવરના એસોસિએસન માટે અમને પ્યાદાં બનાવ્યા. એ દિલ્હીની હાઇ સોસાયટીની છોકરી છે, હું ગામઠી બિહારી છું. અમારું કોઇ કોમન ગ્રાઉન્ડ જ નથી કે મેચ થાય!' ખરું. આપણે ત્યાં આજે ય મોટા કુટુંબોમાં આવા પરસ્પરની આબરૂ ખાતર થતાં લગ્નો છે. એરેન્જ્ડ મેરેજમાં ય કોમન ચોઇસની ફ્રીડમ તો હોવી જોઇએ ને! પણ આ અરસામાં જ ઈટાલીના પોપ્યુલર ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એવા ૪૫ વર્ષના માટિયો સાલ્વિનીની ૩૫ વર્ષીય ટીવી હોસ્ટ ગર્લફ્રેન્ડ એલિઝા ઈસોર્દીએ ઈન્સ્ટાગ્રામ બ્રેકઅપ કર્યું ! બે યની એક સ્માઇલિંગ ઈન્ટીમેટ તસવીર સાથે એણે ઈટાલીયન કવિ જીયો ઈવાન પંક્તિઓ લખી : 'ઈટ્સ નૉટ વૉટ વી હેવ ગિવન ઈચ અધર ધેટ આઇ મિસ, બટ વૉટ વી સ્ટિલ હેડ ટુ ઈચ અધર!' અર્થાત 'મને એ બાબતો યાદ નહિ આવે કે જે આપણે એકબીજાને આપી, પણ એની ઓછપ જરૂર આવશે જે આપણે એકબીજાને આપી શકતા હતા!'' બ્રેકઅપમાં પેઇન જેટલું ગમતાના જવાનું હોય છે, એટલું જ આ અપાર સંભાવનાઓનો જામ ઢોળાઇ જવાનું પણ. |
No comments:
Post a Comment