સાવ નાની ઉંમરે અનાથ થઈ ગયેલા અરશદ વારસીએ મુંબઈની ફટપાથો પર અને લોકલ ટ્રેનોમાં લાલી-લિપસ્ટિક જેવી આઈટમો વેચી છે. કાયમ હસતા-હસાવતા રહેતા અરશદની બોલીવૂડે સાચી કદર થવાની હજુ બાકી છે. અરશદ વારસીને જો દુશ્મનો હોય તો એ પણ કબૂલશે કે બોલીવૂડે એની પૂરતી કિંમત કરી નથી. સરસ અદાકાર છે, એક જમાનામાં એ ખુદ કોરિયોગ્ર્ાાફર રહી ચુક્યો છે એટલે ફાંકડો ડાન્સ કરી જાણે છે, દેખાવમાં ય ઠીકઠાક છે પણ કોણ જાણે કેમ હિન્દી ફિલ્મોમાં અરશદ એક અફલાતૂન સેકન્ડ લીડ બનીને અટકી ગયો છે. હીરોના દોસ્તારના રોલમાં અરશદ જીવ પૂરી દે છે. જેમ કે, મુન્નાભાઈ સિરીઝનું સરકીટનું યાદગાર કેરેક્ટર. યા તો પછી 'ગોલમાલ' અને 'ધમાલ' જેવી મલ્ટિસ્ટારર ફિલ્મોમાં એ ચક્રમ ટોળકીનો હિસ્સો બનશે. આ શુક્રવારે રિલીઝ થયેલી 'જોલી એલએલબી'માં એ 'સહર' નામની ફ્લોપ ફિલ્મ પછી લગભગ આઠ વર્ષ બાદ પહેલી વાર સોલો હીરો તરીકે ચમક્યો છે. પોતે એકલો જ હીરો હોય તેવી ઓછી ફિલ્મો કરનાર અરશદનું બાળપણ ખાસ્સું એકલવાયું પસાર થયું છે. આઠ વર્ષનો થયો ત્યારે એનાં મમ્મી-પપ્પાએ એને નાસિક પાસે આવેલા દેવલાલીના એક boarding- હાઉસમાં મૂકી દીધો હતો. વેકેશન પડે ત્યારે જ ઘરે આવવાનું. મતલબ કે વર્ષમાં ફક્ત બે વાર. દિવાળીમાં અને ઉનાળાની રજાઓમાં. નિયમ એવો હતો કે નાની-મોટી રજાઓ વખતે માબાપે boarding-હાઉસના વોર્ડનને ચિઠ્ઠી લખવી પડતી: મારા દીકરા (કે દીકરી)ને ઘરે મોકલવા વિનંતી. ઓફિશિયલ લેટર આવે તો જ ઘરે જવાની પરમિશન મળે. અરશદનાં માબાપ કેટલીય વાર ચિઠ્ઠી મોકલવાનું ભુલી જતાં. એમને યાદ જ ન હોય કે દીકરાને હવે રજાઓ પડવાની છે. આખું boarding હાઉસ ખાલી થઈ ગયું હોય અને નાનકડો અરશદ એકલોઅટૂલો ભીંતો સાથે વાતો કરતો હોય. એ પોતાને ને પોતાને કાગળો લખતો: અરશદ, કેમ છે તું? મજામાં તો છેને? પ્યુન બહાર જઈને કાગળ પોસ્ટ કરે. ટપાલમાં એનો એ કાગળ પાછો આવે. અરશદ વાંચે, રાજી થાય. boardingના હાઉસ-માસ્ટર અરશદના આ નાટકને જોયા કરતા. 'ફિલ્મોમાં મા-દીકરાનાં ઈમોશનલ સીન જોતી વખતે મારી આંખો કોરીકટ રહી જાય છે,' અરશદ એક મુલાકાતમાં કહે છે, 'એ લાગણી, મા-દીકરા વચ્ચેનું એ bonding મને ક્યારેય સમજાયાં નથી. ઘણાં છોકરા-છોકરીઓ જ્યારે કહેતાં હોય કે મમ્મી-પપ્પા વગર હું રહી ન શકું ત્યારે મને થાય કે આ લોકો શું વાતો કરી રહ્યાં છે?' આટલું કહીને અરશદ ઉમેરે છે, 'સંતાનને boarding-હાઉસમાં મોકલ્યું હોય વાલીએ એને નિયમિત કાગળ લખતા રહેવું જોઈએ, કમ્યુનિકેટ કરતા રહેવું જોઈએ. તું અમને ખૂબ વહાલો છે એવી લાગણી સતત બચ્ચા સુધી પહોંચતી રહેવી જોઈએ. નહીં તો એને ચોક્કસપણે એવું ફીલ થવાનું કે મમ્મીપપ્પાએ છૂટકારો મેળવવા પોતાને આટલે દૂર boarding-હાઉસમાં ધકેલી દીધો છે.' અરશદનાની મૂળ અટક ખાન છે, પણ એના પપ્પા વારસી પાક નામના પવિત્ર સૂફી સંતને બહુ માનતા. વારસી પાકના અનુયાયીઓ 'વારસી' કહેવાયા. આ રીતે અરશદ ખાન, અરશદ વારસી બની ગયો. એના પિતાજી આમ તો પૈસાદાર માણસ હતા. સાઉથ બોમ્બેમાં એમની માલિકીની બબ્બે બિલ્ડિંગ્સ હતી. જુહુમાં બંગલો હતો, પણ પરિસ્થિતિ પલટાઈ. જાહોજલાલી ભૂતકાળ બનતી ગઈ. પરિવાર એક કમરાના ખોબા જેવડા ઘરમાં શિફ્ટ થયો. અરશદ તે વખતે હજુય boarding-હાઉસમાં હતો. એ 14 વર્ષનો થયો ને પપ્પા હાડકાંના કેન્સરથી પીડાઈને ગુજરી ગયા. બે વર્ષ પછી બન્ને કિડની ખરાબ થઈ જતાં મમ્મી પણ મૃત્યુ પામી. અરશદ દસમું ધોરણ ભણીને ઉઠી ગયો. પેલું ખોબા જેવડું ઘર પણ વેચી નાખવું પડ્યું. ભાઈ-બહેનો નાની ખોલીમાં રહેવા ચાલ્યા ગયા. ખોલી એટલી નાની હતી કે હાથ પહાળા કરીને આળસ મરડે તો ભીંત સાથે ભટકાઈ જવાય. અરશદ મહેનત કરવા લાગ્યા. જાતજાતનાં કામ કર્યાં. ફૂટપાથ પર લાલી-લિપસ્ટિક-નેઈલ પોલિશ વેચી. બોરીવલીથી બાંદરા વચ્ચે લોકલ ટ્રેનમાં ફરીને ઝીણી ઝીણી આઈટમો વેચી. જે કંઈ કમાણી થતી તે મમ્મીની ટ્રીટમેન્ટમાં ખર્ચાઈ જતી. અરશદે આ જ વર્ષોમાં મહેશ ભટ્ટને 'કાશ' અને 'ઠિકાના' જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા. એના જીવનમાં વણાંક આવ્યો અકબર સામીના ડાન્સિંગ ક્લાસમાં જોડાયા પછી. એને સમજાયું કે પોતાનામાં ડાન્સની ટેલેન્ટ છે. એ ખુદને કહ્યા કરતો કે દુખના આ દિવસો કાયમ રહેવાના નથી. સારો સમય પાછો આવશે જ. ડાન્સિંગમાં એ જબ્બર ખંત સાથે મચી પડ્યો. એણે એટલી બધી મહેનત કરી કે લંડનમાં યોજાયેલી વર્લ્ડ ઈગ્લિંશ જાઝ ડાન્સિંગ કોમ્પિટીશનમાં એ ચોથો નંબર લાવ્યો. તે વખતે એની ઉંમર હતી 21 વર્ષ. એણે જુદા જુદા ડાન્સ ફોર્મ્સ શીખ્યા. કોરિયોગ્ર્ાાફી શરુ કરી. મુંબઈના અંગ્ર્ોજી થિયેટરમાં અરશદ જાણીતો બનતો ગયો. અલેક પદમસી અને ભરત દાભોલકરનાં કેટલાય અંગ્ર્ોજી મ્યુઝિકલની કોરિયોગ્ર્ાફી અરશદે કરી. બમન ઈરાની પણ એ જમાનામાં અંગ્ર્ોજી નાટકો કરતા. બન્નેની પહેલી મુલાકાત આ જ અરસામાં થઈ હતી. 'એક દિવસ ફિલ્મ ડિરેક્ટર જોય ઓગસ્ટિન મને મળ્યા,' અરશદ કહે છે, 'એણે મને લોકોને હસાવતા અને એન્ટરટેઈન કરતા જોયા હતા. એમણે 'તેરે મેરે સપને'માં હીરોનો રોલ ઓફર કર્યો. મેં ના પાડી. તે વખતે કોરિયોગ્ર્ાાફર તરીકે હું એસ્ટાબ્લિશ થઈ ચુક્યો હતો. મને ડર હતો કે કોરિયોગ્ર્ાાફીની દુકાન બંધ કરી દઉં ને પછી ફિલ્મોમાં ના ચાલ્યો તો? હું નહીં ઘરનો રહું કે ન ઘાટનો... પણ એક દિવસ જયા બચ્ચનનો ફોન આવ્યો. કેન યુ બિલીવ ઈટ? જયા બચ્ચન ખુદ ફોન પર હતાં! એમનો અવાજ સાંભળીને મને લાગ્યું કે હું બેહોશ થઈને ઢળી પડીશ! કોણ જાણે એમણે મારામાં શું જોયું. એક્ટિંગ સાથે મને નહાવા-નિચાવવાનો ય સંબંધ નહોતો. પણ આ વખતે મેં હા પાડી દીધી. આ રીતે એબીસીએલની 'તેરે મેરે સપને'થી મારી ફિલ્મી કરીઅર શરુ થઈ.' 1996માં રિલીઝ થયેલી 'તેરે મેરે સપને'માં અરશદ ઉપરાંત ચંદ્રચૂડ સિંહ નામનો બીજો હીરો પણ હતો. ફિલ્મ સારી ચાલી. એનાં ગીતો હજુય ક્યારેક કાને પડી જાય છે. અરશદનું કામ વખાણાયું. ફિલ્મો પણ મળવા લાગી. દર વર્ષે એની એક-બે ફિલ્મો રિલીઝ થઈ જતી, પણ હરામ બરાબર એક પણ ચાલી હોય તો. વળી પાછા ત્રણ વર્ષ એવાં આવ્યાં કે અરશદ પાસે બિલકુલ કામ નહોતું. એની પત્ની મારિયા એમટીવી અને એનડીટીવી ગુડ ટાઈમ્સ ચેનલ પર વીજે તરીકે કામ કરતી, કમાતી અને અરશદ ઘર સંભાળતો. ફરી પાછો વણાંક આવ્યો 'મુન્નાભાઈ એમબીબીએસ'થી. એના ડિરેક્ટર રાજુ હિરાણી અને જોય ઓગસ્ટિન મિત્રો છે. રાજુ 'તેરે મેરે સપને'નું એડિટિંગ જોવા આવતા. એ જ વખતે એની નજરમાં અરશદ વસી ગયો ગયો. સાત વર્ષ પછી રાજુએ જ્યારે ડિરેક્ટર તરીકે પોતાની પહેલી સુપરડુપર ફિલ્મ બનાવી - 'મુન્નાભાઈ એમબીબીએસ' - ત્યારે સરકિટ નામના ક્યુટ ટપોરીના રોલમાં અરશદને કાસ્ટ કરી લીધો. આ ફિલ્મે તો ઈતિહાસ રચ્યો. અરશદને વચ્ચે પ્રોડ્યુસર બનવાના ધખારા પણ ઉપડેલા. 2010માં એણે 'હમ તુમ ઔર ઘોસ્ટ' નામની ફિલ્મ બનાવી. ફિલ્મ ઊંધે માથે પછડાઈ. અરશદ કબૂલે છે, 'આઈ એમ અન ઈડિયટ, સ્ટુપિડ પ્રોડ્યુસર. હું ગાંડાની જેમ મચી પડ્યો હતો. મેં એટલા બધા પૈસા વેડફ્યા અને ગુમાવ્યા છે કે ન પૂછો વાત. નવ નવ મહિના હું ઘરથી દૂર રહ્યો, જેની અસર મારા લગ્નજીવન પર પણ પડી. મારી ટીમ મારા ખર્ચે અને જોખમે જલસા કરતી હતી. આખરે જે ફિલ્મ બની તે તદ્દન વાહિયાત સાબિત થઈ. બટ ઈટ્સ ઓકે. હું ભવિષ્યમાં વહેલા મોડો ફિલ્મ પ્રોડ્યુસ તો કરીશ જ. હા, મેં જે ભુલો કરી છે તે રિપીટ નહીં થાય એની ગેરંટી.' નજીકના ભવિષ્યમાં અરશદની એક ઈન્ટરેસ્ટિંગ ફિલ્મ આવી રહી છે - 'દેઢ ઈશ્કિયા'. નસીરુદ્દીન શાહ અને માધુરી દીક્ષિત એના કો-સ્ટાર્સ છે. 'ઈન્ડસ્ટ્રીમાં કોઈએ મને પહેલી વાર સાચી રીતે પારખ્યો હોય તો એ છે જયા બચ્ચન,' અરશદ કહે છે, 'એમણે કહેલું કે અરશદ, તું કોમેડી ફિલ્મો વધારે કરે છે ને આખો દિવસ જોકરવેડા કરતો રહે છે પણ એ તો તારો મુખવટો છે. તું તારા વિષાદને ઢાંકવા, તારી પીડા અને સેન્સિટિવીટીને લોકોથી છુપાવવા મજાકમસ્તીનું મહોરું પહેરી રાખે છે...' અરશદે જીવનમાં ઘણું દુખ જોયું છે. ઘણી સ્ટ્રગલ કરી છે. રીતસર સડક પરથી એ આગળ આવ્યો છે. એક કલાકાર તરીકેની અને માણસ તરીકેની એની ઈમાનદારી અકબંધ રહી તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એની સાચી કદર થવાની જ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OunOBsPckjqV5t7KuK-KoFWn0Jp9pXWty6wDVdJNDVhTQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment