Thursday, 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગુલ્લાબ જાંબુ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુલ્લાબ જાંબુ!
અશોક દવે

 

 


તે દિવસે અમને કાળ ભરખી જશે, એવો ખૌફ પેદા થઇ ચૂક્યો હતો. કબુભ'ઇએ એમના ઘેર અને જમવા બોલાવ્યા હતા. અગાઉ પણ એમના ઘેર જમતી વખતે, અમે કોઇ વીર રાજપુતના મર્દાના મૌતને બદલે કટકે-કટકે મર્યા હતા. સંબંધો એવા હતા કે, એ જમવા બોલાવે તો ના ન પાડી શકાય. પણ જે દિવસે અમને જમવા બોલાવવાનો એમનો ફોન આવે, એ દિવસથી અમારા ઘરમાં ગમગીન વાતાવરણ ફેલાવા માંડે. એમના ઘેર જમતી વખતે હેડકીઓ ખાતા ખાતા મરવું, એના કરતા એક ઝાટકે પોતાના લમણામાં રીવૉલ્વરનો ભડાકો કરી દેવો સારો.... એમાં ગોળી-બોળી નથી ને.... એ ચકાસી લીધા પછી!


ભારતના મહાન ઇતિહાસકારોએ મારી જીવનકથાઓ લખતી વખતે ક્યાંય લખ્યું નથી કે, મને ગુલાબજાંબુ બહુ કે થોડા ભાવે છે, છતાં ય, જેના જેના ઘેર વઘ્યા હોય કે ખાટાં થઇ ગયા હોય, એવા ગુલાબજાંબુ મને બોલાઇ-બોલાઇને વળગાડી દેવાનો શિરસ્તો ચાલ્યો આવે છે. 'દાદુને તો અમારા ઘરના ગુલાબજાંબુ ખૂબ્બ ભાવે...!'


કબુભ'ઇના ઘેરથી અમને જમવાનું આમંત્રણ આવે, ત્યારથી આવનારા ૨૦-કલાક સુધી અમારા ઘરમાં સ્મશાનવત શાંતિ છવાઇ જાય. એક હસતં-રમતું ઘર બોલતું બંધ થઇ જાય. કોઇ બાલ્કનીમાં ઊભું ઊભું સુનમૂન થઇને આકાશમાં જોયા કરતું હોય, કોઇ પગના નખ કાપવા માંડે, વાઇફ સોફા ઉપર લાંબી થઇને, કપાળ પર આડો હાથ ઠાંકીને, નદીના પટમાં અજગર પડ્યો હોય એમ પડી રહી હોય, તો દીકરો ને વહુ ઓળખાણમાં એક ડૉક્ટર છે, એમની પાસે મૅડિકલ-સર્ટિફિકેટ લઇ આવે, જેથી કબુભ'ઇના ડિનરમાં એ લોકો કેમ નથી આવ્યા, એના તબીબી-પુરાવા રજૂ કરી શકાય.


આવા દિવસોમાં મને વિચિત્ર રોગ લાગુ પડી જાય છે. મારી જીભ તોતડાવા માંડે, બોલું ત્યારે થૂંક ઊડતું રહે, સવારે દાંતને બદલે મૂછો ઉપર બ્રશ ઘસઘસ કરૂં, છતાં ઘરમાં કોઇ મારૂં ઘ્યાન પણ ન દોરે કે, દાંત જરી નીચે છે. સહુ પોતપોતાના દુઃખોમાં પડ્યા હોય ને? બા કહેતા'તા કે, 'બઘું અહીં ભોગવવાનું છે... શી ખાત્રી કબુડો એક વાર આપણા ઘરે જમી ગયો હોય, એનો બદલો આ રીતે લેવા માંગતો હોય!'


કબુભ'ઇને સાલી ના ય ન પાડી શકાય. સગામાં થાય ને! એમના ઘરે જવાનું એકમાત્ર આકર્ષણ એમની સુંદર વાઇફ જલસા. ઓહ... ઓહો... ઓહુ... અને છેલ્લે, આહ...! કેવી અપ્રતિમ સુંદર સ્ત્રી? ઓરિજીનલ ગુલાબજાંબુ તો એ છે... ફક્ત કંદોઇ ખોટો ઉપાડી લાવી છે-કબુડો. જલસાની આંખો ઉપર ભ્રમર છે, યુ નો...! અરે, એ ભ્રમરનો તૂટેલો ફક્ત એક વાળ યુરોપમાં વેચવા જાઓ ને, તો સોદો ગમે તે નક્કી થાય, સોદા સાથે લંડનનો બકિંગહામ પૅલેસ એ લોકો ગિફ્‌ટમાં આલે....! બે ચણીબોર લટકતા હોય એવી જલસાના કાનની બે લાલધુમ બૂટ...! શિયાળાની વહેલી પરોઢે જલસાની આંખોના બંને ખૂણામાં કપાસના ફૂલો સરીખા ઊગી નીકળતા ધોળા-ધોળા બે પિયા... અને એની---ઓહ, શટ અપ તું આ બઘું નિષ્ઠૂર વાચકોને શા માટે કહી રહ્યો છે? ભોળા અશોક, જલસાની સુંદરતા વિશે તારા સિવાય બોલવાનો કોઈને હક્ક નથી. અશોક, જલસાને જોયા પછી તારી ઉંમર સમજો કે... કોઇ વીસેક વર્ષ ઓછી થઇ જાય છે. (૨૦-ને બદલે ૧૯-સમજવી...! તું બીજે પરણ્યો છું, એ વિચાર આવતા તારી એ જ ઉંમર ૨૧-વર્ષ વધી જાય છે... ઊભો રહે અશોક, પંખો હું ચાલુ કરૂં છું!) વાચકોની જાણ ખાતર... આ છેલ્લા કૌંસમાં તમે જેનો અવાજ વાંચ્યો, એ સ્વયં પ્રભુશ્રી નટવર ગીરધર કૃષ્ણકન્હૈયા પોતે હતા... બોલો, જે શી ક્રસ્ણ..!


જલસા પાછી મારી વાઇફને તો દીઠી ય ન ગમે. અમે બંને વાતો કરતા હોઇએ ત્યારે એ જલસાનું નામ બગાડીને 'જલુ' કરી મૂકે છે... કોઇને ખબર ન પડે, એ રીતે મેં મારી વાઇફનું નામ 'જૅલસા' રાખ્યું છે...! સુખી સંસાર માંડ્યા પછી પતિ-પત્ની વચ્ચે એવું કદી ન હોવું જોઇએ કે, વાઇફને જે ન ગમતું હોય, તે આપણે ય ઘેર બેઠા ન ગમાડવું...! સુઉં કિયો છો?


કબલાની વાઇફ જલસાને તમે... સૉરી, તમે નહિ હું બે ઘડી જોયે રાખું તો ભગવાન શંકર પણ પ્રસન્ન થાય. એ ય સમજે ને કે, અશોકનો અને મારો ટેસ્ટ સરખો છે. શંકર-પાર્વતીની જેમ, કૈલાશ પર્વત ઉપર હું ને જલસા અડધી પલાંઠી વાળીને બેઠા હોઇએ, એવા ફોટા પડાવવા મને ગમે. એના સૌંદર્યના વર્ણન એટલા માટે નથી કરવાનો કે, તમારામાંથી કોઇના ચરિત્ર, નજર અને ઇરાદાઓ ઉપર મને ભરોસો નથી.


બસ... ખાટલે મોટી ખોડ કે, જલસાના હાથનુ જમાય નહિ! એણે બનાવેલા ગુલાબજાંબુ તો કદી ન ખવાય.. ગૉલ્ફ રમવાના કામમાં આવે એવા એના ગુલાબજાંબુ આખે આખી સોપારી ખાતા હોઇએ, એવા કડક થઇ જાય છે. એ ચોખલી બહુ હોવાથી, ઘરની કોઇપણ ચીજને અડતા પહેલા 'ડૅટોલ'થી હાથ ધોઇ નાંખે છે, એમાં એણે બનાવેલા ગુલાબજાંબુમાં ય 'ડૅટોલ'ની ખુશ્બુ આવે રાખે. (આ તો જલસા બનાવે, માટે 'ખુશ્બુ' કહેવાય, બાકી ગંધ કહેવાય!) ખાનારને નાની ઉંમરે મોટી આંચકી આવે કે, આણે ગુલાબજાંબુ ખાંડની ચાસણીને બદલે 'ડૅટોલ'માં ડૂબાડીને કેમ આપ્યા હશે! આપણા દરેકના ગળા ઉપર એક ગોળમટોળ હૈડીયો હોય છે... ઘણાને નથી હોતો. જેમને નથી હોતો, એ આ જલસાડીનું એક ગુલાબજાંબુ ખાય તો પર્મેનૅન્ટ હૈડીયો આવી જાય.


જલસી પહેલા આવી નહોતી. પણ વિખ્યાત ટીવી-ઍન્કર અમેરિકાની ઓપરા વિન્ફ્રે ઇન્ડિયા આવી ને ચોંકતી ગઇ કે, 'હાય હાય... ઇન્ડિયામાં તો બધા હાથથી ખાય છે... સ્પૂન કે ફોર્ક (છરી-કાંટા) થી તો બહુ ઓછા! એ જલસીના ભોળા મગજમાં ભરાઇ ગયું, ત્યારથી જલસી કોઇપણ ચીજ હાથમાં પકડીને ખાતી નથી. આપણે તો જોવા ગયા નથી કે, નહાવાનો સાબુ ય એ ચમચીમાં મૂકીને ચોળતી હશે કે શું? કોઇ મને એ તો કહો... પુરી-પકોડી છરી-કાંટાથી ખાવી કેમ ફાવે?


જલસાએ રસોઇ તો બધી બનાવી હતી. વૅલકમ-ડ્રિન્ક અને સ્ટાર્ટર તો અમે બંને હોશિયારીથી (એટલે કે, ચમચીથી) ખાઇ-પી લીધા, પણ ડખો છેલ્લે છેલ્લે ગુલાબજાંબુ વખતે થયો.


યૂ નો...ગુલાબજાંબુ એવી ચીજ છે, જે જમણા હાથની પહેલી આંગળી અને આપણા અંગૂઠા વચ્ચે હળવેથી પકડીને સીઘું મ્હોંમાં મૂકવાનું હોય, તો એની લઝઝત આવે. ગુલાબજાંબુ ચમચીથી કદી ન ખવાય.... આપણું ઘ્યાન જલસામાં હોય એમાં દાંત વડે બચકું ચમચીને ભરાઇ જાય તો દાંત અંબાઇ જાય ને જાંબુડીયું હાળું હેઠું પડે. એમાં ય, અંદરખાને પાછી જલસીને મારી માયા બહુ (હશે!), એટલે આગ્રહ કરવાને બહાને ચમચીમાં મૂકેલું ગુલાબજાંબુ મારા ગુલાબી ગુલાબી હોઠ પાસે લાવીને એ ફ્રીજ થઇ ગઇ. નહિ, આપણે નાના હતા ત્યારે 'સ્ટેચ્યૂ-સ્ટેચ્યૂ' રમતાઆઆઆઆ....? આમ કરવામાં જ કોઇ લૉસ હતો તે એને હતો ને તમે સમજી શકો છો... આપણને તો આવા સ્થિરચિત્રો જલસા કરાવી દે..! જલસી પોસ્ટબૉક્સમાં ટપાલ નાંખવા આવી હોય, એમ મારા મ્હોંમાં ગુલાબ જાંબુ નાંખીને જતી ન રહી... ચમચી મારા હોઠ પાસે અટકાવી દીધી.. લુચ્ચી એવું સમજતી રહી કે, મારૂં ઘ્યાન એના ગુલાબજાંબુમાં હશે...!


બસ.... એ પછી તો જલસાના ઘરની કોઇપણ રસોઇ મને નડી નથી. અમે તો સામે ચાલીને એના ઘેર ડિનરો ગોઠવવા લાગ્યા. (અમે એટલે હું) કહે છે ને કે, જમાડનારમાં ભાવ હોય ને જમનાર ભૂખ્યો હોય તો જમણવાર સંપૂર્ણ બને છે...!

 

સિક્સર
- ભારતની જ વસ્તી દોઢસો કરોડની છે, ત્યાં વિશ્વની વસ્તી કેટલી હશે?
- એ બધામાંથી ત્રીજા તો ત્રીજા નંબરનો બ્રોન્ઝ મૅડલ જીતવો, કેટલી મોટી સિઘ્ધિ છે ને...? મીડિયા તો ઠીક, આપણી પ્રજા પણ ગૌરવ લેતી દેખાતી નથી...!
- ક્રિકેટ સિવાયનું કોઇ નૉલેજ હોય તો ને?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtCf4hEKNnBWU%2Bj_g22BdRy%2Bu%3DPd0iRXSQTOsFAFkAQEg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment