Friday 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બાવન પાનાંની ગીતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાવન પાનાંની ગીતા!
અશોક દવે

 

 


બાવન પાનાંની ભગવત-ગીતાને ય સમજવા માટે ગુરૂની જરૂર તો પડે, એમ ગુજરાતના લાખો હરિભક્તોએ મહાન ગીતા-પ્રેમી શ્રી. અશોકજી પાસે પ્રશ્નોત્તરી સ્વરૂપે જ્ઞાનપિપાસાની અરજી કરી છે તો, ભક્તોના કલ્યાણાર્થે અત્રે ગીતાની એવી વિમાસણો અને ગૂંચવણોના ઉકેલ પ્રસ્તુત છે. (અલબત્ત, ગીતાની સૌથી મોટી ગૂંચવણ તો એનો ગોરધન આપણો ગુણવંતીયો જ છે... લેકીન, વો કિસ્સા ફિર કભી...!)


મૂંઝવણ ૧ : સ્વામી અશોકજી, અમારા ઉપર અસીમ કૃપા કરીને, આ જન્માષ્ટમી પર્વ નિમિત્તે અમે તીન-પત્તીમાં ખૂબ જીતીએ, એનો કોઈ મારગડો દર્શાવશો?


ઉત્તર : અવશ્ય. દર વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે બાવન-પાનાંની ગીતાનું સામુહિક પઠન કરતા હરિભક્તોને પ્રભુ શ્રીકૃષ્ણ પૂરા ફળે, એ માટે દરેક બેઠક પહેલા એક પ્રાર્થના કરી લેવી ભગવત-ગીતામાં ઈષ્ટ મનાઈ છે કે, ''હે નટવર ગીરધર... હું એવો સ્વાર્થી નથી કે, ફક્ત મારી બાજીમાં ત્રણ એક્કાનો ટ્રાયો નીકળે... સામેવાળાઓને પણ તું એ જ બાજીમાં રાજાનો ટ્રાયો, રાણીનો ટ્રાયો કે છેવટે દસ્સાનો ટ્રાયો આપજે... હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી,... હોઓઓઓ... સહુનું કલ્યાણ કરો, એ પહેલાં મારૂં કરજો... પ્રભો.''


મૂંઝવણ ૨ : ધન્ય હો ધન્ય હો, મહારાજ.. આપનો દસે દિશાઓથી ધન્ય હો, કેવી ઉચ્ચ પ્રાર્થના છે આ કે, આપણે એકલા જ એક્કાનો ટ્રાયો લઈને બેસી રહીએ એવા સ્વાર્થી નથી. એ જ બાજીમાં કૌરવોને પણ બીજાં ટ્રાયા નીકળે. શત્રુઓનું પણ આવું સારૂં તો અસલી પાંડવો ય નહોતા વિચારતા.


...કિન્તુ ગુરૂજી, શું આપણા દેશમાંથી હિંદુ ધર્મ મરી પરવાર્યો છે?


ઉત્તર : જન્માષ્ટમીના પવિત્ર પ્રસંગે આગલી બે રાતોથી જ હરિભજનમાં લાગી જતાં ભક્તોના હાથમાં ૫૨-પાનાંની ભગવત-ગીતા હોવી, એ જ બતાવે છે કે, હજી દેશમાંથી ધર્મ મરી પરવાર્યો નથી. અરે, ચાલુ અઘ્યાયે પણ ફક્ત બે પાનાં વાંચ્યા પછી કાળીનો એક્કો અને કાળીની દૂરી દેખાય, ત્યારે પણ આ પાંડવો ઈશ્વર-સ્મરણ છોડતા નથી. ''હે દીનાનાથ, મારા કેસમાં તમારે દ્રૌપદીભાભીની જેમ, લાજ બચાવવા મારા માટે સાડીઓ મોકલવાની જરૂર નથી... મારી લાજ લૂંટાતી બચાવવા, તમે કાળીની ફક્ત એક તીરી મોકલી દો, શ્રીનાથજી... અહીં દુષ્ટ કૌરવો છેલ્લા બે કલાકથી મારી અડધી લાજ તો લૂંટી ચૂક્યા છે... મારે એક બાજી નથી આઈ... ને સાલા દુર્યોધન જેવા સુધીરીયાએ મારી કાચી રોન સામે પાકી રોન કાઢીને મને નવડાઈ દીધો હતો... યોગલો ધૃતરાષ્ટ્રનો ય બાપ થાય એવો છે... બ્લાઈન્ડ-બ્લાઈન્ડ રમીને મને આંધળો કરી દીધો છે... હે દયાળુ નાથ, મારી એક જ રીક્વેસ્ટ છે... મારી યાચના સાંભળીને કદાચ પણ તું મને કાળીનો એક્કો, દૂરી ને તીરીવાળી પાક્કી રોન આપી પણ દે... તો યાદ રાખજે મારા શામળીયા...એ જ બાજીમાં કોઈ કૌરવ ટ્રાયો લઈને ના આવે...! ''મારી બાજી સ્વીકારો, મા'રાજ રે, શામળા ગીરધારી, હોઓઓઓ...'' (પ્રભો, હાલમાં મારી હૂંડી-ફૂંડી કાંઈ સ્વીકારવાની જરૂર નથી... ફક્ત મારી બાજી સ્વીકારો, મા'રાજ રે... શામળા ગીરધારી, હોઓઓઓ!''


મૂંઝવણ ૩ : પૂજ્ય અશોકજી, કૃપા કરી અમને એ સમજાવશો કે, તીનપત્તીના મહાયુઘ્ધમાં જગ્યા બદલવાથી કોઈ ફેર પડે છે ખરો?


ઉત્તર : ઉચિત વિમાસણ છે આપની. કેટલીક વાર એવું બનતું હોય છે કે, જે સ્થાનકે આપ બેઠા બેઠા પત્તા ચીપતાં હો, એ મનહૂસ હોય ને આપની બાજીઓ જ ન નીકળે. એક નાનકડો જ સ્થાન ફેર કરવાથી ઘડીભરમાં બાજી પલટાઈ શકે છે... ને આપ બમણા ટીચાઈ જઈ શકો છો. આને માટે આપણા શાસ્ત્રોમાં, 'કટ-ફોર-સીટ'ની વ્યવસ્થા છે.


મૂંઝવણ ૪ : વાહ. કેવો ઉત્તમ ઉત્તર. ગુરૂજી. તો હવે આપ અમને એ સમજાવો કે, ઘણીવાર બાજુમાં જ એવો અભાગીયો બેસી ગયો હોય કે, એ પલાંઠી વાળીને બેઠો હોય, ત્યાં સુધી આપણી બાજીઓ જ ન નીકળે. ગુરૂજી, એ વખતે શું આપણાથી એને પલાંઠો છોડવાનું કહેવું, એ નીતિશાસ્ત્રની વિરૂઘ્ધ છે?


ઉત્તર : કવચિત, તીનપત્તીમાં બીજાના પલાઠાં આપણને નડવાના કિસ્સા જાણવામાં આવ્યા છે. અલબત્ત, એને પલાંઠો છોડવાનું કે છોડેલો હોય તો બાંધવાનું કહેવું, બહુધા ઉચિત નથી હોતું. શક્ય છે, એને છોડેલો પલાંઠો જ ફળી ગયો હોય, તો એ બાંધેલો પલાંઠો ઘેર ગયા પછી ય છોડવાનો નથી. તો સીધેસીઘું ના કહી શકાય કે, ''લંગડા, હખણો બેસ...!'' એને બદલે વિભિન્ન પ્રકારની આવા દુર્યોધનોને હળીઓ કરવાથી, રાજકોટ, જામનગર અને પોરબંદર સાઈડમાં રમાતી તીનપત્તીઓમાં પલાંઠા છુટતા જોવામાં આવ્યા છે.


તમને સ્મરણમાં હશે જ કે, ભગવાન શ્રીકૃષ્ણ પણ ઘણીવાર શત્રુઓનો સંહાર કરવાને બદલે, કેવળ 'હળી કરીને' ઝૂડી નાંખતા હતા, તેમ અહીં તમે પણ કૃષ્ણ-સ્વરૂપ ધારણ કરીને, બાજુની પલાંઠીવાળાને હળીઓ કરી કરીને હેરાન-પરેશાન કરી નાંખો. વારંવાર આપણો ઢીંચણ એને અથડાવાથી કે આપણી પલાંઠી છોડતી વખતે 'અજાણતામાં' એને લાત મારી દેવાથી, આ સાધના સફળ થઈ શકે છે. શત્રુનું પતન એ આપણો વિજય જ છે.


મૂંઝવણ ૫ : વાહ સ્વામીજી વાહ...! કેવા નૈતિક ઉપાયો છે આપના! કૃપા કરી, એ બતાવશો કે, અમારે ઓલમોસ્ટ દરેક બાજીમાં પહેલા બે પત્તાં, 'તોડી નાંખ તબલાં ને ફોડી નાંખ પેટી' જેવા સોલ્લિડ દેખાય, જેમ કે ચરકટનો રાજા ને એના પછી ચરકટની રાણી... તો દુનિયાભરના પરમેશ્વરોને પ્રાર્થનના કરવા છતાં, ત્રીજા પત્તામાં ચરકટનો એક્કો તો ઠીક, ગુલામ બી નથી નીકળતો. પૂછવાનું પ્રયોજન કેવળ એટલું જ, લગભગ દરેક બાજીમાં બે પત્તાં કાતિલ આવે પણ ત્રીજું ભંગારના પેટનું કેમ નીકળે છે?


ઉત્તર : વત્સ, અનિશ્ચિતતા જ તીનપત્તીના યુઘ્ધની પારાશીશી છે. ચરકટના રાજા-રાણીની સાથે છેલ્લે છગ્ગો જુઓ, તો નિરાશ થવાને બદલે પ્રભુને એ પ્રાર્થના કરો કે, ઓકે.... આવતી બાજીમાં આ જ લાલનો છગ્ગો પોતાની સાથે લાલનો સત્તો-અઠ્ઠો ય લેતો આવશે...


- તગારામાંથી સત્તા-અઠ્ઠા આવે...? અહીં તો તૂટી ગયા હોઈએ, ત્યારે ખરે વખતે સાલો છગ્ગો એની બહેનના લગ્ન કરાવવા બાજુવાળાની બાજીમાં જતો રહ્યો હોય ને આપણા સત્તા-અઠ્ઠાની સાથે દૂરો નીકળે.... સ્વામીજી, ખોટી ફેંકાફેંક ના કરો...!


ઉત્તર : ગીતામાં કહ્યું છે, ''કર્મ કરે જા... ફળની આશા ન રાખ''.


મૂંઝવણ ૬ : ગુરૂજી, તમારી એ જ ગીતાડીનો ગોરધન ગુણવંતીયો જ બધા ફળ ઠોકી જાય છે... સાલાને બ્લાઈન્ડમાં ય કલર, રોન ને ચોગ્ગાના ટ્રાયા નીકળે છે, એ જોઈને સોફામાં બેઠી બેઠી અમારી બાઓ ખીજાય છે...


ઉત્તર : પ્રશ્ન પૂછતી વખતે ભાષા ઉપર સંયમ રાખો, વત્સ...! અહીં 'તમારી ગીતાડી... તમારી ગીતાડી...' જેવા શબ્દપ્રયોગ ન કરો... ગીતલી સાલી કોઈની થઈ નથી ને થવાની નથી... ક્યું ઝખ્મો પર નમક છિડક રહે હો, ભાઇ...? સુઉં કિયો છો?


મૂંઝવણ ૭ : બાપનું કપાળ કહીએ છીએ! એક ભાવક તરીકે અમારો પ્રશ્ન બાવન-પાનાની ગીતા સંબંધિત છે... આપની આત્મકથા સ્વરૂપે નહિ! ગુરૂજી, સંસ્થા એ જાણવા માંગે છે કે, તીનપત્તી કેવળ મનોરંજન માટે રમવી કે પૈસા કમાવવાના પવિત્ર ભાવથી રમવી?


ઉત્તર : અનેક ક્ષુબ્ધજનો તીનપત્તી રમતા રમતા એવી ઘોષણા કરે છે કે, 'હું તો બે ઘડી ગમ્મત માટે જ રમું છું... પૈસાની આપણને સહેજ બી હાયવોય નહિ!' આવું કહેનાર જાતક શો કરાવે ને એના ડબલ-એક્કાની સામે સામેવાળો બ્લાઈન્ડમાં કલર કાઢે ત્યારે... ''એની માંને... ને તેની માંને...'' જેવા શ્વ્લોકો ઉપર ચઢી જાય છે..! ચેલા, તું સ્વીકારે કે ન સ્વીકારે, સહુ પૈસા ખાતર અને ફક્ત જીતવા જ આવે છે. હારવા કોઈ નહિ?


મૂંઝવણ ૮ : અદભુત અર્થઘટન, બાપજી... વાહ! તીનપત્તીમાં ય કેવા ધાર્મિક વિચારો છે આપના! હવે એ સમજાવો કે, તીનપત્તીમાં ડબલ-એક્કાની સામે કલર નીકળે, નીકળે ને નીકળે જ, એવું શાથી બનતું હોય છે? આપણે બે એક્કા ઉપર જૂનાગઢ જીતવા નીકળ્યા હોઈએ, ત્યારે સામેવાળો કલર જ કાઢે, એવું શાથી હોય છે?


ઉત્તર : એવું સદૈવ હોતું નથી, પણ એવું હોય છે ખરૂં. ગયા શનિવારે હું ય એમાં ધોવાઈ ગયો'તો...!

મૂંઝવણ ૯ : સ્વામી અશોકજી, શું તીનપત્તીની બેઠકમાં ક્રિકેટ-ફુટબોલની જેમ શરીર ફીટ રાખવું આવશ્યક છે?


ઉત્તર : એનો આધાર તમે જીતો છો કે ધોવાઈ ગયા છો, એની ઉપર છે. આપે નોંઘ્યું હશે કે, જીતનારો ટટ્‌ટાર અને ફૂલગૂલાબી મૂડમાં હોય છે.. ને ડૂબી ગયેલો ધીમે ધીમે પોતાના પાર્થિવ શરીરનો આકાર બદલવા માંડે છે. બાજીમાં ધોવાતો જાય એમ એમ, પ્રારંભમાં એ ટટ્‌ટાર બેઠો હોય, ત્યાંથી એનો નશ્વર દેહ વાંકો વળતો જાય... આખરી અઘ્યાયમાં તો, નદી કિનારે મરેલો અજગર લાંબો થઈને પડ્યો હોય, એમ આ જાતક સુતા સુતા સ્લો-મોશનમાં રમવા માંડે છે. સવારે ૮ થી ૧૦માં આપણને સફેદ-ઝભ્ભો લેંઘો પહેરીને એના હસતા ફોટાને ફુલહાર ચઢાવવાનો મોકો મળશે, એવી આશા બંધાય છે. (સાચા હરિભક્તો બેસણામાંથી પાછા આઇને સવા દસ-સાડા દસ સુધીમાં , ગીતાજ્ઞાનયજ્ઞ તાબડતોબ ચાલુ કરી દે છે.)


મૂંઝવણ ૧૦ : હવે અંતીમ પ્રશ્ન, અશોકજી... જન્માષ્ટમીના આ પુનિત પર્વ નિમિર્તે, આપણા ગુજરાતી હરિભક્તો બેઘડી આવા જ્ઞાનયજ્ઞોના આયોજનો કરે, એમાં દુઃશાસન બનીને પોલીસ શું કામ ઈજ્જતનો કચરો કરવા આવી જાય છે? બે દહાડા રમવાનું હોય, એમાં ય ફફડવાનું? રાત્રે ઘરમાં લાઈટો બળતી જોઈ નથી ને ધાડું આવી જાય, એ રોકવા શું કરવું?


ઉત્તર : કાઠીયાવાડની અસલી રાજપુતાણીઓ ૯૦-૯૦ વર્ષની ઉંમરે પણ વીજળીના ચમકારે મોતી પરોવી લેતી, એમ આપ સહુ ભાવકો પણ ઘરમાં લાઈટો બંધ કરીને મીણબત્તીના ચમકારે તીનપત્તી રમી શકો છો. સાધના વિના સિઘ્ધિ નથી.


--- આપનો આભાર ગુરૂજી, તીનપત્તીને એક પવિત્ર અને ધાર્મિક દરજ્જો આપીને આપે અમારા જુગારી જીવનમાં નૂતન પ્રકાશનો સંચાર કર્યો છે. (...અને એક રીક્વેસ્ટ છે સ્વામીજી... ગઈ બેઠકમાં આપ રૂા. ૩૪૦/- હાર્યા હતા, એ હજી આપે અમને પાછા ચૂકવ્યા નથી તો...)


ઉત્તર : પાપીઓ, દુષ્ટો, ધર્મભ્રષ્ટો... તમારૂં નખ્ખોદ જાય. જુગાર રમવું જ નહિ, જુગાર વિશે પ્રશ્નો ઊભા કરવા ય પાપ છે... ગેટ આઉટ અને પંખો ચાલુ કરતા જાઓ...!

 

સિક્સર
- આ ક્યારનું કોનું છોકરૂં ભેંકડા તાણી તાણીને રડે છે?
-કોઈનું છોકરૂં નથી રડતું... આ તો સની દેઓલ એની ફિલ્મના ડાયલોગ્સ બોલી રહ્યો છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsU8DRAOPBw8jwEK-7qBYbsNvue%2Br7MtgkSMhxxz_V2KQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment