Friday 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પેઇન વગર નૉર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપવો શક્ય છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પેઇન વગર નૉર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપવો શક્ય છે?
જિગીષા જૈન

 

 

 


વૉકિંગ એપિડ્યુરલ્સ એક એવું ઍનેસ્થેસિયા છે જે આ પ્રક્રિયાને શક્ય બનાવે છે. આજે ઘણી સ્ત્રીઓ છે જે લેબર-પેઇનથી ગભરાય છે અને ઇચ્છે છે કે ઑપરેશન દ્વારા જ ડિલિવરી થઈ જાય તો પેઇન સહન ન કરવું પડે. પરંતુ એવું ન કરતાં વૉકિંગ એપિડ્યુરલ એક સારો માર્ગ છે જેના દ્વારા ઓછા પેઇન સાથે તમે નૉર્મલી બાળકને જન્મ આપી શકો છો. આ વિશે વિસ્તારમાં સમજીએ


૩૦ વર્ષની વર્ષાનાં લગ્ન આમ તો ૨૪ વર્ષે જ થઈ ગયાં હતાં, પરંતુ બાળક માટે તેને ઉતાવળ નહોતી. કૉર્પોરેટ વર્લ્ડમાં કામ કરતી એક સફળ અને સ્ટ્રૉન્ગ લેડી એટલે વર્ષા. પણ આ સ્ટ્રૉન્ગનેસ ફક્ત માનસિક હતી, શારીરિક પીડાઓ તેનાથી સહન ન થાય. ફક્ત શરદી પણ થઈ હોય તો તેની હાલત એવી થઈ જતી જાણે વર્ષોથી બીમાર હોય. બાળક માટે પણ તેણે પોતાની જાતને મહા મુશ્કેલીએ તૈયાર કરી હતી. પ્રેગ્નન્ટ થઈ ગયા પછી પણ ઘરના બધાએ સમજાવ્યા છતાં વર્ષાને લેબર-પેઇન વિશે વિચારીને જ ચક્કર આવવાં લાગતાં. એમાં તેણે પોતાની એક ફ્રેન્ડના મોઢે સાંભળ્યું કે તેનું લેબર-પેઇન ૧૬ કલાક ચાલેલું એ પછી તો તેણે વિચારી જ લીધું હતું કે તેને નૉર્મલ ડિલિવરી કરવી જ નથી. તેણે તેના ડૉક્ટરને કહ્યું કે તમે મારું ઑપરેશન જ કરજો. ડૉક્ટર પીઢ અને સમજુ હતા એટલે તે વર્ષાનો ડર સમજી ગયા. તેમણે વર્ષાને એક બીજા ઑપ્શન વિશે વાત કરી જેને પ્રચલિત ભાષામાં વૉકિંગ એપિડ્યુરલ કહેવાય છે. આ ટેãક્નક દ્વારા ગર્ભવતી સ્ત્રીને મોટા ભાગે નૉર્મલ ડિલિવરી જ થાય છે, પરંતુ જેટલું પેઇન થતું હોય છે એના કરતાં ઘણું ઓછું મહસૂસ થાય છે. આ એક પ્રકારનું ઍનેસ્થેસિયા છે જે એકંદરે ઘણી જ સેફ ટેãક્નક છે. વર્ષાએ આ બાબતે પૂરી માહિતી મેળવી, પોતાની રીતે રિસર્ચ પણ કર્યું અને માનસિક રીતે તૈયાર થઈને વૉકિંગ એપિડ્યુરલની મદદથી નૉર્મલ ડિલિવરી જ કરી.


વર્ષાની જેમ આજે ઘણી સ્ત્રીઓ છે જે ડિલિવરીના પેઇનથી ખૂબ ગભરાય છે. એક સમયે સ્ત્રીઓ અત્યંત સહનશીલ હતી અને ન હોય તેને સમાજ સહનશીલ બનવાની ફરજ પાડતો. પરંતુ આજે સમય બદલાયો છે. ખાસ કરીને શારીરિક પેઇન સહન કરવું જ એવી માનસિકતામાંથી આપણે બહાર આવ્યા છીએ. પહેલાંના લોકો અઠવાડિયા સુધી પીડાતા હોય તો પણ દવા ન લેતા અને આજકાલ એક છીંક પણ આવે તો લોકો ડૉક્ટર પાસે ભાગે છે. આ માનસિકતાનો બદલાવ જ છે, જેને કારણે સ્ત્રીઓ ડિલિવરીના પેઇનથી ગભરાય છે. આમ પણ આપણે સહન ન કરવું પડે એટલે જ આપણે સાયન્સનો આટલો વિકાસ કર્યો છે. મેડિકલ સાયન્સમાં આજે એવી રીતો છે જેને કારણે જો સ્ત્રીને ડિલિવરીનું પેઇન સહન ન જ થતું હોય તો તેને એમાં રાહત આપી શકાય છે. એમાંનું એક વૉકિંગ એપિડ્યુરલ છે, જેના વિશે આજે વિસ્તારથી સમજીશું.


કઈ રીતે કરે કામ?
એપિડ્યુરલ્સ એક પ્રકારનું ઍનેસ્થેસિયા છે જે આપીને વ્યક્તિના અમુક ભાગને સંવેદનરહિત બનાવી શકાય છે. આ પ્રકારનું ઍનેસ્થેસિયા ઘણી લાંબી સર્જરીમાં વાપરવામાં આવતું. જે સર્જરીમાં વધુ સમય લાગવાનો હોય એમાં એ ઉપયોગમાં લેવાતું. છેલ્લા થોડા સમયથી આ પ્રકારનું ઍનેસ્થેસિયા લેબર માટે વાપરવામાં આવે છે. વૉકિંગ એપિડ્યુરલ શું છે એ વિશે માહિતી આપતાં મધરહુડ હૉસ્પિટલ, ખારનાં ચીફ ઍનેસ્થેસિયોલૉજિસ્ટ ડૉ. અનીતા રૉય કહે છે, 'એપિડ્યુરલ એક જ ભાગને સંવેદનરહિત બનાવવા માટે વપરાતી પ્રોસીજર છે જે નસોને પેઇનનાં સિગ્નલ મગજ સુધી પહોંચાડતી રોકે છે, જેને કારણે તકલીફ હોય છે; પરંતુ અનુભવાતી નથી. એટલે કે જો સ્ત્રીને લેબર દરમ્યાન આ લગાવવામાં આવે તો સ્નાયુઓનું ખેંચાણ તો એવું જ રહે છે જે ડિલિવરી માટે જરૂરી છે, પરંતુ સ્ત્રીને એ એટલી હદે અનુભવાતું નથી. લેબર સમયે સ્ત્રીથી પેઇન સહન જ ન થતું હોય અને તેની મંજૂરી હોય અને ડૉક્ટરો પણ આ બાબતે સહમત હોય તો આ પ્રકારનું ઍનેસ્થેસિયા લગાવી શકાય છે.


મૉનિટરિંગ
એપિડ્યુરલ કરોડરજ્જુનો એક ભાગ હોય છે જેમાં ઍનેસ્થેસિયા આપવામાં આવે છે. ઇન્જેક્શનના રૂપે નહીં, પરંતુ એક કૅથિટરની મદદથી દવાનો અત્યંત ઓછો ભાગ સ્ત્રીના શરીરમાં દાખલ કરવામાં આવે છે જેનાથી લેબર સંબંધિત જે પણ દદર્‍ ઊઠી રહ્યું છે એ ખૂબ ઓછી માત્રામાં સ્ત્રીને અનુભવાય અને તે સહન કરી શકે. પરંતુ આ સમયે મૉનિટરિંગ અત્યંત જરૂરી છે. એ વિશે વાત કરતાં ડૉ. અનીતા રૉય કહે છે, 'આજની તારીખે આપણી પાસે ઘણી સારી દવાઓ ઉપલબ્ધ છે જેને કારણે ઍનેસ્થેસિયા આપ્યા પછી પણ પગ પર એની અસર થતી નથી અને સ્ત્રી ઇચ્છે તો ચાલી શકે છે. એટલે જ એને વૉકિંગ એપિડ્યુરલ એવું નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ પરિસ્થિતિમાં વ્યવસ્થિત મૉનિટરિંગ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ઍનેસ્થેસિયા દરેક વ્યક્તિ પર થોડું જુદી રીતે વર્તતું હોય છે. એટલે પહેલો અડધો કલાક તો દરદીનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તેનું બ્લડ-પ્રેશર કાબૂમાં છે કે નહીં, બાળકના હાર્ટ બીટ વ્યવસ્થિત ચાલે છે કે નહીં એ જોવું જરૂરી છે. જો બધું ઠીક હોય તો જ સ્ત્રીને ચાલવાની સલાહ અપાય છે નહીંતર નહીં. જો તમે વિચારો કે તમે આ એપિડ્યુરલનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો એક વખત તમારા ઍનેસ્થેટિસ્ટ સાથે વાત કરી લેવી. તે દરદી પાસે જ રહે એ ઇચ્છનીય છે.'


કોને જરૂર?
જો તમે મક્કમ મને માનસિક અને શારીરિક સજ્જતા સાથે નૉર્મલ ડિલિવરી કરવા માગતાં હો તો તમને આ એપિડ્યુરલની બિલકુલ જરૂર નથી એ સ્પક્ટ કરતાં ઝેન હૉસ્પિટલ, ચેમ્બુરનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. વીણા ઔરંગાબાદવાલા કહે છે, 'જે સ્ત્રીઓનું લેબર ઘણું લાંબું ચાલે, જે સ્ત્રીઓને પેઇન સહન જ ન થતું હોય, જે સ્ત્રીઓ ખૂબ ગભરાઈ ગઈ હોય તેમના માટે આ એપિડ્યુરલ ખૂબ જ કામનું છે. આજની તારીખે સિઝેરિયન સેક્શન ડિલિવરી ઘણી વધી ગઈ છે એનું એક કારણ એ છે કે સ્ત્રીઓ લેબર માટે ખૂબ ગભરાઈ જાય છે અને એટલે ઑપરેશન મંજૂર કરે છે. ઑપરેશન દ્વારા ડિલિવરી કરવા કરતાં એપિડ્યુરલની મદદથી ડિલિવરી કરવી વધુ સારી ગણાશે, કારણ કે છે તો એ નૉર્મલ -વજાઇનલ ડિલિવરી. આમ જો તમે પેઇનથી ગભરાઈને ઑપરેશન કરાવવા માગતાં હો તો એવું ન કરો, કારણ કે બીજા ઑપ્શન છે. વળી લેબર-પેઇન ઓછું કરવા માટે નૉર્મલ પેઇનકિલર્સનાં ઇન્જેક્શન કરતાં એપિડ્યુરલ વધુ અસરકારક અને સેફ છે.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvQk%3DzFpyM%3D7SDdqGqqdSP8LJjAWP1vyUOCk2%3Do%3DhJAvg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment