આપણાં દુ:ખનું એક અને કદાચ સૌથી મોટું કારણ આપણી અપેક્ષાઓ હોય છે. આપણા સંબંધો મોટાભાગે અપેક્ષાના પાયા ઉપર જ ટકેલા હોય છે. કોક દિવસ કામ લાગશે એ અપેક્ષાએ આપણે ઘણા બધા સંબંધો બાંધતા, રાખતા અને નિભાવતા હોઈએ છીએ. અપેક્ષાઓથી માણસ મુક્ત થઈ શકે? તેનો જવાબ છે, ના. અપેક્ષાઓથી સંપૂર્ણપણે મુક્તિ શક્ય જ નથી. આધ્યાત્મિકતાની પરમ સીમાએ પહોંચેલો માણસ કદાચ અપેક્ષાઓથી થોડોક મુક્ત થઈ શકે. અપેક્ષા વિશે એવું પણ કહી શકાય કે અપેક્ષાઓ તો સંબંધનો આધાર છે. દરેકને કોઈની પાસેથી કંઈક જોઈતું હોય છે. જરૂરી નથી કે એ માત્ર આર્થિક કે ચીજવસ્તુઓ જ હોય, માણસને હોંકારો જોઈએ છે, દાદ જોઈએ છે, આશ્વાસન જોઈએ છે, પ્રોત્સાહન જોઈએ છે, હૂંફ જોઈએ છે, રડવા માટે ખભો જોઈએ છે, હસવા માટે કારણ જોઈએ છે, છેલ્લે વાત કરવા માટે કે ટાઇમપાસ કરવા માટે પણ કોઈ જોઈતું હોય છે. દોમદોમ સાહ્યબી હોય અને તમામ પ્રકારનાં સુખ હોય તો એની ખુશી વહેંચવા માટે પણ માણસને માણસની જરૂર પડે છે. માણસ એકલો દુ:ખી થઈ શકે, પણ એકલો સુખી થઈ શકે નહીં. થોડોક વિચાર કરો તો, તમને તમારી નજીકની વ્યક્તિઓ પાસેથી શું અપેક્ષાઓ છે? આપણા વોચમેન પાસેથી પણ આપણને અપેક્ષા હોય છે કે આપણી કાર આવે એટલે એ દરવાજો ખોલે. આપણે કહી શકીએ કે, વોચમેનને રૂપિયા શેના ચૂકવીએ છીએ? એના માટે જ તો એને પગાર મળે છે. દરેક અપેક્ષાઓ રૂપિયા ચૂકવીને પૂરી થતી નથી. નાના બાળક સાથે મસ્તી કરતા હોઈએ ત્યારે એ ખડખડાટ હસે પછી આપણને જે ખુશી થાય છે એની કોઈ કિંમત હોઈ શકે? એ આનંદ રૂપિયા ચૂકવવાથી મળે? પોતાની વ્યક્તિનો હાથ હાથમાં લઈ દરિયાકિનારે ચાલવાનો આનંદ આર્થિક રીતે ન માપી શકાય. કોઈ મારા માટે કંઈ કરે એવી અપેક્ષા થાય ત્યારે એ શું કરે છે તે મહત્ત્વનું બની જાય છે. કોઈ પણ જાતની લાગણી વગર કોઈ મસમોટો બુકે આપે એના કરતાં આપણી વ્યક્તિ બગીચામાં ખરી પડેલું ફૂલ લઈને આપણને ધરે એ ક્ષણ વધુ મૂલ્યવાન હોય છે. આપણે ઘણા લોકોનાં મોઢે એવું સાંભળીએ છીએ કે મને કોઈ પાસેથી કંઈ અપેક્ષા નથી. આ વાત કેટલી સાચી હોય છે? એક પ્રેમી અને પ્રેમિકા હતાં. એક વખત બંને એક હોટલમાં મળ્યાં. વાતોવાતોમાં પ્રેમી એવું બોલ્યો કે, મને કોઈ પાસેથી કંઈ અપેક્ષા નથી. આ વાત સાંભળીને પ્રેમિકાએ પૂછ્યું કે, મારી પાસેથી પણ નહીં? પ્રેમીએ થોડોક વિચાર કરીને કહ્યું કે, ના તારી પાસેથી પણ નહીં. આ જવાબ સાંભળ્યા પછી પ્રેમિકા એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ઊભી થઈને ચાલી ગઈ. પ્રેમી તેની પાછળ ગયો. પ્રેમિકાને કહ્યું કે, તું બેસ તો ખરી. પ્રેમિકાએ કહ્યું, રહેવા દે ને, તને મારી પાસેથી કંઈ અપેક્ષા જ નથી તો પછી મને રોકે છે શા માટે? જવા દે ને! પ્રેમિકાએ પછી હસીને કહ્યું કે, અપેક્ષા રાખવામાં કંઈ જ ખોટું કે ખરાબ નથી. વિચારવાનું માત્ર એટલું જ હોય છે કે આપણે કોની પાસે અપેક્ષા રાખીએ છીએ. આપણે જેની પાસે અપેક્ષા રાખીએ એ આપણી અપેક્ષાને લાયક હોવી જોઈએ. આપણી અપેક્ષાની જેને કદર હોય એની પાસેથી જ આપણે અપેક્ષા રાખવી જોઈએ. તને ખબર છે, આપણી વ્યક્તિની અપેક્ષા પૂરી કરવાનો પણ એક આનંદ હોય છે. કદાચ એ જ તો ખરો પ્રેમ છે. મારી વ્યક્તિને આ ગમે છે એટલે મારે એના માટે એવું કરવું છે. તારે ખુશ થવું કે ન થવું એ તારી મરજી છે, પણ તને ખુશ રાખવો એ મારી અપેક્ષા છે. માણસને પોતાની પાસેથી પણ અપેક્ષા હોય છે. પોતાને પણ કંઈક કરવું હોય છે. મારે તારા ચહેરા પર હાસ્ય જોવું હોય છે. પ્રેમિકાએ કહ્યું કે, મને તો તારી પાસેથી અઢળક અપેક્ષાઓ છે. તું મારું ધ્યાન રાખે. તું મને પેમ્પર કરે. તું મને વહાલ કરે. મેં શણગાર સર્જ્યા હોય તો તું વખાણ કરે. મને એટલા માટે અપેક્ષા હોય છે, કારણ કે એ બધું મેં તારા માટે જ તો કર્યું હોય છે! મને પડઘો જોઈતો હોય છે. એ ન મળે તો મને વેદના પણ થાય છે. એ વેદના ખતમ થઈ ગઈ તો? તારી પાસે રાખેલી અપેક્ષા ન સંતોષાઈ તો? કદાચ ધીમે ધીમે હું અપેક્ષા રાખતી જ બંધ થઈ જાઉં. અપેક્ષા પતી જાય પછી બાકી શું રહેવાનું છે? કંઈ જ નહીં. બીજા માણસો છે, એવો જ તું થઈ જાય. હું તારી પાસે અપેક્ષા રાખું છું, કારણ કે તારી અપેક્ષાઓ સંતોષવાની મારી તૈયારી છે. તારી અપેક્ષાઓ સંતોષવી મને ગમે છે. એકબીજા પાસે રહેલી અપેક્ષાઓ સંતોષાય એ જ પ્રેમ છે. અપેક્ષા રાખો પણ એની પાસે, જે તમારા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય. એવી વ્યક્તિ હોય અને આપણે અપેક્ષા ન રાખીએ તો કદાચ એ એનું અપમાન છે. એને અપેક્ષા પૂરી કરવા દો અને એની કદર કરો. હા, અયોગ્ય વ્યક્તિ પાસે અપેક્ષા ન રાખો. આપણી તકલીફ એ હોય છે કે આપણી અપેક્ષાઓમાં સ્વાર્થ ભળી જતો હોય છે. ક્યારેક દુરાગ્રહ પણ ભળી જતો હોય છે. તેણે મારી અપેક્ષા સંતોષવી જ જોઈએ. મારા મેસેજનો જવાબ આપવો જ જોઈએ. મેં ચીંધેલું કામ કરવું જ જોઈએ. મને બધી વાત કરવી જ જોઈએ. બે મિત્રોની વાત છે. એક મિત્રએ કહ્યું કે, મારે થોડા સમય અગાઉ મારા એક સંબંધી સાથે આવું થયું હતું. વાત પૂરી થઈ ત્યારે મિત્રએ પહેલો સવાલ એ કર્યો કે મને તો આ વાતની ખબર જ નથી! હું તો એવું માનતો હતો કે, તું તારી બધી જ અંગત વાત મને કરે છે. તેં ત્યારે કેમ મને ન કહ્યું? આજે છેક આ વાત કરે છે? હવે તું મને બધી વાત કરતો નથી. અપેક્ષાઓને કારણે વાત ક્યારે આડે પાટે ચડી જતી હોય છે તેની આપણને કલ્પના જ નથી હોતી! જ્યારે બધું યાદ રાખીને કહેવાનું ટેન્શન થવા લાગે ત્યારથી સંબંધ પાતળો પડવાની શરૂઆત થતી હોય છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનું પ્રેશર લાગવા માંડે ત્યારે તકલીફ સર્જાય. બધું જ પૂછીને કરવાનું અથવા કર્યું હોય એ બધું જ કહેવાનું હોય એવો ભાર આપણને થકવી દે છે. ક્યારેક આપણી અપેક્ષાઓ જ ગેરવાજબી હોય છે. અપેક્ષાઓ વાજબી હોવી જોઈએ. કોઈ આપણને કંઈ પૂછે એ પછી દરેક કામ આપણને પૂછીને જ કરે એવી અપેક્ષા યોગ્ય નથી. આપણે કહ્યું હોય કે, આમ કરજે પછી આપણે એ અપેક્ષા રાખતા હોઈએ છીએ કે એણે શું કર્યું એ આપણને કહે. આપણે કહ્યું હોય એમ ન કર્યું હોય તો પણ આપણને માઠું લાગે છે. એક વખત એક દીકરાએ પિતા પાસેથી એક સલાહ માગી. પિતાએ કહ્યું કે, તારે આમ કરવું જોઈએ. ઘણો સમય વીતી ગયો. એક દિવસ પત્નીએ તેને કહ્યું કે તમે દીકરાને જે કરવાનું કહ્યું હતું એ એણે ન કર્યું અને બીજું જ કર્યું. આ વાત સાંભળી પિતાએ કહ્યું કે, મને જે યોગ્ય લાગ્યું એ મેં કહ્યું. તેને જે યોગ્ય લાગ્યું એ એણે કર્યું. એમાં મને ખરાબ લાગે એવું એણે કંઈ જ નથી કર્યું. મારી ફરજ છે, મને જે યોગ્ય લાગે એ કહેવાની, મેં મારું કામ કર્યું. એને કદાચ મારી વાત વાજબી નહીં લાગી હોય. મારી બધી વાત એને યોગ્ય જ લાગે એ જરૂરી નથી. આપણે ક્યારેક એ પણ નક્કી કરવું પડે કે આપણી અપેક્ષાઓને ક્યાં અટકાવી દેવી. ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે આપણે આપણી વ્યક્તિ પાસેથી કોઈ અપેક્ષા રાખી હોય, એણે આપણી અપેક્ષા પૂરી પણ કરવી હોય, પણ કોઈ કારણસર એ પૂરી ન કરી શકે! એ સમયે એની દાનત મહત્ત્વની હોય છે. એક યુવાને તેના સંબંધીને કહ્યું કે, પેલા અધિકારી તારા મિત્ર છે. તેને મારી આટલી ભલામણ કરી દે ને. એણે ભલામણ કરી. જોકે, કોઈ કારણસર એ કામ ન થયું. એ યુવાને સંબંધીને કહ્યું કે તમે મારું કામ ન કર્યું. તમારી દાનત જ નહોતી. નહોતું કરવું તો ના પાડી દેવી હતી ને? મને ટીંગાડી શા માટે રાખ્યો? હવે ક્યારેય હું તમને કોઈ કામ જ નહીં ચીંધું! આવી વાતોથી ક્યારેક સંબંધો બગડી પણ જતા હોય છે. આપણે એમ નથી કહેતા કે હશે, કામ ન થયું તો કંઈ વાંધો નહીં, તમે મારા માટે પ્રયાસ કર્યો એ જ મોટી વાત છે. અપેક્ષા પૂરી ન થાય ત્યારે તેની પાછળનાં કારણો પણ વિચારવાં જોઈએ. આપણે બધા લોકો પાસેથી અપેક્ષા રાખતા હોઈએ છીએ. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, આપણી પાસે કોને કેવી અપેક્ષા છે? આપણને જે પ્રેમ કરે છે, આપણા પર જેને લાગણી છે, આપણી જેણે ચિંતા કરી છે, એની અપેક્ષાઓ સંતોષવા માટે સજાગ રહેવું જોઈએ. વાત બદલો ચૂકવવાની નથી, વાત એમના પ્રત્યેના આદરની છે. માણસ અપેક્ષા એની પાસે જ રાખતો હોય છે, જેના પર એને ભરોસો હોય કે આ મારી ઇચ્છા પૂરી કરશે. બધાને માણસ અપેક્ષા પૂરી કરવાનો અધિકાર પણ આપતો નથી. મારા માટે કરવું હોય તો તું કર, બીજો કોઈ નહીં. મને તારી પાસેથી જોઈએ છે, બીજા કોઈ પાસેથી કંઈ જ ન ખપે. અપેક્ષાને સમજવાની જરૂર હોય છે. બધી જ અપેક્ષાઓ, આપણે કોઈ પાસે રાખતા હોઈએ એ અપેક્ષાઓ અને કોઈ આપણી પાસે રાખતું હોય એ અપેક્ષાઓ પણ. અપેક્ષાઓ સંતોષવા માટે પણ લાયકાત કેળવવી પડતી હોય છે. પ્રેમમાં અને સંબંધમાં શ્રેષ્ઠ રહેવાની લાયકાત કેળવો, તમારી અપેક્ષાઓ સંતોષાશે જ. kkantu@gmail.com --
Blog: www.krishnkantunadkat.blogspot.com
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot_QBtA%2BaSuW6vGDyNbTUwy1OrOJZOynbFYpNgsfv6QcA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment