Friday 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કેમેરાએ જીવનચિત્ર બદલી નાખ્યું (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેમેરાએ જીવનચિત્ર બદલી નાખ્યું!
સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈ

 

 


વિક્ટર હેસલેબ્લડનો જન્મ સ્વિડનના ગોથનબર્ગમાં ૧૯૦૬માં થયો હતો. કેમેરા ઉદ્યોગના સ્થાપક ગણાતા ફ્રીત્ઝ હેસેલબ્લેડ (એફડબલ્યુ)ના પૌત્ર વિકટર કેમેરા-ફોટોગ્રાફી ક્ષેત્રે વિશ્ર્વમાં મૂઠી ઊંચેરું નામ ગણાય છે. કેમેરા અને વિક્ટર એકબીજાના પર્યાય બની ગયા છે તે કેવી રીતે શક્ય બન્યું તે જાણવા માટે ૧૭૭ વર્ષ પાછળ ૧૮૪૧માં ફ્લેશબેકમાં જવું પડશે.


ફ્રીત્ઝ હેસેલબ્લેડ દ્વારા ૧૮૪૧માં સ્વિડનના ગોથનબર્ગમાં એફ.ડબલ્યુ હેસેલબ્લેડ એન્ડ કંપની નામે ટ્રેડિંગ કંપની શરૂ કરાઇ હતી આ કંપનીને તેમના પુત્ર આર્વિડ વિક્ટરે આગળ વધારી. પ્રારંભમાં બોટલ અને અન્ય વસ્તુની આયાત કરીને લોકલમાં વેચતા હતા. તેમણે હેસેલબ્લેડના મુખ્ય કાર્યાલય બિલ્ડિંગનું બાંધકામ ૧૮૭૭માં શરૂ કર્યું હતું. ફોટોગ્રાફીમાં તેમને નાના હતા ત્યારથી જ રસ હતો. તેમણે કંપનીમાં ફોટોગ્રાફીનો અલગ વિભાગ શરૂ કર્યો.


આર્વિડ હનીમૂન માટે ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેમની મુલાકાત ઇસ્ટમેન કોડાકના (જેની સ્થાપના બાદમાં થઇ) સ્થાપક જ્યોર્જ ઇસ્ટમેન સાથે થઇ જે બાદમાં હનીમૂનથી મૂન સુધી લઇ જવા માટે કારણભૂત બની તે વિશે પછી જોઇએ. બંનેની મુલાકાત બાદ મિત્રતા વધી અને તેમાથી બિઝનેસ જોડાણ થયું. ઇસ્ટમેન કોડાક અને હેસેલબ્લેડ વચ્ચેની મિત્રતા-ભાગીદારી ૮૦ વર્ષ સુધી રહી. ઇસ્ટમેનના પ્રોડક્ટના સ્વિડનના એક માત્ર ડિસ્ટ્રિબ્યુટર તરીકે આર્વિડ વિક્ટરની કંપનીની નિમણૂંક થઇ હતી. વર્ષો સુધી આ વ્યવસ્થા - બિઝનેસ સફળતાપૂર્વક ચાલ્યો.


આર્વિડના પુત્ર કાર્લ એરીકે હેસેલબ્લેડનું મેનેજમેન્ટ સંભાળી લીધું. ફોટોગ્રાફી માટે ૧૯૦૮માં અલગ કંપની ઊભી કરી. તેમના પુત્ર વિક્ટરે કેમેરા ઉદ્યોગનું ચિત્ર બદલી નાખીને વિશ્ર્વભરમાં નોંધ લેવાઇ તેવી કામગીરી કરી. પિતા, દાદા કરતાં સવાયા સાબિત થયા. વિક્ટર સ્કૂલનું ભણતર પૂર્ણ કરીને કૉલેજમાં જોડાયા હતા ત્યાં જ પિતાએ ભણતર છોડાવી દીધું. કેમેરા-ફોટોગ્રાફી ક્ષેત્રની સમજ-જાણકારી મેળવવા ૧૮ વર્ષની ઉંમરે ભણવામાંથી ઉઠાવી લીધો.


ઓપ્ટિક ઉદ્યોગના વૈશ્ર્વિક સેન્ટર ગણાતા જર્મનીમાં મોકલ્યો. ત્યાં થોડા વર્ષ રહીને ફોટોગ્રાફી સંબંધિત વિભિન્ન કામગીરીનો અભ્યાસ કર્યો. કેમેરા વિશે બધી સમજ મેળવી લીધી. જર્મની બાદ ફ્રાન્સ અને યુરોપના અન્ય દેશ તથા અમેરિકા પણ ગયો. જ્યોર્જ ઇસ્ટમેન સાથે કામ કર્યું. કેમેરા-ફિલ્મ ક્ષેત્રના તમામ પાસાંનો અભ્યાસ કર્યો. ડિગ્રી કરતાં વિશેષ જ્ઞાન લઇને તેઓ સ્વિડન પરત આવ્યા. જે પિતાએ તેમને વિદેશ મોકલ્યા હતા તેની સાથે વિવાદ થતાં તેઓ પિતાના બિઝનેસથી અલગ થઇ ગયા. માતા-પિતાએ છૂટાછેડા લીધા બાદ પિતાએ બીજા લગ્ન કર્યા.


૨૭મા વર્ષે ૧૯ વર્ષની ઇરના સાથે વિકટરે લગ્ન કર્યા. તેના સાથ-સહકારથી વિકટરે અદ્ભુત સફળતા મેળવી. લગ્ન બાદ પોતાનો અલગ બિઝનેસ વિકટર ફોટો નામે સ્વીડનના ગોથનબર્ગમાં શરૂ કર્યો. તેમનામાં બિઝનેસ ટેલન્ટ હતી અને માર્કેટિંગનો અનુભવ હતો તેથી ઝડપથી સફળતા હાંસલ કરી.


વિકટર નાનપણમાં શરમાળ પ્રકૃતિનો અને સેન્સિટિવ હતો. ફરવાનો શોખ પણ હતો. ૧૮મા વર્ષથી યુરોપ અમેરિકા ફરવાનો - કામ કરવાનો મોકો મળ્યો હતો. પક્ષીઓ, પ્રાણીઓ તથા કુદરતી સૌંદર્યના ફોટા પાડવાનું શરૂ કર્યું હતું.


પોતાના બિઝનેસમાં વિકટર જામી ગયા હતા તે સમયે પિતા કાર્લ એરીકનું અવસાન થતાં તેઓ પરિવારના બિઝનેસમાં પરત આવ્યા. હેસેલબ્લેડનો કંટ્રોલ મેળવી લીધો. વિકટર ૩૩ વર્ષના હતા તે સમયે બીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળ્યું જે તેમના માટે ટર્નીંગ પોઇન્ટ સાબિત થયું. ૩૦ વર્ષની ઉંમરે તો તેઓ કેમેરાના નિષ્ણાત ગણાવા લાગ્યા હતા. ફોટોગ્રાફી - કેમેરાને લગતા તેમના અનેક આર્ટિકલ પ્રકાશિત થવા માંડયા. તેમનું નામ સ્વીડનમાં જાણીતું થઇ ગયું.


વિશ્ર્વયુદ્ધ દરમ્યાન જર્મનીના અદ્યતન કેમેરા તેમના જપ્ત કરેલા પ્લેનમાંથી સ્વિડીશ આર્મીને મળ્યા ત્યારે લશ્કર માટે કેમેરાના વ્યૂહાત્મક ઉપયોગની જાણ થઇ એટલે સ્વિડનની આર્મીના મગજમાં તુરંત ક્લિક થયું કે આપણી પાસે પણ આવા આધુનિક કેમેરા હોવા જોઇએ


લશ્કરના ધ્યાનમાં વિક્ટર હેસેલબ્લેડનું નામ યાદ આવ્યું એટલે આર્મીએ તેમનો સંપર્ક કર્યો અને વિકટરને રૂબરૂ મળવા બોલાવ્યા. તેમને કહેવાયું કે જર્મની જેવા કેમેરા બનાવીને આપો. વિકટરે ડર્યા વિના જણાવ્યું કે હું જર્મની જેવા કેમેરા નહીં બનાવું પરંતુ તેનાથી વધુ સારા અને અદ્યતન કેમેરા બનાવી આપું.


દેશહિતનું કામ હતું એટલે ઉત્સાહથી તેમણે ખાસ વર્કશોપ ઊભું કર્યુ. એરફોર્સ સહિત સંરક્ષણ ખાતાંનો મોટો ઓર્ડર મળ્યો...ચાર વર્ષમાં (વિશ્ર્વયુદ્ધ દરમ્યાન) ૩૪૨ કેમેરાનો ઓર્ડર મળ્યો.


યુદ્ધ પૂર્ણ થયા બાદ તેમણે ક્ધઝયુમર માર્કેટ માટે વિભિન્ન પ્રકારના કેમેરા બનાવવા માંડ્યા. ફોટોગ્રાફી કેમેરામાં વિશ્ર્વ વિખ્યાત નામ કોડકના જ્યોર્જ ઇસ્ટમેન વર્ષો સુધી તેમના પરિવારના મિત્ર બની રહ્યા. વિકટરે કેમેરા ઉપરાંત વોચ ક્લોકનું મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું. ઉચ્ચ ક્વોલિટીના કેમેરા-લેન્સ બનાવ્યા. સમયાંતરે તેઓ સુધારા વધારા સમય પ્રમાણે કરતાં રહ્યા. જર્મનીના વર્લ્ડ ફોટોગ્રાફી ટ્રેડ શોમાં તેમણે કેમેરા મૂક્યા બાદ વિશ્ર્વભરમાં તેમના તરફ ધ્યાન ખેંચાયું. લાંબો સમય ચાલે એવા કેમેરા ફોટોગ્રાફી ઇક્વિપમેન્ટ બનાવ્યા. વિક્ટરના જીવનમાં વધુ એક ટર્નિંગ પોઇન્ટ આવ્યો જેણે વિશ્ર્વવિક્રમ નોંધાવ્યો. નાસાએ સ્પેશ-ફ્લાઇટમાં હેસેલબ્લેડના કેમેરા વાપરવા શરૂ કર્યા. ચંદ્ર પર પ્રથમ એપોલો યાન અમેરિકાએ સફળતાપૂર્વક મોકલ્યું. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર તરીકે નીલ આર્મસ્ટ્રોંગે ઇતિહાસ સર્જી દીધો. એપોલો યાનમાં વિક્ટર હેસેલબ્લેડના કેમેરાએ ચંદ્રના ફોટા પૃથ્વી પર મોકલીને ચંદ્ર વિશે પ્રથમવાર સતસ્વીર માહિતી લોકોને મળતાં બધા આશ્ર્ચર્યચકિત થઇ ગયા.


વિક્ટરે નિવૃત્તિની વયે (૬૦ વર્ષે) કેમેરા ફોટોગ્રાફીનો રિટેલ બિઝનેસ કોડક ગ્રુપને વેચી નાખ્યો. કોડક ગ્રુપે મિત્રતાનો સંબંધ છેલ્લે સુધી જાળવી રાખ્યો.


રિટેલ બિઝનેસ બાદ મેન્યુફેકચરિંગ યુનિટ સ્વિડિશ ઇન્વેસ્ટમેન્ટ કંપનીને વેચી નાખ્યું. એક પછી એક ક્ષેત્રનું વેચાણ કરતા રહ્યા, પરંતુ વિક્ટર હેસેલબ્લેડની બ્રાન્ડ ઇમેજ યથાવત્ રહી.


વિકટર હેસેલબ્લેડ એબી (વીએચએબી) ખાનગી કંપનીમાંથી પબ્લિક કંપની બન્યા બાદ ફરીથી ખાનગી કંપની બની ગઇ હતી. ૧૯૮૪માં પબ્લિક કંપની બન્યા બાદ સ્ટોકહોલ્મ એક્સચેન્જમા લિસ્ટેડ થઇ હતી. ૨૦૧૧માં ફરીથી ખાનગી કંપની બની છે. સ્વિડિશ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ મહત્તમ હિસ્સો ખરીદી લીધો હતો. હેસેલબ્લેડના માલિક બદલાતા રહ્યા પરંતુ નામ બદલાયું નહીં ડ્રોન ઉત્પાદક ડીજેઆઇ, શિરીરો ગ્રુપે પણ રસ દર્શાવ્યો હતો


વિક્ટરે ફોટોગ્રાફી - કેમેરાને લગતાં અમુક મેગેઝિન બહાર પાડ્યા છે ૧૯૭૮માં વિકટર ૭૨મા વર્ષે મરણ પામ્યા હતા તે પહેલા તેમણે પત્ની સાથે મળીને વિકટર હેસેલબ્લેડ ફાઉન્ડેશન સ્થાપ્યું હતું વસિયતમાં તેમણે સંપત્તિનો મોટાભાગનો હિસ્સો પત્ની ઇરના અને તેમના ફાઉન્ડેશનના નામે કર્યો છે. ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ કુદરતી વિજ્ઞાન અને ફોટોગ્રાફીમાં રિસર્ચ એકેડેમિક ટીચિંગને પ્રમોટ કરવાનો છે. ફોટોગ્રાફીને લગતાં ઇન્ટરનેશનલ એવૉર્ડ પણ આ ફાઉન્ડેશન આપે છે. હેસેલબ્લેડના કેમેરાની કોપી કરવાનો ઘણાએ પ્રયાસ કર્યો, પરંતુ કોઇ સફળ થયા નથી. હેસેલબ્લેડ ગ્રુપ સપ્લાયર પાર્ટનરની પસંદગી કરવા માટે બહુ કાળજી લેતાં હતા. ક્વોલિટીના અત્યંત આગ્રહી હતા. કોડક ગ્રુપ, ફ્યુજી ફોટો ફિલ્મ સાથે મળીને કેમેરા ઉદ્યોગમાં ડિજિટલ ક્રાંતિ લાવી દીધી.


ડિજિટલ મીડિયમ ફોર્મેટ કેમેરા, લેન્સ, ફોટોગ્રાફિક ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં વિશ્ર્વમાં ટોપનું સ્થાન મેળવ્યું. ખરેખર વિકટર હેસેલબ્લેડના કેમેરાએ તેમનું જીવનચિત્ર બદલી નાખ્યું સાથોસાથ વિશ્ર્વને તેમના કેમેરા થકી અસંખ્ય ચિત્રો મળ્યા.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsxeoW1f3pSdtyt4TU%3DEkzqQGzxsxPXc6uiAAAuz7nTyw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment