Wednesday, 28 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચશ્મે બદ્દૂર: ક્લાસિક એટલે ક્લાસિક (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચશ્મે બદ્દૂર: ક્લાસિક એટલે ક્લાસિક!
શિશિર રામાવત

 

 

 

સઈ પરાંજપેની ફિલ્મોમાં બધું જ માપસરનું અને જરુર પૂરતું જ હોય. એક્સપ્રેશન્સ, સંવાદો, વાર્તાની ગતિ, બધું જ. 'ચશ્મે બદ્દૂર' અને 'કથા' જેવી ફિલ્મોમાં હ્યુમર અફલાતૂન પણ હતું અને સંયમિત પણ.


તો આવતા શુક્રવારે જૂની ક્લાસિક 'ચશ્મે બદ્દૂર' સામે ડેવિડ ધવનની નવી 'ચશ્મે બદ્દૂર'ની લડાઈ થવાની છે. આને જોકે લડાઈ કેવી રીતે કહેવાય. નવી 'ચશ્મે બદ્દૂર' આખા દેશમાં વ્યવસ્થિત રીતે રિલીઝ થશે, જ્યારે જૂની 'ચશ્મે બદ્દૂર'ની ફક્ત 40 પ્રિન્ટ્સ મૂકાવાની છે. જે શહેરોમાં ઓરિજિનલ ફિલ્મ રિ-રિલીઝ થવાની છે તેમાં મુંબઈ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરતનો પણ સમાવેશ થાય છે.


મૂળ ક્લાસિકનાં સિનિયર ડિરેક્ટર સઈ પરાંજપે પોતાની ફિલ્મની રિમેક સામે સ્પષ્ટ અને તીવ્ર અણગમો જાહેર કરી ચુક્યાં છે. એની સામે જૂની જોડી ફારુખ શેખ અને દીપ્તિ નવલનો અભિગમ ઉદાર છે. એમનું કહેવું છે કે ભલેને ફિલ્મ ફરીથી બને. ભૂતકાળમાંય કેેટલીય ક્લાસિક્સની રિમેક બની જ છેને. જોકે સઈ પરાંજપેનો બળાપો અને ડર બન્ને સાચા છે. પ્રોમો પરથી જ એંધાણ મળી જાય છે કે ઓરિજિનલ ફિલ્મમાં જે નિર્દોષતા અને સાદગી છે તેનો ડેવિડ ધવન કચ્ચરઘાણ વાળી નાખ્યો હશે.   અનુરાગ કશ્યપે જેમ 'દેવ.ડી'માં દેવદાસની આગલી ફિલ્મોની કુમાશની વાટ લગાડી દીધી હતી, તેમ.


જૂની 'ચશ્મે બદ્દૂર' 1981માં રિલીઝ થઈ હતી. સઈ પરાંજપેની ફિલ્મમેકર તરીકેની કરીઅર મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સરસ આગળ વધી રહી હતી. 1980માં તેમણે હિન્દી સિનેમામાં અદભુત શરુઆત કરી - 'સ્પર્શ'થી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહે અંધ વ્યક્તિનો યાદગાર અભિનય કર્યો હતો. 'સ્પર્શ' જેવી સંવેદનશીલ અને ગંભીર ફિલ્મની તરત પછી સઈ પરાંજપેએ 'ચશ્મે બદ્દૂર' જેવી રોમેન્ટિક કોમેડી બનાવી. ફારુક શેખને હીરો તરીકે ચમકાવતી 'નૂરી' બે વર્ષ પહેલાં આવી ચૂકી હતી. તે પછી ફારુક શેખ પર 'નૂરી' ટાઈપની જ સારી-ખરાબ ફિલ્મોની ઓફર આવવા માંડેલી, પણ તેમણે એકેય સ્વીકારી નહોતી.  'નૂરી' જેવી હિટ ફિલ્મ આપ્યા પછી તેઓ બબ્બે વર્ષ સુધી રીતસર ઘરે બેકાર બેસી રહેલા. સઈ પરાંજપેએ તેમનો સંપર્ક કર્યો. સ્ક્રિપ્ટ સંભળાવી. ફારુક શેખે તરત જ હા પાડી દીધી. દીપ્તિ નવલે ન્યુયોર્કથી ફાઈન આર્ટ્સનું ભણીને મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી લીધો હતો. એની 'એક બાર ફિર' અને 'જૂનુન' જેવી બે-ચાર ફિલ્મો આવી ચૂકી હતી. વાસ્તવમાં દીપ્તિની કરીઅરની સૌથી પહેલી ફિલ્મ 'એક બાર ફિર'માં ફારુક શેખ હીરો બનવાના હતા, પણ તારીખોમાં છેલ્લી ઘડીએ થયેલા ફેરફારોને કારણે પછી પ્રદીપ વર્મા નામના કોઈ અજાણ્યા એક્ટર તેમની જગ્યાએ ફિટ થઈ ગયા. 'ચશ્મે બદ્દૂર'ની 'મિસ ચમકો'ના રોલમાં દીપ્તિ અને દોસ્તારો તરીકે Ravi વાસવાની તેમજ રાકેશ બેદીની વરણી થઈ એટલે મુખ્ય કાસ્ટિંગ પૂરું થયું.


આ એ જમાનો હતો જ્યારે આર્ટ ફિલ્મો અથવા તો ઓછા બજેટની પેરેલલ ફિલ્મો ઓલરેડી બનવા માંડી હતી. નસીરુદ્દીન શાહ ઉપરાંત ઓમ પુરી, સ્મિતા પાટિલ અને શબાના આઝમી પેરેલલ ફિલ્મોનાં સુપરસ્ટાર્સ હતાં. ફારુક  શેખ અને દીપ્તિ પણ આ જ મંડળીનાં સભ્યો હતાં. પોડ્યુસર ગુલ આનંદનું મૂળ આયોજન તો એવું હતું કે દિલ્હી જઈને એક મહિનામાં 'ચશ્મે બદ્દૂર'નું શૂટિંગ આટોપી લેવું. શિયાળાના દિવસો હતા. ફિલ્મ પૂરી થતાં એકને બદલે બે મહિના થયા. શૂટિંગ દરમિયાન માહોલ હલકોફૂલકો અને મજાકમસ્તીનો રહેતો. એ વખતે કોઈને કલ્પના સુધ્ધાં નહોતી કે આપણે જે ફિલ્મમાં કામ કરી રહ્યા છીએ તે આગળ જતા ક્લાસિક કે કલ્ટ ફિલ્મ બની જવાની છે.


ફિલ્મ રિલીઝ થઈ. વખણાઈ. 'ંચશ્મે બદ્દૂર' રિલીઝ થઈ તે વર્ષે બીજી કઈ કઈ મોટી હિન્દી ફિલ્મો આવી હતી? બચ્ચનસાહેબની 'લાવારિસ', 'નસીબ', 'યારાના' અને 'કાલિયા', કમલ હાસનની 'એક દૂજે કે લિયે', હેમા માલિનીની રાજેશ ખન્ના સાથે 'કુદરત', મનોજ કુમાર સાથે 'ક્રાન્તિ' અને જિતેન્દ્ર સાથે 'મેરી આવાઝ સુનો' તેમજ નવા નિશાળિયા સંજય દત્તની 'રૉકી' અને કુમાર ગૌરવની 'લવસ્ટોરી'!  સુપરહિટ થઈ ચુકેલી આ ફિલ્મોની સાથે એ જ વર્ષે '36 ચૌરંધી લેન' અને શ્યામ બેનેગલની 'કલયુગ' જેવી આર્ટ ફિલ્મો પણ આવેલી. આ બધા વચ્ચે સીધી સાદી 'ચશ્મે બદ્દૂર' પોતાની જગ્યા બનાવી શકી. બોક્સઓફિસ પર પણ તે ઠીક ઠીક ચાલી એટલે પછી ફારુક શેખ - દીપ્તિ નવલની જોડી જામી ગઈ.  'ચશ્મે બદ્દૂર' પછી આ જોડીની કેટલીક ફિલ્મો આવી- 'સાથ સાથ', 'એક બાર ચલે આઓ', 'કથા', 'રંગબિરંગી', 'કિસી સે ના કહના', 'ફાસલે' અને પછી છેક 28 વર્ષ બાદ 'ટેલ મી ઓ ખુદા' તેમજ 'લિસન અમયા'. સઈ પરાંજપે ફિલ્મનાં ડિરેક્ટર ઉપરાંત રાઈટર પણ હતાં. ફારુક શેખ 'ચશ્મે બદ્દૂર'ની સફળતાનો 80 ટકા જશ એકલાં સઈ પરાંજપેને આપે છે. ફારુખ-દીપ્તિની ત્રણ સૌથી મહત્ત્વની ફિલ્મો 'ચશ્મે બદ્દૂર', 'કથા' અને 'સાથ સાથ'માંથી બે સઈએ બનાવી છે.


આ મહિનાની 19 તારીખે સઈ પરાંજપેએ 75 વર્ષ પૂરાં કર્યાં. સઈ પ્રગતિશીલ પરિવારનું ફરજંદ છે. એમનાં  માતાજી શકુંતલા પરાંજપેએ કેમ્બ્રિજમાંથી ડિગ્ર્ાી મેળવી હતી. તેઓ જિનીવામાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનમાં કામ કરતાં. ફેમિલી પ્લાનિંગના ક્ષેત્રમાં કરેલાં નોંધપાત્ર કામ બદલ ભારત સરકારે તેમને (એટલે કે માતાજીને) પદ્મવિભૂષણથી નવાજ્યા હતા. જોકે માતાજીનું ખુદનું ફેમિલી ડામોડોળ હતું. રશિયન પતિ (જે અચ્છા પેઈન્ટર હતા) સાથેનું એમનું લગ્નજીવન બરાબર જામ્યું નહીં એટલે દીકરી સઈ નાના-નાની પાસે પુનામાં મોટી થઈ. મોસાળ સંપન્ન અને પ્રેમાળ હતું એટલે સઈનું બાળપણ સાહ્યબીમાં વીત્યું. 'કથા'માં જોકે તેમણે ચાલ સિસ્ટમમાં રહેતા મધ્મય-મધ્યમ કે નિમ્ન મધ્યમવર્ગીય વર્ગના મજાના મહારાષ્ટ્રિયનો દેખાડ્યા છે. હિન્દી સિનેમામાં અધિકૃત તેમજ સુંદર રીતે મરાઠી કલ્ચર ઉપસાવનારા ગણ્યાગાંઠ્યા ફિલ્મસર્જકોમાં સઈ પરાંજપે મુખ્ય છે.


સઈ પરાંજપેને કમર્શિયલ સિનેમામાં બધું 'વધું પડતું' લાગતું - વધુ પડતી એક્ટિંગ, વધુ પડતો મેકઅપ, વધુ પડતા નાચગાના. હીરો -હિરોઈન પણ બનાવટી લાગે. તેથી સઈ હંમેશા 'પોતાના પ્રકાર'ની ફિલ્મો બનાવતાં રહ્યાં, જેમાં એ સફળ પણ રહ્યાં. તેમને મિનીમલિસ્ટીક અપ્રોચ સૌથી વધારે માફક આવે છે. તેમની ફિલ્મોમાં બધું જ માપસરનું અને જરુર પૂરતું જ હોય. એક્સપ્રેશન્સ, સંવાદો, વાર્તાની ગતિ, બધું જ. 'ચશ્મે બદ્દૂર' અને 'કથા' જેવી ફિલ્મોમાં અફલાતૂન હ્યુમર હતું પણ તેની માત્રા પણ માફકસરની જ હતી. તેથી જ સઈ પરાંજપેની ફિલ્મોના અઠંગ ચાહકો ભુલચુકેય ફૂવડ કોમેડી માટે જાણીતા ડેવિડ ધવનની 'ચશ્મે બદ્દૂર' જોશે તો ચોક્કસપણે તેમના પર સિનેમેટિક અત્યાચાર થઈ જવાનો. અમે તો અત્યારથી નક્કી કરી નાખ્યું છે કે આવતા શુક્રવારે જૂનું ક્લાસિક 'ચશ્મે બદ્દૂર' જ જોવા જઈશું. તમે?

 

 

શો-સ્ટોપર

હું ભલે ટોપની હિરોઈન ગણાઉં, પણ મારા જીવને સંતોષ નથી. મારે પ્રયત્નપૂર્વક મારી જાતને કહેવું પડે કે કેટરિના, તું સક્સેસફુલ છો, તેં સરસ ફિલ્મો કરી છે, જરા પોતાની જાતની કદર કરતાં શીખ. પછી પાંચ મિનિટ માટે જરા શાંતિ જેવું લાગે, પણ છઠ્ઠી મિનિટે પાછું મગજ ભમવા માંડે.

- કેટરિના કૈફ

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os7KLFbi7DBRrcyMLs3boF8USL-Hrkko%3DmZmqLtWo%3Dxfg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment