Wednesday, 28 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સાચાબોલા શાંતિલાલ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાચાબોલા શાંતિલાલ!
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

 

 

 


ચોક્કસ યાદ નથી આવતું કે કેટલા વરસો થયા હશે પણ ઓછામાં ઓછું પાંચેક દાયકા તો જરૂરી વીત્યા હશે. મુંબઇના કોઇક ગુજરાતી દૈનિક અખબારમાં 'સાચાબોલા શાંતિલાલ' એક શીર્ષક હેઠળ એક ચિત્રપટ્ટી કટાર સ્વરૂપે પ્રગટ થતી હતી. આ સાચાબોલા શાંતિલાલ એ એક એવા પાત્રનું નામ હતું કે જે કોઇપણ પ્રશ્ર્નના જવાબમાં સાચું અને માત્ર સાચું જ કહી દેતા. માત્ર બે કે ત્રણ ચિત્રમાં આખી વાત કહેવાઇ જતી. અને આ ચિત્રપટ્ટી ઠીક ઠીક લોકપ્રિય પણ હતી. આજે કેટલાને એ યાદ હશે એ કહેવું મુશ્કેલ છે પણ આ ચિત્રપટ્ટી મને હમણાં અચાનક યાદ આવી ગઇ છે.

 

સાચાબોલા શાંતિલાલને એક દિવસ એમની પુષ્ટદેહી પત્ની પ્રશ્ર્ન પૂછે છે . પત્ની બની ઠનીને સજ્ધજ થઇને પતિદેવને પ્રશ્ર્ન પૂછે છે - "કહો જોઉં, હું કેવી લાગું છું? સાચાબોલા શાંતિલાલ મનમાં જે હતું એ પટ્ટ દઇને બોલી નાખે છે-"ભાદરવો ચરેલી ભગરી ભેંસ જેવી લાગે છે. શાંતિલાલની આ સચ્ચાઇને સ્વીકારી પત્નીએ કઇ રીતે કર્યો હશે અને પછી શાંતિલાલનું શું થયું હશે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.

 

એકવાર શાંતિલાલ સપત્ની ક્યાંક ટહેલી રહ્યા હતા. બધે બને છે એમ અહીં પણ પત્ની લાંબી લાંબી વાતો કરી રહી હતી અને શાંતિલાલ આસપાસ ટહેલી રહેલી કોઇક યુવતીને નજરમાં ભરી લેવા રોકાયા હતા. પત્નીને જ્યારે જાણ થઇ કે સાચાબોલા પતિદેવને પોતાની વાતમાં કંઇ રસ નથી પણ બીજે ક્યાંક કશુંક જોઇ રહ્યા છે ત્યારે એણે શાંતિલાલને પૂછ્યું. "ત્યાં શું જોઇ રહ્યા છો? શાંતિલાલ તો સાચું જ બોલે એટલે એમણે સાચેસાચો જવાબ આપી દીધો. - "પેલી સ્ત્રી જે રીતે વાંકી વળીને... અને અહીં શાંતિલાલે પોતે જે જોતા હતા એની સાચી વાત કરી એનું પરિણામ પણ કહેવાની ભાગ્યે જ જરૂર છે.

 

સાચું બોલવુું એ સારી વાત છે પણ દરેક સાચું સારું નથી હોતું. માણસ પાસે સારું સાચું અને ખરાબ સાચું એ બંને ઢગલાબંધ પ્રમાણમાં હોય છે. જો ખરાબ સાચાના ઢગલા અકારણ બહાર ખડક્યા કરીએ તો બહારની દુનિયામાં આ ખરાબીની ગટરો ઊભરાઇ જવાની. ખરાબી એ ઊલટી છે. ઊલટીએ ગંદવાડ છે. ઊલટી થતી હોય તો સારવાર કરવી જોઇએ.

 

આપણા કેટલાક લેખકોએ આત્મકથાઓ લખી છે. અહીં મેં પ્રયોજેલા આ આપણા શબ્દમાં માત્ર ગુજરાતી જ નહીં પણ દુનિયાની બધી ભાષાઓનો સમાવેશ થઇ જાય છે. ગાંધીજીએ લખેલી પોતાની આત્મકથા વિશ્ર્વની તમામ આત્મકથાઓ સહુથી વધુ પ્રમાણભૂત મનાય છે. આમાં શરૂઆતમાં જ એમણે કહી દીધું છે કે કહેવા યોગ્ય એક પણ વાત એમણે છુપાવી નથી. આમાં કહેવા યોગ્ય શબ્દ ઉપર આપણે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ગાંધીજીએ આત્મકથાના ઓઠાં હેઠળ, જે કંઇ ઘટનાઓ બની હોય અથવા પોતે જે કંઇ વિચાર્યું હોય એ બધું અહીં ઠાલવ્યું નથી. પોતાની જે નબળાઇઓ કહી દેવાથી બીજાઓને કંઇક રચનાત્મક જાણવા મળશે એવું એમને જે કંઇ લાગ્યું છે એ બધું કહ્યું છે પણ માણસના મનમાં આવી ઘટનાઓના પ્રસંગે જે ઊથલપાથલ ચાલતી હોય છે એ બધી કંઇ કહેવા યોગ્ય હોતી નથી. ગાંધીજીએ શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે એમની આ આત્મકથા સત્યના પ્રયોગો છે. સત્ય પ્રાપ્તિ માટેની જીવનયાત્રામાં એમને જે કંઇ સાંપડ્યું એમાં એમનો ઇરાદો તો માત્ર સત્યની શોધ કરવાનો જ રહ્યો છે. એમની આ સત્યની શોધ વિશે વ્યાજબી રીતે જ વાંધાવચકા લઇ શકાય એમ છે પણ એમની પાયાની પ્રામાણિકતા વિશે આપણે કોઇ શંકા કરી શકીએ એમ નથી.

 

ગાંધીજીના આ કહેવા યોગ્ય કથનોમાં એમની કેટલીક નબળાઇઓનો ખુલ્લેઆમ સ્વીકાર છે પણ નબળાઇઓનો સ્વીકાર એ જ એક માત્ર મહત્તા કે મોટાઇ છે એવું આપણા કેટલાક લેખકો માનતા થઇ ગયા હોય એમ લાગે છે. આ નબળાઇઓની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે જાતીય વૃત્તિનું સ્ખલન એજ એકમાત્ર નબળાઇ હોય એવો ભ્રમ પણ આપણે સેવીએ છીએ. આ પ્રકારનું સ્ખલન એ એક નબળાઇ અવશ્ય છે પણ એજ એક માત્ર નબળાઇ છે એવું માનવાને કોઇ કારણ નથી. માણસને કેટલીકવાર ચોરી કરવાના વિચારો પણ આવે છે. સેલિબ્રિટી કહી શકાય એવા માણસોએ શોપ લિફ્ટિંગ કર્યું હોય અથવા ક્યાંકથી કોઇક વસ્તુ તફડાવી હોય એવા સંખ્યાબંધ ઉદાહરણો છે. ક્યારેક કોઇકની સાથેના સંબંધો બગડી જાય અને એટલી હદે ચિત્તમાં વ્યાકુળતા વ્યાપી જાય ત્યારે એની હત્યા સુદ્ધાં કરી નાખવાનો વિચાર આવી જાય છે. કયારેક આ ઉશ્કેરાટ હેઠળ માણસ હત્યા કરી પણ બેસે છે. નાણાકીય અનાચાર કહી શકાય એવા સક્રિય અપરાધીઓ અને આવા અપરાધોમાં જેઓ હજુ પકડાયા નથી પણ અનાચાર આચર્યો તો જરૂર છે એવા માણસોની સંખ્યા પણ કંઇ નાની નથી. (જો સાચાબોલા શાંતિલાલને આવો પ્રશ્ર્ન પુછાય તો એના ઉત્તરમાં આપણા બધાનું આવી બને.)

 

બન્યું છે એવું કે આત્મકથનના નામે આપણા ઘણાખરાં લેખકો પોતાના જાતીય સ્ખલનની કોઇને કોઇ વાત કહેવામાં પારદર્શિતા માનતા થઇ ગયા છે. જાતીયવૃત્તિનું સ્ખલન એ તમામ નબળાઇઓમાં સહુથી દુર્ઘર્ષ નબળાઇ છે એ કબૂલ પણ હિમાલય નથી ચઢી શકાયો એમ સતત કહેવા કરતા, ગિરનાર સુધ્ધાં નથી ચડી શક્યા એ વાત શા માટે નથી કરતા? ક્યારેક તો એવો પણ વહેમ પડે છે કે પોતાની જાતીય વૃત્તિની કોઇક દુર્ઘટનાને, ખરેખર બની હોય એ કરતાં, એ બની હોત તો કેવું સારું એવી ફેન્ટસીમાં રાચતા, પોતાને પારદર્શક મનાવવા એવી વાત તો કરતા નહીં હોય ને!

 

અંગ્રેજીમાં આપણે જેને કેરેકટર સર્ટિફિકેટ કહીએ છીએ એ કેરેકટરનો ગુજરાતી અનુવાદ ચારિત્ર્ય એવો વ્યવહારમાં કરીએ છીએ ત્યારે ચારિત્ર્ય શબ્દ ઉચ્ચારીએ છીએ ત્યારે આપણા મનમાં એની અર્થચ્છાયા માત્ર જાતીયતા જ છે. જાતીયતા એ ચારિત્ર્યનું એક બળકટ અંગ છે પણ એ એકમાત્ર અંગ નથી આ વાત આપણે ભૂલવા જેવી નથી. જાતીય નબળાઇ વિશે વિચારણા કરતી વખતે આપણે એ ન ભૂલવું જોઇએ કે આ નબળાઇ પ્રાકૃતિક છે અને એને લગતા આપણા જે કંઇ વિધિવિધાનો છે એ એક સામાજિક વ્યવસ્થાના સ્વરૂપે છે. માણસને અન્ય પ્રજાતિઓથી વિશેષ સ્વરૂપ આ સામાજીક વ્યવસ્થા આપે છે. આ વ્યવસ્થા જેટલી ચુસ્તીથી જળવાય, સમાજ એટલો જ સુદૃઢ રહેશે. પશ્ર્ચિમના દેશો કે જ્યાં આ ચુસ્તી જળવાતી નથી અને સ્ત્રી પુરુષ સંબંધોને વ્યાપક રીતે શિથિલતાથી જોવામાં આવે છે ત્યાં પણ આવી શિથિલતા નિંદનીય તો ગણાય જ છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ, પ્રેસિડેન્ટ બન્યા પહેલાં અમુક તમુક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતા હતા એવી વાત એમના વિશે ખોટો સંદેશો તો આપે જ છે. આનો અર્થ એવો થયો કે આવી શિથિલતા હોવા છતાં, એ પ્રાકૃતિક હોવાનો સ્વીકાર કરવા છતાં, એ ન હોય તો સારું એ બધા જ સ્વીકારે છે.

 

સાચાબોલા શાંતિલાલ જ્યારે એમને પૂછવામાં આવે ત્યારે જ સાચું બોલતાં. પરિણામની એમને પરવા નહોતી. સાચું બોલવું અને સત્યનું રક્ષણ કરવું એ બે વચ્ચેના તફાવતની એમને ખબર નહોતી. માત્ર સાચું બોલવાથી સત્યનું રક્ષણ થતું નથી, પારદર્શક કે પ્રામાણિક પણ થવાતું નથી.સત્યનું નિર્માણ વિશાળ પરિપ્રેક્ષ્યમાં થાય છે. હવા ભરેલી મુઠ્ઠી ઊઘાડબંધ કરવાથી સત્ય પ્રકાશિત થતું નથી. સત્ય સમજવા જેવો પદાર્થ છે. એને થોડાક શબ્દોમાં વીંટાળીને ઠોબરાં જેવા વાસણમાં ખખડાવ્યા કરવાથી શોર પેદા થાય, સત્ય નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtNBmf8m%2Bmx84zHuq7jr5unYEbjyK1ZfcB3MA8_0WHGTQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment