Thursday, 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડાયાબિટીઝ સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ વિશે જાણો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડાયાબિટીઝ સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ વિશે જાણો!
જિગીષા જૈન

 

 

ડાયાબિટીઝ સાથે જોડાયેલી કેટલીક પ્રચલિત ગેરમાન્યતાઓ અને એના સત્ય વિશે આજે જાણીએ ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે પાસેથી.


ગેરમાન્યતા : ખાંડ ખાવાથી ડાયાબિટીઝ થાય છે
ખાંડ ખાવામાત્રથી ડાયાબિટીઝ થતો નથી, પરંતુ એ વાત સાચી છે કે જો આપણે વધુપડતી ખાંડ ખાઈએ તો જાડા થઈ જઈએ અને એને કારણે ડાયાબિટીઝ થવાનું રિસ્ક વધુ રહે છે.  જોકે એનો અર્થ એ નથી કે ખાંડ ખાવી જ ન જોઈએ. શુગર આપણા શરીરને એનર્જી‍ આપે છે. દરેક કોષને કામ કરવા માટે શુગરની જ જરૂર પડે છે, પરંતુ એવી શુગર જે શરીરમાં જઈને લોહીમાં સીધી ભળી જાય છે એ વધુ નુકસાનકારક હોય છે. ખાંડ ખાવાથી ડાયાબિટીઝ થતો નથી. વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ એક વ્યક્તિ દિવસની ૬ ચમચી શુગર ખાઈ શકે છે, જેનું માપ આશરે ૨૪ ગ્રામ જેટલું છે. થાય છે એવું કે આપણે ખાંડ ખાવાનું બંધ કરી દઈએ છીએ; પરંતુ પૅકેજ્ડ ફૂડ, શુગરી ડ્રિન્ક્સ, પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું છોડતા નથી. એમાં ઘણી છૂપી શુગર હોય છે જે શરીરને વધુ નુકસાન કરે છે. તમે ચા ખાંડ વાગરની પીઓ અને એની સાથે બિસ્કિટનું એક પૅકેટ ખાઈ જાઓ તો તમારી શુગર કન્ટ્રોલમાં રહેવાની નથી. ઊલટું ચામાં એક ચમચી ખાંડ ચાલી જશે, પણ બિસ્કિટ ન ખાઓ. શુગર હાનિકારક નથી. વધુપડતી અને છૂપી રીતે તમારા શરીરમાં જતી શુગર અત્યંત હાનિકારક છે.


ગેરમાન્યતા : જાડા લોકોને ડાયાબિટીઝ થાય જ છે.
ઓબેસિટી ડાયાબિટીઝ માટેનું મોટું રિસ્ક-ફૅક્ટર છે એવું માનવામાં આવે છે. અને એ વાત સાચી જ છે કે જો તમે ઓબીસ હો તો એક સામાન્ય વ્યક્તિ કરતાં તમને ડાયાબિટીઝ થવાની શક્યતા વધુ જ રહેવાની, પરંતુ હકીકત એ છે કે દરેક ઓબીસ વ્યક્તિને ડાયાબિટીઝ થતો નથી. અને એવું પણ નથી કે તમે ઓબીસ છો તો તમને ભવિષ્યમાં ડાયાબિટીઝ થશે જ. અમેરિકન ડાયાબિટીઝ અસોસિએશનના આંકડાઓ તપાસીએ તો અમેરિકામાં ઓબેસિટીની તકલીફ ૩૭ ટકા લોકોને છે અને ડાયાબિટીઝ ૧૦ ટકા લોકોને. આ આંકડાઓ જ કહે છે કે દરેક ઓબીસ વ્યક્તિને ડાયાબિટીઝ થતો નથી.


એનો અર્થ એ થયો કે જો તમે ઓબીસ હો તો ડરો નહીં કે તમને ડાયાબિટીઝ થશે જ. પરંતુ સતર્ક રહો, વધારાનું વજન સાચી પદ્ધતિથી ઉતારવાની સજાગ કોશિશ કરો; કારણ કે ઓબેસિટી એક નહીં, બીજા ઘણા રોગોનું રિસ્ક વધારે છે.


ગેરમાન્યતા : દૂબળા લોકોને ડાયાબિટીઝ આવતો નથી
હાવર્‍ર્ડ હેલ્થ પબ્લિકેશનના આંકડાઓ મુજબ ડાયાબિટીઝ ધરાવતા ૮૫ ટકા લોકો ઓબીસ હોય છે. એનો અર્થ એ થયો કે ૧૫ ટકા એવા લોકો પણ છે જે ઓબીસ નથી છતાં તેમને ડાયાબિટીઝ છે. જે લોકો દૂબળા હોય છે તેમને એવો ભ્રમ હોય છે કે તેમને કોઈ રોગ આવશે નહીં. જોકે એવું નથી. ડાયાબિટીઝ ફક્ત ઓબેસિટીને લીધે થતો રોગ નથી, જો તમારી ફૅમિલીમાં કોઈને પણ આ રોગ હોય તો તમને જિનેટિકલી ડાયાબિટીઝ થવાની શક્યતા ખૂબ વધી જાય છે; પછી તમે દૂબળા હો કે જાડા, તમારા પર આ રિસ્ક ઘણું વધારે રહે જ છે. આમ ડરવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે. દૂબળા લોકો હેલ્ધી હોય છે એ માન્યતા ખોટી છે. જો તમે આખો દિવસ એનર્જીથી છલકતા હો અને મગજથી જ નહીં પરંતુ શરીરથી પણ સતત ઍક્ટિવ રહેતા હો, માનસિક રીતે સ્થિર હો અને નર્ણિયો યોગ્ય લઈ શકતા હો તો તમે જાડા હો કે દૂબળા, તમે હેલ્ધી છો.


ગેરમાન્યતા : જો તમને એક વખત ડાયાબિટીઝ આવ્યો તો એ જીવનભરનો રોગ છે
આ માન્યતા પડવા પાછળ લોકોના અનુભવ અને મેડિકલ સાયન્સના દાવાઓ છે. હકીકત એ છે કે આ દાવાને ચૅલેન્જ કરતા આજે ઘણા કેસ આપણી સામે છે. ડાયાબિટીઝ સંપૂર્ણપણે ક્યૉર થઈ શકે છે. એક વખત ડાયાબિટીઝનું નિદાન થયું તો હાર માનીને બેસી ન જાઓ. યોગ્ય દવાઓ, લાઇફ-સ્ટાઇલમાં સંપૂર્ણ સુધાર અને જીવનમાં નિયમિતતા સાથે વ્યક્તિ ડાયાબિટીઝથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકે છે. ઘણા લોકો મુક્ત થયા પણ છે અને થઈ રહ્યા છે, પરંતુ આ કાર્ય વગર નિષ્ણાતે શક્ય નથી. ડાયાબિટીઝથી સંપૂર્ણ છુટકારો મેળવવો અઘરો છે, પણ અશક્ય નથી.


ગેરમાન્યતા : ડાયાબિટીઝના દરદીઓએ વધુપડતી ફિઝિકલ ઍક્ટિવિટી ન કરવી
આપણે ત્યાં દરદી હોય એનો અર્થ એ કે તેણે આરામ કરવો, પોતાનું ધ્યાન વધુ રાખવું. ડાયાબિટીઝ હોય એવી વ્યક્તિને પણ લોકો એ જ રીતે સમજે છે. દરદી ખુદ પણ માને છે કે તે વધુ કામ કરશે કે વધુ કસરત કરશે તો તે જલદી થાકી જશે અને એનાથી તેને નુકસાન થશે, પરંતુ હકીકત એ છે કે ડાયાબિટીઝ એવો રોગ નથી જેમાં આરામ કરવો પડે. ઊલટું આરામ છોડીને જે વ્યક્તિ ફિઝિકલી ઍક્ટિવ જીવન જીવે છે તેનો ડાયાબિટીઝ સખત કાબૂમાં રહે છે. જો તમને આ બાબત પર શંકા હોય તો એક્સરસાઇઝ કરતાં પહેલાં એક વાર બ્લડ-શુગર માપો. એક્સરસાઇઝ શરૂ કર્યાના અડધા કલાક પછી શુગર માપો અને ૧ કલાકની એક્સરસાઇઝ પતે પછી શુગર માપો. આ રીડિંગ પરથી સમજાશે કે ઍક્ટિવ લાઇફ કેટલી જરૂરી છે ડાયાબિટીઝ હોય ત્યારે. હા, એવું થઈ શકે કે ઘણી વાર વધુપડતી કસરતને કારણે શુગર ઘટી જાય, પરંતુ આવા સમયે ખોરાકનું ધ્યાન રાખવું. તમને લાગે કે આજે દરરોજ કરતાં વધુ ઍક્ટિવ દિવસ જશે તો ખાવામાં ગરબડ ન કરવી. જો લાગે કે શુગર ઘટે છે તો તરત જ કંઈ ખાઈ લેવું. બાકી ઍક્ટિવ લાઇફ ન છોડવી.


ગેરમાન્યતા : ડાયાબિટીઝની દવાઓ કિડની પર અસર કરે છે તો વધુ ન લેવી
હકીકત એ છે કે કોઈ પણ રોગની દવાઓ થોડે-ઝાઝે અંશે કિડની પર અસર કરે જ છે, પરંતુ ડાયાબિટીઝની દવા કિડની પર અસર કરે છે એમ માનીને જો તમે એને નિયમિત ન ખાઓ તો તકલીફ એ થશે કે શુગર પર કન્ટ્રોલ જતો રહેશે અને શરીરમાં વધી ગયેલી શુગર કિડની પર ખૂબ ખરાબ અસર કરે છે, જેને કારણે કિડની વધુ જલદી ડૅમેજ થઈ જશે. આમ દવા ન લેવાની મૂર્ખામી કરવી નહીં. દવા તો લેવી જ જોઈએ. અને એને મન પડે ત્યારે મૂકી ન શકાય. પરંતુ એક નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ રેગ્યુલર ચેકઅપ સાથે તમે નિયમિત સૂચન પ્રમાણે દવાઓ લેતા હો તો કિડની પરના ડૅમેજને ઘટાડી શકાય એટલું જ નહીં, જે કંઈ તકલીફ થાય એને રેગ્યુલર ચેકઅપ દ્વારા સમયસર ઓળખી શકાય અને એનો પણ ઇલાજ કરી શકાય.


ગેરમાન્યતા: જો તમને ડાયાબિટીઝ હોય તો તમને શરદી ખૂબ જલદી થાય
ડાયાબિટીઝના મોટા ભાગના દરદીઓને ડૉક્ટર સલાહ આપે છે કે તેમણે ફ્લુની રસી લઈ જ લેવી. એનું કારણ એ નથી કે ડાયાબિટીઝના દરદીઓને શરદી અવારનવાર થાય છે, એનું કારણ એ છે કે જો તેમને એક વખત ફ્લુ થયો તો એ જલદી મટતો નથી અને સામાન્ય ફ્લુ પણ ડાયાબિટીઝના દરદીઓ માટે કૉમ્પ્લીકેશન ઊભાં કરી શકે છે. એટલે ડૉક્ટરો એવું ઇચ્છતા હોય છે કે ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિને ફ્લુ આવે જ નહીં. આમ તો કોઈ પણ પ્રકારની બીમારી ભલે એ સામાન્ય કેમ ન હોય, પરંતુ ડાયાબિટીઝના દરદીઓમાં એને મટવામાં સમય લાગે છે. આમ દરદી વધુ હેરાન થાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvnWz5dXDTAC8bRxsD-cfZQMTUKD89FvBM_QNKGvGpAtw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment