Tuesday 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ...વી વિલ... રોક યુ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



...વી વિલ... રોક યુ!
જય વસાવડા

 

 

 

જમાનાથી જુદા પડીને પોતાની શરતોએ જીવનારાઓનો નારો

ઘણી વાર ઈતિહાસે એટલે જ સાક્ષી પૂરી છે કે, અસાધારણ આવડત ધરાવતા લોકો અન્ય કોઈથી નહિ પણ ખુદથી જ ખતમ થતા હોય છે. સેલ્ફ ડિસ્ટ્ર્ક્શનને ઈન્વિટેશન આપતા હોય છે.

 

ચેઈન સ્મોકર એવો શાહરૂખ ખાન અઢી દસકા સુપરસ્ટાર રહ્યો. સબૂર, રખે માનતા સિગારેટ સ્મોકિંગને ઉત્તેજન અપાઈ રહ્યું છે. નો, નેવર. ટોટલ નિર્વ્યસની ટીટોટલર તરીકે ઠોક બજા કે હમો કહી શકીએ કે સ્મોકિંગ, ડ્રિન્કિંગ, ડ્રગ્સ વૉટએવર સ્ટફ ઈઝ ઈન્જુરિયસ ટુ હેલ્થ.

 

પણ એના માટે ચાલુ ફિલ્મે જખમ પરના પાટા જેવી પટ્ટી ચોંટાડવાની જરૂર નથી. એ વાયડી વેવલાઈ છે. સલમાનનો જબરો ક્રેઝ છે એટલે સલમાન સૂરજ બડજાત્યાનો રામ નથી. વિરાટ કોહલીની પોપ્યુલારિટી જેટલું જ ટેમ્પરામેન્ટ ગાજે છે. ચર્ચિલ ટણીવાળા ક્રોધી હતા, પણ વિજેતા વડાપ્રધાન થયા જ.

 

મર્મ એ છે કે, દુનિયાની નજરે જે ઠીક કે ધાર્મિક દ્રષ્ટિએ/મોરલ એંગલથી સાચું હોય એવું ન કરનારા, કે એવા નિયમોને ગજવે ઘાલનારા પણ આગળ વધે છે. બેસુમાર શોહરત અને દોલત પણ મેળવે છે. બસ, એક્સેપ્શનલ ટેલન્ટ જોઈએ. વિરલ પ્રતિભા હોવી જોઈએ. મતલબ, સાચે જ ટેલન્ટ. એ હોવાનો વહેમ નહિ.

 

ખરા અર્થમાં બે કાંઠે છલકાતી અને ઉભરાતી એવી પેશન. બીજી નબળાઈઓ હોવાથી એ ગોડ ગિફ્ટ કે સેલ્ફ મેઈડ જે ગણો તે આવડતનું મૂલ્ય ઓછું નથી થઈ જતું. કા, વ્યસન પણ તમારા કાબૂમાં હોય તો અને ત્યાં સુધી.

 

જો લિમિટ ક્રોસ વારંવાર થવા લાગે તો પેલી પ્રતિભા અનુશાસનના અભાવે ચકનાચૂર થવા લાગે. સેલ્ફ વેરવિખેર થઈ જાય. સર્જન અફલાતૂન ને અમર હોય, પણ સર્જક જ સ્વધામ પહોંચી જાય! વગાડનાર જ ન રહે, પછી વીણા શું કામની?

 

ઘણી વાર ઈતિહાસે એટલે જ સાક્ષી પૂરી છે કે, અસાધારણ આવડત ધરાવતા લોકો અન્ય કોઈથી નહિ પણ ખુદથી જ ખતમ થતા હોય છે. સેલ્ફ ડિસ્ટ્ર્ક્શનને ઈન્વિટેશન આપતા હોય છે. વ્યસન નહિ તો અહંકાર, નહિ તો અય્યાશી, નહિ તો કડવોતોછડો સ્વભાવ. ઈમોશનલ ઈમ્બેલેન્સ. પોતાના જ વેલવિશર દોસ્તોને દુશ્મનો બનાવી દેવાની કળા ય ઘણાને જન્મજાત વળગેલી હોય છે.

 

અમુક ઈન્વિન્સિબલ, અપરાજેય લાગતી ટેલન્ટ્સને કોઈ કોમ્પિટિશને નહિ પણ એના જ સ્વભાવની એરોગન્સ, જીદ અને સતત 'હાઈ'માં રહેવાના વ્યસનો કે ચાપલૂસ ચમચાઓના અતિરેકે પતાવી દીધાના દાખલાઓથી આખું પુસ્તક રચાય. માઈકલ જેક્સન હોય કે ડિયેગો મારાડોના. સજ્જાદ હુસેન હોય કે સઆદત હસન મન્ટો. આ નરી વાસ્તવિકતા છે. ટોચ પર લાંબુ ટકવું હોય, તો ક્યાં અટકવું એ ખબર હોવી જ જોઈએ. નહિ તો ભટકવું પડે તળેટીમાં શિખરેથી.

 

પણ પેલી ચૂંબકની જેમ ચાહકને ખેંચી લેતી કળા હંમેશા ડાહ્યું ડાહ્યું, ઠાવકું ઠાવકું જીવવાને લીધે જ મળે એવું નથી. પેલી દુનિયાને ન ગમતી અઠોણાઈ, તોછડાઈ, વાયડાઈ ઉર્ફે એરોગન્સ જ એટલે આવે છે કે એ આર્ટીસ્ટ, એ ક્રિએટીવ ટેલન્ટ જગતને જુદી રીતે જુએ છે.

 

જુદી રીતે એટલે જુએ છે કે ખુદ જુદી રીતે જીવે છે! આ ગ્રે એરિયા છે, જે કેરેક્ટરને ઈન્ટરેસ્ટિંગ બનાવે છે. આપણી માત્ર કાળું ને ધોળું જોતી આંખોને એની વચ્ચેનું આખું મેઘધનુષ દેખાતું નથી. અને આ ય કોઈ પ્રયાસપૂર્વકના સ્ટંટ કે ચાલાકીની નહિ, કુદરતી ફિતરતની વાત છે.

 

ટૂંકી વાત એટલી કે સ્ટ્રેઈટ લાઈનથી ગણિતના ગ્રાફ બને, કળાનું પેઈન્ટિંગ નહિ. એ માટે તો કર્વ્ઝ-સ્ટ્રોક્સ જોઈએ. શેડ્સ એન્ડ કલર્સ જોઈએ. આવી જ કંઈક વાત કહેતી બે બાયોપિક ફિલ્મ્સના દિવાળીના અપ'યશ'ના ઠગધબડકા પછી જોવા મળી. એક જ દિવસે, બેક ટુ બેક. એક પ્યોર ઈન્ટરનેશનલ, એક શુદ્ધ સ્વદેશી. પણ અનાયાસે જ બેઉના પ્રોટેગનિસ્ટસના કોર એલીમેન્ટસ સરખા.

 

પોતાની અસામાન્ય પ્રતિભા માટેનું ધખધખતું પેશન, એ માટે દુનિયાને વટથી લાત મારવાનું ખમીર ને ખુદમુખ્તારી, અને જે ફિલ્ડમાં ગયા એમાં મળેલી ગ્રાન્ડ સક્સેસ. અભૂતપૂર્વ લોકચાહના. આજે ય યાદ કરે, એવું અદ્ભુત યોગદાન. નિરંકુશ બનતી જતી પર્સનલ લાઈફ. વ્યસનો, લફરાંઓ, ખુદના સ્વજનો સાથે તડાફડી, એકલતા અને એને લીધે થતા વિવાદો. સમયથી વહેલો આવેલો અકાળ અંત.

 

ગજબનાક સામ્ય ધરાવતી બેઉ કહાનીઓ સત્ય ઘટના પર પ્રેરિત છે. ઓફિશ્યલ બાયોપિક જ છે. થોડા નાટયાત્મક રંગોની પૂરણી, થોડીક પાત્રો-પ્રસંગોની હેરાફેરી તો રસાળ ફિલ્મ બનાવવા કરવી પડે. તો જ જુઓ ને, ફિલ્મમાં રસ પડે એટલે તથ્યો વિગતવાર સર્ચ કરવાનું મન થાય.

 

પણ કંટાળો જરાય આપ્યા વિના બાંધી રાખતી, મનોરંજન સાથે મનોમંથન કરાવતી અને એકદમ સલૂકાઈથી કળા અને કળાકારને લગતા કેટલાક સવાલો ઈમોશનલી ડિસ્કસ કરતી આ ફિલ્મો ચૂકવા જેવી નથી. અંગ્રેજી ''બોહેમિયન રેપ્સોડી'' અને મરાઠી ''આણિ કાશીનાથ ધાણેકર.'' બેઉમાં મુખ્ય પાત્રમાં રેમી મલેક અને સુબોધ ભાવેએ એવોર્ડવિનર પરકાયાપ્રવેશ કર્યો છે!

 

ફારૂખ બલસારા. એક અજાણ્યું લાગે એવું પારસી ગુજરાતી નામ. ફ્રેડી મર્ક્યુરી. નામ સાંભળતાવેંત જ પગ થિરકવા લાગે એવા લીજેન્ડરી બ્રિટિશ રોકસ્ટારનું નામ! અને આ બેઉ નામ એક જ વ્યક્તિના છે!

 

જી હા. મિડલ ક્લાસના ઝાંઝીબાર સેટ થયેલા નોકરિયાત પારસી પરિવારનું ફરજંદ જ ફ્રેડી મર્ક્યુરી. ત્યારે એનું નામ ફારૂખ હતું. ૧૯૪૬માં એના જન્મ પછી એનું આરંભનું ભણતર પંચગીનીમાં આવેલ સેન્ટ પીટર્સ સ્કૂલમાં થયેલું.

 

ત્યાં ૧૨ વર્ષની વયે એ બેન્ડમાં જોડાયેલો. એલ્વિસ પ્રેસ્લી અને ક્લિફ રિચાર્ડસના ગીતો ગાતો. આમ બે દાંત બહાર નીકળતા હોય એવો શરમાળ છોકરો. છોકરીઓ એને 'બકી' કહી ચીડવતી. પણ જેવો પિઆનો હાથમાં આવે કે એનો કોન્ફિડન્સ પલટાઈ જતો!

 

ટ્રેડિશનલ સ્કૂલમાં રોક મ્યુઝિકને ખાસ મહત્ત્વ નહિ. હા આર્ટ ટીચર્સને ફ્રેડી (ત્યારના ફારૂખ)માં રસ પડતો. ફ્રેડીના પપ્પા કડક શિસ્તપ્રિય માણસ. ક્લેરિકલ એકાઉન્ટન્ટનું કામ કરે. ટિપિકલ પારસી ફેમિલીની જેમ સંતાનો સીધી લીટીના કમ્ફર્ટ ઝોનમાં 'સેટ' થઈ જાય, એ જ એમની ઈચ્છા. આજના ઘણાખરા ગુજરાતી પપ્પાઓ જેવી જ. એમાં ઝાંઝીબારમાં બળવો થતાં એ પરિવાર બ્રિટન આવીને રહેવા લાગ્યો, લંડન પાસે. ફ્રેડીએ ત્યાં જ ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કરી, હીથ્રો એરપોર્ટ પર સામાન સારવાની નોકરી શરૂ કરી.

 

પણ પેલો મ્યુઝિકનો કીડો એને છોડે નહિ. ઘેર ઘર્ષણ થાય. ફાલતુનો ટાઈમપાસ અને એમાં લઘરા જેવાં કપડાં અને જટિયાં જેવા વાળ સંસ્કારી કુટુંબને ગમે નહિ. એની બહેન ડાહીડમરી, સ્ટુડિયસ. પણ ફ્રેડી અલગારી રખડપટ્ટીનો જીવ.

 

ઓછાબોલો ફ્રેડી સંગીતમાં કાતિલ શિકારીની જેમ તૂટી પડતો. લાઈક માઈન્ડેડ ફ્રેન્ડસ સાથે એણે બેન્ડ બનાવ્યું. 'ક્વીન'. જેનો કિંગ એટલે લીડ સિંગર એ પોતે. ધીમે ધીમે બળવાખોર રોક મ્યુઝિકમાં ખ્યાતિ વધતી ગઈ, જુવાની દેશ-પરદેશની ડોલતી થઈ. ફ્રેડીને ચડતી જવાનીમાં જ ગર્લફ્રેન્ડ મળી ગયેલી : મેરી. ફુટડી છોકરી સાથે વર્ષો સુધી રિલેશન રહી. સિરિયસ. ઘેર પણ મમ્મી-પપ્પાને મળવા લઈ ગયો એવી.

 

એ દરમ્યાન 'ક્વીન' બેન્ડનું ઐતિહાસિક સોલો સોંગ આવ્યું. એ સમયના ત્રણ મિનિટના ધારા કરતાં ડબલ લાંબુ એ જ સોંગ જે હમણા આવેલી બ્રાયન સિંગર જેવા સિદ્ધહસ્ત દિગ્દર્શકે (એક્સ મેન, સુપરમેન રિટર્ન્સ, યુઝયુઅલ સસ્પેક્ટસ) બનાવેલી ફ્રેડીની બાયોપિક 'બોહેમિયન રપ્સોડી'. આ શીર્ષકનો આમ તો અર્થ બેફિકરા માણસનું ગીત એવો થાય. પણ એ સોંગ ઓપેરા સ્ટાઈલમાં લખાયેલું. એના શબ્દો બાબતે આજે ય ભાવકો ડિબેટ કરતા હોય છે.

 

બધા શબ્દોની ચર્ચા અહીં કરીએ તો એના ઉચ્ચાર વાંચીને જ આંખોના ડોળાં ચક્કરભમ્મર થવા લાગે ચલતીનો ગરબો લેવામાં! કાનમાં હાર્ડ મેટલ તારની ઝણઝણાટી થઈ જાય. આપણો સબ્જેક્ટ વળી જુદો છે, અત્યારે. પણ ઇસ્લામિક બિસ્મિલ્લાહથી શરૂ કરી યુરોપિયન ઓપેરા અને ઇટાલીયન ક્લાઉનથી સ્પેનિશ કપલ ડાન્સ, ગેલેલિયોથી નરકના ખ્રિસ્તી શેતાન સુધીના સંદર્ભો એ સોંગમાં છે.

 

ફ્રેડીના મલ્ટીકલ્ચરલ ઉછેર અને એના થોડા (રોકસ્ટારના પ્રમાણમાં ઘણા) વાચનની ઝલક એમાં મળે. આમ તો રેન્ડમ વર્ડસ છાંટયા હોય એવું લાગે. પણ ડીપ મીનિંગ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ઠેકડો મારવા તરફડતા જીવનની છટપટાહટનો છે. ગાલિબચાચા લખી ગયેલા એમ 'ઈમાં મુજે રોકે હૈ, જો ખીંચે હૈ મુઝે કુફ્ર' જેવી ક્લાસિક કશ્મકશની વાત છે. એક તરફ સિમ્પલ, અનુશાસનભરી, 'સેટલ્ડ' લાઈફના સુખ છે. બીજી તરફ અનસેટલ્ડ, તરંગી, મસ્તમૌલા, ઉબડખાબડ, અચોક્કસ જીંદગી જીવવાના ભીતરના પોકારનું સાહસ છે!

 

એની વે, સોંગ જેટલો જ લાંબો ફકરો થઇ ગયો. લાઈફ અડધી રિયાલિટીમાં પસાર થતી હોય છે, પણ અડધી મનમાં ચાલતી કલ્પનાઓમાં જીવાતી હોય છે. આ સોંગથી ક્વીનનો સિક્કો જામી ગયો. બીજા ગીતો ય ચાલ્યા. વિશ્વભરના જુવાનિયાઓ શર્ટ ફાડીને ઝૂમવા લાગ્યા.

 

બલસારા ફેડ આઉટ થયું. મર્ક્યુરી પર સ્પૉટલાઈટ આવી. એમાં ય ઓડિયન્સની હિસ્સેદારી જમાવતું અને આજે ય સાંભળતાવેંત પગના તળિયાથી ઠેકા અપાઇ જાય એવું 'વી વિલ રોક યુ' કલ્ટ ક્લાસિક જ બન્યું.

 

પણ બીજા ત્રણે બેન્કના દોસ્તો ફેમિલી લાઈફમાં સ્થિર થતા હતા, ત્યારે 'ક્વીન'ની ધરી એવો ફ્રેડી મેરી સાથેના રિલેશન છતાં પુરૂષો પ્રત્યે આકર્ષણ અનુભવતો અને એમાં જ લપસતો જતો હતો.

 

પૈસા-પ્રસિધ્ધિ મળી અને પાર્ટીઓ પણ વધી. શરાબ, ડ્રગ્સ, મલ્ટીપલ મેલ પાર્ટનર્સ. મિત્રોની સમજાવટ બેકાર ગઇ. હા, પહેલા પ્યાર મેરી ભૂલાઇ નહિ. નવો બંગલો ય એના ઘરની બાજુમાં લીધો. ગે બનેલા ફ્રેડીથી કંટાળી મેરી બીજે પરણી, બે સંતાનો પણ થયા. પણ એ લગ્નજીવન લાંબુ ન ચાલ્યું.

 

આડેધડ જીવાતી જીંદગીએ ફ્રેડી પર પોતાનો ટેક્સ લીધો. એ વખતે જગતમાં હાહાકાર મચાવી દેતા એચઆઈવી એઈડ્સના સંક્રમણનું એક મુખ્ય કારણ પુરૂષોના સજાતીય સંબંધો ય હતા. ફ્રેડી પણ એનો ભોગ બન્યો. જો કે, એ અગાઉ 'લાઈવ એઈડ' જેવી કોન્સર્ટમાં વેમ્બલી સ્ટેડિયમ ડોલાવી, એણે આફ્રિકાના ગરીબ બાળકો માટે ચિક્કાર ચેરિટી એકઠી કરી.

 

પછી નિયમિત આવા શૉઝ કરતો રહ્યો. ૧૯૭૧માં એઈડ્સને લીધે નબળી પ્રતિકારશક્તિમાં ન્યુમોનિયા થતાં માત્ર ૪૫ વર્ષની વયે ફ્રેડી મર્કયુરીનું અજવાળું આથમી ગયું. એ પહેલા જ માઈકલ જેકસનનું સ્ટીમોરોલર લોકપ્રિયતા પર ઓલરેડી  ફરી વળેલું ચક્રવર્તી સમ્રાટના  અશ્વમેઘની માફક!

 

ક્રોસડ્રેસર ફ્રેડી ચિત્ર-વિચિત્ર કપડાં પહેરતો. એના પપ્પા ૯૫એ ગયા. મમ્મી જેર બલસારા આજે ય ઈંગ્લેન્ડમાં દીકરી કાશ્મીરા અને જમાઈ રોજરના પાડોશમાં જીવે છે. ઘણાના મતે ફ્રેડી મોટું ન થયેલ બાળક હતો. જો કે એનો બંગલો પૂર્વ પ્રેયસી મેરીના નામે કરી ગયો, જે ત્યાં જ રહે છે. પણ ફિલ્મમાં કે યુટયુબમાં ય ક્વીનના, ફ્રેડીના સોંગ્સ સાંભળો તો ધડકન તેજ થઇ જાય, થિરકન કદાચ લકવાગ્રસ્ત પગોમાંય રક્ત સંચાર કરી દે!

 

બોલીવૂડે રાજેશ ખન્ના પાછળની અનહદ દીવાનગીમાં સુપરસ્ટારડમનું શિખર જોયું, એ પહેલા જ મુંબઇમાં મરાઠી - રંગભૂમિ પર નાટયજગતના પહેલા સુપરસ્ટારનો ઝંઝાવાત ફૂંકાઇ ચૂક્યો હતો. ડૉ. કાશીનાથ ધાણેકર.

 

આ ડૉકટર પીએચડીના નહિ. ડેન્ટીસ્ટ ડૉકટર. ધીખતી પ્રેકટિસ. પત્ની ઈરાવતી ય ડૉકટર. છતાં નાટકના બચપણથી રસિયા જીવ કાશીનાથભાઉ મેડિકલ પ્રેકટિસની કમાણી છોડીને નાટકમાં સ્ટેજ પાછળ કલાકારોને સંવાદની ક્લ્યુ આપતા 'પ્રોમ્પટર'નું કામ કરવા હોંશે હોંશે ધોળા દહાડે જાય! (મરાઠી  નાટયસૃષ્ટિમાં  રોજ દિવસના  શૉઝ પણ નવાઇની વાત નહોતી).

 

કેમ? કારણ કે, નાટકનું અદમ્ય ખેંચાણ. અંદરથી ધક્કો લાગે અભિનયનો. રહી ન શકાય એવો વલવલાટ થાય પરફોર્મ કરવાનો. અંતે અચાનક જ મરાઠી નાટયજગતના બે મોટા નામો લેખક વસંત કાનેટકર અને દત્તારામ તરફથી એમને ચાન્સ મળ્યો. શિવાજીની આભામાં ઢંકાયેલા પુત્ર સંભાજીનો રોલ કરવાનો.

 

ઓડિશનમાં પ્રોડયુસર તાકાતવાન પડછંદ કળાકાર શોધતા હતા. ત્યાં એ માટે લાઈનમાં ઊભેલા ડૉ. કાશીનાથે ચોપડાવ્યું કે ભીમ જોઇએ છે કે સંભાજી? ને ચોંકી ઊઠેલા તમામને કહ્યું કે સંભાજીના પાત્રમાં બળવાખોરી છે. એ ઉપસાવવાની હોય, તોતિંગ તાકાતવાળું શરીર નહિ.

 

એ 'રેબેલ' ઉર્ફે વિપ્લવી ક્રાંતિકારી મૂળ તો કાશીનાથમાં હતો. જાવેદ અખ્તરે યશ ચોપરા માટે લખેલી 'મશાલ'ની સોર્સફાઇલ જેવું મરાઠી નાટક 'અશ્રુચી ઝાલા ફૂલે' (આંસુ બન ગયે ફૂલ - એ જ નામની ફિલ્મ પણ આવેલી)માં ય આદર્શવાદી પ્રિન્સિપાલ સામે શિંગડા ભરાવતા તોફાની પણ ઊર્જાવાન યુવક લાલ્યાનો રોલ એમણે કર્યો. લોકો પાગલ થઇ ગયા જાણે! જ્યાં ત્યાં ભીડ જ ભીડ. સફળતા એવી કે ભાલાજી પેંઢારકરે ફિલ્મ હીરો બનાવી દીધા.

 

પણ કાશીનાથનો કીડો પૈસો હોત તો ડૉકટરી છોડવાની ક્યાં જરૂર હતી? સંભાજીવાળું રાયગઢનો કિલ્લો બોલે છે એ મતલબનું નાટક કોઇ શેઠિયાના પ્રાઇવેટ શૉ કરવાની ના પાડીને (હું મુજરાવાળો નથી કહીને!) એમણે છોડી દીધેલું. ફિલ્મમાં બનાવટી એક્ટિંગ છે, નાટક જેવા ઈન્સ્ટન્ટ રિએકશન નથી, કહીને સિનેમા છોડયું.

 

એક્ટ્રેસ સુલોચનાની અડધાથી ય ઓછી ઉંમરની રૂડીરૂપાળી દીકરી એના પ્રેમમાં પડી. શરૂઆતમાં એના તરફ ડિસ્ટન્સ રાખ્યું પછી પત્નીની સંમતિથી પ્રેમસંબંધ રાખ્યો. બીજા ઘણા વન નાઈટ સ્ટેન્ડસ ચાહકો - સહઅભિનેત્રીઓ સાથે. શરાબ અને સિગારેટ્સ ચુંબનથી વધુ હોંકે.

 

પ્રેયસી કાંચનને તો પરણ્યા, અને પ્રથમ પત્ની બીજે પરણી ગયા, એક દીકરીના પિતા બન્યા. પ્રભાકર પણશીકર જેવા મરાઠી અભિનેતા મિત્ર અને ડૉ. શ્રીરામ લાગુ જેવા દિગ્ગજ હરીફ. વિવાદોના વમળમાં ફસાયા પણ અદા અને વટના કટકાની બિન્દાસ્ત નફકરાઇ ન છૂટી. એકદમ કડ્ડક પર્સનાલિટી. કોઇના બાપની સાડીબાર નહિ.

 

મનની મરજીના માલિક. મરાઠી જ નહિ, ભારતીય નાટયજગતમાં સોશ્યલ સ્ટાર કલાકારનું પાત્ર પરિચયમાં છેલ્લે... અને... કહીને વિશિષ્ટ લહેકાથી બોલાતા નામની પ્રથા એમણે શરૂ કરાવેલી, જે આજે ય પૂરબહારમાં છે. એટલે જ અંગ્રેજી સબટાઇટલ સાથેની ફિલ્મનું નામ 'આણિ ડૉ. કાશીનાથ ધાણેકર' છે.

 

કમબેકની કોશિશમાં તબિયત લથડતા ૫૬ વર્ષે ડૉ. કાશીનાથ પણ અકાળે જ ગયેલા. પછી બીજી પત્નીએ જીવનકથા મરાઠીમાં લખી 'નાથ હા માઝા' (મારા નાથ) અને ટેલન્ટેડ કલાકાર-કસબીઓથી છલકાતી ટીમે એ પરથી બેનમૂન બાયોપિક બનાવી છે.

 

બાયોપિકના નામે હિન્દી ફિલ્મોમાં મુખ્ય પાત્રને સુપરહીરો બતાવી એની કેવળ ગુણગાથા જ સંભળાવાય એવું નહિ. એના અલગ અલગ રંગો, ખામીઓ, ભૂલો, નબળાઇઓ અને પતન પણ બતાવી સંપૂર્ણ ચિતાર ખડો કરાય સ્વભાવનો એની ટેક્સ્ટબૂક. એક ક્ષણ પણ વધારાની ન લાગે એવી પોણા ત્રણ કલાકની ફિલ્મ!

 

કાશીનાથ ધાણેકરના નામે મુંબઇમાં ઓડિટોરિયમ છે. ફ્રેડી મર્કયુરીનું નામ ગૂગલમાં ગ્રેટેસ્ટ રોકસ્ટાર એવર ટાઇપ કરો એટલે યાદીમાં ઝળકે છે. પર્સનલ લાઈફમાં તૂટતા જતાં આ ઈન્સાનો સ્ટેજ પર હજારો-લાખોના ટોળાંને ઉન્માદી કરી શકવાની ત્રેવડ પોતાની કળા થકી ધરાવતા હતા.

 

એમના તમામ અવગુણો અને આડે રવાડે ચડેલી જીંદગી છતાં કાળના કપાળ પર એમની આ દોરેલી અમીટ લકીર છે. ભીંત ફાડીને ઉગતા પીપળા જેવી ધોધમાર ટેલન્ટ. પેલો કીડો જમાનાને પગની ધૂળ ગણી  ગમતી  યાત્રા પર આગેકદમ કરવાનો!

 

કદાચ પેલો સ્વકેન્દ્રી, અકોણો, ધૂની, તુંડમિજાજી, જીદ્દી, ધ બોસ ટાઇપનો સ્વભાવ ન હોત, તો આવો પ્રભાવ હોત ખરો? 'આણિક ડૉ. કાશીનાથ ધાણેકર'માં એક સંવાદ છે કે આવા લોકો વિના આપણી દુનિયા આદરણીય જરૂર હોત. પણ બોરિંગ હોત. એમને લીધે રંગીન બની, ને તો લોકો શમા પાછળ ફના થતા પરવાના બની ખેંચાયા! કદાચ, પબ્લિકને પોતાનું પ્રતિબિંબ દેખાતું હશે - પરફેક્ટ નહિ  એવા આઇકોનમાં!

 

- ઝિંગ થિંગ -

'પીહૂ': થોડી ખામીઓ છતાં બે વર્ષની બાળકીને શ્રેષ્ઠ અભિનેત્રી સિદ્ધ કરી  પેરન્ટિંગના પાઠ ભણાવતી દિલધડક ફિલ્મ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsO9Fd9GGOR%2BhXyJU0ORkhYKUVbSvBFR12Mr8FN9C09iQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment