Wednesday, 28 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હેલ્થ ચમકાવવી હોય તો શિયાળામાં શું ખાશો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હેલ્થ ચમકાવવી હોય તો શિયાળામાં શું ખાશો?
જિગીષા જૈન

 

 


શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ.


શિયાળામાં હેલ્થને ચમકાવવા માટે તમારા ખોરાકમાં કઈ-કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી.


લીલું લસણ
લસણના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ લીલું લસણ ફક્ત શિયાળામાં મળે છે જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે. એ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. પાચનને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે, જેને લીધે ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.


બાજરો
આ એક એવું ધાન્ય છે જે શિયાળામાં જ ખાવું જોઈએ. બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે. એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો જેણે ખાધો હોય એ જ સમજી શકે એનું સુખ. બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે, જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે. આ એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. એમાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલને દૂર કરે છે. જોકે બાજરા સાથે ઘી ખાવું જ. જાડા થવાની ચિંતા ન કરો. બાજરો અને ઘી તમને જાડા નથી બનાવતા, પરંતુ જરૂરી પોષણ અને શક્તિ આપે છે.


લીલી હળદર
શિયાળામાં બે પ્રકારની હળદર મળે છે, એક લીલી હળદર અને બીજી આંબા હળદર. બન્ને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર હેલ્થ માટે ગોલ્ડ જેટલી કીમતી છે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે. ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિવાઇરલ અને ઍન્ટિફંગલ જેવા ગુણો ધરાવે છે અને •તુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે. હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે. આ ઉપરાંત એમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ પણ ઘણા લાભદાયી છે.


મૂળો
મૂળો આમ તો મુંબઈમાં ૧૨ મહિનામાંથી ૮ મહિના તો મળે જ છે, પરંતુ ખરેખર એ શિયાળામાં મળતું કંદમૂળ છે. એમાં ઘણા ડાયટરી ફાઇબર્સ રહેલા છે જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદીની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ અંદર જામી જાય છે એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝિન્ક અને ફશૅસ્ફરસ રહેલાં છે, જેને કારણે સ્કિન-પ્રૉબ્લેમ્સ જેમ કે સૂકી ત્વચા, ઍક્ને કે લાલ ચાઠાં જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.


આમળાં
આમળાં શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે. વિટામિન ઘ્થી ભરપૂર આ આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે. એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આમળાંની આમ તો અઢળક વાનગીઓ આપણે બનાવીએ છીએ, પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો એને આખું જ ખાવું જોઈએ. આમળામાં રહેલું વિટામિન C વૉટર અને ઍર-સોલ્યુબલ છે. એટલે કે જો એ પાણીના સંપર્કમાં આવે તો એ ઊડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઊડી જાય છે. સવારે ઊઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે. એને મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમનેમ જ ખાઓ.


લીલાં પાનવાળી શાકભાજી
મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન જેવી કેટકેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે. આ ભાજીઓ મુંબઈમાં આમ તો બારેમાસ મળતી હોય છે, પરંતુ જે •તુમાં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે. આ ભાજીઓમાં ઘણું પોષણ છે. એનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય. રોટલા, પરોઠામાં નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે. આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.


તુવેર-વટાણા-વાલ-લીલા ચણા
આ પ્રકારની બિયાંવાળી શાકભાજી ફક્ત શિયાળામાં જ મળે છે. આજકાલ લોકો એને ફ્રિજરમાં આખું વર્ષ સાચવે છે. આ બિયાંની ખાસિયત એ છે કે એ સુપાચ્ય પ્રોટીન ધરાવતી શાકભાજી છે. આપણે ઊંધિયામાં આ બિયાંઓનો પ્રયોગ ખાસ કરીએ છીએ. એટલે જ આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે. શાકાહારી લોકોને પ્રોટીન દાળ, કઠોળ કે દૂધની બનાવટોમાંથી જ મળે છે, પરંતુ આ પ્રોટીન કરતાં શાકભાજીમાંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. શિયાળામાં મળતાં આ બિયાં જુદી-જુદી વાનગીઓમાં વપરાય છે અને ચોક્કસ ખાવાં જોઈએ.


ખજૂર
ખજૂર આપણે ત્યાં કોઈ પણ સીઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે, પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં અને એમ મનાતું કે એ ગરમ પડે. ખજૂર ખાવાનો અને એ ન માનવાનો સારો સમય શિયાળો જ છે. ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી. શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ બરાબર નથી. ખજૂર અને ઘીની જોડી છે. જો ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ નહીંતર એમનેમ થીણું ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાઓ. ખાસ કરીને બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે.


તલ
તલ એક એવા પ્રકારનાં બીજ છે જેમાંથી આપણને ઘણી સારી ક્વૉલિટીની ફૅટ્સ મળે છે. એમાં ખૂબ સારી કક્ષાનું પ્રોટીન પણ રહેલું છે. આમ એમાંથી એવું પોષણ મળે છે જે પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. શરીર અંદરથી ગરમ રહી શકે છે. તલ અને ગોળનું કૉમ્બિનેશન અત્યંત ગુણવાન માનવામાં આવે છે. તલ કાળા હોય કે લાલ, બન્ને ઘણા જ ફાયદો કરે છે. તલની ચીકી, તલના લાડુ અને તલની સાની આ શિયાળામાં ચોક્કસ ખાઓ.


ગુંદર
ગુંદર કે ગુંદને આપણે ત્યાં ઘણો જ પોષણયુક્ત માનવામાં આવે છે, પરંતુ એનો ઉપયોગ આખું વર્ષ કરવામાં આવતો નથી. મોટા ભાગે શિયાળામાં જે પાક બનાવવામાં આવે એમાં જ એ નાખવામાં આવે છે. ગુંદના લાડુ બને છે, ગુંદની રાબ પણ બને છે. સુખડી, મેથી લાડુ, અડદિયા, તલનો પાક જેવા જુદા-જુદા કેટલાય પાકમાં ગુંદ વપરાય છે. એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે.


અડદિયા
જાતજાતના પાક આમ તો ઘણા જ ગુણકારી છે. ખાસ કરીને અડદિયા ગુજરાતીઓમાં અતિ પ્રિય પાક છે. ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી, પરંતુ અડદિયા તેમને આપો એટલા ખવાઈ જાય. આ પ્રકારના પાકમાં આપણે ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ્સ અને વસાણાં વાપરીએ છીએ એ પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે. અડદિયામાં કાળી અને ધોળી મૂસળી, ગોખરું, કૌચા, અક્કલગરો, પીપરીમૂળ, ખસખસ, એલચી, જાયફળ, જાવંત્રી અને સૂંઠ જેવા અત્યંત ગુણકારી પદાર્થો નાખવામાં આવે છે. લોકો આજકાલ હાઈ કૅલરીના નામે એ ખાતા નથી, પરંતુ એ એક ભૂલ છે. જે લોકો વેઇટલૉસ પણ કરતા હોય તેમણે પણ આ પાક ખાઈ શકાય. જરૂરી છે કે તમે સમજો કે એ કેટલું અને ક્યારે ખવાય. શિયાળામાં સવારે એક પાકનું બટકું અને એક કપ દૂધ એ બેસ્ટ નાસ્તો ગણાશે. પાકનાં જમણ ન હોય. પણ એ દરેક ઉંમરની વ્યક્તિએ ખાવા જ જોઈએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsVXS4DVhFsJn59f8FLQVH-4LxOF4xNez5po%2BgPi%2BOsaw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment