Friday, 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એક દિયા શહીદો કે નામ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક દિયા શહીદો કે નામ!
યુદ્ધ કેસરી-પ્રફુલ શાહ

 

 


૧૯૬૩ અને ૨૦૧૮ વચ્ચે પંચાવન વર્ષ વીતી ગયા. કંઈ બદલાયું છે ખરું? ખાસ તો લશ્કરના સંદર્ભમાં? ૧૯૬૩માં ગીતકાર કવિ પ્રદીપ, સંગીતકાર સી. રામચંદ્ર અને ગાયિકા લતા મંગેશકરના સૂરમાં આવેલું ગીત અમર થઈ ગયું. એમાંની આ પંક્તિઓ યાદ છે?

 

જબ દેશમે થી દિવાલી

વો ખેલ રહે થે હોલી

જબ હમ બૈઠે થે ઘરો મેં

વો ઝેલ રહે થે ગોલી

થે ધન્ય જવાન વો અપને

થી ધન્ય વો ઉનકી જવાની

જો શહીદ હુએ હૈ ઉનકી

જરા યાદ કરો કુરબાની...

 

આખો દેશ ઉજવણી કરતો હતો, રજા માણતો હતો, ફટાકડાં ફોડતો હતો, દીવડા પ્રગટાવતો હતો અને વેકેશન માણતો હતો એ સમયે સરહદ પર શું થયું એ ખબર છે?

 

નપાવટ પાકિસ્તાને આપણી અને કેટલાંક લશ્કરી પરિવારની દિવાળી કાયમ માટે બગાડી. એટલું જ નહિ, ઘણાં ઘરને પ્રકાશમાંથી ઢસડીને અંધારામાં ધકેલી દીધા. ને આપણે શું કર્યું? કહેવાની જરૂર નથી, સૌ જાણે છે.

 

આતંકવાદી- ઘૂસણખોરોને ખુલ્લેઆમ ટેકો આપીને જગબત્રીસીએ ચડ્યા બાદ પાકિસ્તાને દાનત નહિ, પેટર્ન બદલી છે. આ પાપી પાડોશીને સીધા સામી છાતીએ લડતાં ફાવતું નથી, કારણ કે દર વખતે ધૂળભેગા થવાનો વારો આવ્યો છે. એટલે આતંકવાદીઓ અને ભારતના દેશદ્રોહીઓને મદદ કરી. હવે જાગતિક ભીંસ આવતા અલગ પેંતરો હાથ ધર્યો છે. છુપાઈને વાર કરવાનો અને પૂછે ત્યારે ભોળપણના નાટક કરવાના.

 

નવ નવેમ્બર, ૨૦૧૮ના રોજ બધા ભારતીયો એકદમ દીપોત્સવના અને સાલમુબારકના જોશમાં હતા, ત્યારે પાકિસ્તાનના સ્નાઈપરે ભૂંડી શરૂઆત કરી. પોતાની સરહદમાં છુપાઈને ગોળીબાર કરીને ભારતીય જવાનને વીંધી નાખે અને પછી સંતાઈ જાય. સત્તાવાર પૂછપરછ કે ફરિયાદના પ્રતિસાદમાં હાથ ઊંચા કરી દેવાનાં, 'હમ કો કુછ નહિ પતા. હમને કુછ નહિ કિયા, હમ કુછ નહિ જાનતા.'

 

જમ્મુ જિલ્લામાં, અંકુશ રેખા પાસેના અખનુર વિસ્તારમાં યુદ્ધબંધીનો ભંગ કરીને ભારતીય લશ્કરના એક હમાલને વીંધી નખાયો. પાકિસ્તાની બાજુથી દીપક કુમાર નામના આ વર્દીધારી સજ્જનને સ્નાઈપરે વીંધી નાખ્યો. આના વળતા જવાબમાં ભારતે આ કર્યું કે પેલું, પણ આ જવાનનો જીવ ગયો.

 

દશ નવેમ્બરે શું થયું? એ દિવસે જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના રાજપુરા તેહસિલમાં આવેલા માવા ગામના રહેવાસી રાઈફલમેન વરુણ કટાલ એલ.ઓ.સી. નજીકના સુંદરબની વિસ્તારમાં ફરજ બજાવતા હતા. આઠમી કાશ્મીર લાઈટ ઈનફન્ટ્રી રેજિમેન્ટ વતી ૨૧ વર્ષના વરુણને પિતા અંચલસિંહ અને માતા પિન્કી રાનીની યાદ પ્રકાશ પર્વમાં ન આવે તો જ નવાઈ, પરંતુ તેઓ સરહદ પરના એ અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવતા હતા. અહીં છાશવારે પાકિસ્તાની લશ્કર વગર ઉશ્કેરણીએ ગોળીબાર પર ઊતરી આવે એની નવાઈ નથી. દસમી નવેમ્બરે સવારે ૯-૪૫ કલાકે અચાનક ફરી યુદ્ધબંધીના એકપક્ષીય ભંગમાં પાકિસ્તાન તરફથી ગોળી છૂટી અને વરુણને ગંભીર ઈજા થઈ. ભારતે આકરો જવાબ આપ્યો. પરંતુ રાઈફલમેન વરુણ કટાલનો જીવ બચાવી ન શકયા. માતાપિતાએ દિવાળીના તહેવારોમાં એકનો એક દીકરો ગુમાવ્યો. ૨૧ વર્ષે એ માભોમ માટે ખપી ગયો. પછી તો 'અમે મૂકીશું નહિ' અને 'શહદત એળે નહિ જાય' જેવા શાબ્દિક ધડાકાભડાકા થયા, એઝ યુઝવલ.

 

ભારતના આ શાબ્દિક પ્રહારની પાકિસ્તાન પર કેટલી અસર થઈ છે, એની ખબર પડી. ૧૧ નવેમ્બર, ૨૦૧૮ના રોજ રવિવારનો દિવસ હતો. તહેવારના દિવસો હતા એટલે ૨૪મી મરાઠા રેજિમેન્ટના નાઈક કેશવ સોમગીર ગોસાવીને ઘરની અને પરિવારની યાદ આવતી હતી. પોતે કુટુંબ સાથે ઉજવેલી દિવાળી સાંભરતી હતી. પિતા અપંગ હોવાથી સ્વબળે કેવી રીતે ભણ્યા અને લશ્કરમાં જોડાયા એ દૃશ્યો આંખ સામે પસાર થતા પત્ની યશોદાને મળવા તલપાપડ હતા કેશવ. પહેલા બાળકની પ્રતીક્ષા કરતા આંખ થાકતી નહોતી. આવતીકાલે સોમવારે યશોદા ડિલિવરી માટે પિયર જશે... અને ત્રણ વર્ષ બાદ રિટાયર થવા સાથે બે રૂમના કાચા ઘરને પાકું બનાવવાનું સપનું આંખોમાં રમતું હતું.

 

જમ્મુ- કાશ્મીરમાં અંકુશ રેખા પાસે ૧૬૦ આતંકવાદીઓ ઘૂસણખોરીમાં તાકમાં બેઠા હોવાની માહિતી આવી હોવાથી ભારતીય લશ્કર એકદમ ઍલર્ટ પર હતું. છતાં નૌશેરા સેકટરમાં પાકિસ્તાને કરેલા ઓચિંતા ગોળીબારમાં ૨૯ વર્ષના નાઈક કેશવ ગોસાવી શહીદ થઈ ગયા. આ સમાચાર સાથે સિન્નર તાલુકાના શ્રીરામપુર (શિંદેવાડી) ગામમાં સોપો પડી ગયો. આ ગ્રામજનોએ કેશવને કલાકો સાઈકલ ચલાવીને બાજુના ગામમાં ભણવા જતા જોયા હતા. ત્રણ વર્ષ અગાઉ માતાના અવસાન બાદ ઘરનો આધાર બનતા જોઈને ગર્વ અનુભવ્યો હતો. બેઉ પરિણીત બહેનના વ્યવહાર સાચવતા જોઈને આનંદ થયો હતો.

 

પત્ની યશોદા તો એકદમ ડઘાઈ જ ગઈ. આવતીકાલે માતા બનવાનું સપનું સાકાર કરવા પિયર જવાનું હતું, ત્યાં આવું અણધાર્યું બની ગયું? અપંગ પિતા સોમગીર ગોસાવીએ પરિવારનો એકનો એક આધાર અને કમાઉ સભ્ય ગુમાવી દીધો છતાં તેઓ શું બોલ્યા: 'એ દેશ માટે શહીદ થયાનો મને સંતોષ છે.'

 

નાઈક કેશવ સોમગીર ગોસાવી વીર મરણ પામ્યા, પણ સરહદ પર કંઈ ફરક પડ્યો. આ કરુણાંતિકા વચ્ચે એક ખુશખબર યશોદા ગોસાવીએ ૧૯મી નવેમ્બર, ૨૦૧૮ના રોજ ક્ધયા-રત્નને જન્મ આપ્યો. ભારતમાતાની આ પુત્રી જન્મ પહેલાં જ પોતાના જીવનના સૌથી મહત્ત્વના પુરુષ એટલે કે પપ્પાને કાયમ માટે ગુમાવી બેઠી હતી, દેશ માટે અને આપણા સૌ માટે.

ઓવર ટુ ૧૨ નવેમ્બર, ૨૦૧૮. ચોથી મરાઠા મિલિટરી ઈન્ફન્ટ્રીના લાન્સ નાયક એન્ટોની સેબાસ્ટિયન કાશ્મીરના મેન્ઢેર સબ ડિવિઝનમાં આવેલા સોનાવાલી ગામ પાસેથી સાકરી ચોકી પર તૈનાત હતા. સાંજે લગભગ ૫.૧૫ કલાકે એન્ટોની માતૃભૂમિના રક્ષણ કાજે ખડે પગે હતા ત્યારે ફરી પાકે નાપાક હરકત કરી. કોઈ જાતની ઉશ્કેરણી વગર યુદ્ધબંધીનું નગ્ન ઉલ્લંધન કરીને સરહદ પરથી ગોળીઓ છૂટી. આમાં લાન્સ નાયક એન્ટોની સેબાસ્ટિયનને ગોળી વાગી. એમના સાથી હવાલદાર મારીમુથુ પણ ઘવાયા.

 

૩૪ વર્ષના એન્ટોની સેબાસ્ટિયન શહીદ થઈ ગયા. કેરળના એર્નાકુલમ જિલ્લાના માનાકુન્નમ ગામના આ રહેવાસીના જવાથી માતા શીલા માઈકલ, પત્ની અન્ના ડાયેના જોસેફ અને સાત વર્ષના દીકરા પર આભ તૂટી પડ્યું એ કહેવાની જરૂર ખરી? દીકરો હજી બીજા ધોરણમાં ભણે છે. હજી બીજી ઑકટોબરે રજા પૂરી કરીને ફરજ પર પાછા ફરેલા એન્ટોનીએ તો સોળ વર્ષની નોકરી કર્યા બાદ માર્ચમાં નિવૃત્ત થઈને પરિવાર સાથે રહેવાનું આયોજન વિચાર્યું હતું.

 

દિવાળીની ઔપચારિકતા નિભાવવા માટે સરહદ પર બન્ને દેશના લશ્કરી જવાનો શુભેચ્છા અને મીઠાઈ-ફળની આપ-લે કરે છે, પણ આ બધાથી ક્યાં પાકિસ્તાન પર કંઈ અસર થાય છે?

 

પાકિસ્તાનની 'સ્નાઈપર' અવળચંડાઈને દિલ્હી સરકાર જ્યારે જેનો જડબાતોડ જવાબ આપી શકે ત્યારે ખરી. આપણે દેશવાસીઓ આટલું કરીએ?

 

સુબહ કા જલાયે યા શામ કા જલાયે

કિસી ભી ભગવાન યા ખુદા કા જલાયે,

જો હમે ઉજાલા દેકર સરહદો પર બુઝ ગયે

એક દિન ઉન શહીદો કે નામ કા જલાયે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OubmyWf1m6hQ8rVY%2BSYejpAo3GD5JCQ0xW7ejC8eVFDKQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment