Thursday 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્ટુડિયો ક્યાં ખોવાઈ ગયા...? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્ટુડિયો ક્યાં ખોવાઈ ગયા...?
અશોક દવે

 

 

આપણા સહુનો કોમન પ્રોબ્લેમ ફોટો પડાવવાનો છે. કોઈ કેમેરો લઈને આપણી સામે ઊભો રહી જાય, એટલે કામચલાઉ ટેન્શનમાં આવી જઈએ છીએ, કે મોંઢું કેવું રાખવું ? ઘણા તો, પેલો ફોટાને બદલે દાંત પાડવા આવ્યો હોય, એવા હાવભાવો આપી દે છે. કેટલાક બહુ કોન્શ્યસ થઈ જાય છે, તાબડતોબ નિર્ણય લઈ શકતા નથી કે, સમાજને અત્યારે ચેહરા પર એક્સપ્રેશન્સ કેવા આપવા-ગમગીન, ખુશનૂમા, ચિંતિત કે જરાક અમથું સ્માઈલ આપશું તો ચાલશે. હજી ય, અનેક લેખકો-કવિઓ ફોટો પડાવતી વખતે, મુગ્ધ વિચારોમાં, છત પર બેઠેલી ગરોળીને જોતા હોય એમ, ગાલ પર કલમ અડાડી રાખીને ફોટા પડાવે છે. લેખક સૌરાષ્ટ્રનો હોય તો કપાળ પર એક ઊડતી લટ મૂકેલી જાણવી. સાલું, લેખક હોય એટલે ગાલને પેન અડાડેલી રાખીને ફોટો પડાવો, તો જ જોનારને લેખક લાગે, એવું જ હોય તો ફરસાણની લારીવાળો ગાલ પર શું અડાડીને ફોટો પડાવે, એની મને તો નથી ખબર, માટે મને માફ કરવો.


મારા વિચારોથી હું પ્રભાવિત ઘણો. મને ખબર કે, કોઈ કાળે ય, ફોટામાં હું એક મહાન હાસ્યલેખક, સુપરસ્ટાર ફિલ્મી હીરો, ધી ગ્રેટ અંબાણી કે ૧૦૦ મી. દોડનો વિજેતા... ઈવન ખુલ્લા પગના ફોટા લેવડાવીને પણ લાગવાનો નથી. છતાં ફોટામાં તો આપણે સારા લાગવા જોઈએ, એ ન્યાયે ચેહરા પર મને રાજામહારાજાઓના હાવભાવથી ફોટા પડાવવા ગમે. એ લોકો સિંહાસન પર બેઠા હોય, પોતાની આઠમી રાણી પાસે પોતાના ગાલ પર બચકું ભરાવતા હોય, યુઘ્ધની કાતિલ એવી આગલી ક્ષણે, સેનાપતિને ૧૨૦નો મસાલો લઈ આવવાનું શાહી-ફરમાન વાંચી સંભળાવતા હોય કે પછી, પરોઢે નેહરૂબ્રીજ નીચે લશ્કરી પડાવ નાંખીને તંબુની બહાર છાપું વાંચતા બેઠા હોય, એવા એક્સપ્રેશન્સ આપવા મને ગમે.


આમ તો, બ્રાહ્મણ થઈને રાજા બનવાના વિચારો કરૂં, એ સારૂં ન કહેવાય, વાચકોએ એ સમજી લેવું જોઈએ કે, મારા વિચારો રાજા બનવાના નથી, રાજા જેવા ફોટા પડાવવાના છે. હા. કોકવાર વળી રાજા બનવાનો મૂડ ન હોય, તો અમદાવાદના પંચવટી ચાર રસ્તાનું રેડ-સિગ્નલ ચાલુ હોય ત્યારે, ઘોડા પર બેસીને, સૌમ્ય હાવભાવ સાથે ફોટો પડાવવો મને બહુ ગમે. (સવાલ. ઘોડો કઈ રીતે 'સૌમ્ય હાવભાવ' આપી શકે ? જવાબ : 'સૌમ્ય હાવભાવ' મારા ચેહરાના સમજવાના છે. જવાબ પૂરો.) પણ, હાલમાં કોઈ ઘોડાગાડીવાળા સાથે મારે ઘર જેવા સંબંધો ન હોવાથી, ઘોડાને બદલે ઘરના હિંચકાનો ઉપયોગ કરૂં છું. મારી પાસે, હું પતંગ ચગાવતો હોઉં, એવા ૩-૪ ફોટા પડ્યા છે. કહે છે કે, પતંગના ઠમકા મારતી વખતે ડાબી બાજુથી મારા ફોટા સારા એવે છે. આપણે અભિમાન નહિ રાખવાનું એટલે, આજે ય પાછળ ફિરકી પકડનાર કોક સારૂં હોય, તો ખેંચીને કાપતા ૩-૪ ફોટા પડાવી લઉં. સન '૭૬ની સાલમાં તો આંગળી પર દોરીનો ઘીસરકો પડી જતાં ખૂન ભરેલી આંગળી ચૂસતો મારો ફોટો જાહેર પ્રજા માટે ખુલ્લો મૂકાયો જ છે.


ફોટા કેવા આવે છે, એ મહત્વનું નથી, પણ લોકોને ફોટા પડાવવા ગમે છે બહું. ''અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા...'' એ ધોરણે એમના ગૂજરી ગયા પછી આવનારી પેઢી એમને યાદ રાખે, એ માટે ઘણા ફોટો પડાવવા પોતાની ડોકી બહુ મચડ-મચડ કરે છે. આજે મોબાઈલમાં ય કેમેરા આવી ગયા, એટલે 'નગરશેઠનો વંડો, જે આવે એ મંડો'ના ધોરણે બધા ચટકચટક ચાંપો દાબે રાખે છે. ફોટો આવે કે ન આવે, મોબાઈલમાંથી 'ખટ્‌ટક' અવાજ આવવો જોઈએ. મોંઢાનું માપ ગમે ત્યાંથી લીઘું હોય, પણ ફોટો ગળાનો આવે. હજી નવું નવું છે ને પૈસો ખર્ચવાનો નથી, ગમે તેટલા ફોટા પાડો., નો પ્રોબ્લેમ. હવે તો થોડું થોડું આવડવા માંડ્યું છે, એટલે આપણે ય ચોંકી જઈએ, એમ મોબાઈલનો કેમેરા કેટલા 'મેગા-પિક્સેલનો છે?' એવું અઘરૂં-અઘરૂં પૂછવા માંડે છે. એને એટલી ખબર હોય કે, જેટલા મેગા-પિક્સેલ વધારે, એટલા ફોટા સારા આવે. બસ, એને એટલી ખબર ન હોય કે, ફોટા સારા આવવા માટે ચેહરા સારો હોવો જોઈએ. ઘણાને તો સારા ફોટા પાડવા માટે સારા પાત્રો મળતા નથી, એટલે પોતાની વાઈફના ફોટા પાડે છે, બોલો !


દુનિયાભરમાંથી સ્ટુડિયો હવે ખલાસ થઈ ગયા. નહિ તો, સ્ટુડિયોવાળાઓનો ય જમાનો હતો.


લગ્ન પછી ફોટો પડાવી લેવો સારો, એવું બા કહેતા'તા, એટલે લગ્નને બીજે જ દિવસે વાઈફને લઈને હું ગાંધી રોડ પરના એક સ્ટુડિયો પર ગયો. એ જમાનામાં લગ્નના ફોટા પાડવા, ફોટોગ્રાફરને રીસેપ્શનમાં બોલાવવો કોઈના ખ્યાલમાં જ નહોતું. નકામું જમવાનુ એક ભાણું વધે ને ?


સ્ટુડિયોમાં પ્રવેશીએ એટલે અમારા પહેલા ફોટા પડાવી ગયેલા અનેક નર-નારીઓના ફોટા ફ્રેમમાં મઢાવીને એ લોકોએ મુકી રાખ્યા હતા આમ તો એમાં પોઝ નક્કી જ હોય કે વાઈફ ગોરધનના ખભા નીચે માથું અડાડીને ઊભી હોય (ખભાની આગળની બાજુએ સમજવું... ખભાની પાછળ નહિ !) પણ ખચાખચ તેલ નાંખેલા અંબોડાનું આ મોટું ધાબું પેલાએ લગ્ન માટે ખાસ સિવડાવેલા શૂટની છાતી ઉપર પડ્યું હોય. સ્ટુડીયોવાળાની સૂચના મુજબ, આમાં બન્નેએ હળવું-હળવું સ્માઈલ આપવાનું હોય, આપણે રાબેતા મુજબ રોજ ઘરની આજુબાજુ આલતા હોઈએ, એવી સ્માઈલો અહીં ના ચાલે... વાઈફની બા ખીજાય !


''આ શું છે ?'' અમારી સાથે લઈ ગયેલો લાકડાનો એક પાટલોં મેં એને આપ્યો, એ જોઈને મને પૂછ્‌યું. મેં શરમાઈને કીઘું કે, અમારી બન્નેની હાઈટોમાં બહુ ડિફરન્સ છે.. એ ઢીચકી છે, એટલે માપોમાપ-તંતોતંત ફોટા લેવા આ પાટલો હું સાથે લાવ્યો છું. ફોટા પાડતા પહેલા એને પાટલા ઉપર ઉભી રાખી દેવાની.'' લગ્ન પહેલા હું વાઈફને એ પાટલો લઈને મળવા જતો, જેથી અણીને વખતે મોંઢાના માપો ખોટા ન આવે.


મારી અગમચેતી એને ગમી નહિ. મને ગીન્નાઈને કહે, ''તો ભાઆ'ય... અમે આંઈ એમને એમ નવરીના બેઠા હોઈશું...? તમે ફિકર કરો, મા...! ફોટામાં તમને બન્ને એકસરખા દેખાડશું...'' એક રૂપિયાના બે ફોટામાં આનાથી વધારે સારૂં તો બિચારા શું દેખાડી શકે. (હજી કલર-ફોટાનો જમાનો આવ્યો નહતો, એટલે મારા પોતાના કલર બાબતે વ્યાધિ ઓછી હતી.) આખરે અમે સત્તારૂઢ થયા.


મને તો એમ કે, કોઈ શક્તિશાળી દેશના રાજાનો રાજ્યાભિષેક કરવાનો હોય, એવી ભવ્યતાથી સ્ટુડિયોવાળો મને બેસાડશે, એને બદલે એ તો ઘરના ઊંબરાની બહાર બુટ-ચંપલ ગોઠવતો હોય, એવી રૂક્ષતાથી અમને બાજુબાજુમાં બબ્બે સ્ટૂલ પર બેસાડ્યા. બન્ને સ્ટૂલ હલતા'તા. એ જમાનામાં સ્ટુડિયોવાળા બે-ત્રણ જાતના સુતરાઉ કોટ રાખતા, જેમાં ફક્ત ખભા અને કોલર જ હોય. મહીં પાછું શર્ટનો કોલર અને ચોળાયેલી ટાઈ ભરાવેલી હોય, એ આપણે પહેરી લેવાની, એટલે કોઈ મોટી કંપનીના એક્ઝિક્યૂટીવે ફોટો પડાવ્યો હોય, એવું ફોટો જોનારને લાગે. કોઈ સારા દેખાવનું કપલ આવ્યું હોય તો એને માટે શાર્ક-સ્કીનનો સફેદ કોટ પહેરવા મળતો. અમને સુતરાઉ કોટ આપ્યો, પણ દવે ખાનદાનની આન, બાન અને શાનને ઘ્યાનમાં રાખીને મેં એ પહેરવાની ના પાડી. (જાણકારી ઓછી એટલે ભારતભરમાં 'શાર્ક-સ્કીન'ને બદલે ''સાસ્કીન''નો શૂટ સિવડાવ્યો,'' બોલાતું!)


અમને બન્નેને બેસાડીને કેમેરામાં અમારૂં માપ લેવા એ ગયો. હું તો બરોબર બેઠો હતો, પણ વાઈફમાં કુછ ગરબડ હશે, તો આવીને વાઈફનું મોંઢું પકડીને પોતાની રીતે સેટ કરી આપ્યું. ક્યાંક વાઈફ હલચલ કરતી હતી, તો ક્યાંક પેલામાં આવડત નહોતી, એટલે પાછો જઈને પાછો આવીને પાછો મારી વાઈફના મોંઢાની માણ ગોઠવ ગોઠવ કરે. મને કોઈ મારી વાઈફને અડી જાય, એ ન ગમે. મેં મોઢું બગાડીને ઓફર કરી.


''તમે એનું રહેવા દો... એને બદલે મારૂં મોંઢું નવેસરથી ગોઠવી આપો ...!''


''મારે બદલે ફોટો તમે પાડવાના છો...? તમારી જગ્યાએ મારે બેસવાનું છે, 'એ અમથા ડાયા થાવ છો...? જેનું મોંઢું ગોઠવવાનું હોય, એનું જ ગોઠવવું પડે... સુઉં હઈમજ્યા ?''


એ હાળો મને વાઈફના દેખતા ખખડાવતો હતો ને હું સાંભળી એટલે રહ્યો હતો કે, નવા નવા લગ્ન કર્યા હતા અને હજી તો લગ્નનો આ પહેલો જ અનુભવ હતો, એટલે પહેલી વાઈફ પાસે ઝગડાખોરની ખોટી છાપ ન પડે, એ ખૌફથી હું બઘું સાંભળી રહ્યો... ''...ઔર તુમ કર ભી ક્યા સકતે થે, સલીમ...?''


હવે ગામ આખું જાણે છે કે, મારો ચેહરો ફોટોજેનિક નથી અને ફોટામાં હું બહું ઓછા એન્ગલોથી માણસ જેવો લાગું છું અને એ ય ફોટો પાડનારો બાહોશ હોવો જોઈએ, તો મારો ફોટો સારો આવે. મારા બધા પુસ્તકો ઉપર મારો ફોટો હોય છે, એ જોઈને લગભગ બધાએ અભિનંદનો આપ્યા છે કે, ''તમારા કરતા તમારા બાબલાનો ફોટો સારો આવે છે...!''


આમ તો ફોટા સારા આવ્યા. એક ગરબડ થઈ ગઈ. મારા ખોળામાં મૂકી રાખેલો પાટલો ય દરેક ફોટામાં આવી ગયો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os4Ahf5ST0-UTSL%3DjhXRjwXVx0tgavBoRet0CkW9mtzkA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment