Wednesday, 28 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રાણી, મનુષ્ય પ્રાણી- ‘યુદ્ધ અને શાંતિ’ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રાણી, મનુષ્ય પ્રાણી- 'યુદ્ધ અને શાંતિ'!
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

 

 

 

પશુ, પક્ષી અને પ્રાણીઓની લડાઈની વૃત્તિથી આપણે સૌ પરિચિત છીએ. ગાય કે હરણ જેવાં શાંત પ્રકૃતિના પ્રાણીઓને પણ આપણે લડતાં-ઝઘડતાં જોઈએ છીએ.

 

ઝયાં જયોર્જ નામના નિષ્ણાત તો કહે છે કે, "પ્રાણીઓની લડાયકવૃત્તિ એ એમની સર્જનશક્તિનું જ એક જુદું સ્વરૂપ છે."


માણસમાં પણ આ વૃત્તિ બહુ તીવ્રપણે રહેલી છે. એ વૃત્તિને કારણે જ શેરીઓના ઝઘડાથી માંડીને વિશ્વયુદ્ધ સુધીની પ્રવૃત્તિ થાય છે અને એ વૃત્તિને લીધે જ કહે છે કે, વિજ્ઞાન અને કલા બંનેના મૂળમાં માણસની આ લડાયકવૃત્તિ જ કામ કરી રહી છે.

 

આ વૃત્તિનો રીતસરનો અભ્યાસ કરવાનું માન કદાચ સૌ પ્રથમ માનસશાસ્ત્રી સી.આર.કાર્પેન્ટરના ફાળે જાય છે. ઈ.સ. ૧૯૩૮ની સાલમાં કાર્પેન્ટરે ભારતમાંથી કેટલાંક વાંદરાઓને લઈ જઈને પ્યુર્ટોરિકોના સાન્ટીઆગો ટાપુમાં છોડી મૂકીને એના અભ્યાસનું કામ કર્યું.

 

વાંદરાઓની કુદરતી વૃત્તિઓ અને એમની સમાજ વ્યવસ્થાનો એમણે બરાબર અભ્યાસ કર્યો.

 

વાંદરાઓને છૂટા મૂક્યા પછીના થોડા સમયમાં જ એમણે અંદરોઅંદર ઝઘડવાનું શરૂ કર્યું. એક તદ્ન નવી જગ્યાએ એમને વસવાટ કરવાનો હતો અને એ વસવાટ કરવા માટે કેટલીક બાબતોનો ફેંસલો કરવા માટે પહેલું કામ એમણે અંદરોઅંદર લડવાનું કર્યું. ખરી લડાઈઓ નર વાનરો વચ્ચે જામી અને એ લડાઈઓ દ્વારા આખરે એમનો એક નેતા નક્કી થયો. એમના એ નેતા સામે ટોળીમાંથી જ્યારે કોઈ પડકાર ન રહ્યો ત્યારે એણે ટોળીને વ્યવસ્થિત કરવાનું કામ શરૂ કર્યું. ટોળીમાં જે કોઈ એના તાબામાં રહેવા માંગતા નહોતા એ લડીને ખતમ થઈ ગયા અથવા તો ટોળી છોડીને ચાલ્યાં ગયાં. બાકીના બધાં જ નર અને માદા સંપીને ભેગાં થઈ ગયાં. નર વાનરો એકબીજાને મદદરૂપ થઈને જીવવા લાગ્યા અને માદાઓ એમનાં બચ્ચાંઓની દેખભાળમાં લાગી ગઈ. ટોળી વ્યવસ્થિત અને સુગઠિત થતી ગઈ. ઘરડા વાંદરાઓની અને બચ્ચાંઓની સારસંભાળ લેવાનું શરૂ થયું અને બહારના ભય સામે એક થઈને જીવવાનું એમણે શરૂ કર્યું.

 

કાર્પેન્ટરે એના અભ્યાસ દ્વારા એવું તારણ કાઢયું કે પ્રાણીઓ વ્યવસ્થા સ્થાપવા માટે લડાઈનો આશરો લે છે અને એકવાર ફેંસલો થઈ જાય એટલે વ્યવસ્થિત રીતે જીવવાનું શરૂ કરી દે છે. પછી, જ્યારે જ્યારે અંદરો અંદર પડકારો ઊભા થાય છે કે અવ્યવસ્થા થાય છે ત્યારે લડાઈ શરૂ થઈ જાય છે. દરેક લડાઈ પછી એક નવી વ્યવસ્થા અમલમાં આવે છે.

 

બ્રિટિશ પક્ષી વિશારદ એચ. ઈ. હોવર્ડે પક્ષીઓની બાબતમાં પણ આવું જ તારણ કાઢયું છે. વસંતઋતુમાં નરપક્ષીઓ પોતાના ચહચહાટથી વાતાવરણ ગજવી મૂકે છે. પહેલાં એમ માનવામાં આવતું કે માદાને પોતાની તરફ આકર્ષવા માટે નર પક્ષીઓ ગીતો ગાય છે, પણ હાવર્ડની માન્યતા એવી છે કે દરેક નર બીજા નરને પોતાના ક્ષેત્રથી દૂર રહેવા માટે ચહચહાટથી ચેતવણી આપે છે. દરેકની એક સરહદ નક્કી હોય છે અને એ સરહદની રેખાઓ ઉપર પહોંચીને દરેક પક્ષી બુલંદ અવાજે પોતાની શાનની જાહેરાત કરે છે.

 

છતાં, જો કોઈ એ સરહદનો ભંગ કરવા આવે તો યુદ્ધનાં મંડાણ થઈ જાય છે. અને જ્યારે એક નર હારીને નાસી જાય છે કે લડીને ખતમ થઈ જાય છે પછી જ નર માદાનાં જોડાંઓ બનવા લાગે છે. માળા બાંધવાનું શરૂ થાય છે. એક વ્યવસ્થા સ્થપાઈ જાય છે અને હવામાં ઊડતાં પક્ષીઓનાં ગીતો જે ખરેખર તો એક લલકાર હોય છે એ ધીમેધીમે શાંત થઈ જાય છે.

 

આના સંદર્ભમાં માણસનો વિચાર કરીએ, તો માણસ પણ આખરે તો એક પ્રાણી જ છે એટલે એનામાં પણ બીજાં પ્રાણીઓ-પક્ષીઓ જેવી જ લડાઈ કરવાની, ઝઘડો કરવાની કુદરતી વૃત્તિ પણ છે જ. એટલું જ નહિ, એ એક વિશિષ્ટ પ્રાણી છે એટલે માણસને આપસમાં લડવાથી જ સંતોષ નથી થતો એટલે બીજાં પ્રાણીઓ, પશુ-પક્ષીઓને આપસમાં લડાવવાનું કામ પણ એ કરે છે. અને એ માટે તેમને એ ખાસ તાલીમ પણ આપે છે. આખલાઓને, કૂકડાંઓને, કૂતરાંઓને અને કબૂતરોને પણ એ સદીઓથી લડાવતો આવ્યો છે અને કદાચ સદીઓ સુધી લડાવતો રહેશે. એના લોહીના કણેકણમાં કદાચ બીજા પ્રાણીઓ કરતાં પણ લડાઈની વૃત્તિ વધારે રહેલી છે. યુદ્ધો, વિશ્વયુદ્ધો એના જ પુરાવા છે.

 

માણસ માટે એમ કહી શકીએ કે કોઈ પ્રજા, કોઈ દેશ, કોઈ રાજ્ય કે કદાચ કોઈ કુટુંબ એવું નહિ હોય કે જ્યાં કોઈ લડાઈ-ઝઘડો ન હોય! માણસમાં મૂળભૂત રીતે જ એ વૃત્તિ રહેલી છે.

 

ટોલ્સ્ટોયે એની મહાનવલ 'યુદ્ધ અને શાંતિ' (વોર એન્ડ પીસ)માં પણ આ વાત કરી છે. માણસની વૃત્તિને કારણે થતાં યુદ્ધો અને યુદ્ધોથી થતી તારાજીની વાત એમણે કરી છે. 'યુદ્ધ અને શાંતિ' નવલકથાના ગુજરાતી ભાષાંતરકાર સ્વ.જયંતિ દલાલે પણ પુસ્તકના પ્રારંભમાં માણસની લડાયક વૃત્તિ વિશે લખ્યું છે, "દુનિયા શરૂ થઈ ત્યારથી એક માનવી બીજા માનવીનો સંહાર કરે એ અનૈતિક અને શારીરિક પણ હાનિકર્તા મનાયું છે. પછી લાખો લોકોએ એકમેકનાં ગળાં કેમ કાપ્યાં? કારણ તો એટલું જ કે પાનખર ઋતુમાં મધમાખ એકમેકને મારે છે એ જેવી રીતે મૂળભૂત જીવશાસ્ત્રનો કાનૂન છે એવી જ રીતે પુરુષ પ્રાણી બીજા પુરુષપ્રાણીને સંહારે છે."


કુસ્તી, દંગલ, હરીફાઈ, રમતગમત, (ક્રિકેટ, ટેનિસ, હોકી) વગેરે લડાઈના સૌમ્ય સ્વરૂપો જ છે અને માનવજીવન માટે આ બધું આશીર્વાદરૂપ છે,કારણ કે, એમાં પ્રવૃત્ત થવાથી માણસ પોતાનામાં રહેલી લડાઈની મૂળ વૃત્તિથી એટલા અંશે બચતો રહે છે.

 

એક વખત આચાર્ય વિનોબા ભાવેએ કહ્યું હતું કે, "ચૂંટણી ખેલવી જોઈએ, લડવી ન જોઈએ." તાત્ત્વિક રીતે ઉપર કહ્યું તેમ બંને વાત એક જ છે અને, એટલે જ ચૂંટણીઓ યોજાય ત્યારે પ્રાણીઓની જેમ જ કેટલાક માણસો લડવા લાગે છે. એમાં માત્ર ગાળાગાળી જ નહિ, હાથોહાથની લડાઈ પણ થાય છે. મારામારી અને ખૂનખરાબા પણ થાય છે. પછી પ્રાણીઓના સમાજમાં થાય છે એમ પરિણામ આવી જાય છે અને ધીમેધીમે બધું શાંત થઈ જાય છે. હારેલાઓ હદ છોડીને ચાલ્યા જાય છે. નવી સરહદો નક્કી થઈ જાય એટલે જે લોકો થોડો સમય પહેલાં બાખડયાં હોય એ જ લોકો ફરી નવેસરથી સાથે કામ કરતા થઈ જાય છે. લડાઈ પછી ગાયો જેમ શાંતિથી વાગોળવા બેસી જાય છે એ જ રીતે મનુષ્ય પ્રાણી પણ બધું શાંતિથી વાગોળવા બેસી જાય છે.

 

પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે અને પછી થોડા સમયમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આ બધું આપણને જોવા મળવાનું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os8Kci9qUtSD5gmL%3DGOOqZ0KofUzCNzE7wWt-289kzSpg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment