Thursday, 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હળવાફૂલ રહેવા જેવી એકેય મજા નથી કે ઉમદા ફિલસૂફી નથી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હળવાફૂલ રહેવા જેવી એકેય મજા નથી કે ઉમદા ફિલસૂફી નથી!
કાન્તિ ભટ્ટ

 


મહાન સાહિત્યકાર સમરસેટ મૉમ 18 વર્ષની વયથી જ ડાયરી લખતા. આજના યુવાનોએ પણ ડાયરી લખવાની ટેવ પાડવી જોઈએ. સમરસેટ મૉમે સતત ડાયરી લખીને તેમના જીવનના અનુભવોનો નિચોડ આપણા માટે આપ્યો છે. એમાંનાં કેટલાંક સોનેરી સૂત્રો અને અનુભવો જાણવાં જોઈએ:

1. આપણું જીવન ચલાવવા માટે જે પ્રકારની અનુકૂળ મન:સ્થિતિ જરૂરી છે તે આ છે- રમૂજવૃત્તિવાળું મન રાખીને અને મુક્ત બનીને જીવો. હળવાફૂલ રહેવું એના જેવી એકેય મજા નથી કે ઉમદા ફિલસૂફી નથી.

2. કોઈ પણ ઘટના વિશે અફસોસ કરવાને બદલે એની અનિવાર્યતા વિશે જ વિચારવું વધુ સુખકર છે. એનાથી દુ:ખ હળવું બને છે. બનવાનું છેએ બનવાનું જ છે. જીવનનાં ઘણાં દુ:ખોનાં ભૌતિક કારણો શોધીને અને એને સમજીને ચાલવાથી જીવનનો ઘણો ભાર હળવો થઈ જાય છે.

3. કોઈ સ્ત્રી સાથે તમારે માત્ર શારીરિક સંબંધ જ માણવો છે? તો પછી તેવી સ્ત્રીની કિંમત થોડા રૂપિયાથી વધુ નથી, પણ તમે સ્ત્રીને જો ચાહતા હો તો પછી તમે તેના માટે કોઈ પણ ભોગ આપી શકો; પરંતુ તેના શરીરને ટેમ્પરરી ભોગવવા જજો 'આઇ લવ યુ' કહેતા હો તો તમે તમારી જાતને અને પેલી સ્ત્રીને ખૂબ અન્યાય કરો છો. એવું જ સ્ત્રીનું છે. સ્ત્રી જ્યારે ટેમ્પરરી કોઈ સાથે સેક્સ માણવાની મોજ કરે છે ત્યારે તે પોતાનું જ અવમૂલ્યન કરતી નથી, સામા પાત્રના જીવનને પણ લૂંટી લે છે.

4. ઘણા લેખકો દુ:ખ કે પીડાનાં ગુણગાન ગાય છે અને દર્દ સહન કરનારાને બહુ મોટાભા બનાવવાની ફૅશન થાય છે એ મને ગમતું નથી. મારા જમાનામાં મેં બહુ જ દુ:ખો જોયાં છે. મેં પોતે ઘણું દર્દ અનુભવ્યું છે.હું વિદ્યાર્થી હતો ત્યારે સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં ડૉક્ટર તરીકે જતો હતો ત્યારે ત્યાં શારીરિક દુ:ખથી પીડાતા દર્દીઓને જોતો. યુદ્ધ દરમિયાન મેં ઘવાયેલા સૈનિકોનું દર્દ જોયું છે. કેટલાક લોકોને જીવનનાં અને મનનાં દર્દ હોય છે એ પણ જોયું છે.કોઈ પણ જાતનું દર્દ સારું નથી. એવા દર્દથી પીડાતી વ્યક્તિને તમે વધુ દર્દ ન આપશો. મારા હૃદયમાં ઝાંખીને મેં જોયું છે કે માણસનું ચારિત્ર્ય દર્દ કે દુ:ખને કારણે ઊજળતું નથી. દુ:ખથી માનવીનું ચારિત્ર્ય ઉમદા બને છે કે ચારિત્ર્ય શુદ્ધ થાય છે એ એક ખોટો ભ્રમ છે, એવી માન્યતા બોગસ છે. સત્ય એ છે કે દુ:ખની પ્રથમ અસર થકી માનવી સંકુચિત મનનો બને છે, સ્વકેન્દ્રી બને છે, પોતાનું જ દુ:ખ જોયા કરે છે.


એવા માણસનું પોતાનું શરીર, તેની બીમારી, તેનું દુ:ખ અને તેણે રચેલું વાતાવરણ જ મહત્ત્વનું બની બેસે છે. બીજાનાં સુખદુ:ખ તેને સ્પર્શતાં નથી. તે બીજાના સુખની ઈર્ષ્યા કરે છે. આવો દુ:ખી કે દર્દીલો માણસ ચીડિયો, ઝઘડાખોર બની જાય છે. નાની-નાની વાતમાં તે ઝીણું-ઝીણું કાંતે છે. મેં પોતે ગરીબીનું દુ:ખ જોયું છે. ઉપરાંત ખાસ તો ખોટી વ્યક્તિઓમાં વેડફેલા પ્રેમનું દર્દ પણ પારખ્યું છે, અનુભવ્યું છે, નિરાશા અને ભ્રમણાઓનો સામનો કર્યો છે. જીવનમાં જાણે હવે કોઈ તક જ રહી નથીએવો જીવનનો હતાશાનો તબક્કોજોયો છે. મને કોઈ ગણે જ નહીં અને મારા માટે સૌએ નાહી નાખ્યું હોય એવી સ્થિતિ પણ અનુભવી છે. આ બધા જ અભાવો અને દુ:ખને કારણે હું શું ઉમદા બન્યો છું? ના, ના, હું એક દુ:ખના તબક્કામાં અદેખો, સંકુચિત, ચીડિયો, સ્વાર્થી અને અન્યાયી બન્યો છું; પણ પછી જ્યારે મારા પુરુષાર્થ અને તપસ્યાનું ફળ અને સુખ મળ્યું છે એને કારણે જ હું સારો માણસ બની શક્યો છું. આ એક હકીકત છે અને એ સૌએ સ્વીકારવી જોઈએ અને કદી જ ફોગટિયા સમાજવાદી બનીને દુ:ખ, દર્દ અને ગરીબીનાં ગાણાં ગાવાં ન જોઈએ. સમૃદ્ધિ એ તમારો હક છે અને સતત લહેરમાં રહેવાનું હિન્દુ ધર્મમાં કૃષ્ણ પણ કહી ગયા છે. (પછીથી રજનીશ પણ કહી ગયા છે કે જીવન આનંદમય છે. મહર્ષિ અરવિંદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ 'સત્યમ્ શિવમ્ સુંદરમ' કહી ગયા છે.)


સુખી અને તંદુરસ્ત માનવ તેની તમામ તાકાત વાપરી શકે છે અને બીજાને પણ સુખી કરી શકે છે. એક બળેલો હજારને બાળે છે, પણ સુખી માણસની અગાધ શક્તિઓ તેની પોતાની અને તમારી સૂતેલી શક્તિને જગાડીને કેળવી શકે છે. તેનું બુદ્ધિબળ વાપરીને સમય અને સંયોગોને માત કરી શકે છે. તેનું કેળવાયેલું મન જગતના સૌંદર્યને સમૃદ્ધ કરી શકે છે. ધીરે-ધીરે તે પરિપૂર્ણ માનવ બને છે, પરંતુ દુ:ખ કે દર્દથી તેની આવી તમામ શક્તિઓનો હ્રાસ થાય છે, તેની નીતિમત્તાના તંતુઓને દુ:ખ તોડીફોડી નાખે છે દુ:ખથી માણસ જોડાતો નથી, તૂટે છે. એ સાચું છે કે દુ:ખથી તમે ધીરજવાન બનો છો અને ધીરજવાન માણસ ભવ્ય લાગે છે, પરંતુ ધીરજ એ કોઈ કાયમ માટેનો ગુણ નથી. ધીરજ માત્ર એક સાધન છે. એ માત્ર એક પૉલિસીરૂપે વપરાય. ધીરજમાં બીજું કશું વિશેષ દાટ્યું નથી. જે લોકોને મહાન કાર્ય કરવાનાં હોય તો તે ધીરજની વાત કરે, પણ નાનાં-નાનાં કામો કરનારો ધીરજની વાત કરે એ બરાબર નથી. તેણે કશું જ આવતી કાલ પર મુલતવી રાખ્યા વગર 'આજ, આજ, ભાઈ અત્યારે' જેવી મેન્ટાલિટી રાખવી જોઈએ. સ્ટેશન પર ગાડી ઊભી હોય ત્યારે ધીરજની વાત ન ચાલે. એ ગાડીને દોડીને જ પકડવી પડે.

5. લેખકે-સાચા લેખકે અવિરતપણે માનવીનો અભ્યાસ કરવો જોઈએ. જોકે મારી એ ખામી હતી કે હું માનવીનો અભ્યાસ કરવામાં કંટાળતો. ખરેખર માનવીને જેવો છે એવો સમજવો અને નીરખવો મુશ્કેલ છે. એ કામ કંટાળાભરેલું પણ છે. એમાં બહુ જ ધીરજની જરૂર પડે છે.આપણે તરત બીજા માણસના ન્યાયાધીશ બની જઈએ છીએ. જોકે કેટલાક માણસ બહુ વિચિત્ર પ્રકારના અને અમુક ખાસિયતવાળા હોય છે.તેઓ તેમનું ચિત્ર-ચરિત્ર પોતે જ રજૂ કરી દે છે. એ લોકોને પોતાની વિચિત્રતાઓ અને ખાસિયતો તમને જણાવી દેવાની હોંશ હોય છે, પરંતુ સરેરાશ માનવીનો અભ્યાસ કરીને તેને જાણવો એ જુદી વાત છે.


જે માનવી પોતાની આગવી ખાસિયત અને આગવા ચારિત્ર્ય સાથે પોતાના પગ પર ઊભો છે તેનામાં હજારો ખાસિયતો છુપાયેલી હોય છે. તેની ખાસિયતોનું ચિત્ર સ્પષ્ટ નથી હોતું.થોડું ભેળસેળવાળું હોય છે. જ્યારે તે માણસ પોતાને જ જાણતો નથી ત્યારે તે તમને પોતાની બાબતમાં શું કહેશે? ભલે તે ગમે એટલો વાતોડિયો હોય પણ પોતાની જાતને પ્રગટ કરવામાં તે કુશળ ન પણ હોય. તેની અંદર જે ખજાનો હશે એ ખજાનો તે છુપાવશે, કારણ કે તેને ખબર જ નથી કે તેનામાં કેવો ખજાનો છે! એને તે ખજાનો ગણતો જ નથી. જોકે લેખક કે પત્રકાર-સાચા પત્રકાર તરીકે અમુક ખાસિયતો તમારા માટે ખજાનારૂપ હોઈ શકે. માણસનો અંદરનો ખજાનો જાણવા તમારે તેની સાથે કલાકો ગાળવા પડશે. કદાચ દિવસો પણ ગાળવા પડે. જો ખરેખર માણસને જાણવો હોય તો માત્ર તેના ખાતર જ તમારે બધું કરવું પડશે. તમારા સ્વાર્થ માટે જ તમે તેનો અભ્યાસ કરો એ ઠીક નહીં. તેનામાં તમારે ઊંડો રસ લેવો પડશે, જેથી કરીને તે કંઈક કહેવા માટે વધુ તત્પર બને.


જે કોઈ કલાકાર હોય છે તે સ્વભાવથી જ નિર્લેપ અને મુક્ત હોય છે. જ્યારે કોઈ માણસ કહેવાતો મહાત્મા બને છે ત્યારે તેણે આ બન્ને ગુણો પોતાની ઇચ્છાઓને દાબીને મેળવવા પડે છે. કલાકાર પણ મહાત્માની માફક ઈશ્ર્વરને પામવા માગે છે અને તેનો આત્મા વિશ્ર્વથી અલિપ્ત હોય છે.

6. એક દિવસ એક મહિલાએ મને પૂછ્યું, 'મારો પુત્ર ચારિત્ર્ય કેળવવા માટે લેખનમાં બહુ રસ લે છે. તેને સારા લેખક બનવા શું કરવું એની સલાહ આપો.'


મેં તે મહિલાને બરાબર ધારીને જોઈ અને મને ખાતરી હતી કે તે મારી સલાહનો અમલ નહીં કરે. છતાં મેં કહ્યું, 'તમારા પુત્રને 1000 ડૉલર આપો અને પછી કહો કે તારે જેમ કરવું હોય એમ કર. બગડવું હોય એટલો બગડ.' મેં તેને કહ્યું કે 'તે કદાચ બગડશે નહીં, તેના પરના ભરોસાને લાયક બનશે.'


મેં તે મહિલાને સાચી સલાહ આપી હતી. તે જો તેના પુત્રને 1000 ડૉલર આપશે તો જુવાન પુત્ર ભ્રમણ કરી શકશે. દુનિયા જોશે. પૈસા હોવાથી ભૂખ્યો નહીં રહે. જોકે તેને અમુક મોંઘા મોજશોખ નહીં મળે, પણ જરૂરી છે કે તે થોડો શોખીન બને. પરંતુ યાદ રહે કે એશઆરામ એ લેખકનો સૌથી મોટો દુશ્મન છે. (લેખકનું લેખન-વાંચન અને અવનવા લોકોને મળવું એ જ લેખકનું મનોરંજન હોવું જોઈએ. કોઈને મળવું અને વાંચવું એને મોટામાં મોટી એશ હું માનું છું.) તેના પુત્રને એટલી રકમ આપવાથી (55 વર્ષ પહેલાં) તે ઘણો મોટો પ્રવાસ કરી શકે છે અને એવા સંયોગોમાં પ્રવાસ કરી શકશે જેમાં તેને જીવનનાં વિવિધ પાસાંઓ સ્પષ્ટ રીતે અને અનેક રંગોથી રંગાયેલાં જોવા મળે, કારણ કે 1000 ડૉલર કરતાં વધુ નાણાં હોય તો તે તમામ પાસાં જોઈ નહીં શકે. આટલી રકમથી તે વખતોવખત નાણાંની ખેંચમાં રહેશે. તેથી અમુક સમયે ઉતારા માટે તેણે કંઈક કમાણી કરવા નાનુંમોટું શ્રમનું કામ પણ કરવું પડશે. એવા કામમાં તેને અવનવા અનુભવો થશે. લેખક થનારે અમુક વસ્તુ બહુ વખત કરવાની જરૂર નથી, પણ તેણે દરેક ચીજ પર થોડો-થોડો હાથ તો અજમાવવો જ જોઈએ. હું ઇચ્છું છું કે તે છોકરો વાસણને કલાઈ કરતાં શીખે, દરજીકામ શીખે, ખારવો બને અને છાપાં પણ વેચી જુએ. હું ઇચ્છું છું કે તે પ્રેમમાં પડે અને પ્રેમભંગ પણ થાય. તે થોડો ભૂખ્યો રહે તો ભૂખ શું છે એ સમજાય, દારૂ પણ પી જુએ. તે મવાલીઓ સાથે જુગારના અડ્ડામાં પણ ઘૂસી જાય. રેસકોર્સમાં પણ જાય. પૅરિસની કોઈ ડચેસ સાથે પણ દોસ્તી કરે અને જર્મન ફિલસૂફ સાથે દલીલો કરે. તમારો દીકરો સ્પેન જઈને બુલ-ફાઇટર બને અને તરવૈયો થાય. ઑલિમ્પિયન થાય. એવો કોઈ પણ માણસ દુનિયામાં નથી જે લેખક માટે જાણવા જેવો માણસ ન હોય. દરેકેદરેક માનવકણ (માનવરૂપી દાણો) લેખકની ઘંટીમાં દળવા માટેનો દાણો છે અને સાહેબ! તમે 23 વર્ષના હો, તમારામાં થોડી બુદ્ધિ હોય, પાંચ વર્ષનો સમય હોય અને તમારી પાસે 1000 ડૉલર હોય તો તમે ઘણું-ઘણું કરી શકો. બોલો, કરી શકો કે નહીં?

7. દરેક જણે રમતિયાળ રહેવું જોઈએ. કવિઓ, લેખકો અને પત્રકારે તો ખાસ. પણ લેખકે થોડું ઓર આગળ જવાનું છે.ઝવય ઠશિયિિં ખીતિં ઇય ઙહફુરીહ ફક્ષમ જયશિજ્ઞીત ફિં વિંય જફળય શિંળય.લેખકે રમતિયાળપણું અને ગંભીર સ્વભાવનો સુમેળ સાધતાં શીખવું જોઈએ. તે માત્ર ગંભીર બને અને ડોચરું ચડાવીને બેસે એ પાલવે નહીં.

8. ભગવાન પાસે પ્રાર્થના કરતી વખતે રોટી કે નોકરી કે બીજી ફાલતુ ચીજ માગવી એ મારી દૃષ્ટિએ ભગવાનનું અપમાન કરવા જેવું છે. આવા સર્વશક્તિમાન પાસે માત્ર નોકરી માગવી એમાં તેમનું માહાત્મ્ય નથી.

9. તમારી આજુબાજુના પાડોશી કે મિત્રો પ્રત્યે સહાનુભૂતિ બતાવો કે તેને મદદ કરોએ તમારો ઉપકાર નથી, એ તેનો હક્ક છે.

10. છેલ્લે, ઘણા લોકો કહે છે કે આપણે બીજાને કડવા લાગીએ કે કંઈ દુ:ખ અનુભવીએ કે આપણને બીજાના વર્તન માટે ઓછું આવે ત્યારે એમાં આપણો અહમ્ કારણભૂત હોય છે. એ લોકો કહે છે કે હું-પદ આપણને દુ:ખી બનાવે છે, પણ હું તમને જુદી વાત કહું છું- આ અહમ્ પણ જરૂરી છે, એ જ અહમ્ આપણા સંગીત,આપણી કલા, આપણી કવિતા, આપણું લેખન અને બીજા સર્જન કરાવે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuWPvSGoYFFHs56JiLKLm5bt3T5GdzjvPVGjL-tLNyqLw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment