Wednesday, 28 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ખોફનાક બની રહી છે યુવાનોની દુનિયા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ખોફનાક બની રહી છે યુવાનોની દુનિયા!
ફોકસ-લોકમિત્ર

 

 

 

 

રાજકારણનું ક્ષેત્ર હોય કે કૉર્પોરેટ વિશ્ર્વ, વિજ્ઞાનનો પ્રદેશ હોય કે સાહિત્યની ભૂમિ... દરેક ઠેકાણે દરેક જણ ભવિષ્યની શ્રેષ્ઠતા કે કલ્યાણ પેટે જોવાતાં સ્વપ્નોનો ભાર યુવાનોના ખભાઓ પર નાખી દે છે. આજે બદલાવની, પરિવર્તનની વાત કરનારા તમામ રાજકીય નેતાઓ વખત આવે કહેવા માંડે છે કે, "પરિવર્તનની પટકથા યુવાનો લખશે.' કૉર્પોરેટ જગતના દિગ્ગજો જ્યારે સસ્તી ટૅક્નૉલોજી અને ખુશખુશાલ દુનિયાની યોજના બનાવે છે કે એનો નકશો કંડારે છે ત્યારે એ તમામની જવાબદારી કૉર્પોરેટ જગતના યુવાન ઉદ્યોગપતિ પર નાખી દે છે. એમને એવું લાગે છે કે, એ લોકો જે બધું નથી કરી શક્યા તે યુવાન ઉદ્યોગપતિઓ કરી દેખાડશે. જ્યારે પણ કોઈ મહાન વૈજ્ઞાનિક જગતના ભવિષ્યની વાત કરે છે ત્યારે એ દિલથી કહે છે કે, "યુવાન વૈજ્ઞાનિકો દુનિયાને ખૂબસૂરત અને સ્વપનીલ બનાવશે. પુરાણા સાહિત્યકારો સાથે વાત કરો કે કોઈ જૂના સંગીતકારને પૂછો તો તરત જ ખભા ઝટકીને હવાલો યુવાનોના માથે નાખતાં કહી દેશે કે, "અમને યુવાનો પાસેથી બહુ આશા-ઉમેદ છે.

 

હવે સવાલ એવો થાય છે કે, "એમાં ખોટું શું છે? વળી, એ તો સાહજિક જ છે ને કે જ્યારે સ્વપ્નો જોવામાં આવે છે, આશા-ઉમેદ બાંધવામાં આવે છે ત્યારે એ માટે યુવાનો તરફ મીટ માંડવામાં આવે છે. કુદરતનો એ સ્વાભાવિક નિયમ છે કે જે યુવાન છે એ ખીલશે-પાંગરશે-ફળશે... યુવાન એ બધું કરી દેખાડશે, જે એ લોકો નથી કરી શક્યા. એમ જોવા જઈએ તો આ એક સહજ માનવીય ઉમેદ-ઓરતા છે. હવે સવાલ એ છે કે ઉમેદો બાંધવાથી કે ઓરતા રાખવાથી એ ઉમેદો પૂર્ણ થઈ જવાની છે? કદાચ નહીં! યુવાનો પાસેથી આશા-ઉમેદ રાખવી જરાકેય ખોટું નથી, પણ જે યુવાનો પાસેથી આપણે આટલી બધી અપેક્ષાઓ-ઉમેદ રાખીએ છીએ ત્યારે આપણે શું એટલું ય જાણવાની ફિકર કરીએ છીએ કે એ યુવાનોની હાલની પરિસ્થિતિ શી છે? યુવાનો પાસે ઉમેદ-આશા-અપેક્ષા રાખવી જોઈએ, કારણ કે એ લોકો જ દુનિયાનું ભવિષ્ય છે, પણ દુનિયાના આ ભવિષ્ય પાસે અપેક્ષાઓ-ઉમેદ રાખવા પહેલા એમની આજની હાલતની તપાસ કરવાની પણ દુનિયાની ફરજ છે.

 

જગતમાં આજે યુવાનોની હાલત બહુ ખરાબ છે. દરેક ક્ષેત્ર માટે યુવાનો ભવિષ્યની આશા તો છે, બધા જ એમને ભવિષ્યમાં સોનાનાં ઈંડાં આપનારી મરઘી પણ સમજે છે, પણ શું દુનિયાને એ જાણવાની ફુરસદ છે, શું દુનિયાએ એટલું જો જાણવાની કોશિશ ન કરવી જોઈએ કે, આપણે જે મરઘી પાસેથી સોનાનાં ઈંડાં મેળવવાની ઉમેદ લઈને બેઠા છીએ એની અત્યારની સ્થિતિ શી છે? એમની ચિંતા શું છે? એમના પર કેવા પ્રકારનું દબાણ છે? ટૂંકમાં બધું મળીને એમનાં સુખ-દુ:ખ શું છે, આ બધું આપણે જાણવું જોઈએ.

 

પરંતુ, આપણે ક્યાં તો જાણતા નથી અથવા જાણીને પણ એ તરફ આંખ આડા કાન કરી રહ્યા છીએ, કારણ કે સચ્ચાઈ તો એ છે કે, જગતભરમાં યુવાનોની હાલત બહુ જ ખરાબ છે. જી હા, યુવાનો સ્વાસ્થ્યથી લઈને ભાવના-લાગણી સુધીના મામલાઓમાં ટીક-ટીક કરતાં એવા ટાઈમ બૉમ્બમાં બદલાઈ રહ્યો છે, જે બૉમ્બ ગમે ત્યારે ફાટી શકે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુ.એચ.ઓ.-હુ) સંગઠન આંકડાઓની લાંબી યાદીના આધારે લગભગ એક દશકથી આપણને એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે યુવાનોની હાલત શી છે? જગતના પંચાવન ટકા યુવાનો બ્લડ પ્રેશરની તકલીફથી પીડિત છે. ૬૦ ટકા કરતાં વધારે શહેરી યુવાનો ઓછી ઊંઘ કે ઊંઘ જ ન આવવાની સ્થિતિના શિકાર છે. ૭૫ ટકાથી વધારે મહાનગરીય યુવાનો ચીડિયા બની ગયા છે. ગુનાખોરી લગાતાર વધી રહી છે અને એમાં યુવાનોની ભાગીદારી સતત વધી રહી છે.

 

અકસ્માતોમાં થનારા મૃત્યુના વિરોધમાં તમામ પ્રકારની ઝુંબેશ-અભિયાન ચલાવ્યા બાદ પણ રોજ જ થનારી માર્ગ દુર્ઘટનાઓમાં ઘટ દેખાતી નથી. આ માર્ગ આ અકસ્માતોમાં સૌથી વધારે ભોગ યુવાનોનો લેવામાં આવે છે. દેશમાં દરરોજ ૩૦૦૦થી વધારે લોકો કસમયનાં મૃત્યુનાં મોમાં સમાઈ જાય છે, તેમાં ૪૫ ટકાથી વધારે શહેરના અને કૉલેજ જનારા યુવાનો હોય છે. આજના સમયમાં યુવાનો ફક્ત આપણી જ નહીં, પણ આખી દુનિયાનાં અર્થતંત્રની કરોડરજ્જુ છે. કદાચ એ જ એક કારણ છે કે એમના ખર્ચ અને એમની રહેણીકરણીમાં આમૂલાગ્ર બદલાવ આવ્યો છે. યુવાનો દ્વારા કરવામાં આવતી કમરતોડ મહેનત એમને તૂટી જવાની ધાર સુધી લઈ ગઈ છે. અંતહિન વ્યસ્તતા અને ખૂની હરીફાઈના તમામ કિંમત આજે યુવાનો જ ચૂકવી રહ્યા છે. વળી, સામેના છેડાની વાત તો એવી છે કે આ અંતહિન વ્યસ્તતા અને સ્પર્ધામાંથી જે સંસાધન પેદા થઈ રહ્યા છે એમાં યુવાનોની ભાગીદારી ફક્ત એકતૃતીયાંશ એટલે કે ત્રીજા ભાગની જ છે. આમ છતાં એના પર એવો આક્ષેપ થઈ રહ્યો છે કે આજનો યુવાન બેહદ સ્વાર્થી અને સ્વકેન્દ્રી થઈ ગયો છે. જ્યારે હકીકત એવું દર્શાવે છે કે દુનિયામાં જે કુલ સંપત્તિ કે વૈભવ છે એમાં ફક્ત ૩૦ ટકા પર યુવાનોનો કબજો છે.

 

જોકે, દુનિયામાં એમની વસતિ ૪૦ ટકા કરતાં વધારે છે. ભારત જેવા દેશમાં યુવાનોની સંખ્યા પંચાવન ટકા છે. વિશ્ર્વમાં ભારત સૌથી વધારે યુવાનોની વસતિ ધરાવતો દેશ છે. વિશ્ર્વની વસતિ ગણતરીના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતની સરેરાશ ઉંમર ૨૯ વર્ષની હશે. આજ સમયગાળામાં ચીની સરેરાશ ઉંમર ૩૭ વર્ષ, અમેરિકાની ૪૫ વર્ષ અને યુરોપ તથા જાપાનની સરેરાશ ઉંમર ૪૮ વર્ષની હશે. આ આંકડાથી આપણે ખુશ થઈ જઈએ છીએ, પણ એ વાત નથી સમજતા કે આટલી મોટી સંખ્યામાં હોવાને કારણે આપણા યુવાનોને કેટલી ઉગ્ર અને તણાવભરી હરીફાઈ-સ્પર્ધામાંથી પસાર થવું પડે છે. આજે કરિઅરને મામલે અમેરિકાના યુવાન પર જેટલું દબાણ છે એના કરતાં ૨૦૦ ગણું વધારે આપણા યુવાનો પર છે. ઈંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ તો ઠીક પણ આપણા યુવાનો પર ચીની યુવાનો કરતાં પણ વધારે કરિયરનું દબાણ છે.

 

ભારતના ૬૫ ટકા યુવાનોને હળવા પ્રકારના માથાના દુ:ખાવાની ફરિયાદ રહે છે એ અકારણ નથી. સ્પર્ધાને કારણે હિન્દુસ્તાની યુવાન પરીક્ષાઓમાં વધારે ને વધારે માર્ક્સ લાવવા માગે છે અને જ્યારે ઈચ્છિત માર્ક્સ લાવવામાં અસફળ રહે છે ત્યારે આપઘાત કરવા જેવું આકરું કદમ ઉઠાવે છે. યુવાન જ દુનિયાની સુંદરતાનો આધાર છે. યુવાન દુનિયાના આકર્ષણનો આધાર છે. એમને કારણે જ સ્વપ્નો છે, એમને કારણે તો આનંદ છે, બહાર છે. યુવાન દેશની જ નહીં આખી દુનિયાની પૂંજી છે, પણ આવા શબ્દો વડે યુવાનોની આરતી ઉતારવાથી કોઈ ફાયદો નથી. યુવાનો જ આટલા બધા મહત્ત્વપૂર્ણ છે તો દુનિયાની તમામ સરકારો કેમ આ યુવાનોને તેઓ જેના અધિકારી છે એ મહત્ત્વ આપતી નથી? દુનિયા જો યુવાનોનો ફાયદો જ લેવા માગતી હોય તો દુનિયાએ એમનું ધ્યાન રાખવું પડશે... ત્યારે જ એક સશક્ત, સમૃદ્ધ અને શક્તિશાળી દુનિયાનું સ્વપ્ન સાકાર થશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou%3DAWpuHwqcBZ2Hd%3Dk6VJ9sdgSexQ4drmaEkO5MKCJnpA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment