Saturday, 24 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ शिक्षक कभी साधारण नहीं होता (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



शिक्षक कभी साधारण नहीं होता!
અશોક દવે

 

 

વાચક કોઈ પણ ઉંમરનો હો અને આજે એ મોટો ઉદ્યોગપતિ બન્યો હોય કે ખિસ્સા કાતરવાના લધુ ઉદ્યોગમાં પડ્યો હોય, પોતાની સ્કૂલને એ કદી ભૂલતો નથી. એ દિવસો યાદ આવે એટલે કોઈ પણ માણસ ગેલમાં આવી જાય. સ્કૂલનું મૂલ્ય હરએક ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે એક મંદિર સમાન છે. અમારા જમાનામાં રૂપમ ટૉકિઝમાં રાજકુમાર- મીનાકુમારી- રાજેન્દ્રકુમારની ફિલ્મ 'દિલ એક મંદિર' આવી, ત્યારે અમે ખાડિયાની અમારી સાધના હાઇસ્કૂલ માટે 'સ્કૂલ એક મંદિર' કહેતા.


આપણા જમાનાવાળા આજની સ્કૂલો અને શિક્ષકો માટે એલફેલ બોલે છે. (અને ૯૮ ટકા કેસોમાં સાચા પણ હોય છે !) પણ મારા માટે સ્કૂલની કોઈ પણ ટીકા સ્વીકાર્ય નથી. મને ફક્ત એક જ શબ્દ વહાલો છે, 'શિક્ષક.' માં-બાપ પછી ચરણસ્પર્શ કરવા માટે શિક્ષક સિવાય બીજું તો કોઈ લાયક દેખાતું નથી. આજના શિક્ષણનું સ્તર કથળી ગયું હોય, આજની સ્કૂલના ટ્રસ્ટીઓ મસ્સમોટાં ડોનેશનો માંગતા હોય. અણઘડ શિક્ષકો ટ્યુશનિયા અને પૈસાખાઉં થઈ ગયા હોય, છતાં મારા માટે શિક્ષક આજે ય પૂજનીય છે. હું હોઉં કે તમે, આજે જે કાંઈ છીએ તેમાં બેશક શિક્ષકનો માં-બાપ જેટલો જ ફાળો છે. ટીચર માટે ટ્યુશન ભલે ધંધો અને ભ્રષ્ટાચાર હશે, આપણા માટે તો એ જ્ઞાનનો સાગર છે. આજે આપણે ય જે કાંઈ કમાઈએ છીએ, તે કાંઈ સદાચારની મૂડી પર થોડું કમાયા છીએ ? આ જ કારણે, મારે મન ચાણક્યનું નિવેદન ભગવત- ગીતા સરીખું છે, शिक्षक कभी साधारण नहीं होता |


મારી સ્કૂલના શિક્ષકો આજે ય મારા હીરો છે. એમની ખટ્ટમીઠ્ઠી યાદો મને સ્કૂલની સુંદર છોકરીઓ કરતાં વઘુ મનોહર લાગે છે. એક હતા 'સૂકા પટેલ.' શરીરથી સૂકલકડી હોવાના કારણે એ 'સૂકા પટેલ' નહોતા કહેવાતા... નામથી ય સૂકા પટેલ હતા. સૂર્યકાંત કાળીદાસ પટેલ. અમારું વિજ્ઞાન લેતા. આખી સ્કૂલમાં એમનો સહુ આદર કરે. થોડા વર્ષો પહેલાં હું એમને રસ્તામાં મળ્યો ને એમના ચરણસ્પર્શ કર્યા, તો એમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. ''અશોક, આજની પેઢીના વિદ્યાર્થીઓમાં આ સંસ્કાર નથી રહ્યા.'' સાહેબ બ્રિલિયન્ટ તો બહુ, પણ મોટો વાંધો 'ઢગલો' શબ્દ સામે. ભણાવતા ભણાવતા કોઈ પણ જગ્યાએ 'ઢગલો' શબ્દ આવે, એટલે પિન ચોટી જાય ને 'ઢગલો' યાદ જ ન આવે.


''જુઓ બાળકો... આપણે માણેકચોકમાં શાક લેવા ગયા હોઈએ. શાકવાળીએ કંતાનના થેલા ઉપર બટાકાનો ----'' પતી ગયું. 'બટાકાનો ઢગલો' શબ્દ યાદ જ ન આવે. અહી પિન એવી ચોંટી જાય કે, આગળ ભણાવવાનું પડતું મૂકીને મૂંઝાયા રાખે, ''.....પેલો..... શું કહેવાય ?'' અમે છોકરાઓ તો વર્ષોથી ટેવાઈ ગયેલા ને ખબર કે, ઢગલો આવે એટલે સાહેબ ભરાઈ પડવાના. મતલબ જાણવા છતાં એ શબ્દ સિવાયના બધા શબ્દો યાદ કરાવીએ, 'કોથળો, સાહેબ ?' એટલે વધારે મૂંઝાઈને પોતાના જ કપાળ ઉપર ફૂટપટ્ટી ઘસીને ચીડાય, ''અરે બાપા કોથળો નહિ... પેલું શું કહેવાય બીજું ?'' અમે કહીએ ''ટેકરો... ?'' એટલે વધારે ખીજાય, ''શું ટેકરો- ટેકરો કરો છો ?...'' પછી બન્ને હાથે કાલ્પનિક ઢગલાનો આકાર બનાવીને ફરી પૂછે, ''પેલો... આવો... જુઓ, આવો... શું કહેવાય એને... ?'' પાછું કોઈ બોલે, ''પથારો ?'' એમ કોઈ ''ખાડો'' બોલે, કોઈ ''ખટારો'' બોલે પણ એમને જે જોઈતો હોય તે ''ઢગલો'' કોઈ ન બોલે, છેવટે કંટાળીને ક્લાસ આગળ ચલાવે.


દસેક મિનિટ ક્લાસ આગળ ચાલ્યા પછી વાત સિરિયસ મકામ પર પહોંચી હોય ને એ બોલતા હોય, ''વિજ્ઞાનમાં કશનળી અને બકનળી વચ્ચેનો તફાવત સમજી લેવા જેવો છે... બકનળી એટલે (પાછું હાથની ચેષ્ટાઓ દ્વારા સમજાવવા જાય)... બકનળી એટલે યૂ નો... યસ, 'ઢ....ગ.... લો.... !!!''


પેલો ઢગલો એમના સબ-કૉન્શ્યસ મનમાં ભરાઈ ગયો હતો, એ ઠેઠ અચાનક અને અત્યારે બહાર પડ્યો. મૂંઝાઈએ અમે કે, બકનળીને ઢગલા સાથે શું લેવા- દેવા ?


અમારું ગણિત લેતા પુરુષોત્તમ કાકાને આદરથી સહુ 'પશાકાકા' કહેતા. ગ્લોરિયાબેન સહુથી સુંદર પણ કડક બહુ, એમના ક્લાસમાં કોઈ ચૂં કે ચા ન કરે. ચિત્રશિક્ષક મહેન્દ્રભ'ઇ, ઇતિહાસના અંબુભ'ઇ, ઇંગ્લિશ નીમુબેન શીખવાડે ને ભૂગોળ એમના બેન સુધાબેન શીખવાડે. ગણિતના શિક્ષક કેશુભાઈ પટેલ ઇંગ્લિશ ફિલ્મના હીરો જેવા દેખાય એટલે બધાને બહુ ગમતા. જયેન્દ્રભ'ઇ અને ભગુભાઈ તો એકબીજાના ય દોસ્તો. જૂની ફિલ્મ 'કિસ્મત'ના હીરો અશોકકુમાર જેવા લાગતા પ્રિન્સિપાલ રતિભાઈથી અમે રાબેતા મુજબ બીતા. વચમાં થોડા વર્ષો માટે હિંદી શીખવવા રાજાસુબા સાહેબ આવી ગયા, એ છૂટા થવાના હતા ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ રડ્યા હતા, તે યાદ છે.


અમારી તો કો-એડ્યુકેશન સ્કૂલ હતી, મતલબ પાંચમાંથી ૧૧માં સુધી એકની એક છોકરીઓ સાથે ભણવા છતાં, અપવાદરૂપે પણ છોકરો- છોકરી એકબીજા સાથે વાત ન કરે. સ્કૂલ તરફથી કોઈ પ્રતિબંધ નહિ ને આજે યાદ કરીએ છીએ તો નવાઈ લાગે કે, કેમ અમે એકબીજા સાથે નહોતા બોલતા ? અમારા ક્લાસની હર્મ્યા, મીના, પન્ના, મૈનાક, ભૈરવી, શૈલા, જાગૃતિ, હર્ષા-હિતા નામની જોડકી બહેનો, મીરાં, લીના, દક્ષા, મૃદુલા કે સ્મિતા આ સાતેય વર્ષમાં અપવાદરૂપે ય એક વખત અમારા જતિન, દીપક, રાજેશ અને બીજો રાજેશ, પ્રવીણ ખમણ, તુષાર, જયપ્રકાશ, દિલીપ, રજનીકાન્ત, સંજય, મલય, નિલેષ, કિરીટ, કાળીદાસ, સુનિલ, પીસી નાગર કે બારેમાસ ખાદીધારી મહેશ એકે ય છોકરી સાથે બોલ્યા હોય, એવું ઇતિહાસમાં નથી.


બબ્બે પીરિઅડ વચ્ચે એકએક રીસેસ, એમાં સ્કૂલની સામે ઊભો રહેતો ખારા આંબોળિયાવાળો, શિક્ષકો જેટલો જ વહાલો લાગતો પટાવાળો, હાથમાં ટીચરની ફુટપટ્ટીનો ચમચમતો માર, એકાદ શિક્ષકનું એકાદ શિક્ષિકા સાથેનું આપણે પકડી પાડેલું લફરું, મોડા પડીએ એટલે ક્લાસની બહાર ઊભા રહેવાની સજા, આપણે હજી તો તાજાતાજા 'પુરુષ' થવા માંડ્યા હતા એટલે સુંદર દેખાતી ટીચરને મનોમન પ્રેમ કરી લેવાની એકલતા, બહુ ગમી ગયેલી એક છોકરીને ચાલુ ક્લાસે વાંકી વળીને ડરતા ડરતા ઝાંખવાની લહેર ને નોટબુકના છેલ્લા પાને એને જ ઘ્યાનમાં રાખીને ફિલ્મી ગીતોમાંથી ચોરેલી શાયરી, હાથ પર બોલપેનથી કોતરેલો એના નામનો ઇંગ્લિશ અક્ષર અને પરીક્ષા આવે ત્યારે ભદ્રકાળી મંદિરના ચક્કરો, નારીયેળના ખર્ચા... બઘું યાદ આવે, તો એ યાદો ભૂતકાળની અન્ય કોઈ પણ યાદ કરતા વઘુ મીઠડી હોય.


કોલેજમાં આવ્યા પછી તો આપણે બધા જરા વધારે પડતા સ્માર્ટ થઈ ગયા હોઈએ, પેલું ભોળપણ ગાયબ થઈ ગયું હોય, ઇન્ટરેસ્ટ પ્રેમોમાં પડવાનો વઘુ ઉજાગર થયો હોય.. (એમાં કેટલાક બળદબુધિયાઓને તો જે છોકરી સાથે પ્રેમમાં પડ્યા, એ ઘધ્ઘી સાથે પૈણી પણ જવું પડ્યું હોય...! સાલાઓ પ્રવાસના સહેજ બી શોખીન નહિ ને...?)


બાકીના આપણે બધા સાઘુ જેવા. એક સ્થળે ટકીને ન બેસીએ. આ કોલેજથી પેલી કોલેજ સુધી પ્રવાસો ચાલુ હોય. છોકરીઓ જોવા સિવાય બીજા પણ કામો હોય તો પતાવતા આવતા. મનમાં અભિમાન નહિ !


પાંચમી સપ્ટેમ્બર 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે, પણ આ મહાન વિભૂતિઓએ આપણને જે કાંઈ આપ્યું છે એ જોતાં હું તો આ જનમને 'શિક્ષક યુગ' તરીકે ઓળખાવવો વઘુ પસંદ કરીશ.

 

સિક્સર
આજકાલ ગાડીના કાચ પરથી બ્લેક ફિલ્મ ઉતારી લેવા માટે પોલીસ પાછળ પડી ગઈ છે. આતંકવાદીઓને ઘ્યાનમાં રાખીને 'ગાડીની આરપાર જોઈ શકાય તે માટે લેવાયેલો આ નિર્ણય મને તો વ્યાજબી લાગે છે, પણ પોલીસ ગાડીવાળાને એક જ સંદેશો આપે છે,
'આસપાસ આરપાર અઢળક ઉભો છું,
તમે પાછા વળીને મને કળજો..
તમે મીરાંની જેમ મને મળજો.''

(કવિ ભાગ્યેશ જહા)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvqQ4sG6bUqYoUGQgCrDChA8owRCKhxqsYetNUkS9H%3Dxw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment