Friday, 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માફ કરી દો બસ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માફ કરી દો બસ!
વરણાગી રાજા-દિવ્યાશા દોશી

 

 

 

મેન, માફી અને માન ... આ ત્રણે બાબત ભેગી કરવી અઘરી છે. રસ્તા પર ચાલતાં ચાલતાં કોઇને આપણો હાથ વાગી જાય કે ટ્રેનની ભીડમાંય આપણાથી કોઇને પગ અડી જાય કે ધક્કો લાગે કે પછી દુકાનદારને પૈસા આપતાં ભૂલથી ઓછા અપાઈ જાય તો તરત જ સોરી કહી દેવાતું હોય છે, પરંતુ પત્નીની કે ગર્લફ્રેન્ડની સામે સોરી જલદી નથી કહેવાતું. પછી ભલે વાંક પુરુષનો જ કેમ ન હોય. સાવ એવું નથી હું ય માનું છું પણ પુરુષ ને સ્ત્રી બન્નેના સ્વભાવમાં અહીં ફરક છે જ અને દેખીતો મોટ્ટો ફરક છે. માફી શબ્દની વાત કરવાની જરૂર જણાઈ જ્યારે ચેનલ સર્ફિંગ કરતાં નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુની એક ઝલક જોઇ અને તેમાં માફી શબ્દની વાત નીકળી.

 

આમ તો રાજકારણ વિશે લખવાનું ટાળું કારણ કે તેમાં દરેકના મત જુદા હોઇ શકે. નરેન્દ્ર મોદી માટે મને વિશેષ લાગણી છે એવું નથી પણ જ્યારે ઇન્ટરવ્યુ લેનારે એમ પૂછ્યું કે તમે માફી કેમ નથી માગતા? તો મોદીનો જવાબ સાંભળવાની ઉત્સુકતા ટાળી ન શકાઈ. નરેન્દ્ર મોદીએ કંઇક આવો જવાબ આપ્યો કે ૨૦૦૨ના બનાવ માટે મને દુખ છે અને હું ક્યારેય નહીં ઇચ્છું કે એવી કોઇ ઘટના બને. પણ મારે માફી શેની અને કોની માગવાની છે ? જો હું દોષી હોઉં તો મને રસ્તા વચ્ચે ફાંસી આપો. આવું કહેતાં તેમના ચહેરા પર મક્કમતા અને દૃઢતા દેખાયા. અહીં આપણે તેઓ સાચા છે કે.... તેમણે માફી માગવી જોઇએ કે નહીં તેની ચર્ચા નહીં કરીએ. કારણ કે એની ચર્ચાઓ સતત બાર વરસથી થઈ રહી છે, પણ આ મુલાકાત જોતાં વિચાર આવ્યો કે પુરુષો માફી સરળતાથી નથી જ માગતા. ગમે તેટલી માગણીઓ થાય કે દબાણ આવે તો પણ એ પુરુષ સ્વભાવમાં જ નથી કે જ્યાં સુધી તે ૧૦૦ ટકા ક્ધવીન્સ ન થાય ત્યાં સુધી તેઓ માફી નહીં જ માગે. જો ૯૯ ટકા તેમને લાગે કે તેમણે ભૂલ કરી છે પણ માત્ર એક ટકો જ તેમની પોતાની ભૂલ અંગે શંકા હશે તોય માફી માગતા પહેલાં તેઓ સો વાર વિચાર કરશે. અને જો પત્ની સામે ન ચાલ્યું ને માફી માગવીય પડે તો એ માફી તેઓ દિલથી નહીં જ માગે પણ ચલ બસ મૂકને માથાકૂટ એ ભાવ એમાં મોટેભાગે હોવાનો જ.

 

તાજેતરમાં જ વોટરલૂ યુનિવર્સિટીમાં થયેલ એક સંશોધનમાં એવું સાબિત થયું છે કે અમે સ્ત્રીઓ અમારી ભૂલ ન હોય તો પણ વિવાદ કે ઝઘડો વધે નહીં એટલે ય માફી માગીએ છીએ. જ્યારે પુરુષોને માટે પોતે ભૂલ કરી છે તે સ્વીકારવું ખૂબ જ અઘરું છે. બાળક હોઇએ છીએ ત્યારે આપણને બે શબ્દો અચૂકપણે શીખવવામાં આવે છે. થેન્કયુ અને સોરી. તે છતાંય મોટો થતાં પુરુષોને માટે ક્યારેક આભાર માનવો અને મોટેભાગે સોરી કહેવું અઘરું લાગતું હોય છે. કોઇનો આભાર માનવા માટે નમ્ર બનવું પડે છે તો સોરી કહેવા માટે અહંરહિત બનવું પડે છે.

 

સાયકોલોજિસ્ટ ગાય વિન્ચે લખેલ પુસ્તક ઇમોશનલ ફર્સ્ટ એઇડ -પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીસ ફોર ટ્રિટીંગ ફેઇલ્યોર, રિજેકશન, ગિલ્ટ એવરીડે સાયકોલોજિકલ ઇન્જરિસમાં લખે છે કે કેટલીક વ્યક્તિઓ પાસે સોરી શબ્દ કહેવડાવવા તે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હોઇ શકે. એમાં સફળ થવું મુશ્કેલ હોઇ શકે.

 

આપણે એવું માનતા હોઇએ છીએ કે કદીય માફી ન માગનાર વ્યક્તિ (મોટેભાગે પુરુષ જ) ગર્વિલી કે ડિફેન્સિવ , સતત પોતાનો બચાવ કરનારી હોઇ શકે. પણ હકીકતમાં માનસિકતા જુદી જ હોય છે. આવી વ્યક્તિઓ મોટેભાગે પોતાની જાતને તૂટી જતી બચાવવા માટેના પ્રયત્નો કરતી હોય છે.

 

પુરુષો માટે માફી માગવી તે રિલેટીવ ટર્મ છે. જેમ કે સરળતાથી માફી ન માગી શકતો પુરુષ રસ્તે ચાલતાં ભૂલથી કોઇને તેનો હાથ વાગી જશે તો વગર વિચાર્યે સોરી કહી દેશે. આદતવશ પણ જો પત્ની સાથે ક્યાંય ડ્રાઇવ કરીને જતો હશે અને રસ્તો શોધી રહ્યા હશે ને પત્ની જો જીપીએસ સિસ્ટમ જોઇને કહેશે કે રાઈટમાં જવાનું છે અને તેનાથી લેફ્ટ લેવાઇ ગયું તો કહેશે જીપીએસ સિસ્ટમ પણ ગોટાળા કરી શકે છે. પણ પોતે ભૂલમાં લેફ્ટ લઈ લીધું એ કબૂલ તે નહીં કરે. અને પછી જો જીપીએસ સિસ્ટમ સાચી નીકળી તો ય કહેશે... 'તું પણ તો મોટેભાગે રોન્ગ લેનમાં જતી રહે છે.' 'જીપીએસ સિસ્ટમ પણ અડધો સમય સાચું માર્ગદર્શન નથી આપતું હોતું.' આમ બહાના કાઢશે પણ પોતે ભૂલ કરી તો નહોતી જ, તે પત્નીને કબૂલ કરાવડાવશે.

 

જો ક્યારેક પુરુષથી ખરેખર મોટી ભૂલ થઈ ગઈ તો તે માફી માગી પણ લેશે. પરંતુ, એ ભૂલની જવાબદારી ન લે એવું પણ બને. હકીકતમાં માફી માગવી એટલે તમે કરેલી ભૂલની અને તેના પરિણામની જવાબદારી લેવી. આગળ તેવું ન થાય તેની બાંહેધરીનોય એક ભાગ માફીમાં આવી જાય છે. ગાય વિન્ચ કહે છે કે , મોટાભાગના પુરુષમાનસને માફી માગવી એ ભયજનક પરિસ્થિતિ લાગતી હોય છે કારણ કે તેમણે પોતે લીધેલા નિર્ણયને પોતાના કેરેકટરથી જુદું કરીને જોવાનો ડર લાગે છે. તેઓ વિચારતાં હોય છે કે કંઇક ખોટું કે ખરાબ કરનાર ખરાબ વ્યક્તિત્વો જ હોય છે. ભૂલ થાય બેજવાબદાર વર્તન કરનાર સ્વાર્થી અને બેજવાબદાર વ્યક્તિત્વ હોઇ શકે, જો તેઓ ખોટા પડ્યા તો શક્ય છે કે એવું વર્તન કરતી વખતે તેઓ મૂરખ કે પરિણામથી અજાણ હતા. આમ તેમને પોતાના ઊભા કરેલા વ્યક્તિત્વને ખોઇ બેસવાનો ડર તેમને માફી માગતા જણાતો હોય છે. વળી માફી માગનારને ગુનાહિત હોવાની લાગણીનો અહેસાસ થતો હોય છે પણ માફી ન માગી શકતા વ્યક્તિત્વોને માફી માગવી એ શરમજનક લાગણી અનુભવાવે છે. ગુનાહિતતા કરતાં શરમજનક લાગણી વ્યક્તિત્વને તોડી નાખે છે.

 

માફી એ પરસ્પર ઊભી થયેલી ગેરસમજને દૂર કરવાનું સરળ સાધન છે પણ પુરુષોને ભય લાગી શકે કે માફી માગવાથી તેમના પર આરોપો અને ફરિયાદોનો મારો ચાલશે. માફી ન માગીને તેઓ સતત પોતાની લાગણીઓને ખાળતા હોય છે.

 

ગુસ્સો-ક્રોધ, ચીડિયાપણું કે લાગણીવશ ન થવું તે માફી માગવા કરતાં વધારે અનુકૂળ લાગતું હોય છે. માફી માગવાથી બહાર ન આવવા દીધેલા આવેગો, આવેશો બહાર આવી નીકળી જવાની શક્યતા રહે છે. અને લાગણીઓ વ્યક્ત કરવી તે પૌરુષત્વને શોભતું નથી એવી માનસિકતા આપણા સમાજે ઘડી કાઢી હોવાને લીધે પતિપત્ની વચ્ચેના સંબંધમાંય નડતરરૂપ બનતું હોય છે. છતાંય વારંવાર માફી મગાવવી એ પૌરુષત્વ પર કુઠરાઘાત હોય છે. એવી ભૂલોય અનેક સ્ત્રીઓ કરતી હોય છે.

 

પુરુષ જ્યારે પત્નીની સામે માફી માગે છે તેમાં મોટેભાગે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી પત્નીને છેતરતા પકડાયો હોય છે, અથવા પત્નીને કોઇ રીતે ખરેખર દુખી કરી હોય છે. એવા સમયે પત્નીને પ્રેમ કરતો હોય તે પુરુષ પત્નીની માફી માગી લેતો હોય છે પણ જો તે દિલથી માફી ન માગે તો સંબંધોમાં રહેલી તિરાડો પુરાતી નથી. દરેક સ્ત્રીને એ માફી દિલથી માગી હતી કે નહીં તેનો ખ્યાલ આવી જ જતો હોય છે. દિલથી માફી માગનાર વ્યક્તિએ સતત પુરવાર કરવું પડતું હોય છે કે તે ભવિષ્યમાં એવી ભૂલ નહીં કરે અને તેને પોતાની ભૂલનો અહેસાસ છે.

 

તૂટેલો વિશ્ર્વાસ નવેસરથી સંપાદન કરવા માટે દિલથી પ્રયત્નો પણ કરવા પડતા હોય છે. એટલે જ દિલથી માફી માગનાર પુરુષો ખરેખર પૌરુષીય ગુણો ધરાવતા હોય છે. તેમના લગ્ન અને સંબંધો ટકતાં ય હોય છે, કારણ કે તેઓ પોતાની જવાબદારીનો સ્વેચ્છાએ સ્વીકાર કરતા હોય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuzmQEyOsCBZ%3Dg3E-RruyfbWVj-HBO7%3D17Z-pyrLcwSFw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment