Thursday 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કહાઁ આવાઝ દે તુમ કો કહાઁ હો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કહાઁ આવાઝ દે તુમ કો કહાઁ હો...!
ભવેન કચ્છી

 

 


ઘરની બહાર નીકળવાનો ફોબિયા: ૨૦૦૫નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ લેવા પણ નહતા ગયા!

 

પંડિત રવિશંકરના પ્રથમ પત્ની અન્નપૂર્ણા દેવીની જેમ બંગાળના મહાન અભિનેત્રી સ્વ. સુચિત્રા સેને ૩૬ વર્ષ એકલતા અને અજ્ઞાાતની પછેડી ઓઢીને વીતાવ્યા હતા.

 

એકલતા તો વહેલા મોડા ઘણાના નસીબમાં આવે પણ તેને એકાંતમાં ફેરવવાની કળા બધાને હસ્તગત કરવી રહી. Lonlinessને Solitudeમાં ફેરવીએ તો કેવું?

 

એ કલાપન (Lonliness) અને એકાંત (Solitude)  બંનેમાં બહ મોટો ફર્ક છે. અકેલાપન આ સંસારની સૌથી મોટી સજા છે. જ્યારે એકાંત એ સૌથી મોટું વરદાન છે.

 

અકેલાપનમાં તરફડાટ - તડપ છે. એકાંત અનેરા આરામની અનુભૂતિ છે. જ્યાં સુધી આપણી નજર બહાર તરફ કેન્દ્રિત છે ત્યાં સુધી અકેલાપન છે અને અંદર તરફ જોતી ત્યારથી આપણને એકાંતની અમૂલ્ય મૂડી પ્રાપ્ત થાય છે.

 

સિતારવાદક લેજન્ડ પંડિત રવિશંકરના પ્રથમ પત્ની અન્નપૂર્ણા દેવી ૪૦ વર્ષથી વધુ એકલતા ભોગવીને ગયા મહિને મુંબઇમાં મૃત્યુ પામ્યા તેના પરનો ગત રવિવારની પૂર્તિમાં લેખ લખવા દરમ્યાન જ વિચાર આવ્યો કે વિશ્વમાં એવી તો કેટલીયે નામી - અજાણી વ્યક્તિઓ હશે જેઓ એ હદે દાયકાઓ સુધી તેમના કુટુંબ અને સમાજનો સંપર્ક તોડી નંાખ્યો હોય છે કે તેમના મૃત્યુના સમાચાર જાહેર થાય ત્યારે અચાનક આપણને બત્તી થાય કે ''અરે આ વ્યક્તિને  તો આપણે અજ્ઞાાત જેમ માનસપટ પરના કબાટમાં ફાઇલ કરી દીધી હતી.''

 

આવી કેટલીયે એકાંતમાં રહેતી વ્યક્તિની અચાનક યાદ આવતા જ આપણે સામી વ્યક્તિને સંદેહ સાથે પૂછતા હોઇએ છીએ કે ''આ વ્યક્તિ હયાત છે કે મૃત્યુ પામી?''

 

સ્વ. પંડિત રવિશંકરના પ્રથમ પત્ની અન્નપૂર્ણા દેવીની દાયકાઓની તેનો પડછાયો પણ ના પડે તેવી એકલતા બાદના મૃત્યુના સમાચાર જાણતા લગભગ આ જ રીતે એક જ રૂમમાં બહારનો તમામ સંપર્ક તોડી ૧૯૭૮થી તેમનું ૨૦૧૪માં મૃત્યુ થયું ત્યાં સુધી એકલતા સાથે જીવન વીતાવનાર બંગાળના મહાન અભિનેત્રી સુચિત્રા સેનની યાદ આવી.

 

ભારતીય ફિલ્મ જગતની ગ્રેટા ગાર્બોનું જેને બિરૂદ મળ્યું હતું તેવા સુચિત્રા સેનના અભિનયની પ્રતિભા અને કારકિર્દીને મૂલવવા કોઇપણ વિવેચક વામન કદના પૂરવાર થાય.

 

સુચિત્રા સેનને ગ્લેમર વર્લ્ડની ટોચની હિરોઇન જેવા ઘણા અનુભવ થયા હતા. પ્રેમીઓ પણ મળ્યા અને તેની જોડે ખિલવાડ કરતા બેવફાઓએ પણ તેના હૃદયને કારમા ઝાટકા આપ્યા હતા. તેની ફિલ્મો ફ્લોપ જવા માંડી તે તેનાથી સહન નહતું થતું. જોકે બંગાળમાં તેનો દબદબો, ઉન્માદી ચાહક વર્ગ તે જમાનાની ટોચની હિન્દી ફિલ્મોની હિરોઇનોને પણ ઈર્ષા જન્માવે તેવો હતો.

 

વિશ્વપ્રસિધ્ધ બંગાળી નિર્દેશકો જોડે કામ કરવું તે હિન્દી ફિલ્મોની અભિનેત્રીઓનું સ્વપ્ન રહેતું જ્યારે સુચિત્રા સેને દિગ્ગજો જોડે જ યાદગાર ફિલ્મો આપી. તેની તુલના હિન્દી ફિલ્મોની લોકપ્રિય ટોચની અભિનેત્રીઓ  જોડે કરવી તે પણ તેનું ગૌરવ  હણાય તેવું લાગતું.

 

માત્ર બંગાળ જ નહીં, ભારતીય સિનેમાના તે પ્રથમ અભિનેત્રી હતા જેને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં (મોસ્કોમાં) એવોર્ડ મળ્યો હોય. ૧૯૭૨માં રજૂ થયેલી 'સપ્તપદી' ફિલ્મમાં મદ્યપાનની વ્યસની મહિલા તરીકેનો અભિનય લાજવાબ હતો. પદમશ્રીથી પણ જેનું સન્માન થયું હતું તેવા સુચિત્રા સેનની ઉત્તમ કુમાર સાથેની જોડી અને તે ફિલ્મો ભારતીય સોનેરી પ્રકરણ કહી શકાય.

 

૨૦ વર્ષ સુધી તેમની જોડી હીટ રહી. સુચિત્રા સેનની ૬૦માંથી ૩૦ ફિલ્મો ઉત્તમ કુમાર જોડી હતી. ૧૯૩૧માં જન્મેલા સુચિત્રા સેનના લગ્ન ૧૯૪૭માં ખૂબ જ ધનાઢ્ય પરિવારના દિબાનાથ સેન જોડે થયા હતા. ફિલ્મ દુનિયામાં જેમ જેમ છવાતા ગયા તેમ લગ્નજીવન કથળવા  માંડયું હતું.

 

૧૯૫૫ની ''દેવદાસ'' બિમલ રોય નિર્દેશિત સુચિત્રા સેનની પ્રથમ હિન્દી ફિલ્મ હતી જેમાં તેણે પાર્વતી (પારો)નો રોલ કર્યો હતો. ૧૯૬૦માં દેવ આનંદ જોડે બમ્બઇ કા બાબુ, સરહદ, ભારત ભુષણ સાથે ચંપાકલી, ૧૯૬૬માં ધર્મેન્દ્ર, અશોક કુમાર  સાથે  'મમતા' જેવી ફિલ્મો પણ કરી હતી.

 

૧૯૭૫માં સ્વ. ઈન્દિરા ગાંધીના જીવનના અંશો પરથી પ્રેરિત 'આંધી'માં સંજીવ કુમાર સાથે ઉત્કૃષ્ટ અભિનયનો ઉજાશ પાથરતાં હિન્દી ફિલ્મ જગતની યાદગાર ભેટ આપી હતી. અસિત સેને હિન્દી ફિલ્મ ''ખામોશી''નો જે રોલ વહિદા રહેમાનને આપ્યો હતો તે સુચિત્રા સેને બંગાળી સિનેમાના ઉત્કૃષ્ટ અભિનયોમાં એક તરીકે સ્થાન પામતી ફિલ્મ 'દિપ જ્વલે જાઇ'માં ભજવ્યો હતો. બંગાળી ફિલ્મ 'ઉત્તર ફાલ્ગુની' પણ અમર કહી શકાય.

 

તેની ખૂબ જ મહત્વાકાંક્ષી ફિલ્મ 'પ્રોનોય પાશા' ફ્લોપ જતા તે ભાંગી પડયા હતા. તેના અંગત જીવનમાં પણ માનસિક આંચકાઓ આવતા રહેલા. તે એ હદે કામ કરવાની પ્રેરણા અને આત્મ વિશ્વાસ ગુમાવવા માંડયા કે તેણે સત્યજીત રે અને રાજકપુર જેવા દિગ્ગજોની એવી સ્ક્રિપ્ટ ઠૂકરાવી કે ફિલ્મ સુચિત્રા સેન હોય તો જ શક્ય બને તેમ કહી સ્ક્રિપ્ટ કાયમ માટે અભરાઇએ  મૂકી દેવામાં આવી હતી.

 

૨૫ વર્ષની ફિલ્મ કારકિર્દી બાદ ૧૯૭૮માં ભગ્ન હૃદયી અને ગ્લેમરના ચઢાવતા-ઉતાર-સ્વાર્થ જેવા રંગોથી તે ડીપ્રેશન અનુભવવા માંડયા હતા. ૧૯૭૮માં તે રામક્રિષ્ન મિશન, બેલુર મઠ પહોંચી ગયા. ભરત મહારાજના ચરણોમાં ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયા હતા. સ્વામીજીએ તેને એટલું જ કહ્યું કે ''મોહ, લોભમાંથી  મુક્ત થઇ જા.''

 

બસ તે ઘડી અને છેક મૃત્યુ શૈય્યા સુધી તેની એકલતા રહસ્યમય રહી. મહામહેનતે તે કોઇ વખત તેના જૂના મીડિયા મિત્ર યુએનઆઇના ગોપાલ ક્રિષ્ન રોયને મુલાકાત આપતા પણ તે ક્યાં છે તેની કોઇને જાણ નહીં કરવાની  શરતે.

 

ગોપાલ ક્રિષ્ન તેને બે-ત્રણ વખત ખાસ આગ્રહ કરીને ખુલ્લી હવામાં સૂર્યાસ્ત થયા પછી બહાર લટાર લગાવવા માટે લઇ જવામાં સફળ થયા તો પણ સુચિત્રા સેન બુરખાની જેમ દુપટ્ટાથી ચહેરો છુપાવી દેતા.

 

સુચિત્રા સેન વર્ષોથી બહાર જ નીકળ્યા નહીં હોઇ તેના પગ જાણે જમીન પર લથડિયા ખાતા હતા. ખુલ્લી હવામાં તેમને વધુ ગભરામણ - ઘૂટન અનુભવાતી હતી તે હદે એકલતાને ઓઢી લીધી હતી.

 

ગોપાલ ક્રિષ્ન રોયને એક પ્રસંગ કાયમ યાદ રહ્યો છે. એક વખત ઘણા અરસા બાદ તે સુચિત્રા સેનને ગાર્ડનમાં લઇ જવામાં સફળ થયા. સાંજ ઢળી ચૂકી હતી. સુચિત્રાએ તેના ચહેરાને સંપૂર્ણપણે નહતો ઢાંક્યો. એક ફિલ્મ ચાહક તેને ઓળખી ગયો. ગોપાલ ક્રિષ્નએ તેને રોમાંચથી પાગલ થઇ બૂમાબૂમ ના કરવા સૂચના આપી.

 

ચાહકે જીદ કરી કે મારે સુચિત્રા સેન સેનના હસ્તાક્ષર જોઇએ છે. પેન તો મળી પણ હસ્તાક્ષર માટેનો કાગળ ના મળ્યો. ચાહક નિરાશ થયો ત્યાં જ સુચિત્રા સેને રસ્તા પર પડેલું સિગારેટનું ખોખુ જાતે જ નીચા નમીને ઉપાડયું અને તેમાં તેના હસ્તાક્ષર કરી આપ્યા.

 

તે પછી આ નસીબદાર ચાહકે સુચિત્રા સેનનો આપેલું વચન પાળતા જાહેરમાં ક્યારેય તેને સુચિત્રા સેનને ગાર્ડનમાં મળ્યા હતા તેવી કોઇને જાણ સુધ્ધા નથી કરી. ગોપાલ ક્રિષ્ન આજે પણ તે ચાહકને શોધવા તેની રીતે પ્રયત્ન કરે છે.

 

આવી ઘટના પછી  સુચિત્રા સેને  બહાર નીકળવાનું સદંતર બંધ કરી દીધું. ગોપાલ ક્રિષ્નને કહીને ડોકટર પણ  ઘેર બોલાવતા.

 

કોઇ વ્યક્તિનો સામનો કરવાનો આવે તો ઓળખાય ના જાય તેની ખાસ તકેદારી રાખતા. ઘેર આવેલા ડોકટર અંગે રમૂજ કરતા તેણે ગોપાલ ક્રિષ્નને કહ્યું હતું કે તે જે ડોકટરને મારી સારવાર માટે મોકલ્યો હતો તેણે મારા હાથના કાંડાને પાંચ મીનીટ સુધી પકડી રાખ્યું હતું. તેણે કહ્યું કે ''મેડમ હું તમારી નાડીના ધબકારા માપું છું.'' ગોપાલ ક્રિષ્નએ કહ્યું કે ''હા, મેડમ એમાં ખોટું શું છે?''

 

સુચિત્રા સેને સ્મિત વેરતા કહ્યું કે ''નાડીના ધબકારા માપવામાં કેટલી વાર લાગે તેટલી તો મને ખબર છે હો.''

 

મનોબીમારી બની ચુકેલી આ એકલતાની પરાકાષ્ટા તો ત્યારે સર્જાઇ જ્યારે ૨૦૦૫માં ભારતીય સિનેમા જગતનો સૌથી પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ સુચિત્રા સેનને જાહેર થયો પણ તેમણે તેમના કોલકાતા સ્થિત ઘરમાંથી બહાર ન નીકળવાની જ મમત ધારણ કરી હોઇ એવોર્ડ લેવા દિલ્હી જવાનો તો પ્રશ્ન જ ન હતો. ૨૦૧૨માં 'બંગભુષણ' એવોર્ડ લેવા પણ બહાર ના આવ્યા.

 

૨૪ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ફેફસાની બીમારીની સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યાં પણ તે જાણે ભૂગર્ભમાં રહે તેવી શરત સાથે સારવાર લીધી. એક વ્યક્તિ પણ તેને મળી નહોતી શકી.

 

૧૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ તેનું નિધન થયું અને તેની અંતિમ ઈચ્છા પ્રમાણે મૃત્યુના પાંચ જ કલાકમાં કોઇ તેના મૃતદેહના દર્શન પણ ના કરે તે રીતે બંધ કાચની કોફિનમાં તેમને સ્મશાન લઇ જવાયા હતા.

 

આમ છતાં હજારો ચાહકો ઉમટી પડયા હતા પણ તેમના અંતિમ દર્શન ન હતા કરી શક્યા. હોલિવુડમાં આ જ દરજ્જાની અભિનેત્રી ગ્રેટા ગાર્બોએ પણ આજ રીતે દાયકાઓ સુધી અજ્ઞાાતની પછેડી ઓઢી વિદાય લીધી હતી.

 

વિચારો... સુચિત્રા સેન ૧૯૭૮થી ૩૬ વર્ષ એકલા અને લગભગ ઘરના ઓરડામાં જ આટલા વર્ષો કેદ રહ્યા. દેશ-વિદેશની જાણીતી જ નહીં આજે પણ ભારત સહિત વિશ્વમાં આ રીતે એકલા રહેતા  હજારોની સંખ્યામાં છે.

 

ઘણા પોતાના એક જમાનાનું રૂપ અને સાહ્યબીનો રંગ ઓસરી જતા આયનાથી જ દૂર ભાગે છે. કોઇ તેની ચાહકોએ બાંધેલી ઇમેઝ વગરનો ચહેરો જોઇ ના જાય તેવા ફોબીયાથી પીડાય છે. ઘણા મતલબી દુનિયાની થાપટો ખાઇને દુનિયાની જોડે જ બદલો લઇને આવી એકલતાનો  બંડ પોકારે છે.

 

દેવ આનંદ પણ તેમના અંતિમ દર્શન - યાત્રા ભારતમાં ન થાય તેની તકેદારી લેતા જ આ ફાની દુનિયા છોડી ગયા હતા. એકલતા તો વહેલા મોડા ઘણાના નસીબમાં આવે પણ તેને એકાંતમાં ફેરવવાની કળા બધાને હસ્તગત કરવી રહી. Lonliness ને Solitude માં ફેરવીએ તો કેવું?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os1BAnudO%2B1F6wU-vxTkaFrx4QHDVHTXTXftDE%2BqByXyg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment