Thursday 29 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ટૂંક સમયમાં જ ગુમ થઈ જશે કનાક (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટૂંક સમયમાં જ ગુમ થઈ જશે કનાક!
પ્રાસંગિક-મૌસમી પટેલ

 

 


જરા વિચારો કે તમને આભાસ થવા લાગે કે જે જમીન પર તમારું સપનાનું ઘર ઊભું છે એ જમીન નીચે ધસી રહી છે અને એક સમય એવો આવશે કે જ્યારે તમારા ઘર અને વિસ્તારનો નામોનિશાન મટી જવાનો છે તો?


દુનિયાના સૌથી ઉત્તરી છેડા પર આવેલા ગ્રીનલેન્ડનો એક નાનકડો કસબો છે કનાક. હવે તમને થશે કે આજે અચાનક આ નાનકડાં કસબા વિશે વાત કરવાનું કેમ થયું? પણ વાત જરા ગંભીર છે કારણ કે ગ્લોબલ વૉર્મિંગમાં સૌથી પહેલાં ભોગ આ નાનકડાં ગામડાનો લેવાશે. જી હા, ટૂંક સમયમાં જ આ નાનકડો કસબો હતો ન હતો થઈ જશે.


ક્લાઈમેટ ચેન્જ સામેના યુદ્ધમાં શહીદ થઈ જનાર આ કસબાની વસતી ૬૫૦ લોકોની છે અને અહીંના લોકો બરફ કરતાં પણ વધુ ઠંડા માહોલમાં જીવે છે. છેલ્લાં બે કે એથી વધુ વર્ષથી અહીંનું તાપમાન ઝીરો ડિગ્રી કરતાં પણ ઓછું હોય છે. આર્કિટિકમાં આવનાર આ વિસ્તાર મોટાભાગે તો થીજેલું જ હોય છે અને આ બાબતને ધ્યાનમાં લઈને જ અહીંનું બાંધકામ કરવામાં આવ્યું છે. પરંતુ હવે ગ્લોબલ વૉર્મિંગને કારણે દુનિયાભરમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે અને ધરતીનું તાપમાન પણ વધી રહ્યું છે. તાપમાન વધવાને કારણે કનાકની જમીન (બરફ) પીગળી રહી છે અને હવે આ જમીન તેની ઉપર બાંધવામાં આવેલાં મકાનોનો ભાર વહન કરવા માટે અસમર્થ પુરવાર થઈ રહી છે. આગળ જતાં પરિસ્થિતિ વધુ વણસે એવી શક્યતા પર્યાવરણના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આર્કિટિકમાં આવેલાં અન્ય ગામડાઓની પણ આ જ સ્થિતિ છે, પણ આમાંથી કેટલાંક ગામડા બરફના બદલે માત્ર પર્વત પર જ આધાર રાખે છે. ૧૯૫૦ના દાયકામાં વસાવેલુ કનાક માટી, રેતી અને દલદલવાળી જમીન પર વસેલું છે, તેથી આ ગામ પર ગ્લોબલ વૉર્મિંગનું જોખમ સૌથી વધુ તોળાઈ રહ્યું છે અને તેનો ભોગ પણ આ ગામ જ સૌથી પહેલાં બનશે.


કનાકમાં પર્માફ્રોસ્ટ એટલે કે બધું જ થીજી જાય એવી પરિસ્થિતિ હોય છે, જેને કારણે જમીનની ઉપર જ મકાન બનાવવામાં આવ્યા છે. પર્વતીય કે ડુંગરાળ પ્રદેશની સરખામણીએ માટી અને દલદલી વિસ્તારમાં પાણી હોય છે અને આ જ સૌથી મોટો પડકાર હોય છે. જ્યાં પર્માફ્રોસ્ટની પરિસ્થિતિ હોય ત્યાં જમીન પણ થીજી જાય છે અને આ જ જમીન પીગળી પણ જાય છે એટલે આ જમીન હાલક ડોલક પણ થાય છે, ઘણી વખત આને કારણે મકાન ધસી પણ પડે છે. જળવાયુ પરિવર્તનને કારણે જમીન પર જામી ગયેલો બરફ પીગળી રહ્યો છે અને આને કારણે કનાકમાં આવેલાં કેટલાંક ઘરોને નુકસાન પણ પહોંચ્યું છે અને હજી પહોંચી રહ્યું છે. ઘરની ફ્લોરિંગ ઊખડી રહી છે, દીવાલોમાં તિરાડ પડી રહી છે. કેટલાંક ઘરોની દીવાલમાં તો એટલી મોટી તિરાડ પડી ગઈ છે કે તેમાંથી હવા અંદર આવી જાય છે, આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેટલાક લોકોએ ટૅપ ચીપકાવી દે છે. ટૂંક સમયમાં જ આ નાનકડો કસબો ગુમશુદગીના અંધારામાં ખોવાઈ જવાની શક્યતા હવે એટલા માટે બળવત્તર બની રહી છે કારણ કે બરફ પીગળવાની ગતિ જે અત્યાર સુધી ધીમી હતી તે હવે ઝડપી બની રહી છે. ૨૦૧૮માં ગ્રીનલેન્ડમાં કેટલાય દિવસો એવા પણ રહ્યા છે કે જ્યારે ઉષ્ણતામાન ૨૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળ્યું હતું. આ તાપમાન ૧૯૫૮-૨૦૦૨ વચ્ચેના સરાસરી ઉષ્ણતામાન કરતાં વધુ છે. દુનિયામાં જ્યારે ઉષ્ણતામાનમાં એકાદ ડિગ્રીનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે ઉત્તરી ધ્રુવ પર આવેલા અનેક વિસ્તારોમાં ઉષ્ણતામાનમાં ૩ ડિગ્રી સેલ્સિયસ વધારો થયો છે.


કનાકમાં આવશ્યક સામાનનો પુરવઠો વર્ષમાં બે જ વખત કરવામાં આવે છે અને આ વિસ્તારનો સમાવેશ દુનિયાના સૌથી રિમોટ ગણાતા વિસ્તારમાં કરવામાં આવે છે જ્યાં લોકો સમુદ્ર પર જામેલા બરફ ઉપર શિકાર કરીને જીવન નિર્વાહ કરે છે. સ્થાનિકોનું માનવું છે કે દર વર્ષે સમુદ્રી બરફનું પ્રમાણ અલગ અલગ હોય છે, કારણ કે ઉનાળાના કારણે બરફની જાડાઈ ઓછી હોય છે. આને કારણે શિકારીઓએ પોતાના ખાન-પાનમાં ફેરફાર કરવાનો વારો આવે છે. બરફની જાડાઈ ઘટવાને કારણે જૂના રસ્તા પરથી પસાર થવું પણ જોખમી બની જાય છે. દર વર્ષની સરખામણીએ અહીં શિકારની સિઝન પણ ઘટી રહી છે.


શિકાર ઉપરાંત પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે અહીંના લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકવો પડે છે. આ ગામવાસીઓને પીવાનું પાણી બાજુમાં આવેલી નદીમાંથી મળે છે, પણ શિયાળામાં અહીં એટલી બધી ઠંડી હોય છે કે નદી થીજી જાય છે. આવા સમયે લોકો બરફ લઈ આવે છે અને પછી જરૂરિયાત પ્રમાણે તેમાંથી પાણી તૈયાર કરવામાં આવે છે. બરફ પીગળી રહ્યો છે એટલે માત્ર કનાકનાં મકાનો અને ત્યાં રહેનારા લોકો પર ઉપર જ જોખમ તોળાઈ રહ્યું છે એવું વિચારી રહ્યા હોવ તો એ સદંતર ખોટું છે, કારણ કે આ જોખમ તેમની સભ્યતા, સંસ્કૃતિ પર તોળાઈ રહ્યું છે.

-----------------------------

ૄ ૧૯૭૯થી આ વિસ્તારમાં બરફનો ડેટા સેટેલાઈટની મદદથી રાખવામાં આવી રહ્યો છે. ૨૦૦૭ના વર્ષથી અહીં બરફ પીગળવાનો રેકૉર્ડ સૌથી ખરાબ રહ્યો છે અને સતત ૧૦-૧૧ વર્ષથી આ સિલસિલો ચાલતો આવ્યો છે.


ૄ સપ્ટેમ્બર, ૨૦૧૮માં આ વિસ્તારમાં ૧૯૮૧-૨૦૧૦ની સરખામણીએ ૨૬.૬ ટકા બરફ ઘટી ગયો હતો.


ૄ ૨૦૧૪માં આ ઘટાડો ૨૪.૮ ટકા જેટલો હતો, ૨૦૧૬માં સરાસરી ૨૯.૪ ટકા ઓછો બરફ જોવા મળ્યો હતો.


ૄ બરફના થરની જાડાઈમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ૧૯૮૦થી ૨૦૦૮ વટ્ટે આર્કિટિક સમુદ્રમાં બરફના થરની જાડાઈ ૩.૬૪ મીટર હતી, જે હવે ઘટીને ૧.૮૯ મીટર જેટલી જ રહી ગઈ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYsKQUBeNoRRE%3Dgi_oBiZfMr8XXjHvLOnaFC3F-xx%2B%3DA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment