Tuesday, 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શહેરની કેન્દ્રીય માર્કેટ એટલે મહાત્મા ફુલે માર્કેટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શહેરની કેન્દ્રીય માર્કેટ એટલે મહાત્મા ફુલે માર્કેટ!
મુંબઈ મસ્ત-રાજુ કુર્લેકર

 

 

 

આપણા શહેરમાં જાતજાતના પરિવર્તનો કાયમ અને સતત થયા ર્ક્યા છે, કેટલાક પરિવર્તનો સામાજિક સુધારણાના ભાગ તરીકે તો કેટલાક રાજકીય સુવિધા માટે કરાયા છે. આપણા શહેરનું જે ઘડતર થયું તેમાં એ સમયના અંગ્રેજ અધિકારીઓનો મહત્ત્વનો ફાળો છે, એ ભૂલીને નહીં ચાલે. બધા જ અંગ્રેજ અધિકારીઓ અતિશય ખુન્નસ ધરાવતા કે ખરાબ કે આપણા ઉપર અન્યાય કરનારા હતા એવું નથી, પણ સ્વદેશીનાં આંદોલન સમયે એ તમામ લોકો પર કેટલાક પ્રમાણમાં અન્યાય કરવામાં આવ્યો એ પણ ભુલાય એમ નથી. આર્થર ક્રૉફર્ડને એમાંનો જ એક ગણવો પડે. એણે ભ્રષ્ટાચાર કર્યો, ભંડોળનો ગેરઉપયોગ કર્યો અને એ કારણે એને શહેરમાંથી ઈંગ્લૅન્ડ પરત બોલાવવામાં આવ્યો હતો. એ સત્તામાં હતો ત્યારે ફક્ત ભ્રષ્ટાચાર કર્યો હતો એવું સાવ નથી, પણ એણે શહેરની સુધારણા માટે અનેક પ્રયત્નો કર્યા હતા.

 

વર્ષ ૧૮૦૯માં ગવર્લર જોનાથન ડંકને ઘોડાના તબેલામાં કે ઘોડારમાં માર્કેટ ઊભી કરી હતી. એ જગ્યા સગવડ પડે એવી નહોતી છતાં લોકોને નજીક પડતી હતી. વર્ષ ૧૮૩૭માં નળબજાર નજીક એક માર્કેટ-મંડઈ ઊભી કરવામાં આવી હતી. અબ્દુલ રહેમાન સ્ટ્રીટ ખાતે એક ખાનગી માર્કેટ ઊભી કરવામાં આવી હતી. ગીરગામના રહેવાસીઓ માટે ચીરાબજાર માર્કેટ ધોબીતળાવ અને ઠાકુરદ્વારના નાકે ઊભી કરવામાં આવી હતી. અહીં માંસાહાર કરનારને લગભગ બધું જ મળી જતું. વર્ષ ૧૮૪૭માં મિન્ટ રોડ પર કિલ્લાની બહાર માર્કેટ ઊભી કરવામાં આવી હતી. બઝાર ગેટ સ્ટ્રીટ ખાતે એક બ્રેડ માર્કેટ હતી. જોકે, બધી જ માર્કેટમાં બધી વસ્તુઓ મળતી નહીં એટલે જ કેન્દ્રીય માર્કેટ ઊભી કરવાનો વિચાર જોર કરવા લાગ્યો હતો.

 

વર્ષ ૧૮૬૫માં મુંબઈ મહાપાલિકાના કાયદાએ અનુમતિ આપી પછી શહેરના વિકાસની અનેક યોજના ઘડાવા લાગી. મુંબઈ શહેર માટે મધ્યવર્તી-કેન્દ્રીય માર્કેટનો વિચાર આર્થર ક્રૉફર્ડે જ રજૂ કર્યો હતો અને એને સાકાર કરવા પ્રયત્ન કર્યો હતો. એ માટે એણે હાલના પોલીસ મુખ્યાલય સામેની ખુલ્લી-મોકળી જગ્યા મેળવી. ધોબીતળાવથી છેક બોરીબંદર સુધીની ખુલ્લી જગ્યામાં એક ખૂણે માર્કેટ ઊભી કરવાની તેની દૂરંદેશી નક્કી જ વખાણવા લાયક હતી. શહેરની સ્વચ્છતાને મહત્ત્વ આપવામાં આવ્યું. શહેરના કસાઈખાના સદંતર ગામ બહાર ધકેલી દેવામાં આવ્યાં, તેમ જ તમામ ચીજવસ્તુ એક જ જગ્યાએ મળે એવો વિચાર રજૂ કરવામાં આવ્યો. નળબજાર અને મિન્ટ રોડ ખાતેની માર્કેટોની સુધારણા કરવામાં આવી.

 

પોલીસ મુખ્યાલય સામેની ૭૨ હજાર ચોરસ યાર્ડની જગ્યા મળતાં વાસ્તુશાસ્ત્રી ઈમર્સને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના શિલ્પ અને સ્થાપત્યશસ્ત્રના પ્રાધ્યાપક લૉકવૂડ કિંપલિંગ (લેખક રૂડયાર્ડ કિપલિંગના પિતા)ને આ માર્કેટના નકશામાં સુંદરતાનો ઉમેરો કરવા માટે કલ્પનાશીલ વિચારો સૂચવવા જણાવ્યું. એમણે ખાસ્સો વિચાર કર્યો, પણ સંપૂર્ણ ભારતીય લાગે એવા શિલ્પ તેમણે તૈયાર કરવાના હતા. ૧૧ લાખ, ૧૮ હજાર, ૫૦૦ રૂપિયાના ખર્ચે આ ઈમારત ઊભી થઈ. વર્ષ ૧૮૬૮ના જાન્યુઆરી મહિનામાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લૉકવૂડે લાકડામાં કોતરકામ કરીને તૈયાર કરેલું શિલ્પ આજે પણ માર્કેટના દર્શની ભાગમાં (મોખરાના ભાગમાં) જોવા મળે છે, પણ દોડધામની જિંદગીમાં કોઈનું ધ્યાન એના તરફ જતું નથી. કિપલિંગ એ જે. જે.ના પ્રાંગણમાં જ રહેતા હતા. માર્કેટના પ્રવેશદ્વાર ખાતે સંપૂર્ણ ભારતીય સંકલ્પનાનું શિલ્પ હોવું જોઈએ એવો વિચાર તેમના મનમાં હતો. એ મુજબ તેમણે પ્રથમ દર્શની હિસ્સામાં અર્ધવર્તુળાકાર સાંકડી જગ્યામાં ચિત્રમાલિકાની જેમ અનેક શિલ્પો આકાર્યાં છે. એ શિલ્પના વ્યક્તિચિત્રમાં ગ્રામીણ વેશ, જે તે વ્યક્તિની શરીરરચના, તેમની બેઠક તેમ જ પ્રમાણબદ્ધ હલનચલન જોવા જેવી છે. આ શિલ્પના મધ્યભાગે માથા પર ફળનો ટોપલો લઈ જનારો હમાલ દર્શાવવામાં આવ્યો છે ને એના ટોપલામાં કેળાં, અનાનસ, સીતાફળ જેવા ફળો એકદમ અસલ લાગે છે. ફળોના વજનના ટોપલાથી વાંકો વળી ગયેલો હમાલ, એની પગની પિંડીમાં દેખાતો વળ જોઈને અફલાતુન જીવંત લાગતું શિલ્પ તૈયાર કરનારો કલાકાર કેટલી ગજબની ક્ષમતા ધરાવતો હશે એવી થોડી કલ્પના આવે છે. આ મુખ્ય શિલ્પની બાજુમાં કામળો કે ગૂણપાટ લઈને બેઠેલો કામગાર છે. આ કામદાર ઉઘાડોબંબ છે અને માથા પર ફાળિયું છે. ગરદન ઊંચી કરેલા એના ચહેરા પર કામ માટે અંકિત લાચારી-દયનીયતા સ્પષ્ટ દેખાય છે. એની સામે એક ગ્રાહક ઊભો છે. આ બેઉ વચ્ચે બળદગાડાનું પૈડું અને બળદગાડાનો થોડો ભાગ દેખાડીને ત્યારનો ગ્રામ્ય સમાજ ઊભો કર્યો છે. આ પરિસર ખેતીની ઊપજના વેચાણનો હોવાનું દર્શાવ્યું છે.

 

આ શિલ્પની વિરુદ્ધ દિશમાં નીચે બેઠેલી એક અસલ મરાઠી પ્રકારની અને ઊભેલી ગુજરાતી પ્રકારની સાડી પહેરેલી મહિલાઓ દર્શાવી છે. એમની પાછળ એક કાંખમાં અને બીજું એની પાછળ એમ બે બાળક લઈ એક મહિલા ઊભી હોવાનું દર્શાવ્યું છે. એની પાછળ એક છોકરાની પાછળ એક પુરુષ પણ ઊભો હોવાનું દેખાડ્યું છે, જાણે આખું કુટુંબ ખરીદી માટે આવ્યું હોય! મહિલાની કાંખમાં રહેલા બાળકનાં શરીર પરનાં વસ્ત્રો આબેહૂબ કંડારવામાં આવ્યા છે. એ એક અર્ધવર્તુળાકાર શિલ્પ છે અને બીજા અર્ધવર્તુળાકાર શિલ્પમાં જુદા ભારતીય પહેરવેશમાં વિક્રેતા દર્શાવવામાં આવ્યા છે. માળણ (ફૂલ વેચનારી), દૂધવાળી, બકરી, ઝાડનાં મૂળ પાસે ઊભડક કે અધડૂક બેઠેલો માણસ અને એની વિરુદ્ધ બાજુએ બેઠેલો એક ધનિક, એની પાછળ ખભા પર માટીનો ઘડો લઈને જતો માણસ, પીઠ ફેરવીને ઊભેલી એક મહિલા અને ગાય.

 

આ માર્કેટની ખાસિયત એવી હતી કે અહીં આવનારા દરેક જણને પીવાનું પાણી મળતું હતું. પીવાના પાણીનો ફુવારા આ માર્કેટમાં હતા. આ માર્કેટની મોકળી જગ્યામાં એક બાગ હતો. વધતા જતાં ટ્રાફિકના કારણે આ બાગ લુપ્ત થયો છે, પણ ત્યાં ફુવારા હતા. સીએસએમટી, મધ્ય રેલવેના મુખ્યાલયની ઈમારત પર વરસાદનું પાણી વહી જવા માટે જે રીતે શિલ્પો ઊભારવામાં આવ્યા હતા એ જ રીતે માર્કેટના ફુવારા માટે ચારે દિશાએથી પાણી બહાર પડવા માટેની જગ્યા કિપલિંગે શિલ્પો દ્વારા બનાવી હતી. કેટલાક વર્ષો બાદ આ ફુવારામાંની યંત્રણા બંધ પડી એટલે ફુવારા જાણે ભંગારનો સામાન બની ગયા. હાલમાં એનો ઉપયોગ આજુબાજુના વેપારીઓના સામાનનાં ખોખાં રાખવા માટે કરવામાં આવે છે. માર્કેટ જ્યારે ઊભી કરાઈ ત્યારે ત્યાં ૮૮૮ ગાળા હતા. જુદા જુદા ઠેકાણે ચોક્કસ જણસો-ચીજો મળવાની વ્યવસ્થા કરાઈ હતી. એ સમયે આ માર્કેટ દ્વારા પાલિકાને વર્ષે એક લાખ, ચાર હજાર રૂપિયાની આવક થતી હતી. મુખ્ય પ્રવેશદ્વાર નજીક ૧૨૦ ફૂટ ઊંચો ઘડિયાળ માટેનો મિનારો છે. આ ઘડિયાળના સમયની એક મજેદાર વાર્તા છે. અગાઉ જ્યારે માર્કેટ શરૂ થઈ ત્યારે એ ઘડિયાળનો સમય ગ્રિનિવિચ સમય અનુસાર દર્શાવાતો હતો. સ્વાભાવિક જ એ ઘડિયાળનો સમય આપણા સમય કરતાં પાછળ જ રહેતો. ત્યારના ગવર્નરની સૂચના પ્રમાણે એ સમય દર્શાવાતો હતો. ત્યારના મેયર ફિરોજશાહ મહેતાના ધ્યાન પર ઘડિયાળના સમયની વાત આવી એેટલે એમણે તરત જ એ ગવર્નરને કડક શબ્દોમાં સંભળાવી દીધું અને મુંબઈનો સમય એ ઘડિયાળમાંથી સૌને દેખાવો જોઈએ, એવો આદેશ આપ્યો અને એ આદેશનો અમલ તાત્કાલિક કરવામાં આવ્યો હતો. આ માર્કેટની ઊંચાઈ એના કેન્દ્રના ભાગમાં એકાવન ફૂટ છે. ક્રૉફર્ડ માર્કેટનું મહાત્મા ફુલે મંડઈમાં રૂપાંતર થયું અને મૂળ માર્કેટનું સ્વરૂપ જ બદલાઈ ગયું. હવે સ્વદેશી મંડઈ ઊભી છે અને ત્યાં બધું હોલસેલ ભાવે મળે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtMB1BaVP-aSwLs3fbUk6M1VKXB0R4JC0Gq1U17nYkUGg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment