Friday 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ થોડા ખુદની જાત ઉપર પ્રહારો જોઈએ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા ખુદની જાત ઉપર પ્રહારો જોઈએ...
શિશિર રામાવત

 

 

 

પ્રેમમાં હોવું અને સ્વમાની હોવું – શું આ બન્ને વિરુદ્ધ સ્થિતિઓ છે? પ્રેમમાં અહમ ઓગાળી દેવો પડે તે બરાબર છે, પણ પ્રેમમાં શું સ્વમાન પણ ઓગાળી દેવાનો હોય?


મરીઝ આપણી ભાષાના એવા સશક્ત સર્જક છે કે એમની ગઝલો પાસે જ્યારે જઈએ ત્યારે દર વખતે મનમાં નવા ઉઘાડ થાય, નવો ઉજાસ રેલાય. મૃત્યુના સાડાત્રણ દાયકા પછી પણ તેમની રચનાઓ તરોતાજા લાગે છે ને આવનારા દાયકાઓમાં પણ લાગતી રહેવાની, કેમ કે એમણે સર્વકાલીન મૂલ્યો અને સત્યોને વણી લીધાં છે.  


તાજગી યુવાનીનું લક્ષણ છે. યુવાનીમાં શરીર, એનું બળ અને આવેગો ઉચ્ચતમ સપાટી પર હોય છે. હોર્મોન્સ અશ્વની જેમ હણહણતા હોય છે. તેના કેફમાં ક્યારેક જિંદગીના અન્ય સૌંદર્યો ઢંકાઈ જાય એવું બને. મરીઝ એટલે જ કહે છે કે -


છે બીજા કંઈક નશા એની મઝા લેવી છે,
ઓ જવાનીના નશા, થોડો હવે કમ થઈ જા!


યૌવન પોતાની સાથે જિંદગીની કેટલીક શ્રેષ્ઠતમ મજા અને શક્યતાઓ લઈને આવે છે તે સાચું, પણ યૌવન એ માત્ર શારીરિક અવસ્થા નથી. આ એક માનસિક સ્થિતિ છે. યુવાની એક એટિટ્યુડ છે, જેનો સંબંધ જીવન પ્રત્યેની ઉત્સુકતા અને તત્પરતા સાથે છે. જ્યાં સુધી પ્રશ્નો થતા રહે છે, ગ્રહણશક્તિ અકબંધ રહે છે અને વિસ્મયવૃત્તિ શમતી નથી ત્યાં સુધી માનસિક યુવાની ઓસરતી નથી. આ દષ્ટિએ ઘણા માણસો મૃત્યુપર્યંત મન-વિચાર અને કર્મથી યૌવનસભર જિંદગી જીવે છે. સમયની સાથે અનુભવોની સમૃદ્ધિ અને વૈવિધ્ય વધતાં જાય છે. જીવન આપણે કલ્પના પણ કરી ન હોય એવી રંગછટાઓમાં આંખ સામે ખૂલતું જાય છે. આ સંદર્ભમાં મરીઝનો આ શેર ખરેખર અદભુત છે -


જિંદગાનીનું ઘડામણ એટલું સહેલું નથી,
થોડા ખુદની જાત ઉપર પ્રહારો જોઈએ.


પ્રહારો વગર શી રીતે જીવનનું ઘડતર ક્યાંથી થવાનું? સંજોગોના પ્રહારો, સંબંધોના પ્રહારો. અલબત્ત, જો મન ખૂલ્લું રાખીને જીવતાં શીખ્યા હોઈશું તો પીડાદાયી અનુભવો પણ જીવનને સરવાળે સમૃદ્ધ બનાવશે. જીવનની યાત્રા દરમિયાન ક્યારેક એવો પ્રશ્ન પણ જાગે કે પ્રેમમાં હોવું અને સ્વમાની હોવું – શું આ બન્ને વિરુદ્ધ સ્થિતિઓ છે? પ્રેમમાં અહમ ઓગાળી દેવો પડે તે બરાબર છે, પણ પ્રેમમાં શું સ્વમાન પણ ઓગાળી દેવાનો હોય?

બસ એટલી કમી છે કોઈ મહેરબાનમાં,
હો લાખ પ્રેમ તોય રહે છે સ્વમાનમાં.


મરીઝ કહે છે તેમ, કોઈના પ્રત્યે પારાવાર પ્રેમ હોવા છતાંય માણસ જો સ્વમાનભેર જીવતો હોય તો તે એની કમી ગણાઈ જાય છે. આ તે વળી કેવું? સ્વમાન રંગ અને આકારો બદલતું નથી. તે એક સ્થિર વસ્તુ છે. સ્વમાનભેર જીવવું છે? તો દુનિયાદારીને તમારા પર હાવી થવા ન દો! એટલે જ મરીઝ કહે છેને કે -    
ઇજ્જત એ શું કે જેની સ્થિતિ પર મદાર હો,
દુનિયાથી પર બને તે રહે છે સ્વમાનમાં.


પણ દુનિયાદારીથી પર થવું એટલું સહેલું નથી. જિદંગી મોટે ભાગે તો એક ગોઠવાયેલા લય પ્રમાણે વહ્યા કરતી હોય છે. પોતાની જિંદગીને ડિફાઇન કરવા માટે માણસ પાસે શું જોઈએ? જીવનની એકેએક ક્ષણનો હિસાબ કે પછી કેટલીક ખાસ પળો જે અત્યંત તીવ્રતાથી જીવાઈ હતી? રુટિન ક્રમમાં બંધાતા-છૂટતા સંબંધો કે પછી કેટલાક ખાસ સંબંધો જેણે આપણા જીવનને હર્યુંભર્યું બનાવી દીધું હોય? મરીઝ કહે છે તેમ, ડિફાઇનિંગ મોમેન્ટ બની શકે એવા પ્રસંગો અને સંબંધો તો મુઠ્ઠીભર જ હોવાના.


જીવવા જેવા હતા એમાં ફક્ત બેત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.
એ હવે રહી રહીને માગે છે, પરિવર્તન, 'મરીઝ',
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.


શું સારું હતું ને ખરાબ હતું તે સમજવામાં ક્યારેક આખી જિંદગી નીકળી જતી હોય છે. માણસનો વિનાશ નોતરતી ક્ષણો ક્યારેક અતિ રૂપાળું સ્વરૂપ લઈને આવતી હોય છે. મરીઝ કહે છે કે બદબાદીને હું આબાદી માનતો રહ્યો ને મને એની આદત પડી ગઈ. હવે સાવ સામે છેડે પહોંચ્યા પછી તમે મને એ છોડવાનું કહો તો તે કેવી રીતે શક્ય બને!


જીવનમાં સંબંધો બનતા રહે છે, છૂટતા રહે છે. સંબંધ ધીમે ધીમે અસ્ત થવો તે એક વાત છે અને એક સંઘાત સાથે એના પર પૂર્ણવિરામ મૂકાઈ જવું તે તદન જુદી વસ્તુ છે. જીવન અકળ છે તો મોત એના કરતાંય વધારે અણધાર્યું છે. મૃત્યુ પૂર્વસૂચના આપ્યા વિના કોઈ પણ ક્ષણે ત્રાટકી શકે છે. જે સ્વજન કે પ્રિયજન સાથે અત્યારે બેઠા છીએ તે અંતિમ મુલાકાત નથી જ એની શી ગેરંટી? તેથી જ વિખૂટા પડવાનું આવે ત્યારે મનમાં કડવાશ બિલકુલ ન હોય તેની કાળજી લેવી. 'આવજો' કહેવાની ક્ષણ હંમેશાં મીઠી હોવી જોઈએ, કેમ કે -
થા વિખૂટો પ્રેમથી કે કંઈ ખબર હોતી નથી,
કે મિલન કોનું ને ક્યારે આખરી થઈ જાય છે.


માણસને ઘણી ખબર હોય છે, એણે ઘણા અનુભવો લીધા હોય છે, પણ અનુભવમાંથી એ હંમેશાં શીખે જ તે જરૂરી નથી. ક્યારેક તેજીને ટકોર બસ થઈ પડે છે તો ક્યારેક ઘા પર ઘા પડતા રહેવા છતાં માણસ સમજતો નથી.
'મરીઝ' ઉપર અસર પડતી નથી કોઈ અનુભવની,
હજુ એ માન્ય રાખે છે ગમે તેની જુબાનીને.


ભૂતકાળમાં કેટલીય વાર ભરોસો કરીને પસ્તાવો કરવો પડ્યો છે, પણ તોય કોણ જાણે આ મન એવું છે કે સામેના માણસ પર અવિશ્વાસ કરી જ શકતું નથી. હજુ પણ માણસનું એની ફેસ-વેલ્યુ પરથી મૂલ્યાંકન કરી નાખે છે. અમુક પ્રકારની ચતુરાઈ કેમેય કરીને કેળવી શકાતી નથી. આ ચાતુર્ય નસીબમાં હોય તો કેળવી શકાતું હોય છે?


સફળતા-નિષ્ફળતા, યશ-ગુમનામી, મીઠા-કડવા સંબંધો... શું આ બધું નસીબની વાત છે? માણસના પ્રયાસોની સીમા ક્યાં પૂરી થાય છે અને સદનસીબની પ્રતિક્ષાનો ઈલાકો ક્યાંથી શરૂ થતો હોય છે?


પ્રયત્નોનું ન પૂછો એ હજુ પણ લાખ સૂઝે છે,
પરંતુ હું તો બેઠો છું, મુકદ્દરમાં જ માનીને.


લોકો કહેતા રહે છે કે સૌ સારા વાના થઈ જશે. વાદળાં વિખરાઈ જશે ને સારા દિવસો પાછા આવશે. ધારો કે સારા વાના ક્યારેય ન થયા તો? વાદળોનું ઘટાટોપ યથાવત રહ્યું ને સૂર્યનાં દર્શન ક્યારેય ન થાય તો?
મોડું ન કર કે આવી જીવનગત નહીં રહે,
જેવી છે આજ તેવીય હાલત નહીં રહે.

ચાહું તો જિંદગીને ફરીથી બનાવું હું,
પણ એ ફરી બગાડવા ફૂરસદ નહીં રહે.


એક ક્ષમતા હોય છે જીવવાની. ઉપરવાળા પાસે માગતી વખતે પણ સતર્ક કહેવું, કારણ કે -

ન માગે એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એવી દેશે વિતાવી નહીં શકે.


નિવૃત્તિ હંમેશાં સુખદ હોય તે જરૂરી નથી. જીવનના પાછલાં વર્ષોનો વિશ્રામ બેધારી તલવાર જેવો હોય છે. જો વીતી ચુકેલા જીવનનું સરવૈયું સુખદ હશે અથવા તેનો ભાર ઊંચકીને જીવતાં આવડી ગયું હશે તો ઉત્તરાવસ્થા મજાની વીતશે, પણ જો ન આવડ્યું તો તકલીફનો પાર નહીં રહે. પછી તો બસ, મૃત્યુ એ જ અંતિમ ઉપાય બની રહે છે. મરીઝ કદાચ એટલા માટે જ કહે છે કે -

જે મને ગમતો નથી એવો જીવનઆરામ છે,
આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે.

લાગણી જ્યાં જોઈ ત્યાં ફોકટમાં વેચાઈ ગયા,
કોઈ ન જાણી શક્યું કે શું અમારા દામ છે!


અમે તો લાગણીના ભૂખ્યા હતા. જરા અમથી લાગણી જોઈ ને અમે વહી ગયા. જો કડકાઈ રાખી હોત, ગણતરી કરી હોત, આટલી આસાનીથી હળતામળતા ન હોત તો દુનિયાને અમારી સાચી કિંમત સમજાત! ખેર, દુનિયાએ આખરે અમને નમન કર્યું ખરું, પણ ક્યારે? અમને કબરમાં પોઢાડયા ત્યારે.

માટી દીધી, 'મરીઝ', બધાયે ઝૂકી ઝૂકી,
જ્યારે મરી ગયો તો આ દુનિયા ઝૂકી મને.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvO9FXoCtUtVGU%2BNxWk3nAWG3HKVnYO-0F%3DoyFy-zZCsA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment