આમ તો મારી રાત જ કહેવાય પણ સવારના ૭ વાગ્યામાં કોઈ વિરહની તેના પ્રિયતમની રાહ જોતી હોય એ રીતે ગાલ પર હાથ રાખી કંઇક અનોખી મુદ્રામાં મારા પત્નીશ્રી દરવાજા સામે બેસી ગયાં હતાં. હું જાગ્યો અને આંખ ઝીણી કરીને તેના વર્તનને નોંધતો રહ્યો. જરા આ તરફ ચક્કર મારે, જરા પેલી તરફ ચક્કર લગાવે, ક્યારેય અટકી જાય તો ક્યારેક આમ તેમ ચક્કરભમ થઈને જોયા રાખે. આમને આમ સવારના ૮ વાગ્યા. સહેજ દરવાજો ખટક્યો હોય એવું લાગ્યું અને એ સાથે જ દોડીને હરખ સાથે દરવાજો ખોલ્યો આમતેમ નજર દોડાવી પણ ફરી હતાશ થઈને બેસી ગઈ. મોબાઇલ હાથમાં લઈને કોઈને ફોન કરવાનો સતત પ્રયત્ન કરતી હતી. ક્યારેક નાનો સૂનો બબડાટ પણ કરી લેતી. આ ઉંમરે બીજી તો કંઈ શંકા ન કરી શકાય પણ પેટમાં ફાળ પડતી હતી કે નક્કી આજ સાસરિયા પક્ષમાંથી કોઈ ધામા નાખવાનું છે. ત્યાં તો દરવાજેથી એક મીઠો અવાજ આવ્યો 'ભાભી' અને જે દોટ મૂકીને દરવાજા તરફ દોડી છે ત્યારે એમ થયું કે આ ક્યાંક ઓલમ્પિકની દોડમાં પ્રથમ આવવાના પ્રયત્નો તો નથી ને! જે વહાલ સાથે કોઈ સ્ત્રીને ભેટી એવું તેનું વહાલ ઉભરાતું મેં ક્યારેય જોયું નથી! મેં આંખ ખોલીને જોયું ત્યારે ખબર પડી કે ઓહો આ તો ૫ દિવસથી રજા પર ગયેલી અમારી કામવાળી હતી. આ ૫ દિવસમાં હું પણ કામ કરી હું એટલો થાકી ગયો હતો એટલે મન થઈ ગયું કે હું પણ ભેટી લઉં પણ ભવિષ્યના 'મને પણ'નો વિચાર આવ્યો એટલે ભેટવાનું માંડી વાળ્યું. ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી કોઈ પણ પતિને એટલું માન નથી મળ્યું જેટલું માન કામવાળીને મળે છે. હું તો સાક્ષીઓ પણ ઊભા રાખી શકું અને સાબિત પણ કરી શકું કે કામવાળીથી વધારે ઘરના કામ હું કરુ છું. આમ તો મને આ વાતની ખબર ન પડત પણ આ ઘટના પછી મને પાક્કી ખાતરી થઈ ગઈ કે જો સૌથી વહાલું હોય કામવાળી છે!!! આ વિષય માટે મહાનિબંધ પણ લખી શકાય કે 'કામવાળી શું કામ વહાલી' પણ કોશિશ કરીશ કે સંક્ષિપ્તમાં તમને સાર જણાવી દઉં. દરેક વ્યક્તિ તાત્કાલિક નિર્ણય પર આવી જ જશે કે ઘરકામ કરે એટલે કામવાળી પ્રિય હોય પણ કામવાળી જે રીતે સંજવાળી કાઢે છે તેના કરતા વધારે જોર તો હું લગાવું છું, પોતા કરવામાં એ ખૂણા બાકી રાખી દે પણ હું તો સોફા નીચે ઘૂસીને પણ ખૂણેખૂણા સાફ કરી નાખું છું. કપડાં વાસણમાં પણ મારી તોલે કામવાળી આવી જ ન શકે તેમ છતાં એક વસવસો કાયમ રહ્યો છે કામવાળી જેટલા પ્રિય પાત્ર આપણે ન થઈ શક્યા! બહુ વિચારના અંતે સાચું કારણ હાથ લાગ્યું છે જે પુરુષની ક્ષમતા બહારનું છે અને એ છે ટ્રાન્ઝેક્શન ઑફ ઇન્ફોરમેશન. સોસાયટીમાં બનતી ઘટનાઓના બ્રેકિંગ ન્યૂઝ અરનબ ગોસ્વામી કરતા પણ જોરશોરથી કાનમાં ટ્રાન્સફર કરી આપે છે. કોની છોકરી કોની સાથે લંગરિયા નાખે છે, કયા ધણી ધણિયાણી વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું હતું અને ઘરવાળીએ સમાધાનમાં શું મેળવ્યું, કયા ઘરમાં કયો નાસ્તો બને છે, કોની રસોઈ સ્વાદ વગરની હોય છે, કોનો ધણી વઘાર કરે છે, કોણે શું ખરીદ્યું, મેકઅપનો ઠઠારો કોણ વધારે કરે છે જેવી તમામ બાબતોની અપડેટ મારી ઘરવાળીને સવારના સેશનમાં જ મળી જાય છે. મારી પત્નીની એક ખૂબીની હું કદર કરું છું કે એ બહુ સાહજિકતાથી વાત કઢાવી શકે છે અને જાણે તેને રસ ન હોય એ રીતે વર્તી શકે છે. કામવાળીના ગયા પછી રસોડામાં માંડ જતું શરીર સ્ફૂર્તીલું બન્યું અને લેન્ડ લાઈન ફોન પાસે ગોઠવાઇ, તેના પિયરે, બહેનપણીઓને ફોન દ્વારા ચટપટી ભેળ જેવા સમાચારો અને એ પણ મસાલો ભભરાવીને વહેતા કરવામાં આવે છે. ખાલી ડેટ પર ગયેલી હોય તો તેને એકલા મળવાની વાત કરી દે અને જો ભાગી ગઈ હોય તો પરણાવી પણ દે. હું ટોકુ તો કહે 'બે કલાક થયા ભાગી ગયાને તો હવે પરણી તો ગઈ જ હોય ને?' ખૂબી તો એ છે કે તેમની બહેનપણીઓએ ક્યારેય બીજી રિંગ પણ વાગવા નથી દીધી અને સામા પક્ષે પણ જાણે અધીરાઈથી રાહ જોવાતી હોય અને આ એક અગત્યનું કામ હોય એ રીતે રાહ જોવાતી હોય!!! હમણાં એક દિવસ મને ઘરવાળીનો ફોન આવ્યો અને મારી પૂછપરછ શરૂ કરી કે હું ક્યાં છું. આટલેથી સંતોષ ન થયો તો હું જ્યાં પ્રોગ્રામ કરવા ગયો હતો તેના ઓર્ગેનાઇઝર સાથે કેમ છો કેમ નહીં કરીને, મિલન એકલા જ છે ને એવું પણ પૂછી લીધું. મેં ફોન લઈને આટલી બધી શંકાનું કારણ પૂછ્યું તો ખબર પડી કે કામવાળી ઘેરથી ભાગી ગઈ હતી અને તેનો વર ઘેર શોધવા આવેલો! અમારા ચૂનિયાની પત્ની તો એનાથી પણ ચડે એવી. તેની કામવાળીનું જેવું ક્યાંક ગોઠવાઇ એવું માગું નાખવા વાળાનું એડ્રેસ શોધીને કહી આવે કે 'રોજ બે કલાક ફોનમાં હસી હસીને વાતો કરતી હોય છે, કોણ જાણે કોની સાથે સેટિંગ હશે' આમને આમ ચૂનિયાની કામવાળી ૩૪ વર્ષે પહોંચી ગઈ છે પણ મેળ ન પડવા દીધો તે ન જ દીધો! આપણા ગુજરાતમાં ફીમેલ સર્વન્ટ હોય છે પણ મુંબઈમાં મેલ સર્વન્ટ હોય છે. સમાચાર એવા છે કે મેલ સર્વન્ટ વધારે ટકતા નથી પણ આ પાછળનું સરળ કારણ એ છે કે મોટાભાગે મેલ સર્વન્ટ કુંવારા હોય છે એટલે હજુ ટકટકથી ટેવાયેલા નથી હોતા. બીજું કારણ એ છે કે મેલ સર્વન્ટ ક્યારેય ગોસીપમાં રસ નથી લેતા એટલે આપણા ગુજરાતી ફેમિલી તો ન જ રાખે. કામનો ભલે ચોખ્ખો હોય પણ વાતનો બોઘો હોય એટલે ન જ ચાલે. પુરુષોને માફક ન જ આવે એ સ્વાભાવિક છે અને આ ઉપરાંત અડધો ચડ્ડો પહેરીને ઘરમાં ચક્કર મારતો હોય, પાવડાના હાથા જેવા પગ દેખાતા હોય એ જોઈને બચારાની આંખ ઠરવાની જગ્યાએ બળતી હોય!!! બહુ સારી, દેખાવડી અને લટકાળી કામવાળી હોય તો એ ૧૦ વર્ષે ઘરવાળી થઈ ગઈ હોય એવા કિસ્સા પણ મેં જોયા છે. ટૂંકમાં તમે સાઇની આહુજા પણ બની જાઓ તો નવાઈ નહીં! બાકી ઘરવાળી ન થઈ હોય તો પણ થોડાં વર્ષોમાં પોતાનું સામ્રાજ્ય તો જમાવી જ લે છે. મજાલ છે કે એ ઘરમાં કોઈ નવી કામવાળી પ્રવેશ કરી જાય? ગમે તે રીતે કામ ન કરીને પણ ટકી શકવાની કામવાળીની ક્ષમતાને જોઈને મને તો ઘણી વાર સરકાર સાથે કંપેર કરવાની ઇચ્છા થઈ આવે છે! આમ તો 'કામ' શબ્દ જ એવો છે કે સારા સારા પુરુષ તેની ઝપટમાં આવી જાય છે એટલે ઘરવાળા પણ પસંદગીનું ધોરણ સમજી વિચારીને રાખતા હોય છે. પત્ની એટલું વહાલ કરતી હોય કે પતિને બીક લાગે કે જો હું વહાલો થવા જઈશ તો નક્કી મારી વહાલીને આ કહી જ દેશે કે 'સાહેબનું સહેજ ધ્યાન રાખજો, મને નવો મોબાઇલ અપાવવાની વાત કરતા હતા' જો કે મારે શાંતિ છે કે અમારી કામવાળી મારા એફ.બી. ફ્રેન્ડલિસ્ટમાં છે અને નથુ જમાદારના નામે તેને એકાઉન્ટ પણ મેં જ ખોલી આપ્યું છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsUGgu4%3D7Qx3UGMY0ztAJ-jdChK-vMq-Ox_Wz8jhDwAvA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment