Friday, 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આટલી બધી ઈચ્છાઓનું કરવું શું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આટલી બધી ઈચ્છાઓનું કરવું શું?
તડકભડક : સૌરભ શાહ

 

 

 

મનની ઘણી બધી શક્તિ પોતાને ના પાડવામાં ખર્ચાઈ જાય છે. આપણી પાસે લિમિટેડ પૈસા છે, લિમિટેડ સમય છે અને લિમિટેડ શક્તિ છે. સમય બધાની પાસે રોજના ૨૪ કલાકનો છે. આ ૨૪ કલાકમાંનો કેટલો સમય આપણે કઈ રીતે વાપરવો છે તેની મરજીના માલિક આપણે પોતે છીએ એવું ભલે કહેવાતું હોય, પણ વાસ્તવિકતામાં આ તમામ ૨૪ કલાક આપણે આપણી મરજી મુજબ વાપરી શક્તા નથી. દેશના વડાપ્રધાન પણ પોતાની મરજી મુજબ પોતાને મળેલા ચોવીસ કલાકનો ઉપયોગ કરી શક્તા નથી. આપણી જેમ એમણે પણ અમુક કામ ફરજિયાતપણે કરવાનાં હોય છે, આપણે જેમ ઈચ્છા-અનિચ્છા હોવા છતાં આપણા નોકરી-ધંધામાં અમુક સમય આપવો જ પડે એમ પ્રાઈમ મિનિસ્ટરે પણ પોતાની મરજી-નામરજીને બાજુએ મૂકીને અમુક લોકોને મળવું જ પડે, અમુક મીટિંગ-સમારંભમાં જવું જ પડે. ફરજિયાત બાબતોમાં ખર્ચાઈ જતાં સમય પછી જે કંઈ સમય બાકી રહે છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેનો નિર્ણય આપણે કરવાનો છે. પણ કુલ મળીને તમારી પાસે ૨૪ કલાક છે. દુનિયાના સૌથી શ્રીમંત માણસ પાસે અને મંદિરની બહાર બેસતા ભિક્ષુક પાસે એકસરખો સમય છે.

 

પૈસાનું એવું નથી હોતું. આમ છતાં એની લિમિટ તો છે જ. મધ્યમવર્ગીય માટે એની મર્યાદા અમુક લાખ રૂપિયાની હોય, શ્રીમંત માટે અમુક કરોડની, અતિ શ્રીમંત માટે અમુક હજાર કરોડની અને નિમ્ન મધ્યમવર્ગીય માટે દર મહિને અમુક હજાર રૂપિયાની આવકની મર્યાદા હોય. તમે ગમે તે આર્થિક વર્ગમાં હો તમારી આવકની, બચતની તથા કમાણીની એક મર્યાદા તો હોવાની જ.


શક્તિ-માનસિક તેમજ શારીરિક-દરેકની એક સરખી નથી હોતી. કોઈની પાસે બુદ્ધિબળ વધુ હોય તો કોઈનો આઈક્યુ ઓછો હોય. કોઈની શારીરિક ક્ષમતા વધુ હોય, કોઈની ઓછી. જેની પાસે શારીરિક કે માનસિક ક્ષમતા વધુ છે તેની એ ક્ષમતાની પણ મર્યાદા હોવાની. વર્લ્ડ રેકોર્ડ કરનારો વેઈટ લિફ્ટર પણ કંઈ હિમાલય ઊંચકી શકવાનો નથી. અતિશય ઈન્ટેલિજન્ટ વ્યક્તિની બુદ્ધિને પણ કોઈક તો મર્યાદા હોવાની.

 

પૈસો, સમય અને શક્તિની આ મર્યાદાને ધ્યાનમાં લઈને દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે કે મન જે કંઈ ઈચ્છા કરે તેને પૂરી કરવી છે કે નહીં. ઈચ્છાઓ જન્મતી રહેવાની. જન્મતી રહેવી જ જોઈએ. દુનિયાની પ્રગતિ આવી લાખો ઈચ્છાઓને સાકાર કરવાના પ્રયત્નોમાંથી જ થઈ છે- ચાહે એ આકાશમાં ઊડવાની ઈચ્છા હોય કે પછી હજારો માઈલ દૂર રહેતા સ્વજન સાથે વાત કરવાની ઈચ્છા હોય. ઈચ્છાઓ થવી જ જોઈએ.

 

પણ શું મનમાં જન્મતી તમામ ઈચ્છાઓ સાકાર થતી હોય છે? થતી પણ હોય તોય એ બધીને સાકાર કરવી જરૂરી છે?


મનમાં અમુક ઈચ્છાઓ ન જ જન્મે એવા ઉચ્ચ આધ્યાત્મિક સ્ટેજ પર પહોંચાડવાનું આપણા જેવા સામાન્ય લોકોનું ગજું નથી હોતું.

 

સિદ્ધ ગણાતાં પુરુષોમાંથી પણ બહુ ઓછા લોકો એ તબક્કે પહોંચી શક્તા હોય છે. (એવો દાવો ઘણા કરતા હોય પણ ખરેખર બહુ ઓછા મહાપુરુષો એ તબક્કે પહોંચી શક્તા હોય છે). અને ઈચ્છાઓ જ્યારે જન્મતી જ રહેવાની છે તો એમાંની અનેક ઈચ્છાઓને પાછી વાળવામાં મહેનત કરવી જ પડશે, મનની શક્તિ ખર્ચવી જ પડશે કારણ કે આપણી પાસેનાં સમય, શક્તિ, પૈસા મર્યાદિત છે.


પણ મનની શક્તિ ઈચ્છાઓને પાછી વાળવામાં ખર્ચાઈ જાય એ પોસાય એમ નથી. કારણ કે મન પાસે કરાવવા જેવાં ઘણાં કામો પેન્ડિંગ છે. મન આખો વખત ઈચ્છાઓને મારી હટાવવામાં વ્યસ્ત રહે એ આપણને પોસાય એમ નથી. શું નથી કરવું એની ગણતરીમાં મન રોકાય એને બદલે શું શું કરવું છે એની ગોઠવણ કરવામાં મન વ્યસ્ત થઈ જાય તે જરૂરી છે.

 

તો પછી શું મન પાસે ઈચ્છાઓને પાછી હટાવવાનું કામ કરાવવાનું નહીં? કરાવવું તો પડે. પણ એ કામ વધુ આસાન કે ઓછું અઘરું થાય એ માટે આટલું કરવું. કપડાં પર પડેલો ડાઘ ઊંડો ઊતરી જાય એ પહેલાં ધોઈ નાખીએ છીએ. વાસણ પર ચીપકી ગયેલો એંઠવાડ સુકાઈ જાય એ પછી એને ઘસવાની વધારે મહેનત કરવી પડે છે. ઘરમાં કડિયાકામ થયા પછી સિમેન્ટ જો ટાઈલ્સ પર કે બાથરૂમના નળ પર ચોંટી રહ્યો અને આ વાત ધ્યાન બહાર રહી ગઈ તો અઠવાડિયા-મહિના પછી એને વધારે ઘસવાની મહેનત કરવી પડે, તાત્કાલિક જો ધ્યાન ગયું હોય તો કદાચ પાણીની બે છાલકથી નીકળી ગયો હોત.

 

અમુક ઈચ્છાઓ વળગણમાં પલટાઈ જાય ત્યાં સુધી એનું ચિંતન કરવું નહીં. દરેક ઈચ્છા માટે પેશનેટ થવું જરૂરી નથી હોતું. દરેક ઈચ્છાને વળગણની હદે લઈ જનારાઓ માત્ર ઈચ્છાઓને સેવવામાં જ સંતુષ્ટ હોય છે, એ ઈચ્છાઓને સાકાર કરવાનો પ્રયત્ન કરવાની દાનત એમનામાં હોતી નથી. સાકાર કરવાનો પ્રયત્ન થશે તો એનું પરિણામ શું આવે છે એની ખબર પડે. પણ અહીં તો ભાઈ ઈચ્છાઓને વાગોળવામાંથી ઊંચા આવે તો કોઈ પ્રયત્ન કરે ને?

 

ઘણી બધી ઈચ્છાઓ એવી હોય છે જે જન્મે એ પછી બને એટલી વહેલી તકે એને બીજી તરફ વાળી દેવી પડે, એને વળગણ બનવામાંથી બચાવી લેવી પડે. ઈચ્છાઓ જન્મે જ નહીં એવા સ્ટેજ પર ન પહોંચીએ ત્યાં સુધી આ જ એક ઉત્તમ ઉપાય છે. એ જામીને ઊખડી ન શકે એવી બની જાય ત્યાં સુધી આળસ કરવાને બદલે એને કોઈ ચોક્કસ આકારમાં ઢળવાની તક આપ્યા વગર બે છાલક મારીને મનમાંથી દૂર કરી દેવી. મન હળવું રહેશે, કરવાં જેવાં નક્કર કાર્યો કરવાની મનની ક્ષમતા વધશે – તમારાં સમય, શક્તિ, પૈસાનો વ્યય થતો અટકશે અને આપણી પાસે મર્યાદિત સંસાધનો-રિસોર્સીઝ હોવા છતાં આપણે એ સાધનોનો છેક છેલ્લું ટીપું નીચોવીને ઉપયોગ કરી શકીશું, પ્રાઈમ મિનિસ્ટરો કે દુનિયાના સૌથી શ્રીમંત માણસો જે કંઈ અચીવ કરી શકે છે તે આપણે પણ પ્રાપ્ત કરી શકીશું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtwkHrxwANqX%2BaoW8ZpJ2yNmshboxguH_nULJafPYq4dA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment