Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બ્લડ પ્રેશર વધારી રહી છે અપડેટ રહેવાની બીમારી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બ્લડ પ્રેશર વધારી રહી છે અપડેટ રહેવાની બીમારી!
સાંપ્રત-લોકમિત્ર ગૌતમ

 

 

 

આજકાલ આપણને સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં, ચાલતાં, ફરતાં દરેક પળે, દરેક ઘડીએ સતત અપડેટ રહેવાની બીમારી લાગુ પડી છે અને તે સતત આપણી સાથે જ રહે છે! સૂચનાઓ, સંવાદો, સમજણોનું એક અંતહીન તોફાન આપણી પાછળ સતત ચાલ્યાં કરે છે. આપણે દોડીને વિરાર લોકલ પકડતા હોઈએ છીએ ને અચાનક વૉટ્સ એપનો ટોન આપણને અપડેટ કરે છે કે, થાણેમાં ખારકળ આળીમાં પોલીસે લાઠીમાર કર્યો છે. ક્યારેક વળી આપણે ઑફિસમાં લંચબૉક્સ ખોલી જ રહ્યા છીએ ત્યારે જ ફેેસબુકનો રિંગટોન આપણને નવી પોસ્ટ મુકાયાની જાણકારી આપે છે અને આપણે હાથમાં લીધેલો કોળિયો પરત મૂકીને મોબાઈલના સ્ક્રીનમાં આંખો અને માથું ખોસી દઈએ છીએ. રાતના બસ ઊંઘ ચડી જ છે અને એસએમએસની બીપબીપ સંભળાય છે. તરત જ સંદેશો જોઈએ છીએ ને ખબર પડે છે કે અમદાવાદથી આબુ રોડ જતી માલગાડી જગુદણ સ્ટેશનથી થોડે દૂર પાટા પરથી ખડી પડી છે. સવારના પણ એવું નથી થતું કે હજી સૂર્યોદય થયો નથી ને આપણા કાન પર એક પછી એક ગુડમોર્નિંગના સંદેશાઓનો હથોડો ધણધણવા માંડે છે! અપડેટ થવું-રહેવું એ એક બીમારી છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી.

 

અપડેટ રહેવાની તત્પરતા ગુંદર જેવી ચીકણી છે અને પ્રતિપળ અપડેટ રહેવાની એ ગુંંદરિયાળ બીમારી આપણને મુશ્કેલીમાં મૂકી દે છે, હંફાવી દે છે. દરેક માણસ જાણે આપણને અપડેટ આપવા બેચેન હોય એવો દેખાય છે. ભલે પછી એ કોઈ શોપિંગ એપ હોય કે ઈન્સ્યોરન્સનો કોઈ નવો પ્લાન હોય, નવી કાર કે મોબાઈલના નવા મોડેલની જાણકારી હોય... તમામ કંપનીઓ, તમામ લોકો એવું જરાય નથી ઈચ્છતા કે આપણે આ તમામ માહિતીથી અજાણ્યા રહીએ! અપડેટ, અપડેટ, અપડેટ! લાગે છે કે અપડેટનું અસ્તિત્વ નહીં હોય તો જાણે મોટો પહાડ તૂટી પડવાનો કે ધરતી ફાટી પડવાની જેવો ભાવ થયા કરે છે. એવું લાગ્યા કરે છે કે અપડેટ રહેવું એ જીવવા માટે શ્ર્વાસ લેવા જેટલું જ મહત્ત્વનું છે!

 

ઈતિહાસનો આ પહેલો દૌૈર એવો છે જેમાં આપણે પ્રચૂર પ્રમાણની સૂચનાઓ-અપડેટનાં રોગચાળાથી ત્રસ્ત છીએ ત્યારે એવો સવાલ થાય છે કે, આપણે શા માટે સતત અપડેટ રહેવું જોઈએ? શા માટે આપણે દરેક પળની જાણકારી એ જ પળે મેળવી લેવી જોઈએ? શું આપણને કોઈ જાણકારી પળવાર કે થોડી પળો બાદ મળશે તો આપણે શું ખોટમાં-નુકસાનમાં રહીશું? કદાચ આપણને કોઈ જાણકારી એ ઘટના બરાબર જે પળે બની રહી છે ત્યારે જ મળી જાય છે તો એનાથી આપણે એવો કયો મોટો ફાયદો-લાભ મળી જવાનો છે?

 

ફાયદો તો ઘેર ગયો, ઊલટાનું અપડેટની આવી બીમારીથી આપણને લગભગ બધા પ્રકારનું નુકસાન છે. દર પળે, પ્રત્યેક ઘડીએ અપડેટ રહેવાનો જે રોગચાળો ફેલાઈ ગયો છે એનાથી આપણને સૌથી પહેલું મોટું નુકસાન તો એ થયું છે કે, આપણે વધારે પડતી સૂચનાઓ-જાણકારીઓની આવકને કારણે એ સૂચનાઓ-જાણકારીઓ પ્રત્યે ઓછા સંવેદનશીલ બની ગયા છીએ અથવા કહો કે એ વિશે ઝાઝા સંવેદનશીલ રહ્યા નથી. દરેક પળે આપણને સૂચનાઓ-જાણકારીઓની જે આંધી વીંટળાયેલી રહે છે એણે આપણી યાદદાસ્તને બહુ ઘેરી અસર કરી છે. દરેક પળે અપડેટ રહેવાની ટેવ, નહીં... કુટેવને કારણે આપણે બધું જ જોઈએ છીએ, સાંંભળીએ છીએ, પણ આપણા દિમાગમાં એ જોયેલું-સાંભળેલું બહુ લાંબો સમય ટકતું નથી. એનું પરિણામ એવું આવે છે કે, આપણે આખો દિવસ અને રાત અપડેટ તો રહીએ છીએ... એની પીડા-વેદના વેઠીએ છીએ, તો પણ અપડેટના આ મુશળધાર વરસાદથી આપણને કોઈ પણ મુદ્દા પર કોઈ નક્કર અભિપ્રાય, મત બનાવવામાં કશીય મદદ મળતી નથી! હદ તો ત્યારે થાય છે કે જ્યારથી આપણને અપડેટ રહેવાની બીમારી લાગુ પડી છે ત્યારથી આપણે બહુ જલદીથી જૂની સૂચનાઓ અને જણકારીઓને ભૂલી જઈએ છીએ. કદાચ આ એટલે પણ બનતું હોઈ શકે કે, દરેક પળે આપણે નવી જાણકારીઓના નવા નવા ચાલતાં રેલાથી સભાન રહીએ છીએ એટલે પણ જૂની સૂચનાઓ અને જાણકારીઓનો ઉપયોગ કરવાનો સમય હાથવગો રહેતો નથી. એટલે જ એક કાનેથી આપણે જે કંઈ આપણા કોઈ પણ પ્રયાસ વિના સંભળ્યું છે એ બીજા કાને સડસડાટ નીકળી જાય છે.

 

વાત આટલેથી અટકતી નથી. અપડેટ રહેવાની આ બીમારીએ આપણને એવા એક મનોવિકારથી ગ્રસી લીધા છે કે જો આપણે બહુ દિવસો સુધી એની અસર તળે રહીએ છીએ તો આપણે અર્ધવિક્ષિપ્ત કે અર્ધપાગલની જેમ વિચિત્ર વ્યવહાર કરીએ છીએ, ચિડિયા થઈ જઈએ છીએ. એમ થવું પણ સ્વાભાવિક છે, કારણ કે જ્યારે આપણે પ્રત્યેક પળે નવી જાણકારીથી ટેવાઈએ છીએ ત્યારે કોઈ એક બાબતે આપણો એક મત નથી બનતો. આપણે આપણા જ કોઈ અભિપ્રાય પર વધારે સમય ટકી શકતા નથી, પરીણામે લોકોને એવું લાગે છે કે આપણે કાં તો પાગલ થઈ ગયા છીએ અથવા સનકી બની ગયા છીએ.

 

હવે સવાલ એવો થાય છે કે આપણે પ્રત્યેક પળે આ દોડતી-ભાગતી જિંદગીમાં અપડેટ રહેવાની બીમારીથી કેવી રીતે બચી શકીએ? એનાથી બચવાની જરૂર એટલા માટે પણ છે કે જો આપણે એનાથી બચવાનો પ્રયાસ નહીં કરીએ અને આ બાબતે સભાન થવા છતાં એ તરફ આંખ આડા કાન કરતા રહીશું તો આપણે લગાતાર, સતત માંદા પડ્યા કરીશું અને દરેક વાતે ચિડિયા કરતા રહીશું.

 

એથી એટલું કરવું તો જરૂરી બની જાય છે કે, જિંદગીમાં બહુ જરૂરી એવી ટૅક્નોલૉજીને પણ અંગત સમયગાળામાં, પોતાની અંગત પળોમાં બહુ લિમિટેડ હસ્તક્ષેપ કરવાની પરવાનગી આપો. નહીં તો આપણે સામાન્ય કરતાં અનેકગણા વધારે માનસિક થાક, તંગદિલીનો શિકાર બનીશું. એથી એ પણ જરૂરી છે કે, એનાથી બચવા માટે દરેક સપ્તાહે એક દિવસ સદંતર કે બિલકુલ જ ડિજિટલ ડિટોક્સ કરો એટલે કે જેમ શરીરના ઝેરી તત્ત્વોને બહાર ફેંકી દેવા માટે બૉડી ડિટોક્સની સલાહ ડૉક્ટર આપે છે એમ દરેક અઠવાડિયામાં એક આખો દિવસ ડિજિટલ ડિટેક્સના આશ્રયે જાવ. એ બહુ જરૂરી પણ છે. ડિજિટલ ડિટોક્સ છે શું? અઠવાડિયામાં એક દિવસ તમારા ફોનને, મોબાઈલ ફોનને પૂર્ણપણે રજા આપી દો. નૉટિફિકેશન ઑફ કરી દો. દર બે-ચાર મિનિટે આવનારા સંદેશાઓ અને સોશિયલ નેટવર્કિંગની બીપ બીપ બંધ કરી દો. ફોટો તથા લાઈક્સ જોવાની પોતાની લાલચને કડક થઈને રજા આપી જ દો.

 

ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે, દરેક સપ્તાહના ફક્ત એ એક જ દિવસ માટે તમારી દિનચર્યાને ડિજિટલ મારામારીથી સંદતર આઘી લઈ જાઓ. જો પહેલી વારમાં આખા દિવસ માટે એ શક્ય બને એમ ન હોય તો દિવસના કેટલાક કલાક નિર્ધારિત કરો અને એટલો સમય ડિજિટલ જગતથી દૂર રહો. દાખલા તરીકે, દર રવિવારે તમે બપોરના બાર વાગ્યા સુધી ન તો તમારું મેસેજ બૉક્સ ખોલો ન વૉટ્સ એપ, ન ફેસબુક ખોલો ન ઈન્સ્ટાગ્રામ કે ન ખોલો ટ્વિટર... એટલે કે કશું જ ન ખોલો અને કશું જ ન જુઓ-સાંભળો. કમસે કમ એ એક દિવસ તમે તમારા શરીર અને મનને એટલી પરવાનગી તો આપો કે એમને દરેક પળે સતત અલર્ટ-સાવધાનના મોડમાં રહેવામાંથી મુક્તિ મળી શકે! સજગ રહેવું, સભાન રહેવું, સાવધ રહેવું એ સારી વાત છે... ઉત્તમ લક્ષણ છે, પણ જો એ સજગતાને કાયમની ટોપીની જેમ પહેરી લેવામાં આવે તો એ આપણને બેચેન કરી શકે છે, અસ્વસ્થ બનાવી શકે છે માટે સપ્તાહમાં એક દિવસ તો એક દિવસ પણ શરીરને, મનને બેફિકરાઈનો અનુભવ થવા દો!

 

એને એવી અનુભૂતિ થવા દો કે આજે કોઈ મારામારી નથી, કોઈ ઉતાવળ નથી. ભરોસાપૂર્વક માનજો, આજની ભાગમભાગ-દોડધામની જિંદગીમાં એક દિવસ માટે 'કોઈ ઉતાવળ કરવાની નથી. હળવાશથી કામ કરવાથી કે દુનિયાથી દૂર રહેવાથી કોઈ પહાડ નથી તૂટી પડવાનો' એવો અનુભવ, એવો અહેસાસ બહુ શાંતિ આપે છે, સ્વસ્થતા આપે છે. આ અહેસાસથી દિમાગને અને શરીરને પણ જબરદસ્ત રિલેક્સ થયાની એવી લાગણી થશે જે હજારો રૂપિયા ખર્ચ કરીને કરાવાતા મસાજથી પણ નથી મળતી. જે દિવસે તમે ડિજિટલ ડિટોક્સ કરવાનું નક્કી કરો એ દિવસે એ વાતનો ખ્યાલ અચૂક રાખજો કે તમારો ફોન તમારી નજીકમાં કે આસપાસમાં પણ ન હોવો જોઈએ. ફોન નજીકમાં હશે તો તમે મક્કમ રહેવાનો ગમે તેવો નક્કર સંકલ્પ કર્યો હશે એ સંકલ્પ ચોક્કસ જ તૂટી જ્શે અને તમે ફોનમાં રમમાણ થઈ જશો એટલે ફોનને કોઈ સલામત જગ્યાએ મૂકી દો એ ઉત્તમ રહેશે. ભલે, આપણી ઉન્નતિમાં ડિજિટલ ક્રાંતિનો બહુ મહત્ત્વનો અને બહુ મોટો ફાળો છે, પણ આ ક્રાંતિનાં મીઠાં ફળ ખાવામાં તમે તમારાં આરોગ્યનો ભોગ આપવા ન માગતા હો તો કમસે કમ દરેક સપ્તાહના કોઈ એક દિવસ માટે પોતાને ડિજિટલ તોફાન, ડિજિટલ વાવાઝોડાંથી સદંતર દૂર કરી દો.

 

અમેરિકામાં દરેક ચોથો માણસ ડિજિટલ મેનિયાને કારણે માનસિક અસ્વસ્થતાનો શિકાર છે. યુરોપમાં તમામ સ્કૂલો અને વાલી સંગઠનો વારંવાર માતાપિતાને સાવધ કરે છે કે, બાળકોને માનસિક રીતે તંદુરસ્ત બનાવવા છે તો એમને ડિજિટલ ઉપકરણો ન આપો.

 

જ્યારે ભારત એવો દેશ છે જે આર્થિક સશક્તિકરણના આરંભિક દૌરમાં છે, અહીં ડિજિટલ ક્રાંતિના લાભ-ફાયદાથી દૂર રહી શકાવાનું નથી, એ સંભવ બનવાનું નથી ત્યારે આ ડિજિટલ ક્રાંતિ આપણા આરોગ્યની ઐસી-તૈસી ન કરી નાખે એ માટે આપણે સજગ, સાવધાન, સભાન રહેવું જ પડશે અને એ ડિજિટલ માંદગીથી આ એક જ કામ કરવું પડશે, ડિજિટલ ડિટોક્સનું!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvFY4JUravtkVXarUFOhKVUWe5w%3D%3D1N%2BREUkwjmPOLLAQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment