Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સાત વર્ષ અગાઉ પતિને છોડી દીધા, પણ હવે પસ્તાઉં છું (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાત વર્ષ અગાઉ પતિને છોડી દીધા, પણ હવે પસ્તાઉં છું!
કેતકી જાની

 

 


સવાલ: બહેન, હું બેંતાલીસ વર્ષની છું. આજથી સાત વર્ષ પહેલાં ઘરમાં સતત કંકાસને કારણે હું સાસરેથી રિસાઈને પિયર આવી ગઈ હતી. સાત વર્ષ પહેલાં અને આજની સ્થિતિ ખૂબ અલગ છે. હવે મારાં માતા-પિતા ગુજરી ગયાં છે, જેમનાં પ્રોત્સાહનથી હું ખુદને સુરક્ષિત સમજતી હતી. મારા ભાઈ-ભાભીઓનું વર્તન મારા તરફ હવે બદલાઈ ગયું છે. મને સતત તાણ અનુભવાય છે તેમના બદલાયેલા વલણથી. મારી જિંદગી કેમ જશે આ લોકો સાથે? બીજી તરફ મારા પતિએ મને એક સંબંધી જોડે સંદેશ મોકલ્યો છે તેમની પાસે પરત જવાનો. સાત વર્ષથી અનેક સંદેશાઓ મેં કાને ધર્યા નથી, હવે હું જવા માગુ પરત તો કેવું લાગશે? મને હવે પસ્તાવો થાય છે કે મેં તે સમયે તો ભૂલ કરી પણ તેઓ હવે મને કેવી રીતે અપનાવશે? તેની શંકાથી મનમાં ફફડાટ થાય છે, શું કરું?


જવાબ


ક્યારેક આપણે અણસમજમાં કોઈ એવું પગલું ભરી બેસીએ છીએ કે તેનાં પડઘા આજીવન આપણને સંભળાતા રહે છે. તેનો પ્રતિધ્વનિ જીવન દુષ્કર કરી અકળાવી મૂકે છે અસ્તિત્વને. તમારાથી પણ એવું જ ઉતાવળિયું પગલું ભરાઈ ગયું છે બહેન. માતા-પિતાનાં સાંનિધ્યમાં તમને ખબર ના પડી કે તમે જે કર્યું તે અયોગ્ય હતું, પણ ભાઈ-ભાભીઓના વલણથી તમને લાગ્યું કે ખોટું કર્યું તમે. ખેર, જાગ્યા ત્યાંથી સવાર સમજી આગળ વધો બહેન. સદ્નસીબે તમારાં પતિ હજી પણ તમને અપનાવવા માગે છે, રાહ જુએ છે તમારી. ખરેખર તમારાં માટે આ બાબત નવજીવન આપનારી સાબિત થશે. તમે હવે સાસરે જવા પહેલા તમારી ભૂલો ક્યાં ક્યાં હતી તેની મનોમન નોંધ લેજો. જ્યાં જરૂર જણાય ત્યાં તમારી ભૂલ સુધારજો અને તમારાં સાસરા પક્ષમાં કોઈનું વર્તન તમને દુભવતું હોય તો તમારાં પતિ જોડે તે વાત ક્લિયર કરજો કે આ વાત મને ખૂંચે છે. તમે આટલા વર્ષ પિયર રહી સાસરે જાવ છો તે માટે તમારે શરમ કે હીણપત અનુભવવાની લેસમાત્ર જરૂર નથી. જીવનમાં ક્યારેક જાણેઅજાણે બાજી આપણાં હાથમાં નથી હોતી. જે થઈ ગયું તે ભૂલી નવેસરથી જીવનનો સ્વીકાર લેશમાત્ર અયોગ્ય નથી, કારણ કે તમારાં પિયરમાં ભાઈ-ભાભીઓ જોડે આજીવન રહેવું તમને પળપળ મૂંઝવશે, માનસિક હતાશા આપશે. તેમનો કિલ્લોલતો પરિવાર સતત તમને તમારું શું? તમારું કોણ? જેવા વિચારો આપશે. તેમને લાગ્યું હશે કે તમે હવે તેમના માથે પડ્યા છો એટલે તેઓ મનફાવે તેમ વર્તતા હશે. માટે સાસરે જતાં પહેલા તેમને પણ સ્પષ્ટ કહેજો કે મારાં કારણે તમને પણ માનસિક પરિતાપ સહેવો પડ્યો છે, પણ હવે હું સમજી છું કે મારે ઘરે જવું જોઈએ. તમને સાસરે શું તકલીફ હતી; તેની સ્પષ્ટતા તમે નથી કરી. તે વિશે તમારાં પતિ સાથે એક મુલાકાત કરી ચોખવટ કરી લેવી સારી. તમારાં દરેક મુદ્દાનું સમાધાન થયા બાદ જ તમારે ત્યાં જવાનું. હા, થોડું સમાધાન કરવાનું, જો તમારાંમાં કોઈ ઊણપ હોય તો, જો તમારે ખરેખર ત્યાં સંબંધ ટકાવી રાખવો હોય તો, જો તમે તમારાં પતિને પ્રેમ કરતાં હોવ તો. આ તત્ત્વો 'ના' હોય તો સાસરે જવાનું માંડી વાળવાનું. તમારે બીજો રસ્તો અપનાવવાનો, સૌપ્રથમ પગભર થવાનું. પોતાની જરૂરિયાતો પોતે જ પૂરી કરવા સમર્થ બનો તેટલું કમાવાનું શરૂ કરો. ભાઈ-ભાભીઓથી અલગ ઘર લઈ રહેવાનું શરૂ કરો. તમારું તમે કરી લો અથવા પતિ સાથે રહેવા જાવ. ભાઈ-ભાભી સાથે ઝઘડાટંટા કરી રહેવામાં તમે સમય બરબાદ ના કરો. ખોટી શંકાથી ફફડતા રહી મન બાળવા કરતાં જીવન નંદનવન બનાવવા તરફ કાર્યરત થઈ જાવ બહેન. એક જ જીવન છે તમારી પાસે, પણ ખોટા અહમ્-આગ્રહોથી પર જઈ વિચારો કે તમારે શું જોઈએ છે? જિંદગી આજુબાજુના કે પોતીકાઓને બતાવી કે દેખાડી દેવાની ભાવનાથી વિતાવવામાં મજા નથી. ક્યારેક થોડું ખમી લઈએ, જોવું ના જોવું કરીએ, સાંભળ્યું ના સાંભળ્યું કરીએ તો કંઈ આકાશ તૂટી નથી પડવાનું. 'હું'પણું ભૂલી જીવન સરળ બનાવો, બધું જ ઠીક થઈ જશે એક દિવસ. બેસ્ટ લક.

------------------------------------------------

 

બધું ફાઈન પણ સાસરિયાનો સાડી જ પહેરવાનો આગ્રહ ત્રાસદાયક છે

 

સવાલ: હાય... હું એક ત્રીસ વર્ષની પરિણીત યુવતી છું. મારા સાસરામાં આમ તો બધું જ ઠીક છે, પણ ઘરમાં કે ઘર બહાર જતી વખતે સાડી જ પહેરવી ફરજિયાત છે. મને આ વાત બહુ બંધનકારક લાગે છે. પિયરિયાઓ કહે સાસરામાં જે ચાલે તે કરવાનું પણ મને સતત સાડી ત્રાસદાયક લાગે છે. મારા પતિ કહે કે ઘરમાં બધા કહે તે કર. મારી સહેલીઓ સાથે જાઉં તો દરવખત સાડી બદલવાની, ઘરે આવું ત્યારે પહેરવાની, ક્યાં સુધી આ નાટક કરવાનું મારે?

 

આજના જમાનામાં પણ તમે કહો છો તેવી માનસિકતાવાળા લોકો છે તે જાણી મને આશ્ર્ચર્ય થાય છે. ખેર, તમારી વાત વિશે વિચારીએ. આખા કુટુંબની સામે તમે એકલા તો લડી જ ના શકો કે હું આમ જ કરીશ. તમે તમારાં પતિને અને ઘરમાં જેનું કહ્યું બધા માનતા હોય તેવી વ્યક્તિને તમારું મન ખોલી સીધીસટ વાત કરી દો. હકીકત એ છે કે તમે જે સીધી વાત લગ્ન પહેલા કરવાની હતી તે ચૂકી ગયા છો એટલે હમણાં કરવી પડશે. લગ્ન પહેલા જો આ વાત કરી હોત તો કદાચ તમે લગ્ન ના કર્યાં હોત, પણ આ મહાત્રાસથી તો બચી જાત ને? જે થયું તે ના થયું તો નહીં જ થાય. હવે તમે એક વાત સમજી લો કે આજે ઘરમાં જે શાંતિ હશે તે તમારી આ વાત ઉખેડવાથી ડહોળાઈ જશે તે નક્કી છે. માટે શક્ય હોય તો તમારા પતિને વિશ્ર્વાસમાં લઈ જે તમે કરી રહ્યા છો તે નાટક ચાલું જ રાખો. ઘરમાં શાંતિ જળવાતી હોય તો તમને શું વાંધો છે આ કરવામાં? ભવિષ્યમાં તમે મનગમતા ડ્રેસ ઘરમાં પહેરી શકો તેવા સંજોગો ચોક્કસ ઊભા થશે જ, તે નક્કી છે. બાકી બધી જ રીતે સાસરામાં શાંતિ હોય તો તમારે વિચારવાનું કે તમે માત્ર કપડાંના કારણસર વિરોધ કરી શકશો તે બધાનો? હકીકત એ છે કે કોઈ પણ કપડાં સ્ત્રીને ખરાબ નથી લાગતાં. સાડી તો સૌથી આકર્ષક ડ્રેસ છે, તેવું હું માનું છું, પણ એ જ પહેરવું તે બંધન તમને અકળાવી રહ્યું છે તે પણ હું જાણું છું. તમારાં મન સાથે સમાધાન કરી એમ વિચારી શકો કે હા, અમારાં ઘરમાં જે રિવાજ છે તે હું અનુસરુ તેમાં ખોટું શું છે? હું નાટક નથી કરતી મારી પરિસ્થિતિ સમજીને હું મારી રીતે જીવવાનો સંઘર્ષ જીતી રહી છું. તમે સ્થિતિ બદલી ભલે નથી શકતાં હમણાં. ભવિષ્યમાં તમે જ્યારે શક્ય હશે તે સમયે બદલશો જ. પરિસ્થિતિને વશ થઈ પોતાને મનગમતો રસ્તો કાઢવાને નાટકનું નામ આપવાને બદલે 'સમાધાન/અનુકૂલન'નું નામ આપો તો?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvgfFFzBNxSoMG1iSAeK2CB%2BDzpUyv4bWksPyMa%2BEbW5w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment