Tuesday, 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તમે પ્લાસ્ટિક આરોગો છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે પ્લાસ્ટિક આરોગો છો?
ઝીરો લાઈન: ગીતા માણેક

 

 

 

તમે કદાચ કહેશો કે આ કેવો બેહૂદો સવાલ છે? હમણાં જ દિવાળીના દિવસોમાં અમે મોહનથાળ, સુખડી, હલવાસન, કાજુકતરી, ચોળાફ્ળી, મઠિયા કે સેવ ખાધાં. અમે પ્લાસ્ટિક શું કામ ખાઈએ? વેલ, તમે અને હું નહીં આખું જગત પ્લાસ્ટિક ખાઈ રહ્યું છે!

 

તાજેતરમાં એક પ્રાયોગિક અભ્યાસમાં ફિનલેન્ડ, ઈટાલી, જાપાન, નેધરલેન્ડ, પોલેન્ડ, રશિયા અને યુનાઇટેડ કિંગડમના લોકોના વિષ્ટા(મળ)ની પ્રયોગશાળામાં તપાસણી કરવામાં આવી ત્યારે ત્યાંના ચોંકાવનારી વાત એ છે કે એક કે બે નહીં, પણ જુદા-જુદા દેશના આ નાગરિકોના મળમાં માઇક્રોપ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિકના અંશો મળી આવ્યા હતા! વૈજ્ઞાનિકોની વ્યાખ્યા મુજબ માઇક્રોપ્લાસ્ટિક મતલબ કે લગભગ ૦.૨ ઈંચ લાંબા પ્લાસ્ટિકના કણ. બીજા શબ્દોમાં કહીએ તો ચોખાના દાણા જેટલું પ્લાસ્ટિક! જેમના મળની તપાસણી કરવામાં આવી તે બધાના શરીરમાંથી માઇક્રોપ્લાસ્ટિક નિષ્કાસિત થયું હતું. શરીરમાં જે સંગ્રહિત થઈને પડયું રહ્યું છે એ અંગેની કોઈ જાણકારી હજુ સુધી વૈજ્ઞાનિકો પાસે પણ નથી.

 

એ ખરી વાત છે કે આપણે કંઈ નાસ્તામાં કે ભોજનમાં ચટણીની જેમ પ્લાસ્ટિક નથી આરોગતા. પરંતુ પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલું પાણી, પ્લાસ્ટિકની થેલીઓમાંથી દૂધ, પ્લાસ્ટિકની બોટલોમાંના ઠંડા પીણાંઓ, પ્લાસ્ટિકના ડબ્બામાં ભરેલાં નાસ્તાઓ, પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરેલું અનાજ, મસાલા, તેલ, ઘી…આરોગતા રહીએ છીએ. ટૂંકમાં પ્લાસ્ટિક આપણા જીવનના દરેક હિસ્સામાં ફેલાઈ ચૂક્યું છે. પ્લાસ્ટિકની થેલીઓ, ડબ્બાઓ કે બાટલીઓમાં જે ખાદ્યપદાર્થો આપણે સંઘરી રાખીએ છીએ એમાં આ પ્લાસ્ટિકના અંશો પ્રવિષ્ટ થઈ જાય છે. એક સર્વેક્ષણ અનુસાર દર એક મિનિટમાં જગતભરમાં દસ લાખ પ્લાસ્ટિકની બાટલીઓ અને વીસ લાખ પ્લાસ્ટિકની થેલીઓ વેચાઈ રહી છે. આમાં પ્લાસ્ટિકમાંથી બનતી વિવિધ વસ્તુઓનો સમાવેશ નથી થતો. આ જે અબજો ટન પ્લાસ્ટિક આપણે સાગમટે વાપરીએ છીએ એ બધું નષ્ટ તો થતું નથી એટલે નદીઓના જળમાં, ખેતરોની માટીમાં, હવામાં આ પ્લાસ્ટિકના કણો ફેલાઈ ચૂક્યા છે. અન્ન, જળ અને વાયુ મારફ્તે આ પ્લાસ્ટિક આપણા શરીરનો હિસ્સો બની રહ્યું છે.

 

વિવિધ સ્ત્રોતમાંથી શરીરમાં જે પ્લાસ્ટિક જઈ રહ્યું છે એ ભલે માઇક્રો એટલે કે બહુ જ ઓછી માત્રામાં લાગતું હોય પણ એ માનવશરીરને રોગી બનાવી રહ્યું છે. માનવીના વાળ કરતાં પણ પાતળું અને બારીક આ માઇક્રોપ્લાસ્ટિક સર્વવ્યાપક થઈ ચૂક્યું છે.

 

યુનાઇટેડ કિંગડમની કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટીના બાયોમેડિકલ સાયન્સના રશેલ એડમ્સના કહેવા મુજબ આ માઇક્રોપ્લાસ્ટિક જે આપણે આરોગીએ છીએ એ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. માઇક્રોપ્લાસ્ટિકને કારણે ઇન્ફ્લેમેશન (સોજા સાથે બળતરા) થાય છે. જેને લીધે રક્તમાંના શ્વેતકણ તેમ જ ઇન્ફેક્શન સામે લડવાની શરીરની ક્ષમતા પર એ વિપરીત અસર કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે તેમ જ એ સ્નાયુઓને પણ નુકસાન પહોંચાડે છે.

 

અગાઉ આપણે માટીનાં વાસણોમાં પાણી ભરી રાખતા, પરંતુ હવે જુદી-જુદી બ્રાન્ડસની મિનરલ વોટરની બાટલીઓ હાથમાં લઈ-લઈને ફ્રીએ છીએ અને પોરસાઈએ છીએ કે આપણે શુદ્ધ પાણી પી રહ્યા છીએ. જો કે હકીકત એ છે કે આપણે એ બાટલીઓમાંથી પાણીની સાથે માઇક્રોપ્લાસ્ટિક પણ પી રહ્યા હોઈએ છીએ.

 

પાણી વાટે જે પ્લાસ્ટિક પેટમાં જઈ રહ્યું છે એનાથી માનવશરીરને કેટલી હદે નુકસાન થાય છે એનો અભ્યાસ તો કદાચ થયો નથી, પરંતુ પ્લાસ્ટિકની આ બોટલો સમુદ્રના જે હિસ્સામાં પધરાવામાં આવે છે એ વિસ્તારની માછલીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું તો એવું જોવા મળ્યું છે કે એ માછલીઓને ખૂબ નુકસાન કરે છે. આવા પ્લાસ્ટિકયુક્ત પાણીમાં રહેતી માછલીની પ્રજાતિની સંખ્યા ઘટી ગઈ છે. મતલબ કે તેમની પ્રજોત્પત્તિ કરવાની ક્ષમતા ઓછી થઈ છે. જે જીવિત માછલીઓ છે તેમનો વિકાસ પણ રૂંધાયો હોવાનું નોંધવામાં આવ્યું છે.

 

જેને આપણે શુદ્ધ પાણી સમજીને બોટલોમાંથી ગટગટાવીએ છીએ એ ડિસ્પોઝિબલ (એક વાર વાપરીને ફેકી દઈ શકાય એવી) બોટલ બિસફ્નિોલ એ (બિપીએ) નામના રસાયણમાંથી બને છે. આ રસાયણ શરીરમાં પ્રવેશવાથી ઇન્ફર્ટિલિટી (વંધ્યતા), સ્ત્રીઓમાં સ્તન અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના વધી જાય છે. આજકાલ છોકરીઓને નાની ઉંમરમાં જ માસિકધર્મ શરૂ થઈ જાય છે એની પાછળ પણ આ રસાયણ જવાબદાર છે એવું વૈજ્ઞાનિકો માને છે. આ રસાયણ આપણા શરીરની વિવિધ ગ્રંથિઓ પર અસર કરે છે અને જાતભાતના રોગને આમંત્રે છે.

 

પ્લાસ્ટિક એ કળિયુગનો કદાચ સૌથી મોટો રાક્ષસ છે જેને આપણે જ જન્મ આપ્યો છે અને ઉછેરી રહ્યા છીએ. હવે એ એટલો મોટો થઈ ચૂક્યો છે કે આપણે પોતે જ એને નાથી શકતા નથી. જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ ત્યાં પ્લાસ્ટિકથી સદંતર દૂર રહેવું લગભગ અશક્ય છે, પણ વ્યક્તિગત સ્તર પર શક્ય એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને આપણે પોતાની જાતને, આવનારી પેઢીઓને અને ધરતી માતાને ઉગારવાના અભિયાનમાં પોતાનો ફળો આપી શકીએ એમ છીએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtGJK9UACtSdoS-2uAtw7oE_8VXz0rdG1QUa2FAg9S%3DdQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment