Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દૂરબી ન : કૃષ્ણ કાંત ઉનડકટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દેશના મોટા ભાગના લોકો કંઇ

બચત કરી જ શકતા નથી!

 

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

દરેક માણસને એ વિચાર આવતો હોય છે કે

મારે દર મહિને અમુક બચત તો કરવી જ જોઇએ,

જોકે માંડ માંડ બે છેડા ભેગા થતા હોય ત્યારે

બચત કેવી રીતે કરવી એ સૌથી મોટો સવાલ હોય છે!

માણસ બચત શા માટે કરે છે?

દરેક પાસે પોતાનાં કારણો હોય છે!

મોટા ભાગે લોકો હેલ્થ અને જાતી જિંદગીએ

વાંધો ન આવે એટલે બચત કરતા હોય છે

 

મોંઘવારી દરરોજ રાજાની કુંવરીની જેમ વધી રહી છે. તેની સામે આવક પા પા પગલી ભરે છે. આપણા દેશમાં બે સ્પષ્ટ વર્ગો છે. એક એવા અમીર લોકો છે જેને રૂપિયાની કોઇ પરવા નથી. ખર્ચ કરવા માટે એમણે જરાયે વિચારવું પડતું નથી. જોકે આવો વર્ગ બહુ નાનો છે. મોટાભાગના લોકોને બે છેડા ભેગા કરતા નાકે દમ આવી જાય છે. આપણે કોઇને એવો પ્રશ્ન કરીએ કે તમે દર મહિને કેટલી બચત કરો છો તો એવો જ જવાબ મળશે કે માંડ પૂરું થતું હોય ત્યાં બચતનો વિચાર જ ક્યાંથી આવે? કોઇ ને કોઇ ખર્ચ માથે ઊભો જ હોય છે! દર મહિને એવું નક્કી કરીએ છીએ કે પગારમાંથી આટલી રકમ તો બચાવવી જ છે પણ મેળ પડતો નથી. જે લોકોને કોઇ પાસેથી ઉછીના લેવા નથી પડતા એ લોકો પોતાને નસીબદાર માને છે. લોકો એવું વિચારે છે કે, ગાડું ગબડ્યા તો રાખે છે, અટકતું તો નથી. એ કંઇ ભગવાનની ઓછી દયા છે?

 

મોટાભાગના લોકોની આવક ફિક્સ હોય છે. દર મહિને જેટલી રકમ મળે એમાંથી પૂરું કરવાનું હોય છે. દરેકની આંખોમાં અમુક સપનાં અંજાયેલાં હોય છે. આ સપનાં પૂરાં કરવામાં આંખે અંધારાં આવી જાય છે. બચત અંગે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે 94 ટકા પરિવારો તેની આવકના 70થી 100 ટકા રકમ રોજિંદી જરૂરિયાતોમાં વાપરી નાખે છે. 10માંથી આઠ પરિવારો એવા છે જેઓ કોઇ બચત કરી શકતા નથી. આપણે ત્યાં લોકો ઘરના ઘરને સૌથી વધુ મહત્ત્વનું ગણે છે. પોતાનું ઘર હોય તો લોકોને ગજબની શાંતિ લાગે છે. હોમ લોન લઇને પણ લોકો ઘરનું ઘર લઇ લે છે. આમ છતાં આ અભ્યાસ એવું કહે છે કે 20માંથી 17 પરિવારો ઉપર હોમ લોનનો બોજ નથી. તેનું કારણ એ છે કે આપણા વડીલો પણ એવું વિચારતા રહે છે કે બીજું કંઇ નહીં તો સંતાનો માટે ઘર તો બનાવતા જ જઇએ. જે લોકો લોન પર ઘર લે છે કે એમાં પણ એક ગણતરી ઇન્કમ ટેક્સમાંથી રાહત મેળવવાની હોય છે. હજુ એક મેન્ટાલિટી એવી તો છે જ કે બચત ન થાય કે ઓછી થાય તો વાંધો નથી પણ લોન તો નથી જ લેવી. જોકે હાલત એવી થતી જાય છે કે લાઇફ સ્ટાઇલ મેઇન્ટેન કરવા માટે લોન લેવી જ પડે છે.

 

આપણા વડીલો બચતને જેટલું મહત્ત્વ આપતા હતા એટલું ઇમ્પોર્ટન્સ નવી જનરેશન આપતી નથી. 25થી 30 વર્ષના યંગસ્ટર્સ પર થયેલા એક સર્વેમાં 45 ટકાએ એવું કહ્યું હતું કે અમે અમારી લાઇફ મસ્ત રીતે શા માટે ન જીવીએ? કમાવ અને વાપરો એ માનસિકતા યુવાનોમાં વધતી જાય છે. રૂપિયા હોય તો એને હાથમાં ખૂજલી ઊપડે છે કે આને ક્યાં વાપરું? આપણા વડીલોને તો એવું જ લાગે છે કે છોકરાંવ રૂપિયા ઉડાડે છે. અમુક ખર્ચ તો વડીલોને ગળે જ નથી ઊતરતા. આપણા વડીલો જ્યાં સુધી ચીજવસ્તુ ચાલતી હોય ત્યાં સુધી ચલાવતા. જરૂર પડ્યે રિપેર કરાવીને પણ ચલાવતા. રેડિયોને થપ્પડો મારીને જ્યાં સુધી સાવ ઠપ્પ ન થઇ જાય ત્યાં સુઘી બદલતા નહીં. હવેની જનરેશન નવો મોબાઇલ આવે એટલે જૂના મોબાઇલમાં કોઇ પ્રોબ્લેમ ન હોવા છતાં બદલી નાખે છે. ફાઇનાન્સિયલ એક્સપર્ટ તો એવું કહે છે કે તમારાં સંતાનોને નાના હોય ત્યારથી જ પૈસાનું મૂલ્ય સમજાવો અને બચતની આદત પાડો. હવેનાં મા-બાપ સંતાનોને જે માંગે એ તરત હાજર કરી દે છે. બાળકોને એમ જ થાય છે કે એ તો આવું જ હોય. વડીલોએ એક એક વસ્તુ માટે તેમના પેરેન્ટ્સ પાસે કરગરવું પડ્યું હોય છે. એક સમયે દરેક બાળકનો પોતાનો ગલ્લો હતો. બાળકને વાપરવા મળતા હોય તેમાંથી બચાવીને અમુક રકમ ગલ્લામાં નાખી દેવાતી હતી. બાળકોમાં હવે પીગી બેંકનો કન્સેપ્ટ પણ ઓછો જોવા મળે છે. પીગી બેંક એ પણ એક સંસ્કાર જ છે એવું લોકો સમજતા નથી.

 

બાય ધ વે, લોકો બચત શા માટે કરે છે? સૌથી મોટાં બે કારણો છે. એક તો જાતી જિંદગીએ કોઇ પાસે હાથ ન લંબાવવો પડે અને બીજું કારણ એ કે માનો કે પરિવારમાં કોઇ બીમારી આવી જાય તો વાંધો ન આવે. એ સિવાય પણ પેરેન્ટ્સ છોકરાંવના સ્ટડી અને મેરેજ માટે મા-બાપ બચત કરતાં હોય છે. બચત માટે લોકોને હજુ પણ બેંક ઉપર અને તેમાં પણ ફિક્સ ડિપોઝિટ પર વધુ ભરોસો છે. 56.2 ટકા લોકો બેંકમાં જ બચત રાખે છે. 9.5 ટકા રિયલ એસ્ટેટમાં, 6.3 ટકા લોકો ઇન્સ્યુરન્સમાં, 3.8 ટકા લોકો ગોલ્ડમાં અને 2.1 ટકા લોકો અન્ય રીતે બચત કરે છે. 20.7 ટકા લોકોએ બચત ક્યાં કરે છે એનો જવાબ આપવાની ના પાડી હતી. એચએસબીસીએ 16 દેશોમાં 16000 લોકો ઉપર બચત અંગે સર્વે કર્યો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે દુનિયામાં 33 ટકા લોકો બચત કરે છે. ભારતમાં બચતનું પ્રમાણ ઘટતું જાય છે. અલબત, મોટાભાગના લોકો એ વાત તો સ્વીકારે જ છે કે બચત કરવી જોઇએ. બધાને બચત કરવીયે છે, પણ મેળ તો પડવો જોઇએ ને! સલાહ તો એવી આપવામાં આવે છે કે દરેક વ્યક્તિએ પોતાની ઇન્કમના ઓછામાં ઓછા 15થી 20 ટકા રકમ બચાવવી જોઇએ. બચત કરવી દિવસે ને દિવસે અઘરી થતી જાય છે એ સાચું પણ દુનિયાનો દરેક ડાહ્યો માણસ છેલ્લે તો એમ જ કહે છે કે તમારી આવકનું પ્લાનિંગ કરો એમાં બચતને પણ ગણી લો. જરૂર પડ્યે કોઇની લાચારી કરવી પડે એના કરતાં ખર્ચ ઉપર થોડોક કંટ્રોલ રાખવો સારો. એનો રસ્તો એ પણ છે કે કોઇપણ ચીજ ખરીદતા પહેલાં એટલું જ વિચારો કે આ ખરીદ્યા વગર ચાલે એમ નથી? જરૂર હોય એટલું અને જરૂરી હોય એ જ ખરીદો. બચત એક માનસિક રાહત આપતી રહે છે કે ભવિષ્યમાં કોઇ કપરા સંજોગો આવશે તો વાંધો નહીં આવે.

 

પેશ-એ-ખિદમત

દિલ આબાદ કહાઁ રહ પાએ ઉસ કી યાદ ભુલા દેને સે,

કમરા વીરાઁ હો જાતા હૈ ઇક તસવીર હટા દેને સે,

આલી શેર હો યા અફસાના યા ચાહત કા તાના બાના,

લુત્ફ અધૂરા રહ જાતા હૈ પૂરી બાત બતા દેને સે.

-જલીલ 'આલી'

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 21 ઓકટોબર 2018, રવિવાર)

 

kkantu@gmail.com

21 OCTOBER 2018 149.jpg

 



--

 


 

Blog : www.krishnkantunadkat.blogspot.com






--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvnNDT-PzR7hdDOvoJh-E6NSxbxy5nE%3DeewdW_%2BM0hOfA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment