Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પરમ સખા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પરમ સખા!
નીલમ દોશી

 

 

ઘરમાં જાણે ઉત્સવનો માહોલ રચાયો હતો. દીકરો વહુ તો સાથે જ હતા.દીકરી જમાઇ પણ આવી પહોંચ્યા હતા. આવતી કાલે મમ્મીનો સાઠમો જન્મદિવસ  હતો. છોકરાઓએ માની ષષ્ઠિપૂર્તિ ઉજવવાની જોરદાર  તૈયારીઓ આદરી હતી. મંજરીની લાખ ના છતાં પતિ કે બાળકો કોઇ માન્યા નહોતા. હવે આ ઉંમરે જન્મદિવસના ઉધામા શા? મંજરીએ તો હસીને કહ્યું હતું,

 

બેટા, આજ સુધી મારી ઉમરમાં બે ચાર વરસો ઓછા કરીને કહી શકતી. હવે મારે જખ મારીને કહેવું પડશે કે હા ભાઇ હવે સાઠ વરસની ડોસી થઇ ગઇ છું. તમારે એની જ જાહેરાત કરવી છે ને?  કે મારી મા ગમે તેટલા વરસો કહે પણ એ પૂરા છ દાયકા વીતાવી ચૂકી છે.

 

મંજરીએ મોં બગાડતા કૃત્રિમ ગુસ્સો કર્યો.
અને બધા ખડખડાટ હસી પડયા હતા.


યેસ,અંશુ, મમ્મીની આ વાત સાવ સાચી છે. હવે એને આ તકલીફ પડવાની. આપણે એનો તો વિચાર જ ન કર્યો? હવે એ બિચારી બે ચાર વરસ ઘટાડી નહીં શકે? આપણે આ પોઇન્ટથી તો વિચાર જ ન કર્યો.

 

ઓકે...પપ્પા, તો આપણે ફકત મમ્મીનો જન્મદિવસ છે એટલું જ કહીશું. સાઠમો છે એ કહેશું જ નહી. પૂત્રવધૂ આરતીએ ટહુકો કર્યો.


યેસ આમ પણ મારી મમ્મી તો આ ઉમરે યે ચાલીશ જેવી જ લાગે છે. દીકરી કેમ પાછળ રહી જાય?

 

એ ય, તાની, આ ઉમરે એટલે? એમ કહીને તેં મારા મમ્મીજીને સંભળાવી તો દીધું જ ને?


આરતી, તારા મમ્મીજી, પણ મારી તો મમ્મી…મારી એકલીની....

 

તાની,સોરી, પહેલા મારી મમ્મી હોં. પહેલા હું આ ઘરમાં આવ્યો હતો અને પહેલી વાર મેં મમ્મી શબ્દ ઉચ્ચાર્યો હતો. માટે મારી એકલીની એવો શબ્દ તો ઉચ્ચારતી જ નહીં.તારો નંબર તો હમેશા બીજો જ...તું બે નંબરી....

 

અંશુ બહેનને ચીડવવામાં પાછળ પડે તેમ નહોતો.

 

તમે બંને રહેવા દો...જુઓ હું આ ઘરની પૂત્રવધૂ…અર્થાત પુત્રથી વધારે એવી વધૂ... એટલે સૌથી પહેલો હક્ક મારો.

 

આરતી, હક્ક જમાવવામાં આમ પણ તારો જોટો જડે એમ નથી. આ ઘરમાં સૌથી છેલ્લે આવીને પહેલો હક્ક જમાવવો છે.

 

ખાસ્સીવાર હસી મજાકનો આ દોર ચાલુ રહ્યો.ત્યાં નાનકડી જિયા અને જિનલ આવી અને મંજરીને વળગી પડી....

 

મંજરીએ હસી પડી....


તમારા બધાની આ વાત ખોટી છે.હું તો સૌથી પહેલા મારી આ પરીઓની...જિનલ અને જિયાની.કહેતા મંજરીએ જિયાને તેડી લીધી.અને જિનલની આંગળી પકડી.


લો  હવે બધાના હક્કદાવા રદબાતલ... હવે આમાં કોઇનું ચાલવાનું નહીં.  મારો તો વારો જ ન આવ્યો.

 

અનિકેતે પત્ની સામે જોતા કહ્યું.
પપ્પા, તમે તો મમ્મીના ચમચા છો...
હવે અંશુ અને તાન્યા...ભાઇ બહેન એક થઇ ગયા.

 

બધા ખડખડાટ હસી પડયા. જિનલ અને જિયા કશું સમજયા સિવાય તાળીઓ પાડવા લાગી.

 

દાદી, તમે પણ આમ કલેપ કલેપ કરો. જિયાએ દાદીના બે હાથ પકડીને દાદીને શીખવ્યું.

 

બધા અમારી જેમ કલેપ કરો....  હાસ્યના ફુવારા વચ્ચે બધાની તાળીઓના ટહુકા ભળી રહ્યા.

 

આજે જમવામાં મમ્મીની પસંદગીનું મેનુ છે.


પણ મારો બર્થ ડે તો હજુ કાલે છે.આજે તમને બધાને ભાવે એવું બનાવો.

 

મમ્મી, આજે બર્થ ડેનું પ્રી લંચ છે.રીહર્સલ...આગોતરી ઉજવણી... જે કહે તે. અને આ બે દિવસ તારે અમને ફોલો કરવાનું છે. ઓકે?

 

ઓકે...બાબા ઓકે...ખુશ?


ધેટસ લાઇક અ ગુડ ગર્લ...આઇ મીન માય ગુડ મોમ....

 

નો પાપા...માય ગુડ દાદી...પાંચ વરસની જિનલ બોલી ઉઠી.

 

અને ત્રણ વરસની જિયા તો  જિનલની પૂરી કોપી કેટ....

 

માય ગુડ દાદી....


નો તારી ગુડ નાની...એમ કહેવાય.ઓકે?

 

ઓકે... આપણા બેયની નાની.

 

હાસ્યના વાદળો મન મૂકીને વરસતા રહ્યાં.


પપ્પા, તમે આજે મમ્મીને પિક્ચર જોવા લઇ જાવ. કાલે તો એવો સમય નહીં મળે.આજે અમે તૈયારીમાં બીઝી રહેવાના...સમ સ્પેશીયલ પ્રોગ્રામ.


અને હા, પપ્પા, તમારી પસંદગીનું ફાઇટીંગ વાળું પિકચર નહીં હોં.


મમ્મીને ગમે એવું કલાસીક મુવી એટલેકે રોવા ધોવાવાળું એમ જ ને?


નો પપ્પા...આજના બધા કલાસીક મુવી કંઇ રોવાધોવાના નથી હોતા. એ જમાના ગયા.

 

ના...મારે મુવી જોવા નથી જવું. એના કરતા હું ને પપ્પા, જિયા અને જિનલને લઇને સાંજે સરકસ જોવા જશું. હમણાં સરકસ આવ્યું છે ને છોકરીઓને મજા આવશે.

 

પણ મમ્મા, આજે તમારી ચોઇસનું....


મંજરીએ દીકરીને વચ્ચે જ અટકાવી, મારી પહેલી ચોઇસ તો મારી આ દીકરીઓ છે. તેની તમને ખબર છે ને?

 

તાની, હવે આ વાતમાં તારી  મમ્મી નહીં માને.એની આપણને બધાને ખબર છે. મને પણ એ ગમશે.તો સાંજનો અમારો પ્રોગ્રામ પાક્કો.

 

અનિકેત પત્ની સામે સ્મિત વેરી રહ્યો.


ઓકે પપ્પા, હું હમણાં બહાર જવાનો છું ત્યારે ટિકિટ લેતો આવીશ.


ઓકે...


અને આજે મમ્મીની પસંદગીનું મેનુ છે અર્થાત ખીચડી, કઢી, રોટલા, ઓરા,છાશ, પાપડ અને સલાડ...પૂરું કાઠિયાવાડી મેનુ બરાબર?

 

યેસ...આજે પ્યોર દેશી ખાણું.


સાથે તમને અને આ છોકરીઓએ ભાવે એવું પણ કંઇક બનાવજો હોં.


એ બધું અમારા ચાર્જમાં છે. યુ નીડ નોટ વરી.મમ્મા...

 

ત્યાં અનિકેતનો ફોન વાગતા બધા વિખેરાયા...અને પોતપોતાને કામે વળગ્યા.


ઘરમાં ઘણીવાર નેટવર્કનો પ્રોબ્લેમ આવતો તેથી અનિકેત બાલ્કનીમાં ગયો.
મંજરી જિયા, જિનલને વાર્તા કરવામાં ગૂંથાઇ હતી.

 

ફોન પૂરો કરી અનિકેત ઘરમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત ગાયબ હતું. તેની જગ્યાએ ગંભીરતાએ સ્થાન લીધું હતું...


મંજરી, ચાલ, આપણે બહાર જવાનું છે.
 

બહાર? અત્યારે? કયાં?

અનિકેત બે પાંચ ક્ષણ પત્ની સામે જોઇ રહ્યો.

 

જવાબ  આપવો પડે એમ હતો.


મારા એક મિત્રને અકસ્માત થયો છે.હોસ્પીટલમાં છે. તેની પાસે બીજું કોઇ નથી.તાત્કાલિક જવું પડે એમ છે.


કયો  ફ્રેંડ?  ત્યાં  તમે એકલા જઇ આવો...મારું શું કામ છે?

 

મંજરી પ્લીઝ...કોઇ સવાલ કર્યા સિવાય મારી સાથે નહીં આવી શકે? જરૂરી હોય તો જ કહેતો હોઇશ ને?

 

ત્યાં દીકરો, દીકરી બધા આવી ગયા.


પપ્પા, તમે એકલા જ જઇ આવો.મમ્મી ત્યાં આવીને શું કરશે? મમ્મી, તમારા ફ્રેન્ડ્ને કયાં ઓળખે છે?


 
પપ્પા, કયા મિત્રને,  કઇ જગ્યાએ અકસ્માત થયો છે?

 

એ મિત્રને તમે કોઇ નથી ઓળખતા.અમેરિકા રહે છે. બે દિવસ પહેલા જ અહીં આવ્યો હતો. અને આજે સુરેન્દ્રનગર પાસે અકસ્માત થયો છે.

 

ઓહ...એટલે તમારે અમદાવાદથી ત્યાં છેક જવું પડશે? તેના બીજા કોઇ સગા અહીં  નથી? આજે ન જાવ તો ચાલે એમ નથી? બધો પ્રોગ્રામ ડીસ્ટર્બ થઇ જશે.

 

ના...જવું પડે એમ છે. અને મમ્મી પણ મારી સાથે આવશે. હવે વધારે સવાલ જવાબ કર્યા સિવાય મંજરી જલદી તૈયાર થા. આપણે નીકળવાનું મોડું થાય છે.

 

મંજરીને થયું ગયા સિવાય ચાલશે નહીં.આ વળી કયો મિત્ર પાતાળમાંથી ફૂટી નીકળ્યો?


ઓકે...હું કપડાં બદલીને આવું છું.

 

કહેતા મંજરી તેના રૂમમાં ગઇ.તેની પાછળ અનિકેત પણ ગયો.

 

મંજરી, આજે આ યલો કલરની સાડી પહેર ને...કેટલા સમયથી હું લાવ્યો છું પણ તેં કદી હાથ નથી અડાડયો.

 

યલો? અત્યારે કંઇ સાડીના કલરની પસંદગી કરવાની છે?

 

વાત શું છે? અનિકેત મને કંઇક વિચિત્ર લાગે છે બધું.

 

અનિકેત એકાદ ક્ષણ  મંજરીની આંખોમાં ન જાણે શું  નીરખી  રહ્યો.પછી હળવેથી બોલ્યો.


મંજરી, અનીશને અકસ્માત થયો છે.

 

અનીશ? મંજરીની ભીતર જાણે સુનામીના મોજા  ઉછળી આવ્યા.

 

અનિકેતના મોઢામાં અનીશનું નામ? જે નામને પોતે કદી હોઠ સુધી પહોંચવા નથી દીધું એ નામ અનિકેત પાસેથી?

 

મંજરી આખ્ખેઆખ્ખી થરથરી ઉઠી.


અત્યારે? આ ક્ષણે? જે અનીશ તેની ભીતરના કોઇ ઊંડા, અજાણ્યા ખૂણામાં વરસોથી અડ્ડો જમાવીને ચૂપચાપ બેઠો છે. એ આજે કેવી રીતે બહાર આવ્યો?અને તે પણ પતિને હાથે? અર્થાત…

 

મંજરી અનિકેતની સામે જોઇ રહી કશુંક ઉકેલવા મથી રહી.

 

મંજરી, અત્યારે બધી વાત કરવાનો સમય નથી. રસ્તામાં કહું છું. તું અત્યારે જલદી કર. બહું મોડું થઇ જાય  એ પહેલા આપણે પહોંચવાનું છે.

 

મંજરી, બને તો પેલી યલો કલરની જ પહેર ને? અનીશને સારું લાગશે.તું કપડાં બદલાવી લે ત્યાં હું પણ બે મિનિટમાં ફ્રેશ થઇને આવું પછી નીકળીએ.કહેતો અનિકેત ઓરડાની બહાર નીકળી ગયો. કદાચ મંજરીને થોડી સ્પેશ...મોકળાશ  આપવા માગતો હતો. આ પળે મંજરીને એના આગવા, નાનકડા એકાંતની જરૂર હશે. ઠલવાવા માટે તેને એ મળવું જ જોઇએ.


હાથમાં પીળી સાડી લઇને મંજરી સ્તબ્ધ બની ઉભી રહી.

 

અનિકેતને બધી ખબર છે?કયારથી?  આજ સુધી પોતાને કોઇ અણસાર સુધ્ધાં નથી આવવા દીધો.?

 

સોનેરી પીળો...અનીશનો સૌથી પ્રિય રંગ.એ રંગના વખાણ કરતા એ કદી થાકતો નહી. મંજરીએ ધ્રૂજતા હાથે સોનેરી પીળા રંગની સાડી કાઢી.પહેરતા પહેરતા આખા અસ્તિત્વમાં જાણે એક ઝણઝણાટી ફરી વળી.ને કાનમાં પડઘાઇ ઉઠયા અનીશના વરસો પહેલાના શબ્દો.

 

મંજરી,  આ તો ઉઘડતા સૂરજનો  રંગ...એના ઉજાસમાં અનેક પ્રતિબિંબો આપોઆપ ઉઘડી રહે. તું  સોનેરી પીળી સાડી પહેરે છે ત્યારે મને હમેશા એમ જ લાગે કે સૂરજનો રંગ લઇને જાણે કોઇ પરી સીધી આકાશમાંથી  ઉતરીને મારે આંગણે આવી છે. ઝગમગ સૂર્યના કિરણો જેવી દેદીપ્યમાન બની રહે છે તું. મારું ચાલે ને તો હું તારા દરેક કપડા આ એક જ કલરના લઉં.સોનેરી પીળો રંગ એ તારી પહેચાન બની રહે. સૂરજની જેમ.


વરસો પછી આજે મંજરીએ પીળા  રંગની સાડી હાથમાં લીધી હતી. આજે  પણ રૂંવે રૂંવે  રોમાંચ ફૂટી નીકળ્યો.

 

નસીબ તેને અનીશને બદલે અનિકેતને ઘેર લાવ્યું હતું. અનિકેતની સહ્રદયતા જોઇને ઘણીવાર મન થતું કે અનીશને પોતાના પહેલા પ્રેમની બધી વાત કહીને ખાલી થઇ જાઉં. ઠલવાઇ જાઉં...પણ બધાની સલાહ તેને રોકતી રહી...મંજરી, એવી ભૂલ ન કરતી.કયારેક એ ભારે પડી જાય.પુરૂષની જાત રહી વહેમીલી.કઇ પળે શંકાની કોઇ નાની શી ચિનગારી તારા સુખી સંસારમાં આગ લગાડી દે. માતા પિતાએ, મિત્રોએ બધાએ એ સલાહ વારંવાર  ગણીને ગાંઠે બંધાવી હતી.  આજ સુધી કયારેય પોતે એ ગાંઠ છોડવાની હિમત કરી શકી નહીં.

 

અને આજે...અચાનક...સાવ અચાનક એ અનાવૃત થઇ ગઇ હતી. પૂરા ચાર દાયકા પછી સાવ અચાનક કોઇએ તેના ભીતરના વસ્ત્રોને ખેંચીને જાણે તેને ઉઘાડી કરી દીધી હતી.

 

શરૂઆતના વરસોમાં અનિકેતમાં અનીશને કલ્પીને જ જીવાયું હતું.બાજુમાં અનિકેત હોય અને ભીતરમાં અનીશ શ્વસતો રહેલો. કદીક પોતે અનિકેતને અન્યાય કરે છે એવી અપરાધભાવના પણ ઘેરી વળતી.પણ મનના ખેલ તો હમેશા નિરાળા જ રહ્યા છે ને?મન આગળ ભલભલા  મજબૂર બની રહેતા હોય છે તો તેનું શું ગજું?

 

પણ ધીમે ધીમે પતિના અપાર સ્નેહને લીધે  અનીશ આપોઆપ અનિકેતમાં ઓગળતો ગયો. બંને અસ્તિત્વ જાણે એકાકાર બની ગયા. મંજરી પૂરી અનિકેતમય બની રહી.


અનિકેતે કદી કોઇ લપ્પન્છપ્પન કરી નથી. સાવ સરળ વ્યક્તિત્વ...બધી વાતનો સ્વીકાર... શરૂઆતમાં  પોતે  ભીતર ન  ખોલી શકી.અને પછી  એવી જરૂર ન અનુભવાઇ. હવે મંજરી માટે અનિકેત એ જ તેના જીવનનું એક માત્ર સત્ય.વર્તમાન,.ભૂત, ભવિષ્ય...બધું એક માત્ર અનિકેત.

 

સૂરજવર્ણી સાડી શરીર પર યંત્રવત વીંટાતી રહી. સાથે...મનના તાણાવાણા ઉકેલાતા હતા કે વીંટાતા હતા એ સમજાતું નહોતું.

 

બસ...અનિકેતે આ સાડી પહેરવાનું કહ્યું હતું અને એ પહેરશે.અનિકેત જે કહેશે એ કરશે...એ જ એકમાત્ર સત્ય.

 

થોડીવારે બંને કારમાં બેઠા.અનિકેતે ગાડી ભગાવી. હજુ સુધી મૌનનો પરદો અકબંધ હતો.અનિકેત શું કહેશે?શું બોલશે? એવો વિચાર આવતો હતો.પણ કોઇ ફફડાટ નહોતો. સાવ અચાનક,અણધારી  રીતે અનાવૃત થવાથી બે પાંચ ક્ષણ ફફડાટ અવશ્ય જાગ્યો હતો. પણ એને શમી જતા વાર નહોતી લાગી.અનિકેત જે પૂછશે એના સાચા જવાબ જ આપશે.વરસો પછી એક અતીતના દરવાજાઓ ખોલવા અણગમતા જ બની રહેવાના...પણ એ સિવાય કોઇ ઉપાય પણ નહોતો. વહેલો મોડો અનિકેત એક વાર કુતુહલ ખાતર પણ પૂછશે તો ખરો જ ને?

 

 અનિકેતને અનીશની જાણ છે. એના પ્રિય રંગની સુધ્ધાં  જાણ છે. એનો અર્થ શું? એ અનીશને ઓળખે છે? કયારથી? કેવી રીતે? અનીશ ઠીક તો હશે ને? અનેક તર્ક, શંકા,  પ્રશ્નો ખળભળાટ મચાવતા રહ્યા. પણ કશું પૂછવાનું  મન ન થયું.  મૌન ઓઢીને એ બેસી રહી.

 

અનિકેતે ડ્રાઇવીંગ કરતા કરતા તેના  હાથ પર ધીમેથી પોતાનો હાથ મૂકયો.
મંજરી, તારા મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હશે. મને કેમ, કયારે જાણ થઇ?


મંજરી, સોરી, એકવાર મારા હાથમાં અનીશનો પત્ર આવી ગયેલો. ને હું વાંચ્યા સિવાય નહોતો રહી શકયો. કોઇ શંકાને લીધે નહીં. માનવસહજ કુતૂહલ માત્ર. અને મેં તારી જાણ બહાર, એ વાંચી લીધો હતો. એમાં છલકતી તારી પીડાનો એહસાસ કરી શકયો હતો.પણ ત્યારે અંશુ તારા ગર્ભમાં હતો એટલે કશું કહેવું કે પૂછવું યોગ્ય ન લાગ્યું.  એમ જ સમય પસાર થતો રહ્યો. તારા અતીત સાથે મારે કોઇ સંબંધ ન હોય.એના પર ફકત તારો જ અધિકાર હોય શકે. તારી અંગતતાનો પૂરા આદર સાથેનો એ સ્વીકાર  હતો. મારે મન એ જ પ્રેમનો સાચો અર્થ હતો.  મારે ફકત પતિ જ નહોતું બનવું. મારે તો બનવું હતું તારો પરમ મિત્ર...તારો સખા...

 

એક દિવસ બીઝનેસ ટુરમાં હું ને અનીશ મળી ગયા હતા. હું તેને ઓળખતો નહોતો. તેની નિખાલસતા મને સ્પર્શી ગઇ હતી.  થોડા સમયમાં  અમે ખાસ મિત્રો બની ગયા હતા. એક દિવસ અનીશે એની ભૂતપૂર્વ  પ્રિયતમાનો  ફોટો મને બતાવ્યો... અનીશ ધરાઇને તારી વાતો કરતો.હું  થાકયા સિવાય સાંભળતો રહેતો.

 

અને...


મેં તેને કદી જણાવા ન દીધું કે એની મંજરી મારી પત્ની અને મારા બે બાળકોની મા બની ચૂકી છે.


બસ...એ તેનો પ્રેમ , પીડા ઠાલવતો રહ્યો.નિર્દોષ ભાવે. એણે તારે માટે થઇને લગ્ન નહોતા કર્યા.થોડા વરસ અમેરિકા ચાલ્યો ગયો હતો.તમારા લગ્ન શા માટે ન થયા...હું એમાં કેવી રીતે પ્રવેશી ગયો એ ત્યારે સમજાયું.

 

અને આજે આ અકસ્માત...? મને થયું અનીશને મળવા તારે જવું જ જોઇએ.


બસ...મંજરી...તારી પીડાનો મને અંદાજ છે. પણ…

 

મંજરીની આંખો વહેતી રહી.અનિકેતના, પરમ સખાના  હાથના હૂંફાળા સ્પર્શની શાતા તેના અસ્તિત્વને વીંટળાઇ વળી.


અને કાર ફુલ સ્પીડમાં હોસ્પીટલ તરફ દોડી રહી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtVVSGqM7d%2BZj73Mdbi91KJ2p9KsinnFonyivK_xs9BiA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment