Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોઈ સંપૂર્ણ નહીં, માનવમાત્ર અધૂરા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈ સંપૂર્ણ નહીં, માનવમાત્ર અધૂરા!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર
 

જીવન વહેવારમાં આપણે ભિન્ન ભિન્ન પ્રકૃતિના અનેક માણસોના પરિચયમાં આવીએ છીએ. દરેક માણસનો સ્વભાવ, ગમો અણગમો અને જીવન જીવવાની અને કાર્ય કરવાની રીત અલગ અલગ હોય છે. દરેક માણસને તેના ગુણો અને આગવી શક્તિ હોય છે અને સાથે સાથે ઉણપો પણ હોય છે. જે પ્રકારનાં તત્ત્વો તેનામાં ઊભરે તે પ્રમાણમાં માણસ સારો અને ખરાબ દેખાય છે.

માણસમાં રહેલાં મૂળભૂત તત્ત્વો પર તેનો આધાર છે. માણસ જે પ્રકારના માહોલમાં ઘડાયો હોય છે તેની છાપ થોડેઘણે અંશે તેની પર અંકિત થઈ જાય છે. આવા અલગ અલગ પ્રકૃતિના માણસો સાથે રહેતા હોય કે સાથે કામ કરતા હોય ત્યારે કેટલીક વખત સંઘર્ષ અનિવાર્ય બની જાય છે, પરંતુ સમજદાર માણસ આની મર્યાદા બાંધી લે છે. આને આપણે મતમતાંતર કે મતભેદ તરીકે ઓળખીએ છીએ. આમાં મતભેદ હોતો નથી, પરંતુ સહજ પ્રકૃતિજનક વલણ ડોકિયાં કરતું હોય છે.

કુટુંબ અને સમાજમાં શાંતિમય સહઅસ્તિત્વ જ આપણાં મૂળભૂત તત્ત્વોને ટકાવી રાખે છે. કેટલાક આડા અને અળવીતરાં માણસોને લોકો સહન કરી લેતા હોય છે. માણસ વિચારે છે કે પાણીમાં રહેવું અને મગર સાથે વેર બાંધવું એમાં સાર નથી. જ્ઞાની માણસો કહે છે કે સમાજમાં એવા કેટલાય માણસો હોય છે તેની સાથે બની શકે ત્યાં સુધી સંઘર્ષમાં ઊતરવું નહીં, તેનો વિરોધ કરવો નહીં. વિરોધ કરીએ, આડા ઉતરીએ તો સરવાળે આપણને જ નુકસાન થાય.

માણસ આધિ-વ્યાધિ, ચિંતા-તનાવ, માન-અભિમાન, ક્રોધ, લોભ, પૂર્વગ્રહ અને અશાંતિથી ઘેરાયેલો છે. એટલે દુખતી રગ પકડાઈ જાય અથવા એના મર્મસ્થાન પર ઘાવ પડે ત્યારે તે ઉકળી ઊઠે છે અને તેનો રોષ ભભૂકી ઊઠે છે.

આ બીજું કશું નથી, પરંતુ મનની અશાંતિ છે. મન સ્થિર અને શાંત હોય તો ઘા લાગતા નથી. મનની સપાટી પર જ બધુ ભૂંસાઈ જાય છે અને ભૂલાઈ જાય છે.

સમાજમાં ભાતભાતના માણસો છે. કોણ સાચો, કોણ ખોટો તે ઓળખવાનું બહુ મુશ્કેલ છે. દરેક મણસે તેના ચહેરા પર મુખવટો લગાવેલો છે. એટલે તેનો અસલી ચહેરો શોધવો મુશ્કેલ છે. સ્વાર્થી, મતલબી, માખણીયા, ખુશામતખોરો અને ધૂર્ત લોકોનો તોટો નથી.

માણસ આજે એકદમ મતલબી બની ગયો છે. પોતાને કેમ ફાયદો થાય એ જ તેની વૃત્તિ હોય છે. અંગત ફાયદા અને સ્વાર્થ માટે તે જુઠાણા અને પ્રપંચો આચરે છે. ખંધા અને કપટી માણસો જલ્દીથી ઓળખાતા નથી. અળવીતરાં અને કઢંગા માણસો જલ્દીથી ઓળખાઈ જાય છે, પરંતુ બંને એક ચહેરાનાં મહોરાં છે.

અત્યારના જગતમાં સારો કોણ અને ખરાબ કોણ એની કલ્પના કરવાનું મુશ્કેલ છે. કેટલીક વખત સગા દીકરાઓ દુશ્મન બની જાય છે. તો કેટલીક વખત જેને આપણે દુશ્મન માનતા હોઈએ એ ખરે વખતે ઢાલ બનીને ઊભો રહે છે. સમાજમાં મોટાભાગના લોકો બેવડું જીવન જીવે છે. સપાટી પરનું એક અને ભીતરનું જુદું.

ધાર્મિક દેખાતો માણસ અંદરખાને દુર્જન અને નૈતિકતાની વાતો કરનારા અંદરખાને અનૈતિક અને અનીતિમાન જીવન જીવતા હોય છે. સજ્જન અને દુર્જનનાં ચહેરાઓ અને મહોરાઓ બદલાઈ ગયાં છે. સરળતા, સહૃદયતા અને સહિષ્ણુતા ધીરેધીરે કમ થઈ રહી છે અને માણસ કૃત્રિમ રીતે જીવી રહ્યો હોય એવું લાગે છે.

સંવેદન, સહાનુભૂતિ અને કૃતજ્ઞતાનો લોપ થયો છે. કોઈએ આપણું સારું કર્યું હોય, સહાનુભૂતિ દર્શાવી હોય, સહાય કરી હોય, પરંતુ આપણી પાસે આભારના બે શબ્દો હોતા નથી. નાના માણસોની આવી સેવાઓને આપણે સિફતથી ભૂલી જઈએ છીએ. કહે છે કે ભગવાને એકવાર સ્વર્ગમાં એક વિશેષ પ્રકારનો ભોજન સમારંભ યોજેલો. એની વિશેષતા એ હતી કે એમણે ધરતી પરના સદ્ગુણોને જ નિમંત્રેલા.

આ સ્નેહમિલનમાં ખુદ ભગવાનને પણ એ જોઈને આશ્ર્ચર્ય થયું કે બે મહેમાનો એકબીજાને ઓળખતાં જ નહોતા. એક સહાનુભૂતિ અને બીજી કૃતજ્ઞતા. આપણી ધરતી પર બંને કદી ભેગા જ નહીં થયેલા. અને ભેગા પણ ક્યાંથી થાય? આપણી પર કોઈએ ઉપકાર કર્યો હોય ત્યારે સાચા હૃદયથી કૃતજ્ઞતા આપણે ભાગ્યે જ વ્યક્ત કરીએ છીએ. જાણીતા ચિંતક સિસેરોએ કહ્યું છે કે 'કૃતજ્ઞતા એ સર્વ ગુણોની માતા છે.'

'તુલસી ઈસ સંસારમેં ભાતભાત કે લોગ.' આવા અલગ અલગ મિજાજના લોકો સાથે મળે એટલે કેટલીક વખત ટક્કર અને સંઘર્ષ સર્જાય છે. માણસ અનેક વિચિત્રતાથી ભરેલો છે. માણસના મનનો તાગ મેળવવાનું મુશ્કેલ છે. જે બાબત આપણને ન ગમે અને આપણા મગજમાં ફીટ ન થાય તે અંગે આપણે વિરોધ કરતા રહીએ છીએ.

આપણો અહંમ ન સંતોષાય, અહંકારને ચોટ લાગે ત્યારે પણ વિરોધનો સૂર બહાર આવે છે. કેટલીક વાર સીધી રીતે તો કેટલીક વખત આડકતરી રીતે વિરોધનો ભાવ પ્રગટ થઈ જતો હોય છે. વિરોધ અનેક પ્રકારે થાય છે. પ્રેમથી, રોષથી, વ્યંગથી, કટાક્ષથી કે મેણું મારીને કે સામા માણસને ન ગમતી વાત કરીને કે તેના મર્મસ્થાન પર ઘા કરીને તીર ચલાવતા હોય છે. વિરોધનો પ્રતિભાવ ઊભો ન થાય તો વિરોધ બુઠ્ઠો બની જાય છે. એટલે ઘા કરનારા સમય, સ્થળ અને સંજોગો જોઈને વાર કરતા હોય છે. માણસનો આ સ્વભાવ છે.

આપણી સામે થતાં વિરોધને, ટીકાને કોઈ પણ જાતનો પ્રતિભાવ નહીં આપીને મહાત કરી શકાય છે, પરંતુ સાચી સમજદારી વાતમાં ગુસ્સે થયા વગર સામા માણસને સમજવાનો પ્રયાસ કરીએ તો આ વિરોધ ઓસરી જાય છે. આપણે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ, થોડી ઘણી ટીકા અને વિરોધનો ભોગ બનવું પડે છે. તમે ગમે તેટલું સારું કરતા હો, પરંતુ તે જોવાની દરેકની દૃષ્ટિ અલગ

હોય છે.

ગમા, અણગમા પર આ બધી પરિસ્થિતિનો આધાર છે. માણસને ક્યાંક ને ક્યાંક ઘાવ લાગી જતા હોય છે. કેટલીક વખત એકનો ગુસ્સો બીજા પર ઉતરે છે. જૂની વાત, જૂના પૂર્વગ્રહો મનમાં રહેલાં હોય છે. બહાનું મળતા એ રોષ પ્રજ્વલિત બને છે.

કોઈની ટીકા, નિંદા અને કૂંથલીમાં લોકોને વધુ રસ પડે છે. પોતાનામાં રહેલી નાનપ, અધૂરપ અને ખામીને છુપાવવા માટે આ શસ્ત્રનો ઉપયોગ થતો હોય છે. બીજાને નાના બનાવીને મોટા થવાનો આ પ્રયાસ છે. માણસની આ મોટામાં મોટી નબળાઈ છે. પોતાની અસમર્થતાને છુપાવવાનો આ પ્રયાસ છે.

આપણે કોઈની પ્રશંસા કે વખાણ કરીએ તે સાંભળવા કોઈ રાજી હોતા નથી. ઉપર ઉપરથી માથું ધુણાવ્યા કરે છે, પરંતુ કોઈની ટીકા કે નિંદા કરીએ કે તેની અંદરખાનેની વાત કરીએ તો લોકોના કાન સરવા થઈ જાય છે. આ બધી વાતો ધ્યાન દઈને સંભળાય છે અને તેનો સ્વીકાર પણ

થાય છે.

ટીકા જેટલી જલ્દીથી સ્વીકાર્ય બને છે તેટલી પ્રશંસા જલ્દીથી સ્વીકાર્ય બનતી નથી. ખરાબ વસ્તુ જેટલી ત્વરાથી ગ્રહણ થઈ જાય છે એટલી સારી વસ્તુઓ જલ્દીથી ગળે ઉતરતી નથી. કેટલાક માણસોને વાતવાતમાં આડું પડી જતું હોય છે. જ્યાં સુધી કોઈની સાથે બગાડે નહીં ત્યાં સુધી ચેન પડતું નથી.

વાતવાતમાં વિરોધ કરનારા લોકો સભાનપણે સમજી વિચારીને પગલું ન ભરે તો પાછા પડવું પડે છે. વિરોધમાં સચ્ચાઈ હોવી જોઈએ. જીદ અને હઠાગ્રહ ન ચાલે. વિરોધ કરવા ખાતર કરીએ તો કોઈ સારું પરિણામ ન આવે, પરંતુ તેમાં શુભ ભાવના હોય, સારું કરવાનો પ્રયાસ હોય તો સમજી શકાય છે પણ કોઈને બદનામ કરતા, કોઈના દિલને દુ:ખ પહોંચાડવા કે કોઈની માનહાનિ કરવા માટે વિરોધ થાય છે ત્યારે તે વિરોધ રહેતો નથી, પરંતુ દ્વેષ બની જાય છે.

દરેક માણસે બીજા તરફ આંગળી ચીંધતા પહેલાં પોતે શું છે તેનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ જગતમાં કોઈ સંપૂર્ણ નથી. દરેક માણસમાં વધતે ઓછે અંશે સારાઈ અને બુરાઈ રહેલી છે. પ્રભુલાલ દ્વિવેદીની એક રચના આ અંગે થોડામાં ઘણું કહી જાય છે...

સંપૂર્ણ જગતમાં

ઈશ્ર્વર એક જ

માનવ માત્ર અધૂરાં

સદ્ગુણ જુએ છે શાણાને

અવગુણ પાત્ર અધૂરાં

કોઈને રચનારે રૂપ દીધાં

કોઈને દીધાં અભિમાન

કોઈ ઘન ઘેલાં કોઈ રસઘેલાં

કોઈને દીધાં રે જ્ઞાન

સઘળું નવ સાથ દીધું કોઈને

એ ભૂલે પાત્ર અધૂરાં

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvLm3dYmCLR_q%3D9DZo9i%3Dktge1HMhS1m3DaHvuY_xygjg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment