Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સરદાર પટેલ હૈ ના (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સરદાર પટેલ હૈ ના!
ભવેન કચ્છી

 

 

કેવા કેવા પડકારો અને હૃદયની પીડા વચ્ચે ભારતની સેવા કરી આ 'પોલિટિક્સ બોસે'


અમેરિકાના જગવિખ્યાત અને પ્રતિષ્ઠિત સામયિક 'TIME'ના ૨૭ જાન્યુઆરી, ૧૯૪૭ના અંકમાં સરદાર પટેલ પર કવર સ્ટોરી પ્રકાશિત થઇ હતી: આ રહ્યો આ લેખનો ભાવાનુવાદ...

 

'પૂર્વ બંગાળની પગપાળા યાત્રા દરમ્યાન ગાંધીજીને અનાજ પકવતા ખેતરો પણ ખૂંદવા પડતા હતા. તેમના પગ પર પાટાપીંડી થયેલી પણ જોઈ શકાતી હતી.

 

ગાંધીજી પ્રત્યે પૂર્વ બંગાળીમાં એ હદે લાગણીનું ઘોડાપુર હતું કે તેમની ઝલક લેવા, તેમના ચરણ સ્પર્શ કરવા હિન્દુઓ અને મુસ્લિમો ભારે મેદની સાથે હરોળમાં ઉભા રહેતા જોઈ શકાતા જેમાંના મોટાભાગના ગાંધીજીની આભા અને દેશબાંધવો માટેની કરૂણાની મૂર્તિ સદેહે નજર સામે જોઈ ભાવવિભોરતા સાથે રડી રહ્યા હતા, ગયા અઠવાડિયે પૂર્વ બંગાળમાં આવુ દ્રશ્ય જોઈ શકાતુ હતુ ત્યારે મુંબઇમાં હિન્દુ અને મુસ્લિમો એકબીજાની મોટા છરા વડે કાપાકાપી કરતા હતા. મુંબઇના કોમી રમખાણોમાં અત્યાર સુધી ૨૨ વ્યક્તિઓના મૃત્યુ થઇ ચૂક્યા છે જેમાં કેટલાક અસ્પૃશ્યોનાં પણ સમાવેશ થતાં હતાં.

 

ગાંધીજી બંગાળીઓને અરસપરસ ભાઈચારો, પ્રેમ અને અહિંસા ધારણ કરવાનો ઉપદેશ આપતા હતા ત્યારે છેલ્લા ૧૬ વર્ષમાંથી ૮ વર્ષ જેલમાં વીતાવી ચૂકેલા અને જાહેરમાં પોતાને ગૌરવપૂર્ણ રીતે ગાંધીજીના આંધળા ભક્ત તરીકેની ઓળખ આપતા સરદાર વલ્લભભાઈ પટેલ વધુ એક વખત જેલભેગા થયા ત્યારે જેલમાં ૪૦ જેટલા ભારતીય સામ્યવાદીઓએ તેમની વ્યંગાત્મક હાંસી ઉડાવતા તાળીઓ પાડીને સ્વાગત કર્યું હતું.

 

બ્રિટિશરજ સરદાર પટેલની જેલના પંખી તરીકે જ મજાક કરતા હતા. એકંદરે ભારતમાં બધું જ છેલ્લા વર્ષોથી છે તેવું જ જોવા મળે છે. એ જ માનસિકતા એ જ સમાજ એ જ જનજીવન. ભારત એક એવો દેશ છે જેની ભૂમિ કરતા તેના નાગરિકો જાણે વધુ ફળદ્રુપ હોય તેવી પ્રતિતી કરાવે અને તેમના પ્રત્યેક બાબત પરના મતમતાંતરો તે નાગરિકો કરતા પણ વધુ ફળદ્રુપ લાગે.

 

ભારતમાં ભાગલા અંગે એ હદે અજંપો, મતભેદ, અવિશ્વાસ અને ધીક્કાર પ્રવર્તતો જાય છે કે ઉકળતા ચરૂ જેવી સ્થિતિથી હવે વિશ્વ માહિતગાર થાય તે ઘણું જ અનિવાર્ય છે.

 

ભારતીય કોંગ્રેસના ૧૭મા અધિવેશનમાં ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. ભારત મહ્દઅંશે બ્રિટનથી મુક્ત જેવું જ હતું. હા, તેઓએ દેશને છોડયો ન હતો. પણ તે વખતે જ બ્રિટનના શાસકો અને ભારતના નાગરિકો, નેતાઓની નજર સામે જ એ નિશ્ચિત દ્રશ્ય અને વાતાવરણની ભુમિકા ઘડાઈ ચૂકી હતી જેમાં ભારતમાં અંધાધૂંધી, અજંપો અને ભારેલો અગ્નિ જોઈ શકાતો હતો. તાજા બાળકની જેમ જન્મલઇ રહેલા ભારત સામેના મહત્ત્વના પડકારો કંઇક આ પ્રમાણે હતા.

 

 હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનો ધીક્કાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ગત ઓગસ્ટમાં જ કોમી રમખાણોમાં કલકત્તામાં ૬૦૦૦થી વધુ નાગરિકોની કત્લેઆમ થઇ હતી. હવે પાકિસ્તાનનું નિર્માણ થવાનુ હોઈ પરિસ્થિતિ વધુ ખૂનામરકી અને નરસંહાર જેવી ડરામણી આકાર પામી રહી છે.

 

 એક તરફ મોંઘવારી માઝા મૂકી રહી છે અને બીજી તરફ ઉત્પાદન ઘટી રહ્યું છે. વિશ્વભરમાં ગરીબો અને તવંગરો વચ્ચેની ખાઈ વધતી જાય છે જેની અસરમાંથી ભારત પણ બાકાત નથી. ભારતમાં ઠેર ઠેર હડતાળનો માહોલ છે. સામ્યવાદીઓનો પ્રભાવ વધતો જાય છે. કોંગ્રેસ પક્ષ અને મુસ્લિમ નાગરિકો પણ જમણેરી અને ડાબેરી એમ બે ફાંટામાં વહેંચાઈ ગયા છે.

 

એક તરફ ગાંધીજી આવી મંદી, બેકારી અને હડતાળ જેવા હતાશાજનક વાતાવરણમાં પણ ઔદ્યોગિકરણનો વિરોધ કરી રહ્યા છે તો તેમના જ ભક્ત જેવા અનુયાયીઓ પણ ઇચ્છે છે કે ભારતને એશિયાના દેશોમાં ઉદ્યોગોનું હાર્દ બનાવવું જોઇએ.

 

 હાલ એવી સ્થિતિ પ્રવર્તે છે કે, ભારત આઝાદ થાય તો પણ જે રજવાડા (૫૬૫) છે તેમના રાજા અને રજવાડામાં રહેતા નાગરિકોને જાણે કંઇ ફર્ક જ ના પડવાનો હોય. માત્ર રાજાઓ અને તેની પ્રજા જ નહીં બધા નેતાઓ એવું જ માનતા હતા કે ભારતની આઝાદી એટલે રજવાડાઓને બાદ કરતા જે ભારત વધે તેની આઝાદી. રજવાડામાં તો રાજા જ સર્વોપરી અલાયદી સત્તા, કાયદાઓ આધીન રૈયત પર રાજ કરશે.

 

ભારતના રજવાડાઓ હેઠળની વસ્તી ૯.૩ કરોડ જેટલી હતી એટલે કે ૨૫ ટકા ભારત. દેશની પ્રજા ભીખારી જેવી હતી ત્યારે રજવાડાઓનો ઠાઠ જૂઓ. પ્રત્યેક રાજા કે રાજકુંવર પાસે સરેરાશ ૧૧ ખિતાબો અને હોદ્દાઓ હતા. ૬ પત્ની, ૧૩ બાળકો અને ૪ રોલ્સ રોયસ મોટર કાર હતી. વહેલા કે મોડા ભારતના શાસકોને આ અતિ પડકારજનક પેચીદો કોયડો ઉકેલવો પડે તેમ જ છે.

 

રાજાઓને તેમની સત્તા, સંપત્તિ અને આધિપત્યથી રાતોરાત ભારતના સામાન્ય નાગરિક બનાવવા માટે તૈયાર કરવામાં ઝીણા જેવા મુસ્લીમ લીગ અને પાકિસ્તાનના જ તરંગતુક્કામાં રાચતા નેતાનું તો કામ જ નહીં. આદર્શવાદના વાકચાતુર્યમાં માહેર નહેરૂ કે પછી જોડતોડમાં રહસ્યવાદી અને અકળ અભિગમ ધરાવતા ગાંધીજીના બસની પણ આ વાત નહોતી.

 

ભારતને ભાગલા અને રજવાડાઓના વિલિનીકરણ જેવા અત્યત જટીલ પડકારને થાળે પાડવા એક કુશળ અને મુત્સદ્દી વહીવટકારની જરૂર હતી. આવો એક નેતા ભારતના સદ્ભાગ્યે છે જ. ગાંધીજી ભગવાનનો અવાજ સાંભળવામાં આંતરધ્યાન રહેતા અને તેમના રાજકીય વહીવટ બાબતના વિચારો વલ્લભભાઈને તરફ વહેતા કરતા.

 

વલ્લભભાઇ પટેલ તે પછી તેમાં પોતાની કુશાગ્ર બુધ્ધિ અને વ્યવહાર કુશળતા ઉમેરીને રાજનીતિજ્ઞાની જેમ તેને પાર પાડીને જ રહેતા.

 

સરદાર પટેલ મિથ્યાભિમાની નથી. તેમને સંત તરીકે ઓળખાવાની પરવા કે પ્રયત્ન સુદ્ધા નથી. તેઓ વક્તૃત્વમાં કે તરંગ તુક્કાની પ્રકૃતિ નથી ધરાવતા. દેશના ગૌરવની જાળવણી તે જ તેમને મન એક માત્ર પ્રાધાન્ય છે. અમેરિકાની પરિભાષામાં કહીએ તો વલ્લભભાઇ પોલિટિકલ-બોસ છે.

 

ધનિક ભારતીયો, પારસી ઉદ્યોગપતિઓ સરદાર પટેલને નજરમાં રાખીને જ કોંગ્રેસને નોંધપાત્ર ફંડ આપે છે. તેમણે પોતે એક અદના કાર્યકર કરતા પણ અથાગ પરિશ્રમ - પ્રવાસ - લોકસંપર્ક સાથે દેશવાસીઓમાં રાષ્ટ્રીય ખુમારીનું સિંચન કર્યું છે. તેમનો એકમાત્ર ધ્યેય ભારત તાકતવર બનવું જોઇએ તે જ જોઇ શકાય છે. તે માટે એકજૂટ હોવું અનિવાર્ય છે તેમ તેઓ માને છે.

 

આઝાદી પૂર્વેના ભાગલાના ઉચાટ અને દેશનો નકશો જ વિખરાયેલો હોય તેવા વાતાવરણમાં કેન્દ્રના ગૃહ અને માહિતી - પ્રસારણ મંત્રી તેમજ કોંગ્રેસના સર્વોપરિ નેતા વલ્લભભાઇ પટેલ ભારતમાં નેતાની જે ઈમેજ છે તેવા ખંધા રાજકારણી નથી. તેમની આંખો રતાશ પડતી છે. તે સ્પષ્ટવક્તા અને પારદર્શક છે. નિર્ણયમાં અડગ, ધાર્યું કરાવીને રહે. તેમને સમજવા સરળ છે.

 

ગાંધીજી ઉપરાંત જો દેશમાં જે અજંપાભરી પરિસ્થિતિ નિર્માણ પામી હતી તેની સૌથી વધુ પીડા વલ્લભભાઇને છે. દેશના નાગરિકોને એવી પણ શ્રધ્ધા છે કે વલ્લભભાઇ જ આપણને તેમાંથી ઉગારી શકશે.

 

શાળાકિય કારકિર્દીથી જ તેમનામાં ભ્રષ્ટાચાર, અન્યાય કે નાની અમથી અપ્રમાણિકતા સહન નહીં કરવાના ગુણો હતા. શાળાના અભ્યાસકાળ દરમ્યાન એક શિક્ષક જે પેન્સિલ અને કાગળ વેચીને તેમાંથી ખોટી કમાણી કરતા હતા તેમની સામે તેમણે વિદ્યાર્થી નેતા બની વિરોધ ઊઠાવેલો.

 

વલ્લભભાઇ રોજના ૧૬ કલાક મહેનત કરીને લંડનમાં બાર પરીક્ષામાં મોખરે રહ્યા હતા. તે પછી ભારત આવ્યા બાદ તેમણે ક્યારેય ભારત છોડયું જ નથી.

 

ગાંધીજીથી પ્રભાવિત થયા પહેલા ભારતમાં તેમણે વકીલ તરીકેની પ્રેકટિસમાં હત્યારા, ડાકુઓ માટે તેમણે કેસ લડી તગડી કમાણી કરી હતી. તેમની તોછડી જીભથી તેઓ જિલ્લા ન્યાયાધીશને પણ ધમકાવતા હતા. ન્યાયાધીશ એવું ઈચ્છતા કે વલ્લભભાઇ કેસ લડતા હોય તે કોર્ટમાં તેમને ફરજ બજાવવાનું જ ના આવે. ગાંધીજીને સમર્પિત થયા પછી તેઓ માતા જેવા કોમળ હૃદયી બની ગયા હતા જેની ખુદ ગાંધીજીએ નોંધ લીધી હતી.

 

વલ્લભભાઇ પટેલને તેમના ટીકાકારો કે ધિક્કારનારાઓ લોખંડી સરમુખત્યાર કહે  તો તે જાણે તેમને કોઇ ખિતાબ મળ્યો હોય એટલી ખુશી અનુભવે છે. તેમના મિત્રો અને દુશ્મનો વલ્લભાઇ વકીલ હતા ત્યારે કઇ હદે અમાનવીય, તુમાખીભર્યા અને તામસી આદતો ધરાવતા હતા તેના અવનવા પ્રસંગો વહેતા કરે છે.

 

જેમ કે તેમના બીમાર પત્નીને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરીને તેઓ કેસ લડવા અમદાવાદ પરત આવ્યા. કોર્ટમાં તેઓ તેના અસીલ માટે દલીલ કરી રહ્યા હતા ત્યારે જ કોઇએ તેમના હાથમાં તાર (ટેલિગ્રામ) મૂક્યો કે તેમના પત્નીનું નિધન થયું છે. વલ્લભભાઇએ તેને ક્ષણિક વાંચીને ખિસ્સામાં મૂકી દીધો અને અગાઉ જેવી જ સ્વસ્થતા ધારણ કરીને દલીલ કરવા માંડયા હતા. જાણે કંઇ બન્યું જ ના હોય.

 

૧૯૧૫માં પટેલ અમદાવાદની ગુજરાત ક્લબમાં બ્રીજ રમતા હતા ત્યારે તેમના પર બ્રિટિશ વેશ પરિધાન અને ખાણી-પીણીનો પ્રભાવ હતો. ધીકતી પ્રેકટિસ હોઇ કમાણી પણ હતી જ. બ્રીજ રમતા હતા તે દરમ્યાન ગાંધીજી કોઇ કામ અર્થે આવ્યા હતા. ગાંધીજી હજુ તાજેતરમાં આફ્રિકામાં રંગભેદનું આદોલન પાર પાડી હવે ભારત સ્થાયી થવા આવ્યા હતા. ગાંધીજી ભારતમાં ઠીક ઠીક જાણીતા થઇ ગયા હતા.

 

૧૯૨૭માં પટેલ ગુજરાતના બીનસત્તાવાર પાટનગર અમદાવાદના મેયર બન્યા ત્યારે ગુજરાતમાં પૂરની આપત્તિ વેળા તેમણે જે રીતે કાર્ય કર્યું તેમની સૂઝ, દ્રષ્ટિ, આયોજન અને નેતા તરીકેની પ્રતિભાની દેશ આખો નોંધ લે તેવો પરિચય થયો. વાહન પરિવહન, સંદેશાવ્યવહાર અને અનાજથી માંડી જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓનું વિતરણ શક્ય જ ના બને તે હદની ઠપ્પ સ્થિતિ સર્જાઇ ચૂકી હતી.

 

ભારતના નાગરિકો તો આવા સંજોગોમાં આ તો કુદરતનો પરચો છે તેમ આશ્વાસન લઇને વિવશતા સાથે હાથ જોડી લેતા હોય છે. બ્રિટિશરોની થોડી ઘણી મદદ મોડી અને અપૂરતી રહેતી.

 

વલ્લભભાઇએ ક્યારેય કોઇએ અગાઉ જે પધ્ધતિ અંગે વિચાર્યું જ ન હતું તેમ નાગરિકોને, ઉદ્યોગપતિઓને ફંડ માટે અપીલ કરી. પટેલમાં નાગરિકોને એ હદે પ્રેરક શ્રધ્ધા હતી કે સેંકડો સ્વયંસેવકોની ફોજ તેમણે તૈયાર કરી. રાજ્ય અને રાજ્ય બહારના ગામોમાંથી સ્વયંસેવકોએ ઘૂંટણ સુધી પાણી ફરી વળ્યા હતા તો પણ કિટનું વિતરણ પાર પાડયું. કેન્દ્ર કે રાજ્ય સરકારની પણ આર્થિક કે સ્ટાફની રાહ જોયા વગર તેઓએ તેમની ટીમ બનાવી પૂરનાં પાણી પરથી એક બાજુથી બીજી બાજુ જવા માટેના લાકડાના તરાપા કે રસ્તા પર આવી પડેલા રહિસો માટે કામચલાઉ ઘર, કેમ્પ ખડા કર્યા.

 

તેઓ પોતે સતત ઉજાગરા કરીને પ્રેરણા આપતા. પૂરના પ્રવાહમાં ચાલીને લોકસંપર્ક કરી હૈયાધારણ અને હિંમત આપતા હતા. મુંબઇ પ્રોવિન્સિયલની મદદ આવી ત્યારે તો પટેલે પૂર દરમ્યાનનું અને તે પછીનું પુનઃસ્થાપનનું કાર્ય પાર પાડી દીધું હતું. દેશભરમાં કઇ રીતે આપત્તિ નિવારણ થઇ શકે તેનું પટેલે ઉદાહરણ પૂરૂં પાડયું.

 

બારડોલી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી  પાક નિષ્ફળ રહેતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ હતી. બ્રિટિશરો કોરડો વીંઝતા હોય તેમ ખેડૂતો પર દમન કરતા પચ્ચીસ ટકા જેટલો વેરો વધાર્યો.

 

ગાંધીજીએ મનોમન યોજના બનાવી કે બ્રિટિશરો સામે આઝાદીનું અહિંસક આંદોલન છેડવું હોય તો અસહકાર અને સત્યાગ્રહનું મોજું ઊભું કરવાનો પ્રયોગ બારડોલીથી કરવા જેવો છે. ગાંધીજીની નજર નેતાગીરી સોંપવા માટે વલ્લભભાઇ પટેલ પર પડી.

 

સાવ સીધી સાદી ધોતી અને ખમીસ પહેરીને વલ્લભભાઇ પટેલ ગામડે ગામડે ફર્યા. ખેતમજૂરો જોડે બેસીને ઉપવાસ પર ઉતર્યા. કોઇપણ હિસાબે અંગ્રેજોને વેરો ના ભરશો તેમ જોમ પૂરૂં પાડયું. અંગ્રેજો અમારી જમીન જપ્ત કરી લેશે તો તેવી ધમકીથી ડરી ગયેલા ખેડૂતોને પટેલે મર્દ બનવા જણાવ્યું અને કહ્યું કે અંગ્રેજો તમારી જમીન થોડા ઈંગ્લેન્ડમાં લઇ જશે ?

 

ગામેગામ ફરીને દેશને સંગઠીત અને સ્વતંત્ર બનાવવા તેમના ભાષણમાં એવું તેજાબી વિધાન કરતા કે પ્રત્યેક ઘર કોંગ્રેસની ઓફિસ હોવી જોઇએ અને પ્રત્યેક વ્યક્તિનો આત્મા કોંગ્રેસનું હાર્દ હોવો જોઇએ.

 

વલ્લભભાઇ પટેલે એવા આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા કે દૂધ, શાકભાજી, ફળો અને અનાજના વેપારીઓ તેમજ ખેડૂતોએ કલેકટરો, બ્રિટિશ અધિકારીઓને અનાજ  અને અન્ય ખાદ્યસામગ્રી જ વેચવાની બંધ કરી દીધી. બારડોલીના સત્યાગ્રહ અને અસહકારના આંદોલનમાં ખેડૂતોની વલ્લભભાઇની નેતાગીરી હેઠળ જીત થઇ. બ્રિટિશરોએ ૨૫ની જગ્યાએ ૬.૨૫ ટકા વેરો લેવાની સમજૂતિ કરવી પડી. વલ્લભભાઇની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ. ધારાશાસ્ત્રી કે. એફ. નરીમાને વલ્લભભાઇ પટેલને 'સરદાર'નું બિરૂદ આપ્યું હતું.

 

(આ પછી કંઇક એવી ઘટના બની કે વલ્લભભાઇએ નરીમાનની મુંબઇના રાજકારણ ફલક પરથી  હકાલપટ્ટી કરી નાંખી હતી.)

 

બારડોલી સત્યાગ્રહની સફળતા પછી કોંગ્રેસમાં વલ્લભભાઇ પટેલનું મહત્ત્વ અને દબદબો એ  રીતે વધતો રહ્યો કે પ્રાંતિય ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી પણ અત્યાર સુધી તેઓ જ નક્કી કરે છે. કોંગ્રેસના બંધારણ, નિયમો ેતે જ ઘડે છે. ગાંધીજીના અનુયાયી જેવા જ પોશાક, આહાર-વિહારના નિયમો પાળે છે.

 

તાજેતરમાં જ વલ્લભભાઈએ મુંબઈના કોંગ્રેસ મંત્રાલય તેમજ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ એસોસિએશનને ઘોડાની રેસ માટે જમીન ફાળવવા બાબતનો વાટાઘાટોનો દોર સંભાળ્યો હતો. તેમણે ક્યારેય ઘોડાની રેસ જોઈ જ નહોતી. પણ તેઓ એટલું પામી ગયા હતા કે આ હોર્સ રેસ ટ્રેક બનવાથી તેને જોવા આવનારાઓને લીધે ટ્રાફિક ખૂબ જ વધી જશે. આ બધા માલેતૂજારો છે તે જોતા તેમણે પાંચ લાખ રૂપિયાની પ્રસ્તાવિત લાયસન્સ ફીની જગાએ સીધી જ ૩૦ લાખની ફી માંગી. એસોસિએશન તે આપવા તૈયાર થયું.

 

કોંગ્રેસ પાર્ટીનું લાખો રૂપિયાનું ફંડ તેઓ મેળવીને વહીવટ કરતા પણ તેમને અંગત જીવનમાં પૈસાની લેશમાત્ર માયા નથી. તેમની નાની બહેન મણીબેન સાથે વલ્લભભાઈ મુંબઈમાં તેના પુત્ર ડાહ્યાભાઈના મકાનમાં એક નાના ઓરડામાં રહે છે. તે મીતાહારી છે. ધૂમ્રપાનનું વ્યસન ત્યજી દીધું છે. મદ્યપાનનું સેવન નથી કરતા.


છેલ્લા કેટલાક વર્ષોથી તેમને પેટની ગંભીર બીમારી જણાય છે. રોજ સવારે ૪.૩૦ વાગે ઊઠીને તે નિયમિત થોડું ચાલે છે. તેમના પૌત્ર-પૌત્રી સાથે બોલથી રમે તે જ તેમનું મનોરંજન છે. તેમણે ક્યારેય કોઈ ચલચિત્ર જોયું નથી. ભારત દેશ સીવાય તે વિશ્વના અન્ય દેશો વિશે જાણવાની ઈચ્છા જ નથી ધરાવતા. તેમની પાસે ૩૦૦ જેટલા પુસ્તકો છે. તમામ ભારત પરના, ભારતના લેખકોના છે.

 

વલ્લભભાઈના સૌથી નજીકના મિત્ર ઘનશ્યામદાસ બિરલા છે. સુતરાઉ અને શણના ઉદ્યોગપતિ હોવા છતાં તેમણે ખાદી પહેરીને તેની જ મીલનો બહિષ્કાર કર્યો હતો. ભારતમાં ઔદ્યોગિકરણના હિમાયતી હતા પણ તેમની મિત્રતામાં વલ્લભભાઈએ ક્યારેય તેની તરફદારી નથી કરી. સામ્યવાદીઓ પટેલ-બિરલાની દોસ્તી પર શંકા કરીને કંઈક લેતીદેતી થતી હોય તેવો પ્રચાર પણ કરતા. બિરલા આરોપનું ખંડન કરતા કહે છે કે ''મારી પાસે જોઈએ એટલા રૂપિયા છે. હું  શા માટે કોંગ્રેસની કે સરદારની કૃપા મેળવું.''

 

વલ્લભભાઈ તેમની ૭૧ વર્ષની વયે પથારીવશ થયા. આ વખતે પણ તેઓ સતત ભારતના ભાવિ અંગે જ ચિંતા કરતા રહ્યા. તેમના મતે ભારતમાં બધા જેને અજંપો અને અંધાધૂંધી કહે છે તે ખરેખર એક એવી કોયડા ઉકેલની રમત છે (પઝલ) જેમાં કૂનેહ અને ચતુરાઈથી બધુ એકજૂટ થાય તેમ ગોઠવવાનું છે.

 

બ્રિટન દ્વારા નિયુક્ત અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઈન્ડિયા આર્થર હેન્ડરસને બ્રિટનના અમલદારોની સેવા પરત ખેંચી ત્યારે વલ્લભભાઈ પટેલે ઈન્ડિયન સિવિલ અને પોલીસ સર્વિસમાં ૮૫૦ જેટલા અધિકારીઓની ભરતી ક્રિયા હાથ ધરી. ભારતમાં સિવિલ અને પોલીસ સર્વિસના પ્રણેતા વલ્લભભાઈ પટેલ છે. હેન્ડરસને આ અગાઉ નહેરૂને બે વખત મીટિંગમાં ભારતનું વહીવટી માળખુ ગોઠવવા આમંત્રણ આપ્યું હતું પણ આખરે વલ્લભભાઈ જ વહારે આવ્યા હતા.

 

વલ્લભભાઈની તબિયત સારી તો નથી જ. નહેરૂ અને વલ્લભભાઈના વિચારોમાં મતભેદ તો છે જ પણ બંનેની ગાંધીજી પ્રત્યેની નિષ્ઠા અને આદર તેઓને જોડી રાખે છે. વલ્લભભાઈ પથારીમાં હોય અને નહેરૂ જોડે બેસીને ભારતના ભાવિની જ ચિંતા થતી રહેતી. વિષયમાં મુખ્ય બે પડકારો રહેતા મુસ્લીમ અને માર્કસિસ્ટો.

 

ઝીણા પણ અલગ પાકિસ્તાનની માંગ બાદ વલ્લભભાઈએ જે કૂનેહથી પાકિસ્તાન માટેની માંગણી પાર પાડી હતી તે પછી વિટંબણાની સ્થિતિ અનુભવે છે. લંડન કોન્ફરન્સમાં ભાગ લઈને પરત આવ્યા બાદ તે હવે ખાસ્સા થાકેલા જણાય છે. વલ્લભભાઈએ ઝીણાને સ્પષ્ટ જણાવી દીધું છે કે આવતા અઠવાડિયે ભારતીય બંધારણ સભાની મીટિંગમાં ભાગ લેવો છે કે નહીં તે નક્કી કરો. વલ્લભભાઈને આવનારા દિવસોમાં ભાગલા વખતે જે સંજોગો નિર્માણ પામવાના છે તેમનો અંદાજ આવી ગયો છે.

 

પોલીસ વિભાગ અને હિંદુ બહુમતિ એ બંને પરિબળોની પ્રતિક્રિયા પણ તેઓ જાણતા હતા. એક તરફ કોમવાદી વાતાવરણ ભયંકર અણસાર આપતા ડહોળાયું છે તો બીજી તરફ દુકાળ અને સામ્યવાદીઓ અને તેમના યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળે વલ્લભભાઈ સામે પડકારો વધાર્યા છે.

 

દક્ષિણ ભારતમાં રેલ વ્યવહાર ઠપ્પ છે તો પોસ્ટ વિભાગ ૨૫ દિવસની હડતાળ પર છે. કરાચી બંદરથી કામદારો પણ હડતાળ પર જતા રહેતા ભારતના ગામોમાં ચોખાનો પૂરવઠો જ નથી પહોંચ્યો. નવી દિલ્હીમાં શિક્ષકોની હડતાળ હોઈ એક લાખ બાળકો શાળાએ જ નથી જતા. જમીન માલિકો અને ખેતમજૂરો પણ સામસામે આવી જતા ભારે સંકટની વેળા છે.

 

આવી હડતાળો જારી રહેતા પોલીસે સામ્યવાદીઓની દિલ્હી, મુંબઈ, કલકત્તા, લખનૌ અને સાત શહેરોની કચેરી પર એકસામટા દરોડા પાડયા. તમામ ફાઈલો, ફંડ જપ્ત થયું. સામ્યવાદીઓએ આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલનો દોરીસંચાર છે તેવો આરોપ મૂક્યો છે. ખરેખર બ્રિટિશરો દ્વારા દરોડા પડાયા છે કે પટેલના હૂકમથી તે રહસ્ય જ રહ્યું.

 

કોમ્યુનિસ્ટોની આવી પકડ છતાં કોંગ્રેસનો ડાબેરી વિચારસરણી ધરાવતો એક સામ્યવાદી જેવો વર્ગ પણ છે. લગભગ ચાર લાખ ઔદ્યોગિક કામદારોમાં એક લાખ સમાજવાદી જૂથ ધરાવતા નેતા ૪૪ વર્ષીય જયપ્રકાશ નારાયણ પણ પ્રભાવ જમાવી રહ્યા છે.

 

જયપ્રકાશ નારાયણ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, વિસ્કોન્સીન, લોવા અને ઓહાયો સ્ટેટમાં અભ્યાસ કરીને આવ્યા છે. તેઓ ત્યાં કોમ્યુનિસ્ટ હતા પણ ભારત પરત આવી સમાજવાદી નેતા બની ગયા છે. તેમના પત્ની જો કે જાહેરમાં કહેતા કે ઘરમાં હું જયપ્રકાશને વફાદાર ભલે હોઉં પણ રાજકીય વિચારોમાં ગાંધીજીનો આદર કરૂં છું.

 

ભારતે કયો માર્ગ અપનાવવો? ભાગલા, રજવાડાનું વિલિનિકરણ, સામ્યવાદીઓ, જયપ્રકાશ જેવા નેતાઓનું વધતું બળ અને કદ, ખેડૂતો, કામદારોનો રોષ, હડતાળ, મોંઘવારી જેવા પડકારો અને ભારે વિસ્ફોટક કોમી તંગદિલી વચ્ચે ગાંધીજી ઇચ્છે છે તેમ અરસપરસ પ્રેમનો કોલ અને ભજનોનો પ્રચાર કરવો?

 

પટેલની મનોસ્થિતિની કલ્પના કરો. ગાંધીજીનો અનાદર પણ ના લાગે છતાં કળ અને બળથી ભારતનું નિર્માણ કરવાનું હતું. તેમણે કોમી પ્રશ્ને સમાધાન કર્યું છે. તેમણે જમણેરી વિચારધારા અપનાવવા સાથે કામદારોનું હિત પણ જોયું છે. જરૂર પડયે પોલીસ દળનો પણ ઉપયોગ કર્યો છે. આવા અમલીકરણ દરમ્યાન બ્રિટિશ કેબિનેટ મિશને તેમને પડકાર્યા હતા કે તમે બ્રિટિશ રાજના કાયદાઓની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો.

 

તમને જેલમાં પૂરી શકાય તેમ છે. વલ્લભભાઈએ તરત જ બ્રિટિશ ઓફિસરોને પરખાવી દીધું હતું કે ''જેલમાં જવા માટેની મારી બેગ તૈયાર જ છે.'' તે આ આખી રમત સમજે છે. તે આ જ રીતે રમાવાની શૈલી ધરાવે છે. તેઓ સત્તા પર હોય કે ના હોય તેમની જ બાજી અને તેમની જ જીત હોય તેમ દેશના હિતમાં રમત બિછાવે છે.

 

ગરીબ અને શોષિત કામદારોના આ દેશમાં લાંબો સમય કડક અને દમનકારી કાયદાઓનો અમલ શક્ય ના બને. આગળ જતા તે બંડમાં પરિવર્તિત થાય. અડધુ મુંબઈ અને કલકત્તા ફૂટપાથ પર સુતુ હોય છે તેવું ભારત છે.

 

ભાગલા વખતે અને નવા ભારતમાં કોમી તનાવ પર કાબુ કેમ મેળવવો તે હવે માથા પર આપત્તિના શિંગડા ભરાઈ રહ્યા હોય તેમ કફોડી સ્થિતિને જન્મ આપી ચૂક્યા છે. અંધાધૂંધી નજર સામે દેખાય છે. વલ્લભભાઈ તેની પોતાની રીતે જ ભારતનું નવ નિર્માણ કરશે. 'ધ બોસ'એ ભૂતકાળમાં પણ તેમની બાહોશીનું ચમત્કારી પ્રદર્શન કરી બતાવ્યું જ છે.'



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvitAhDksZZMkB2hz8M7%2BiNt_ccGR3aVs1T4m7zVLBVig%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment