ચંદ્રકાંત બક્ષીના 'બક્ષીસ્થ' થયાના સમાચાર પછીની ૧૫-મી મિનિટે આ લેખ લખવા બેઠો છું. હજી હું રિવાને મળવા પણ ગયો નથી. રિવા-એમની દીકરી. આટલી ઉતાવળથી શોકાંજલિ લખવાનું કારણ એ જ કે, અમારા તમામે તમામ લેખકો-પત્રકારો બક્ષી ગૂજરી જવાના ગમમાં પોતે કેટલા ગીન થઈ ગયા છે, એની તમને આ લેખ ઠેઠ બુધવારે છપાશે, ત્યાં સુધીમાં ખબર પડી જશે. અફ કોર્સ, એમાં તમને જાણકારી બક્ષીબાબુ કરતા એમના વિશે વઘુ મળશે. આજે ૨૫મી માર્ચ છે. શનિવાર અને વાગ્યા છે બપોરના દોઢ અને આ તમે વાંચતા હશો ત્યાં સુધીમાં તમે અનેક ભાવિ દિવંગત પત્રકારો-સાહિત્યકારોની આત્મકથાના ટુકડાઓ વાંચી ચૂક્યા હશો, જેમાં બક્ષીબાબુનું નામ લઈને પોતાના માટે એ કારણે કહી દેશે કે, એમનો વખત આવે ત્યારે ઘણા શોકસભાના વક્તાઓ ભૂલી ન જાય...! એ તો તમે એકાદી શોકસભામાં જશો એટલે ખબર પડશે કે, આ બોલનાર પાસે એના પોતાના વિશે કેટલી વિપુલ જાણકારી છે... આ તો સારૂં થયું કે, બક્ષી વિશે પણ તેઓ થોડું થોડું જાણતા હતા...! તમે શું શું વાંચવાના છો, એની ઝલક બિલકુલ 'બક્ષી-બ્રાંડ' 'ફાયર-બ્રાંડ' અંદાજથી એટલા માટે લખવી પડી છે કે, આ લોકોના શોકસંદેશાઓ વાંચીને ઘડીભર તમે ચક્કરમાં પડી ન જાઓ કે, ''.....ખરેખર બક્ષી ગૂજરી ગયા છે, કે આ લોકો....?'' ઘણાંના શોકસંદેશા વાંચીને કે શોકસભા વખતે એમને સાંભળીને ગુસ્સો ઠેઠ ગળા સુધી આવી જશે કે, ''...બક્ષી ખોટા ગયા.... જવાની જરૂરત આ લોકોને હતી.''
શોકસભામાં જવાને હજી કલાકની વાર છે, પણ ત્યાં શું થવાનું છે, તેનો તાગ અત્યારે મેળવી શકાય એમ છે.
ધોળાઝબ્બા-લેંઘાઓ ફાટેલી ચપ્પલો સાથે સ્મશાનમાં ભેગા થશે. બધા બબ્બે-ચાર ચારની ટુકડીઓ પાડીને એક પગ આગળ લંબાવીને અદબ વાળીને ઊભા હશે. એમાંનો પહેલો પહેલું વાક્ય આ બોલશે, ''ખરૂં થયું સાલું...'' (એને ટણપાને ખબર નથી કે, આ ખરૂં નથી થયું... ખોટું થયું છે...!) બક્ષી જેવો બક્ષી બસ... આમ જ જતો રહે... સાલું માનવામાં નથી આવતું...!''
અહીં બીજાં ઝભ્ભાને તો પહેલેથી માનવામાં આવી ગયું હોય એવી રીતે વાળેલી અદબ છોડીને કહેશે, ''મને તો ખબર જ નહિં.... હું ને તમારા ભાભી હજી તો ડ્રોઈંગ-રૂમના ફર્નિચરને ખીલ્લી મારતા હતા, ત્યાં જ અચાનક રણછોડભઇનો ફોન આયો કે, 'ખબર પડી...?' બક્ષીબાબુ ગયા....!'
મેં કીઘું, ''હૈં....??'' હથોડી હાથમાં જ રહી ગઈ ને મેં કીઘું, ''ના હોય...? બક્ષી ગયા....?''
આવા સિલી સવાલો પૂછીને આ લોકો સાબિત શું કરવા માંગતા હશે, એની એમને પોતાને ખબર હોય છે, આપણને નહિ. પાછું એમના તો માનવામાં ય ન આવે. એક આખેઆખો માણસ ચાલ્યો જાય છે, એની ખાત્રી કરાવવા આપણી પાસે બીજું તો શું હાથવગું હોય ? ગાન્ડા તો ઠેઠ સ્મશાનમાં આવીને કાઢતા હોય છે કે, સામે ચિતાની જ્વાળાઓ દેખાતી હોય છતાં ય, બીજું કાંઈ બોલતાં ન આવડે, એટલે આવું બોલી નાંખવાનું, ''...મને તો સાલું હજી માનવામાં નથી આવતું...!''
..તો જા ભ'ઈ..... ભડકામાં એકવાર આંગળી અડાડી આય એટલે કાચી સેકન્ડમાં માનવામાં આવી જશે કે, અહીંયા રીહર્સલો નથી રાખ્યા... જનાર વ્યક્તિ સાચેસાચ ગઈ છે....!
અહીં આ રણછોડનું પાત્ર બહુ મહત્વનું છે. બક્ષી જેવી કોઈ સેલિબ્રિટીનું અવસાન થાય એટલે આવા રણછોડો ભારે ઝનૂનોમાં આવી જાય છે, પાત્ર જવાને કારણે નહિ... પણ પહેલી ખબર એમણે પોતે આપી છે, એ સિઘ્ધિ વટાવવાનો એમનો ઉત્સાહ જાણીતો હોય છે. અલબત્ત, અમારા સાહિત્યકારો આવા રણછોડોને એમને જોઈતી ક્રેડિટ પણ આપે જ છે. શોકસભા વખતે એમના પ્રવચનની શરૂઆતમાં જ એ રણછોડનો ઉલ્લેખ કરશે, ''હું તો હજી ઓફિસમાં દાખલ જ થયો ને ત્યાં જ રણછોડભાઈનો ફોન આવ્યો કે, ''બક્ષીબાબુ ગયા.....!''
આમાં રણછોડનું કામ પતી ગયું. એ ખુશ. એ ભૂખ્યાને અનાજનો આટલો જ દાણો જોઈતો હોય કે, આપણું નામ બોલાવવું જોઈએ. અહીં ત્રીજો ઝભ્ભો અત્યાર સુધી શાંત ઊભો હતો, એ એન્ટ્રી મારશે, ''મારે અને બક્ષીને ઠેઠ ૫૬ની સાલથી સંબંધ. ઘણીવાર કોઈ નવલકથા લખતા લખતા એ મૂંઝાય, તો ઘેર આવે, ''રણછોડબાબુ... આગલા પ્રકરણ માટે બક્ષી મૂંઝાયા છે...શું કરવું?'' ...મેં કીઘું, ''સહિતાને ભગુ સાથે છેલ્લા પ્રકરણમાં પરણાવી દો...'' અને આમ મારી અને બક્ષી વચ્ચેનો સંબંધ શરૂ થયો.''
હાળા રણછોડ.... બક્ષીબાબુનું કામ જાતે મૂંઝાવાનું હતું જ નહિ. એમના લીધે ઘણાં મૂંઝાયા હશે અને પોતાના લીધે મૂંઝાયેલાઓ પણ એમની સલાહ લેવા જતા...ને તું શેનો મેદાન મારી જવા હાલી નીકળ્યો છે....!
પણ એવા જ બીજાં રણછોડો પહેલા કરતા ય ચઢે એવા હોય છે. એમને ખબર પડી ગઈ હોય અને આપણે ખબર આપવા ફોન કરીએ તો બે વાત નક્કી બને. એક તો, એમને તો કેમ જાણે આ સમાચારની વર્ષોથી ખબર હોય, એવી ઠાવકાઈથી જવાબ આપે. ''હા... મારી ઉપર તરત જ રિવાનો ફોન આવ્યો કે પપ્પાને કાંઈ થઈ ગયું છે...!''
અને બીજું, બક્ષી જેવી હસ્તિના નિધનના સમાચાર એમને પાછા કોઈ ઓર્ડિનરી માણસે ન આપ્યા હોય, કોઈ મોટા માથાએ જ આપ્યા હોય. ''હા. મને ખબર મળ્યા કે બક્ષી ગયા. હું મારી ગાડીમાં હજી સીજી રોડ પહોંચ્યો જ હતો ત્યાં ગાંધીનગરથી નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો કે, ''રણછોડભાઈ... ખબર પડી ને કે, આપણા બક્ષીબાબુ ગયા...!''
ઘડીભર તો આપણા ગળામાં થૂંક અટકી જાય કે, આપણે ખોટી ઉતાવળ કરી નાંખી... આવા અવસાનોના સમાચારો આમને નરેન્દ્ર મોદી જેવી હસ્તિઓ આપતી હોય તો ભવિષ્યમાં ન કરે નારાયણ ને કાલ ઉઠીને ખુદ આપણે ટપકી પડ્યા અને એ વખતે નરેન્દ્રભ'ઈ ગાંધીનગરમાં નહિ હોય તો રણછોડીયાને આપણા સમાચાર કોણ આલશે ?
બક્ષીબાબુની શોકસભાઓ તો થવાની અને યાદ રાખજો. આપણે ત્યાં એવા એવા નમ્ર સાહિત્યકારો/પત્રકારો છે કે, શોકસભા બક્ષીની હોવા છતાં વચમાં જગ્યા પડે, તો બે લાઈન બક્ષી વિશે પણ બોલશે. બાકી તો, બક્ષીના ઘડતરમાં એમનો કેટલો ફાળો હતો અથવા બક્ષીએ જીવનભર આ વિદ્વાનને કેટલું મહત્વ આપ્યું હતું, એની તારીફ બક્ષીના નામે થશે. સહુ કોઈ જાણે છે કે બક્ષી 'ફાયર-બ્રાન્ડ' લેખક/પત્રકાર હતા અને છતાં વખત આવે પોતે પણ બક્ષીને કેવા સીધા કરી નાંખ્યા હતા, એની ફિશિયારીઓ તમને આવનારી શોકસભાઓમાં કે લેખોમાં અચૂક સાંભળવા/વાંચવા મળશે. આ મહાન શ્રઘ્ધાંજલિકારોને એ ખબર નથી કે, બક્ષીને સીધા કરી શકે, એવા તો આ જગતમાં એક જ માણસ હતા.... સ્વયં બક્ષી.
શ્રઘ્ધાંજલિ એને કહેવાય કે, મૃત્યુ પામનાર એ મહાન વ્યક્તિ વિશે, એમના સર્જનો વિશે કે એમની પ્રકૃતિ વિશે તમે કાંઈક એવું બોલો, જેથી મૃત્યુની અદબ જળવાય, ને સાથે સાથે શ્રઘ્ધાંજલિ આપનારે એ ખ્યાલ પણ રાખવાનો છે કે, હાલ પૂરતું બક્ષીબાબુનું અવસાન થયું છે, તારૂં નહિ. તારૂં થાય ત્યારે જેટલું તારા વિશે બોલવું હોય એટલું બોલજે. કોઈ નહિ રોકે. આમાં તો પોતે ઉકલી ગયો હોય ને બક્ષી ઓડિયન્સમાં બેઠા હોય, એવા અંદાજથી એ શ્રઘ્ધાંજલિ આપતો હોય. બોલનારાઓ ખૂબ જાણતા હોય છે કે માંડ સ્ટેજ મળ્યું છે, એનો ઉપયોગ કરી જ લો. ફિર યે સમા મિલે ન મિલે. કારણ કે, બક્ષી જેવા માણસો જીવનમાં ફક્ત એક જ વાર ગૂજરી જતા હોય છે, એટલે સદગતની વાતો કરવામાં બોલનાર પોતે કેટલો શબ્દ-સમૃઘ્ધ છે અને શોકસભામાં પણ કેવા નૂતન શબ્દો પ્રયોજીને સભાને આંજી દઈ શકે છે, એ સાબિત કરવાનું છે, સાચી શ્રઘ્ધાંજલિ તો સભામાં નહિ બોલનારા અને માત્ર સાંભળવા આવેલાઓ આપતા હોય છે કે, પક્ષીના પરમ ચાહકો હોવાને કારણે, એમના ગયા પછી એમના વિશે જેટલું વઘુ જાણવા મળે, એ જાણી લેવાની પવિત્ર ભાવના હોય છે. નહિ બોલીને અપાયેલી શ્રઘ્ધાંજલિ કેટલી પૂજનીય હોય છે ? તમારી આંખો કહી આપતી હોય છે કે, તમને કેટલું દુઃખ લાગ્યું છે કે, બક્ષી જેવો સાચા અર્થમાં મહાન સર્જક ગયો. ગુજરાતી ભાષાને જ નહિ, ગુજરાતી પ્રજાને પ્રેમ કરનાર અન્યો પણ હશે પણ ગુજરાતની ગરિમા જાળવી રાખવા સતત પ્રયત્નશીલ તો એકમાત્ર બક્ષીબાબુ જ હતા કે નહિ ? કોઈ એકાદ-બે લેખમાં નહિ, બક્ષીબાબુએ સતત અનેક લેખોમાં ગુજરાતીઓને ગર્વ અપાવ્યું છે, ગુજરાતી ભાષાને સારસ્વત બનાવી છે. ઉપર ગયા પછી બક્ષીને બક્ષીયત પ્રમાણે જ લખવાના અને, ૬૬-કરોડ દેવી-દેવતાઓમાંથી કેટલા ગુજરાતીઓ છે, એનો પણ ચોક્કસ ડેટા ગુજરાતી દેવી-દેવતાઓને લખીને આપશે. ગુજરાતીઓને 'મહાજાતિ' કહેનાર બક્ષીબાબુ એમને મળનાર કોઈપણ પ્રેમીને 'યાર બાદશાહો' કહેતા, એ બતાવે છે કે, એમના અવસાન પછી એમના નામની આગળ 'સ્વર્ગસ્થ' શબ્દ કરતા ''બક્ષીસ્થ'' શબ્દ વઘુ શોભે છે કારણ કે, એમના કોઈપણ ચાહકને પૂછો તો જવાબ મળશે, ''એમના લખાણોએ હંમેશા સ્વર્ગની સફર કરાવી છે.'' એ સ્વયં જીવતું-જાગતું સ્વર્ગ હતા અને આવો સ્વમાની માણસ દેહ છોડ્યા પછી કોઈ બીજાને ત્યાં-ભલે પછી એ ઈશ્વરનું સ્વર્ગ હોય, ત્યાં રહેવા ન જાય.... એમને તો સ્વયં-પ્રસ્થાપિત પોતાના સ્વર્ગમાં જ રહેવું ફાવે. સ્વર્ગના એ સ્વયં યાર-બાદશાહ હતા. 'છાતીના વાળ' અને 'મરદ' શબ્દોના આ માલિકે એવોડ્ર્સ કે ચંદ્રકો ઠૂકરાવીને એના તમામ આયોજકોને ચંદ્રક અને બક્ષી વચ્ચેના તોતિંગ તફાવતની સમજ આપી દીધી હતી.
ૐ શાંતિ ૐ
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ots6KEJZrcQW48HD7VCgsczirodx2pUA_YbN-daNPWs-g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment