દિવાળીના દિવસો છે અને નવું વરસ આંગણે આવીને ઊભું છે. નવા વરસે તમે સંકલ્પ કરવાનો સંકલ્પ કરો કે ન કરો એકાદ વખત મનમાં વિચાર તો ફરકી જ જાય કે થોડો ઘણો પણ જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળપણથી આપણા મનમાં રોપેલો આ વિચાર વોટ્સએપ પર પણ ફરશે એક જોક રૂપે. સંકલ્પ કરું છું કે સંકલ્પ નહીં જ કરું કે પછી ગયા વરસોના સંકલ્પ પૂરા કરવાનો સંકલ્પ કરવો છે વગેરે વગેરે. આપણને ખબર હોય છે કે થોડોક બદલાવ આપણું જીવન બદલી નાખી શકે એમ છે. પણ એ થોડોક બદલાવ શક્ય નથી બનતો તેનો અફસોસ વરસોથી આપણે દર વરસે દિવાળીમાં ફટાકડાની જેમ ફોડીને ધુમાડામાં ઓગાળી દઈએ છીએ. છેલ્લા મહિનાથી સરદારની પ્રતિમા ખરેખરી પોલાદની જેમ ઊભી કરવામાં આવી ત્યારથી તેના અનાવરણ સુધી બધે જ સરદાર વિશે સતત લોકોએ લખ્યું, બોલ્યું. આપણા ચિત્તમાં સતત એ લોખંડી પુરુષ મને કમને કબજો જમાવીને બેઠો છે. તેમને યાદ કરીને નવા વરસના સંકલ્પને નવો ઓપ આપી શકીએ તો સરદારનું બિરુદ પામેલા વલ્લભભાઈ પટેલને સાચો આદર આપ્યો ગણાશે. સરદાર વલ્લભભાઈ પટેલને જેટલી વાર કાશ્મીરનું નામ સાંભળીએ તેટલીવાર યાદ કરવા જ પડે. કારણ કે ૧૯૪૮ની સાલમાં કલકત્તામાં જે શબ્દો ખુમારીથી સરદાર પટેલ બોલ્યા હતા તે આજની પરિસ્થિતિમાં પણ યોગ્ય લાગી શકે છે. ગાંધીજીને અનુસરવા કદાચ આજના જમાનામાં અઘરું લાગી શકે પણ સરદારમાંથી પ્રેરણા લેવી અઘરી નથી. તેમની પ્રતિમાને નમન નહીં કરીએ તો ચાલશે પણ તેમના લોખંડી મનોબળને અપનાવવાનો પ્રયત્ન કરવા જેવો છે. સ્વસ્થ જીવન જીવવા માટે સ્વસ્થ મન અને વિચાર હોવા જરૂરી છે. ઘેટાની જેમ ટોળાંના વિચારોને અનુસરવાથી કશું થઈ શકતું નથી. સૌ પ્રથમ પોતાની જવાબદારી લઈએ તો જ સમાજની જવાબદારી લઈ શકાય છે. સમાજની જવાબદારી એટલે કે ઘેટાંના ટોળાંનું નેતૃત્વ કરવું એ પણ નહીં. સરદાર પત્નીના મૃત્યુના સમાચારની ચિઠ્ઠી ઘડી વાળીને ખિસ્સામાં મૂકીને અધૂરું કામ પૂરું કરી શક્યા કારણ કે તેઓ સ્વસ્થ મન ધરાવતા હતા. તેમણે વિચાર્યું હશે કે બનવા કાળતો બની ગયું પણ અત્યારે કોર્ટનો સમય બગાડીને દરેકનું નુકસાન કરવું યોગ્ય નથી. સ્વસ્થ મન અને વિચાર હતા એટલે જ જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા અનેક રાજ્યોને ભારતમાં જોડી શક્યા. સામ, દામ અને દંડનો ઉપયોગ તેઓ કરી શક્યા કારણ કે દૃઢ સંકલ્પશક્તિ તેમનામાં હતી. વકીલ બનવું હતું તો બન્યા. સ્વરાજ માટે વ્યવસાય છોડવો પડે તો છોડ્યો. પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન ન કરી પત્નીને લગ્નમાં આપેલું સાથે રહેવાનું વચન પણ પાળ્યું. અસ્પૃશ્ય સમાજ માટે, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે અને દેશના હિત માટે કામ કર્યાં. આપણે તો ફક્ત આપણા માટે જ સંકલ્પ કરવાના હોય છે પણ તે ય પૂરા નથી થઈ શકતા કારણ કે દૃઢ ઈચ્છાશક્તિ નથી. એવું નથી કે કોઈ પણ દૃઢ ઈચ્છાશક્તિ નથી ધરાવતું. અનેક સફળ વ્યક્તિઓ પોતાની દૃઢ ઈચ્છાશક્તિથી જ સફળતાની ટોચે પહોંચે છે. સફળતા એટલે સગવડો ખરીદવા માટેના પૈસા નહીં. સફળતા એટલે સત્તા પણ નહીં. સ્વસ્થ તન, મન અને ધન જો તમારી પાસે હોય તો તમે સફળ છો જ. સ્વસ્થ ધન એટલે હરામનો કે કાળાબજારનો ખોટો એકપણ પૈસો નહીં. સ્વસ્થ તન અને મન તમને આનંદમાં રાખશે તો સ્વસ્થ ધન સમાજને આનંદમાં રાખશે. સરદાર આ વાત સમજતા હતા એટલે તેમણે ધીખતી પ્રેક્ટિશ અને મોટા વકીલ થવાની મહેચ્છા પણ ત્યજી તો તેઓ સરદાર બની ઈતિહાસ સર્જી શક્યા. આ વિચાર સરદાર વિશે વાંચતા અને વિચારતા આવ્યો કારણ કે સંકલ્પ કરીને તેને પાળી ન શક્યાનો અફસોસ મને પણ દર દિવાળીએ થાય છે. આ લેખ જાત તપાસમાંથી આવ્યો છે. પ્રાર્થના કરીએ કે આ વરસે સરદારને યાદ કરી સ્વસ્થ તન, મન અને ધન મેળવવાનો સંકલ્પ કરી શકીએ. સરદાર એટલે કે નેતૃત્વને તેમણે ભારતીય ઈતિહાસમાં નવી ગરિમા અર્પી છે. નેતૃત્વ કરવા માટે કેટલીક ખાસ લાક્ષણિકતાઓની જરૂર હોય છે. પ્રેરણાત્મક પુસ્તકો વાંચીને લીડર નથી બની શકાતું. કાં તમે લીડર હો છો કે નથી હોતા. વલ્લભભાઈ પટેલને સરદારના નામથી ઓળખવામાં આવે છે કારણ કે તેમનામાં સરદાર એટલે કે લીડર થવાના ગુણ હતા. તેમણે ક્યારેય કોઈ પ્રેરણાત્મક પુસ્તકો વાંચ્યા નહોતાં, ખુદ પ્રેરણારૂપ જીવન જીવ્યા. એવું પણ નહોતું કે તેમને દરેક બાબત સહેલાઈથી મળી ગઈ હતી. તેમણે જીવનમાં સરદારની ઉપમા ખુમારીથી મેળવી હતી. ગરીબીમાં ઉછરેલા વલ્લભભાઈએ બહુ મોડી ઉંમરે ભણવાનું શરૂ કર્યું અને પૂરું પણ કર્યું. બીજા વકીલો પાસેથી પુસ્તકો લઈને તેઓ વકીલાત ભણ્યા. સાથે કામ કરીને પૈસા બચાવ્યા અને પોતાના પૈસે બેરિસ્ટર થવા ઈંગ્લેડ ગયા. એમનું પણ સપનું હતું સફળ વકીલ બનીને પૈસા કમાવવા. પરિણીત હતા, બે બાળકો થયા બાદ પણ ભણ્યા અને ભણતર પૂરું કર્યું એટલું જ નહીં પોતે જે કામ કરતાં તેમાં તેમની એકાગ્રતા ગજબની હતી. મુંબઈની કોર્ટમાં કેસ લડી રહ્યા હતા અને તેઓ ક્રોસ એક્ઝામિન કરી રહ્યા હતા કે તેમની પત્ની ઝવેરબેનના મૃત્યુના સમાચારની ચિઠ્ઠી આવી તો વાંચીને ખિસ્સામાં મૂકી દીધી અને કોર્ટની કાર્યવાહી પૂરી થયા બાદ જ સમાચાર જાહેર કર્યા. એવું તો નહોતું કે તેમને પત્ની માટે પ્રેમ નહોતો. તેમણે બીજા લગ્ન ન કર્યા અને બાળકોને કુટુંબની મદદથી જાતે ઉછેર્યાં. એવું કહી શકાય કે તેમના પત્નીના મૃત્યુ બાદ તેઓ સંપૂર્ણપણે સામાજિક કામમાં ખૂંપી ગયા હતા. તેમની પાસે ફુરસદ જ નહોતી પોતાની અંગત લાગણીઓને ઉશ્કેરવાની. તેમનું નામ ક્યારેય કોઈ સ્ત્રી સાથે જોડાયું નહીં. એ ખરા અર્થમાં લોખંડી હતા. સરદાર પટેલ વિશે આપણે સહુ ઘણું જાણીએ છીએ. ન જાણતા હોય તો તેમના વિશે અનેક પુસ્તકો લખાયા છે અને ફિલ્મો પણ બની છે. તેમના વિશે જાણવું આજના ઈન્ટરનેટના યુગમાં સરળ છે. અહીં ફક્ત તેમના નેતૃત્વની અને સંકલ્પની વાત કરીશું. સરદાર જ્યારે સ્વાતંત્ર્યની લડાઈમાં ગાંધીજી સાથે જોડાયા ત્યારે એમણે પોતાનું એક સપનું પૂરું કરી લીધું હતું સફળ બેરિસ્ટર બનવાનું. અમદાવાદમાં જ નહીં ગુજરાત અને મુંબઈમાં પણ તેમનું નામ બેરિસ્ટર તરીકે અહોભાવથી લેવાતું હતું. પણ જ્યારે ગાંધીજીએ સ્વરાજમાં જોડાવાની હાકલ કરી અને તેમને લાગ્યું કે અંગ્રેજોની સામે લડવું જરૂરી છે. તો પોતાની ધીખતી પ્રેક્ટિસ છોડી એટલું જ નહીં કોટ,પાટલુન છોડીને ભારતીય પોષાક અપનાવીને તન, મન અને ધનથી સ્વરાજની લડાઈમાં જોડાઈ ગયા. ખેડા સત્યાગ્રહ,બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી જેલમાં હતા તો નાગપુરના સત્યાગ્રહની આગેવાની કરી તેને સફળ બનાવ્યો. ગાંધીજી સરદારના નેતા હતા એવું કહી શકાય. તેમના સરદાર નામને સાર્થક કરતું કામ તો આપણને સ્વતંત્રતા મળ્યા બાદ ભારતને ટુકડાઓમાં વહેંચાઈ જતું બચાવીને એકજૂટ કરવાનું ભગીરથ કામ તેમણે ઘણી કુનેહથી પાર પાડ્યું. (એ જ બાબતનો આજે રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે ખરો પણ સરદારની કુનેહ અને નિષ્ઠા અજોડ હતા.) આપણા પહેલાં ડેપ્યુટી વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર પટેલ ખરા અર્થમાં સરદાર સાબિત થયા હતા. પાકિસ્તાનનો જેના પર કાયમી ડોળો રહ્યો છે તે કાશ્મીરને ભારત સાથે ભેળવી દેવાની કુનેહ સરદારે બતાવી હતી તે ઈતિહાસ ક્યારેય ભૂલી શકાય એમ નથી. ૧૯૪૮ની સાલમાં સરદારે કલકત્તા ખાતે લાખો લોકોની સામે વક્તવ્ય આપતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં દમ હોય તો ખુલ્લી લડાઈ કરે પણ આ રીતે અમારા સિપાહી રોજ મરતા રહે અને પૈસા ખર્ચ થાય તે યોગ્ય નથી. અમે કાશ્મીરની તસુ જમીન પણ આપીશું નહીં. પડોશી દેશ તરીકે તમે મજબૂત બનો, પ્રગતિ કરો તો અમને આનંદ જ થાય છે. અમે રાજીખુશીથી પાકિસ્તાન આપ્યું છે પણ જો તમે અમારી આંખમાં ધૂળ નાખશો તો તે સાખી નહીં લઈએ. વગેરે વગેરે.... જે સ્પષ્ટતાથી સરદાર કાશ્મીર વિશે ભાષણમાં કહી રહ્યા હતા તે યુટ્યુબ પર સાંભળવા જેવું છે. સરદાર જેવું વ્યક્તિત્વ થવું સહેલું નથી તો મુશ્કેલ પણ નથી. બસ ફક્ત જીવનમાં શું કરવું છે અને નથી કરવું તેની સ્પષ્ટતા હોવી જોઈએ. કોઈ પણ જાતનો ડર કે ભય પોતાના સંકલ્પ માટે ન હોવો જોઈએ. ગાંધી અને નહેરુ જેવા વ્યક્તિત્વોની સાથે સરદારનું પોતાનું આગવું વ્યક્તિત્વ હતું. ન તો તે ગાંધી જેવા હતા કે ન તો તે નહેરુ જેવા હતા. ગાંધીજીના કેટલાક વિચારો તેમને ગમતા હતા તો તેને જીવનમાં જરૂર અપનાવ્યા હતા. આપણને મૂલ્યોને જાળવવાનો ભય લાગે છે. તડજોડ કરવા માટે સતત તૈયાર હોઈએ છીએ. પછી તે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે હોય કે નોકરી માટે હોય કે પછી શિક્ષણ માટે હોય. દરેક વસ્તુ આપણે ખરીદવા માગીએ છીએ. એટલે જ ક્યારેય આપણે કોઈ નાનામાં નાનો સંકલ્પ પણ પાળી શકતા નથી. વાચકોને દિવાળીની અને નવા વરસની શુભકામના. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot2sHeAOukZcwAaOcCG8sggFRDJZxJ%2BbXU9eqMbBQTgNw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment