બર્ટ્રાન્ડ રસેલે તેના વિખ્યાત પુસ્તક 'ધી કોંકવેસ્ટ ઓફ હેપિનેસ'માં બાળકોના ઉછેર બાબતમાં વધારે પડતો ઉત્સાહ બતાવનાર મા-બાપને થોડા ટપાર્યા છે. દિવસે દિવસે આપણાં બાળકો માટે આપણે જીવવાનું ચુસ્ત ટાઈમ-ટેબલ તૈયાર કરતા જઈએ છીએ કે તેમને પોતાની ચિંતા કરવાનો જરાય સમય આપણે રહેવા દેતા નથી. તેમને કોઈ વાતની મૂંઝવણ ન થાય, કંટાળો ન આવે, મુશ્કેલી ન પડે તેનું આપણે સતત ધ્યાન રાખીએ છીએ.
રસેલ કહે છે કે દરેક વ્યક્તિને મૂંઝવણ થવી જોઈએ અને પોતાની મૂંઝવણનો સામનો તેણે જાતે જ કરવો જોઈએ. તે લખે છે કે 'જે પેઢી મૂંઝવણ કે કંટાળાનો સામનો કરી શકતી નથી તે પેઢીમાં વહેંતિયાઓ પેદા થાય છે.'
કુદરતમાં બધું તૈયાર નથી હોતું. એક ચોક્કસ ધીમી ગતિથી દરેક વસ્તુ વિકાસ પામે છે. મનુષ્યને પણ પોતાના વિકાસ માટે કુદરતની ગતિ સાથે તાલ મિલાવવો પડે છે. જે બાળકને તૈયાર વસ્તુઓ મળી જાય છે તે કુદરતની ગતિથી અલગ પડી જાય છે. તેનામાં કેટલીક પાયાની ચીજો વિકસતી નથી. ફૂલદાનીમાં રાખેલાં ફૂલો જેવી તેની હાલત થાય છે. વિકાસ પામવાના બદલે તે કરમાવા લાગે છે. ભવિષ્યમાં જીવવા માટે તે અસમર્થ બની જાય છે.
જેમને પોતાની નાની વયમાં મૂંઝવણ થતી નથી, કંટાળો આવતો નથી. એકલતાની અકળામણ થતી નથી, તેઓ તેનો ઉકેલ પણ શોધી શક્તા નથી. તેઓ પરાવલંબી બની જાય છે. ક્યારેય એકલા રહી શકતા નથી, એકલતા સામે ઝઝૂમી શક્તા નથી.
આપણા બાળકોના વિકાસ માટે આપણે વધારે પડતો ઉત્સાહ બતાવીએ છીએ. એ ત્રણ વર્ષનું થાય એ પહેલાં તો આપણે તેના જીવનને, આપણે માની લીધેલી સારી સારી ચીજોથી ભરી દઈએ છીએ, અને તેના ફૂરસદના બાળપણને બાલમંદિરના કકળાટથી ભરી દઈએ છીએ. બાળક ચબરાક બનતું હોય તેમ લાગે છે આપણે ખુશ થઈ જઈએ છીએ અને તરત તેને એકાદ ખર્ચાળ અંગ્રેજી કે ગુજરાતી સ્કૂલમાં દાખલ કરી દઈએ છીએ સ્કૂલના કલાકો પછી પણ તે બરાબર પ્રવૃત્તિમય રહે તેનો આપણે ખ્યાલ રાખીએ છીએ. તેના પોતાના માટે વિચારવાની એક પળ પણ આપણે રહેવા દેતા નથી.
સારા કુટુંબમાં આવી રીતે વર્તવાની એક ફેશન થઈ ગઈ છે. પોતાના પુત્ર કે પુત્રી વિશે તેઓ ગર્વપૂર્વક વાત કરે છે. 'સવારમાં તેને ટયુશનમાં જવાનું હોય છે કે કરાટેના કલાસીસ અને સાંજે સંગીત શીખે છે કે નૃત્યના કલાસીસ એટેન્ડ કરે છે. બેબી કૂકિંગ કલાસીસમાં પણ જાય છે. ટૂંકમાં એક પળ પણ તેને ફુરસદ આપવામાં આવતી નથી.'
ખલીલ જિબ્રાનને અહીં યાદ કરવા જેવા છે. તેમણે લખ્યું છે કે, 'તમારા બાળકો તમારી સોડમાં રહે છે, પરંતુ તે તમારું અંગ નથી. તમે તેમને તમારો પ્રેમ ભલે આપો પરંતુ તમારી કલ્પનાઓ (ખ્યાલો) આપશો નહિ. કારણ કે, તેમને તેમની પોતાની કલ્પનાઓ હોય છે. તમે એમના જેવા પ્રયત્ન કરજો પણ તેમને તમારા જેવા બનાવવાનાં ફાંફા મારશો નહિ. કારણ કે, ગયેલા માર્ગે જીવન પાછું ફરતું નથી અને ભૂતકાળ સાથે જોડાઈ રહેતું નથી.'
અત્યારના ઉત્સાહી માતા-પિતા પોતાના બાળકને પોતાના ચોકઠામાં ઉછેરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સવારથી સાંજ સુધીની એમની પ્રવૃત્તિઓ પર પોતાનું નિયંત્રણ તેમણે મૂકી દીધું હોય છે. શું ખાવું, શું પહેરવું, ક્યારે કઈ રીતે વર્તવું. ફુરસદની પળોનો ઉપયોગ પણ કઈ રીતે કરવો એ વડીલો જ નક્કી કરે છે.
અગાઉ બાળકોની આટલી સાર સંભાળ લેવાતી નહોતી. સવારના પહોરમાં છોકરાઓ રમવા ઉપડી જતા. છોકરીઓ ઘરકામ કરતી, પરંતુ બાકીના સમયમાં શું કરવું તે તેને નક્કી કરવા મળતું. અત્યારે તો કોઈપણ રમત રમવી હોય તો એ પણ વડીલો નક્કી કરી રાખતાં હોય છે. અત્યારે છોકરાઓ વિટામિનયુક્ત ખોરાક લઈ શકે છે, પણ વગડામાં રખડી શક્તા નથી. નિયમિત રીતે જાગે છે અને નિયમિત રીતે ઊંઘી જાય છે. નિયમિત રીતે દિવસ પસાર કરે છે. બાળકોનો ફુરસદનો સમય આજે આપણે છીનવી રહ્યા છીએ. બચપણનો હળવો, બોજા રહિતનો સમય એ માનવીની મોટામાં મોટી મૂડી છે એ સમય એને ફરી ક્યારેય ફરીથી મળી શક્તો નથી. આપણે પ્રેમના અતિરેકમાં એને આંચકી લઈએ છીએ.
બે મિત્રો મળે છે અને બચપણની વાત યાદ કરે છે. 'આ લીમડો આપણે વાવેલો, યાદ છે ને?' બચપણમાં નાનાં નાનાં હાથેથી ખાડો તૈયાર કરીને એક લીમડાનો છોડ તેમણે વાવેલો. વર્ષો વીતી ગયા પછી આજે એ લીમડો લીલોછમ લહેરાય છે. ઉનાળાની ગરમીમાં એનો શીતળ છાંયો આહ્લાદક લાગે છે. કાગડા તેમાં માળો કરે છે. ખિસકોલીઓ કૂદાકૂદ કરે છે. પોપટનાં ટોળાં ક્યારેક આવી ચડે છે. કોઈવાર કોયલ આવી જાય છે તો કોઈવાર બુલબુલ પણ બોલતું સંભળાય છે. લીમડો બંને મિત્રોને બચપણની સુખદ પળોનું સ્મરણ કરાવે છે. જીવનના બોજાને જીરવવાનો આ ઘણો સરસ ઉપાય છે. જેમને બચપણમાં આવું કંઈ કરવાની તક મળી નથી તેઓ એ સુખથી વંચિત રહી જાય છે. બાળક નાનું હોય ત્યારે એના ફુરસદના સમયને આપણી ઈચ્છા મુજબ વાપરવાના બદલે તેને ગમે તે રીતે વાપરવા દો. તેને પોતાને જ એનો રસ્તો શોધવા દો. બાળકને એકાંત આપવાથી એને લાભ થાય છે નુકસાન થતું નથી.
જે માતા પોતાના બાળકને કાંખમાં બેસાડીને વહાલ કર્યા કરે છે તે બાળક મોડું ચાલતાં શીખે છે. નાનકડી ચકલી પણ પોતાના બચ્ચાંને ચાંચ મારીને માળા બહાર કાઢે છે, કારણ કે તે ઊડતાં શીખે. બાળકનો બધો વિકાસ હાથમાં લઈ લેવાથી બાળક પાંગળું બની જાય છે. જેમના જીવનનો પૂરેપૂરો નકશો તૈયાર કરી દીધો હોય છે એવાં બાળકો શિસ્તબદ્ધ રીતે વિકસે છે. મોટાં થઈને અભ્યાસમાં અગ્રક્રમ લાવે છે. સારાં ભાષણો કે સારી વાતો કરી શકે છે.
પરંતુ, પોતાની જાત સાથે એકલા હોય ત્યારે તેઓ મૂંઝાઈ જાય છે. તેમને એકલા રહેતાં આવડતું નથી. એકલા હોવાનો સામનો દરેક માણસે ક્યારેક ને ક્યારેક તો કરવો જ પડે છે. એટલે બચપણથી જ એને એની રીતે વિકસવા દો.
આપણે બધા પૃથ્વીના સંતાનો છીએ અને આપણું જીવન પૃથ્વી પરના સમગ્ર જીવનનો એક ભાગ છે, અને તેમાંથી જ આપણે જીવવા માટે પોષણ મેળવીએ છીએ. એટલે મોટી ઉંમરના માણસ કરતાં બાળક માટે જીવનના પ્રવાહનો સંપર્ક જાળવી રાખવાનું વધારે અગત્યનું હોય છે. સમયનો સામનો કરવા માટે તેમને એકલા છોડી દેવા જોઈએ.
બાળકને થોડી મૂંઝવણ થશે પણ એ થયા વિના તેનો ઉકેલ શોધતા તેમને ક્યારેય આવડશે નહિ. આપણે તેમને એ ક્યારેય શીખવી શકીએ નહિ એટલે ભલે તેમને થોડી મૂંઝવણ થતી. એ મૂંઝવણ અને એકલતાનો સામનો તેમને જ કરવા દો. સમયના ચુસ્ત ચોકઠાંમાં ઉછેરવાના બદલે મુક્તિનો થોડો સમય એની પાસે પણ રહેવા દો જેમાં એ નવી કેડી કંડારી શકે. કારણ કે, ગયેલા માર્ગે જીવન પાછું ફરતું નથી.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot%3Dg2emee5KQxkCFWsgoRF4Buq3rvxngfjFwCmR1KkYiQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment